બજેટ ને બજાર આંચકા આપવા માટે જાણીતાં છે

 

હોલી ગયી રે... આ હોળી-ધુળેટી પસાર થઈ ગઈ છે એટલે એ જ કહેવું પડે, પરંતુ એ ગયા પછી એને અહીં યાદ કરવાનો શું અર્થ? ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કૉન્ગ્રેસના નામની હોળી થઈ ગઈ. આ બન્ને હોળી પસાર થઈ ગયા પછી પણ એને અહીં યાદ કરવાનો અર્થ એ છે કે હવે આ શુક્રવારે બજેટ આવવાનું છે, જેનું હોળી જેવું હોય છે.

 

bse-strock(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)

 એ આવવાનું હોય છે ત્યારે ખૂબ જ ઉત્સુકતા હોય છે, પણ આવે ત્યારે ઘણાને એ ગમે છે, ઘણાને નથી ગમતું, તો વળી ઘણા દિવસો સુધી એનો યાદો-વાતોને વાગોળતા રહે છે, જ્યારે ઘણાને એમાં કોઈ જ રસ પડતો નથી. કેટલાકને થાય છે, બજેટ આવે એનાથી અમને શું? અમારા તો રંગ-હાલ એના એ જ રહેવાના છે, પરંતુ આ બધામાં રોકાણકારો, બચતકારો તેમ જ વેપારી-ઉદ્યોગપતિઓ માટે એનું વિશેષ મહત્વ હોય છે. અલબત્ત, આપણે શૅરબજારની સાદી વાતમાં રોકાણકારોની દૃષ્ટિએ એને સમજવાનો પ્રયાસ કરીએ.

 

બજેટ પહેલાંના ચાર દિવસ

 

બજેટ પહેલાં બજારમાં શું અને શા માટે બની રહ્યું છે એ તો હાલ નજરની સામે છે, હવેના સપ્તાહનો એક-એક દિવસ ઘટનાનો છે, કેમ કે હવે રેલવેબજેટ આવશે, આર્થિક સર્વેક્ષણની જાહેરાત થશે, જેને લીધે દેશની ઇકૉનૉમી કઈ દિશામાં છે એનો કંઈક અંશે ચિતાર મળશે. એમ છતાં બજેટ પહેલાંની આ ઘટનાઓ લોકોને મન ધુળેટી પહેલાંના દિવસોમાં ફૂટતા ફુગ્ગાઓ જેવી ગણાય છે. ખરી બાબત તો ધુળેટીની એટલે કે બજેટની છે. જોકે, આ ઘટનાઓની પણ બજાર પર અસર તો થાય છે, પણ બજેટ જેવી નહીં. બજેટનો રંગ અને રસ સાવ જુદા જ હોય છે.

બજેટ શૅરબજાર માટે બનતું નથી

શૅરબજારના ખેલાડીઓ બજેટ પ્રત્યે વિશેષ સંવેદનશીલ હોય છે, તેથી અહીં એ યાદ રાખવું જરૂરી છે કે બજેટ શૅરબજારને માટે નથી બનતું, પરંતુ શૅરબજારને ધ્યાનમાં રાખે છે ખરું અને શૅરબજાર પણ બજેટને બરાબર ધ્યાનમાં રાખે છે. જોકે, શૅરબજાર બજેટને બે રીતે જુએ-સમજે છે. જેમ શૅરબજારમાં શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મની ફિલસૂફી હોય છે એમ બજેટને શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ એમ બે દૃષ્ટિએ જોવાય છે. શૉર્ટ ટર્મના પ્રતિભાવ તાત્કાલિક હોય છે અને લૉન્ગ ટર્મના પ્રતિભાવ પછીથી આકાર પામે છે. બજેટની જાહેરાતો પર તરત જ રીઍક્શન આવે છે એ મોટા ભાગે સટ્ટાકીય અને ટ્રેડિંગલક્ષી હોય છે, જેથી રોકાણકારોએ બજેટના તાત્કાલિક રીઍક્શન પ્રત્યે વધુ ભાવુક થવું જોઈએ નહીં, કારણ કે આમાં બજેટની જોગવાઈઓની અધૂરી સમજ કે અર્થઘટન હોઈ શકે છે.

 

સેન્ટિમેન્ટ ઇફેક્ટને સમજો

 

બજેટની જે સવાર઼્ગી અસર બજારને થાય છે, એને સેન્ટિમેન્ટ ઇફેક્ટ કહે છે. બજેટની અસર કોઈ ચોક્કસ સેક્ટરને થાય એને સેક્ટર ઇફેક્ટ ગણાય, જ્યારે બજેટની અસર કોઈ ચોક્કસ શૅર પર થાય ત્યારે સ્ક્રિપ-સ્પેસિફિક કહેવાય છે. સેન્ટિમેન્ટની અસર તાત્કાલિક સ્વરૂપની હોઈ શકે અને ટૂંકા કે મધ્યમ ગાળાની પણ હોઈ શકે. જો બજાર સવાર઼્ગી દૃષ્ટિએ પ્રતિકૂળ કે ખરાબ હોય તો આમ બની શકે છે. આવા સમયમાં થોડો વખત બજારથી દૂર થઈ જઈ એને જોયા કરવું બહેતર રહે છે, કેમ કે ભાવો સતત નિરાશાજનક દેખાવ કરી શકે, પણ એ ક્યાંક અટકે ખરા, ત્યારે સારા શૅરો ખરીદવાની તક મળે છે. અલબત્ત, એમ કરવા માટે ત્યારે પણ હિંમત અને ધીરજ જરૂરી બને છે. સેક્ટર પરની અસર બજેટની ચોક્કસ જોગવાઈઓને આધીન રહે છે, દા. ત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને સારા લાભ કે પ્રોત્સાહન મળવાનાં હોય તો એ સેક્ટરમાં તેજી થઈ શકે છે અને ખાસ કરીને એ સેક્ટરની ચોક્કસ સારી કંપનીઓમાં પણ લેવાલી નીકળી શકે છે. કોઈ સેક્ટર પર અવળી અસરના કેસમાં આનાથી ઊલટું બની શકે. સેન્ટિમેન્ટની અસર થોડા સમયમાં દૂર પણ થઈ શકે, જ્યારે સેક્ટરની અસર થોડી લાંબી ચાલી શકે, પણ વળી શૅર પરની અસર મધ્યમ ગાળા માટે રહી શકે. આમ માર્કેટની સેન્ટિમેન્ટ, સેક્ટર અને સ્ક્રિપ-સ્પેસિફિક અસર જુદા-જુદા રંગ બતાવે છે.

 

હવે આર્થિક સુધારાની હોળી થશે?

 

હવે જ્યારે ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં કૉન્ગ્રેસના નામની હોળી થઈ ગઈ છે ત્યારે બજાર પણ હાલપૂરતો તો પોતાનો તેજીના મૂડનો રંગ ગુમાવી રહ્યું છે, કારણ કે હવે બજેટમાં આર્થિક સુધારાનો ભોગ લેવાય એની સંભાવના વધી ગઈ છે. અન્યથા યુપીએની કેન્દ્ર સરકારને આર્થિક સુધારા માટે જોમ મળી ગયું હોત. એને બદલે હવે બજેટ લોકોને રાજી કરવા માટેનું પૉપ્યુલિસ્ટ બનીને આવે તો નવાઈ નહીં, જે ખરા અર્થમાં અર્થતંત્ર પર બોજ અને ચિંતા વધારનારું હોઈ શકે. જોકે, એક રીતે એને લીધે બજાર પર ટૂંકા ગાળા માટે સારી અસર થાય એવું પણ બને. કહેવાય છે કે સરકારે યુપીના ઇલેક્શનને ધ્યાનમાં રાખી બે પ્રકારનાં બજેટ તૈયાર રાખવાની વ્યૂહરચના બનાવી હતી. એક, જો ચૂંટણીનાં પરિણામો પોતાની ફેવરમાં આવે તો અને બીજું ફેવરમાં ન આવે તો. હાલ બીજી સ્થિતિ ઊભી થઈ છે, જેથી સરકાર આર્થિક કરતાં રાજકીય લક્ષ્ય સાથેનાં પગલાં વધુ ભરશે. હવે એણે ૨૦૧૪ની ચૂંટણી માટે વધુ તૈયારી કરવી પડશે એ નક્કી છે. એમ છતાં બજાર અને બજેટ છે ભાઈ, એ બન્ને (સુખદ કે દુખદ) આંચકા આપવા માટે જાણીતાં છે. અલબત્ત, અત્યાર સુધી નાણાપ્રધાન સામે આર્થિક પડકારો ભરપૂર હતા અને હજી છે જ, પરંતુ હવે રાજકીય પડકારો પણ વધુ ઉમેરાઈ ગયા છે. જોકે, શૅરબજાર હવે પછી ઘટી શકે, પરંતુ તૂટી જશે નહીં એમ જાણકારો માને છે તેમ જ વધુ ઊંચે જવું પણ હવેના સંજોગોમાં કઠિન બની ગયું છે. સો વેઇટ ઍન્ડ વૉચ... સેન્ટિમેન્ટ કરતાં પોતાના સેક્ટર અને સ્ક્રિપ્સ પર વધુ ધ્યાન આપવું બહેતર રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK