માર્કેટ-બ્રેડ્થમાં ખાસ્સી મજબૂતી સાથે શૅરબજારમાં સુધારાની હૅટ-ટ્રિક

ક્રૂડની પીછેહઠથી રિફાઇનરી, ટાયર, એવિયેશન શૅરમાં મજબૂતી : સનફાર્મા સાતેક ટકાની તેજીમાં ટૉપ ગેઇનર બન્યો, બ્રોકરેજ હાઉસ જોકે બેરિશ : IT અને ટેક્નો સિવાયના ૧૭ સેક્ટોરલ ઇન્ડાઇસિસ વધ્યા

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

મોદી સરકારનાં ચાર વર્ષ પૂરાં થયાનો જશન ચાલે છે. ગુરુવારે F&Oમાં મે વલણની પતાવટ પણ માથે છે અને ક્રૂડમાં ઝડપી ઘટાડો જોવાયો છે. સરવાળે શૅરબજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનની પકડમાં ૩૫,૨૪૧ નજીક જઈ છેલ્લે ૨૪૧ પૉઇન્ટ નજીકની આગેકૂચમાં ૩૫,૧૬૫ તો નિફ્ટી ૧૦,૭૧૦ આસપાસ જઈ ૮૩ પૉઇન્ટ વધીને ૧૦,૬૮૯ નજીક ગઈ કાલે બંધ આવ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૩ અને નિફ્ટીના ૫૦માંથી ૩૪ શૅર પ્લસ હતા. સનફાર્મા BSE ખાતે સાત ટકા પ્લસ અને નિફ્ટી ખાતે સાડાછ ટકા પ્લસની તેજીમાં ટૉપ ગેઇનર હતો. ૨૫૯ કરોડ રૂપિયાની વન ટાઇમ ટૅક્સ ગેઇનની જોગવાઈથી કંપનીએ ૧૩૧૦ કરોડ રૂપિયાનો ધારણા કરતાં સારો ત્રિમાસિક નફો કર્યો છે. જોકે HSBC, ડ્યુશ બૅન્ક સહિત ૧૩ જેટલાં બ્રોકરેજ હાઉસ આ કાઉન્ટરમાં બેરિશ બન્યાં છે. સેન્સેક્સ નિફટીના પોણા ટકા જેવા સુધારા સાથે મિડ કૅપ અને સ્મૉલ કૅપ બૅન્ચમાર્ક દોઢ-પોણાબે ટકા ઊંચે જતાં માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી હકારાત્મક બની છે. NSE ખાતે નિફટી IT ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની પીછેહઠમાં બે ટકાની નજીક અને TCS અઢી ટકાની નજીક નરમ હતા. રિલાયન્સમાં પરચૂરણ નરમાઈ હતી. લાર્સન દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં બજારની એકંદર ધારણા કરતાં થોડોક સારો ૩૧૬૭ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં હતાં. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૮૪ રૂપિયા નજીક જઈ અંતે અઢી ટકા વધીને ૧૩૭૭ રૂપિયા બંધ હતો. GIC એટલે કે જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનમાં શૅરદીઠ એક બોનસ પાછળ ભાવ પાંચ ટકા વધી ૭૨૭ રૂપિયા બંધ આવ્યો છે. સારા રિઝલ્ટ્સ પાછળ જસ્ટ ડાયલ સળંગ ચોથા દિવસની મજબૂતીમાં તગડા કામકાજ સાથે ૬૨૫ રૂપિયા થઈ છેલ્લે ૨૦ ટકા પ્લસની તેજીમાં ૬૦૯ રૂપિયા બંધ હતો. આ કાઉન્ટર સપ્તાહમાં નીચલા મથાળેથી લગભગ ૨૨૩ રૂપિયા ઊંચકાઈ ચૂક્યું છે.

મનપસંદ બેવરેજિસ ૨૦ ટકાના કડાકામાં


નૉન-આલ્કોહૉલિક બેવરેજિસ બિઝનેસમાં પ્રવૃત્ત મનપસંદ બેવરેજિસમાં ઑડિટર્સ ડેલોઇટના અણધાર્યા રાજીનામાના પગલે શૅર ૪૩૧ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ૨૦ ટકાના ધબડકામાં નીચલી સર્કિટે ૩૪૫ રૂપિયાની વર્ષની બૉટમ બનાવીને ત્યાં જ બંધ હતો. બન્ને બજાર ખાતે કુલ મળીને આશરે ૧.૦૬ લાખ શૅરના કામકાજ હતા. છેલ્લે કુલ મળીને લગભગ ૧૮ લાખ શૅરના સેલર્સ લાઇનમાં હતા. ઑડિટર્સ દ્વારા અપાયેલું રાજીનામું સ્વીકારવાની તેમ જ તેમના સ્થાને હંગામી ઑડિટર્સની નિમણૂક કર્યાની જાણ કરનારી કંપનીએ ડેલોઇટે કેમ રાજીનામું આપ્યું એ વિષે કોઈ જ માહિતી નહીં આપીને કૉર્પોરેટ ગવર્નન્સનું કંગાળ ધોરણ હોવાનું પુરવાર કર્યું છે. ICICI બૅન્કના સૂત્રધાર ચંદા કોચરને સેબી તરફથી રડારમાં લેવાયા હોવાના અહેવાલ છતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૩૦૨ રૂપિયા થઈ છેલ્લે એક ટકો વધી ૨૯૯ રૂપિયા બંધ રહ્યો છે. તૂતીકોરિન ખાતેનો પ્રદૂષણના મુદ્દે વર્ષોથી વિવાદાસ્પદ રહેલો કૉપર સ્મેલ્ટર પ્લાન્ટ જન-આંદોલન સામે પોલિસ-ફાયરિંગમાં ૧૩ જણનાં મોત થતાં નજીકના ભવિષ્યમાં ચાલુ થાય એમ લાગતું નથી. જોકે વેદાન્તનો શૅર ૨૪૦ રૂપિયાની ગુરુવારની ઇન્ટ્રા-ડે હાઈ પછી વધ-ઘટે સુધારાની આગેકૂચમાં ગઈ કાલે ૨૫૫ રૂપિયા વટાવી અંતે અડધો ટકો વધી ૨૫૩ રૂપિયા બંધ રહ્યો હતો. વકરાંગી લિમિટેડ નીચલી સર્કીટના સિલસિલામાં પાંચ ટકા ગગડી ૩૮ રૂપિયાની નવેમ્બર ૨૦૧૩ પછીની નીચી સપાટીએ ગઈ કાલે બંધ હતો. આજથી ચારેક મહિના પૂર્વે, ૨૪ જાન્યુઆરીએ ભાવ ૫૧૫ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ જોવાયો હતો. છેલ્લે ૧૬ લાખ શૅરના વેચું ઊભા હતા.

એવિયેશન અને ઑઇલ શૅરમાં આકર્ષણ

બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૮૦.૫૦ ડૉલરની નવેમ્બર ૨૦૧૪ પછીની ઊંચી સપાટીએ ગયા બાદ ઝડપી પ્રત્યાઘાતી ઘટાડાની માલમાં પાંચ દિવસમાં છ ડૉલર તૂટી ૭૪.૪૪ થયા બાદ હાલમાં ૭૫.૪ ડૉલરે આવી ગયું છે. આગામી મહિને મળનારી તેલ ઉત્પાદક રાષ્ટ્રોની બેઠકમાં ઉત્પાદન વધારવા માટે રશિયા અને સાઉદી અરેબિયા તૈયાર હોવાના અહેવાલ તાજેતરની નરમાઈનું કારણ કહેવાય છે. વિશ્વબજારમાં ક્રૂડ ભલે પાંચ દિવસથી નરમાઈમાં હોય, પરંતુ અહીં ૧૫મા દિવસેય રિફાઇનરી કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને નવી સર્વોચ્ચ સપાટીએ લઈ જવાયા છે. અગાઉ ૧૯ દિવસ દાખવેલી હમદર્દી વ્યાજ સાથે વસૂલ કરીને જ આ લોકો અટકશે એમ લાગે છે. ગઈ કાલે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરના સુધારામાં અઢી ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રો છ ટકા, ભારત પેટ્રો પાંચ ટકા, IOC ૪ ટકા, ગેઇલ ૫.૨ ટકા અને કૅસ્ટ્રોલ ઇન્ડિયા અઢી ટકા અપ હતા. MIPL ૩ ટકા તથા ચેન્નઈ પેટ્રોલિયમ એક ટકાની આસપાસ હતા. ક્રૂડમાં નરમાઈથી એવિયેશન સેક્ટરના પાંચેપાંચ શૅર પ્લસ હતા. સ્પાઇસ જેટ છગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૨ રૂપિયા વટાવી અંતે ત્યાં જ બંધ હતો. જેટ ઍરવેઝ ૭.૭ ટકા, ઇન્ડિગો ૨.૪ ટકા અને ગ્લોબલ વેક્ટ્રા આઠ ટકા ઊંચકાયા હતા. ટાયર સેગમેન્ટમાં બાલકિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, સિએટ, JK ટાયર, અપોલો ટાયર્સ,  MRF ઇત્યાદિ બે ટકાથી લઈને પાંચ ટકાની આસપાસ મજબૂત હતા. ગુડયર, TVS શ્રીચક્ર અને મોદી રબર બેથી પાંચ ટકા ડાઉન હતા.

ગીતાંજલિ પખવાડિયામાં ૧૩૬ ટકા વધી ગયો

જેનો આંકડો ૧૪,૦૦૦ કરોડ રૂપિયાથી લઈને ૨૪,૦૦૦ કરોડ રૂપિયા સુધીનો કહેવાય છે એ નીમો-ફ્રૉડમાં સંડોવાયેલા આપણા મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સનો ભાવ ૧૩ ફેબ્રુઆરીએ ૬૩ રૂપિયા આસપાસ હતો એ કૌભાંડની અસરમાં ગગડતો રહી ૪ મેએ પોણાત્રણ રૂપિયાના ઑલટાઇમ તળિયે પહોંચી ગયો હતો. ત્યાર પછી પખવાડિયાથી આ શૅર રોજેરોજ પાંચ ટકાની ઉપલી સર્કિટ મારતો રહી ગઈ કાલે સાડાછ રૂપિયા નજીક બંધ રહ્યો છે. મતલબ કે માંડ ૧૫ દિવસમાં ભાવ ૧૩૬ ટકા ઊંચકાઈ ગયો છે. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે BSE ખાતે ગઈ કાલે ૬.૮૦ લાખ શૅર અને ફ્લ્ચ્માં ૨૪.૭૬ લાખ શૅરના બાયર ઊભા હતા. કૌભાંડ પછી મેહુલભાઈ સરકારી ચોપડે લાપતા છે. વિદેશ ભાગી ગયા છે, પરંતુ તેમની કંપનીનો શૅર આજકાલ જબરી ડિમાન્ડમાં છે. જંગી દેવાના બોજને લઈ નાદારીની કોર્ટનો કેસ બનવાના આરે આવી ગયેલી વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ઉપરમાં પોણાઅગિયાર રૂપિયાની નજીક જઈ અંતે ૧.૮ ટકા વધીને ૧૦.૪૦ રૂપિયા બંધ હતી. નાદારીની કોર્ટના ઑર્ડર સામે એને લગતી અપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલમાં ગયેલી ય્.કૉમની સુનાવણી મંગળવારે થવાના અહેવાલ પાછળ શૅર ૧૬ રૂપિયા નજીક જઈ અંતે ૭.૪ ટકાની મજબૂતીમાં ૧૫.૩૦ રૂપિયા હતો. અનિલ અંબાણી ગ્રુપનાં અન્ય કાઉન્ટરમાં રિલાયન્સ ઇન્ફ્રા ૨.૭ ટકા, રિલાયન્સ નેવલ, નિપ્પોન ૨.૩ ટકા વધીને બંધ આવ્યા છે.

બૅન્ક નિફ્ટીમાં ૩૪૧ પૉઇન્ટનો ઉછાળો

માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના નેટ પ્રૉફિટની સામે જબ્બર ચોખ્ખી ખોટ દર્શાવવાનો સિલસિલો જારી છે. લિસ્ટેડ ૧૭ સરકારી બૅન્કોએ અગાઉ ૪૩૦૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી. આ વખતે વધીને એ ૫૩,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. સ્ટ્રેસ્ડ ઍસેટ્સનો ફિગર૦ ૧૩ લાખ કરોડ રૂપિયા પહોંચ્યો છે. મતલબ કે GDPના ૧૦ ટકા થયા. બૅડ લોન ૭.૩૧ લાખ કરોડ રૂપિયા આવી ગઈ છે. IBC અર્થાત ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડ હેઠળ બૅન્કોના બે લાખ કરોડ રૂપિયા ડુબ્યા છે એવા મોટા ડર્ટી ડઝનને નાદારીની કોર્ટમાં લઈ જવાયા છે જેમાંથી હજી સુધી માંડ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા પણ આવ્યા નથી. હાલત ખરાબી અને ખુવારીની છે, પરંતુ ક્લીનઅપ થીમ કામે લાગી છે. બૅન્કોના માઠા દિવસો હવે પૂરા થયા એવું કહેવાઈ રહ્યું છે. બૅન્ક શૅર છેલ્લા કેટલાક દિવસથી લાઇમલાઇટમાં આવતા જાય છે. ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી ૯ શૅરની મજબૂતીમાં ૧.૨ ટકા કે ૩૫૦ પૉઇન્ટ અને બૅન્ક નિફ્ટી એક ટકાથી ઓછો સુધર્યો હતો, પરંતુ PSU બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની આગેકૂચમાં અઢી ટકા પ્લસ હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ૩૭ શૅર વધ્યા હતા. JK બૅન્ક, OBC, લક્ષ્મી વિલાસ, ઇન્ડિયન બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક, આંધ્ર બૅન્ક, અલાહાબાદ બૅન્ક, યુનિયન બૅન્ક, વિજયા બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક, કૅનેરા બૅન્ક, યુનાઇટેડ બૅન્ક જેવા સવાડઝન શૅર ચારેક ટકાથી લઈ આઠ ટકા ઊછળ્યા હતા. કુલ ૨૬ શૅર ગઈ કાલે બે ટકા પ્લસની તેજીમાં બંધ રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK