ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બજારમાં સુધારાની હૅટ-ટ્રિક

અવંતી ફીડ્સ તગડા વૉલ્યુમમાં ૨૨૭ ઊછળ્યો : SBI લાઇફનું લિસ્ટિંગ નિરસ રહ્યું : બૅન્કિંગ શૅરોમાં સાંકડી વધ-ઘટે મિશ્ર વલણ, PSU બૅન્ક નિફ્ટી ડાઉન


શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિની બેઠક આજે ૪ ઑક્ટોબરે છે. રિઝર્વ બૅન્કના ગવર્નર ઉર્જિત આર. પટેલને દિલ્હીના દેવતાઓનું તેડું જે રીતે આવ્યું છે અને સરકાર નબળા આર્થિક વિકાસદરથી જે રીતે ભીંસમાં મુકાઈ છે એ જોતાં ધિરાણનીતિ જૈસેથે રહેવાની વ્યાપક ધારણા હવે કમસે કમ ૦.૨૫ ટકાનો રેટ-કટ આવવાની અપેક્ષામાં ફેરવાઈ ગઈ છે. જોકે ગઈ કાલે બૅન્કેક્સ અને બૅન્ક નિફ્ટી નહીંવત્ સુધર્યા છે. એમાંય PSU બૅન્ક નિફ્ટી તો અડધા ટકાથીય વધુની નરમાઈમાં બંધ આવ્યો છે. સામા પક્ષે રેટ સેન્સેટિવ સેક્ટર ગણાતા એવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટનો બેન્ચમાર્ક ૩૯૧ પૉઇન્ટ કે સવાબે ટકાના ઉછાળે બંધ આવ્યો છે. ત્રણ દિવસના મિની વૅકેશન બાદ મંગળવારે શૅરબજાર આગલા બંધથી ૨૫૦ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલી ઇન્ટ્રા-ડેમાં ૩૧૬૧૫ વટાવી છેલ્લે ૨૧૭ પૉઇન્ટની નજીકની આગેકૂચમાં ૩૧૪૯૭ બંધ રહ્યું છે. નિફ્ટી ૯૮૯૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ ૭૧ પૉઇન્ટ ઊંચકાઈને ૯૮૫૯ રહ્યો છે. જોકે માર્કેટ-બ્રેડ્થમાં રસાકસી સાથે નહીંવત્ પોઝિટિવ બાયસ જોવા મળ્યો છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૨ તો નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર પ્લસ હતા. ‘એ’ ગ્રુપ ખાતે ૩૪૦માંથી ૫૮ ટકા શૅર વધ્યા હતા. ‘બી’ ગ્રુપ ખાતેના ૧૧૧૭ શૅરમાંથી ૪૯ ટકા શૅર પ્લસ હતા. મતલબ કે ગઈ કાલે લાર્જકૅપ અને ફ્રન્ટલાઇનના મુકાબલે રોકડું અને સેકન્ડ લાઇન શૅર સુસ્તીમાં હતા. 

અનિલ અંબાણી ગ્રુપના શૅરમાં માનસ બગડ્યું

ઍરસેલ-R.કૉમ વચ્ચેના મર્જરનો સોદો પડી ભાંગવાની સાથે અનિલ અંબાણી ગ્રુપના શૅરમાં માનસ ખરડાયું છે. R.કૉમનું ૪૫ હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. કંપની નાદારીની કોર્ટનો કેસ બની ચૂકી છે, પણ ડિસેમ્બર સુધીમાં દેવું ચૂકવી દેવામાં આવશે એવી અનિલ અંબાણીની બાંયધરી પછી લેણિયાતોએ નાદારીની કોર્ટમાં જવાનો નિર્ણય કામચલાઉ ધોરણે અગાઉ મોકૂફ રાખ્યો હતો, પરંતુ હવે આ મામલો ફરીથી માથું ઊંચકશે. ઍરસેલ સાથેનો સોદો પડી ભાંગતાં બ્રુકફીલ્ડ તરફથી R.કૉમનો ટાવર બિઝનેસ ખરીદવાનો સોદો અગાઉ જે ભાવે નક્કી થયો હતો એની વૅલ્યુ ઘટાડવાની તજવીજ શરૂ થઈ ગઈ છે.

આ બધાના પગલે ગઈ કાલે R.કૉમનો શૅર ત્રણેક ગણા કામકાજમાં ૧૬.૭૫ રૂપિયાની ઑલટાઇમ બૉટમ બનાવી છેલ્લે ૧૧ ટકાના કડાકામાં ૧૭ રૂપિયા બંધ હતો. રિલાયન્સ કૅપિટલ દોઢા વૉલ્યુમમાં ૫૯૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૫૬૧ રૂપિયા થઈ સવાચાર ટકાની ખરાબીમાં ૫૬૧ રૂપિયા, રિલાયન્સ હોમ સવાચાર ટકા ખરડાઈને ૯૬ રૂપિયા નજીક, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ દોઢ ટકાના ઘટાડે ૪૫૮ રૂપિયા નીચે, રિલાયન્સ નેવલ સવાબે ટકાની નબળાઈમાં ૫૧.૫૫ રૂપિયા તથા રિલાયન્સ પાવર સવાબે ટકા કટ થઈને ૪૦ રૂપિયા બંધ હતા. સામે મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નરમાઈની હૅટ-ટ્રિક બાદ ગઈ કાલે ૮૦૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી બે ટકા વધીને ૭૯૮ રૂપિયા બંધ હતો.

SBI લાઇફનું લિસ્ટિંગ સુસ્ત રહ્યું

શૅરદીઠ ૭૦૦ની ઇશ્યુ-પ્રાઇસવાળી SBI લાઇફ ઇન્શ્યૉરન્સ કંપનીના IPOનું લિસ્ટિંગ નિરસ રહ્યું છે. શૅર BSE ખાતે ૭૩૩ ખૂલી ઉપરમાં ૭૩૮ રૂપિયા બતાવી નીચામાં ૭૦૨ રૂપિયા થઈ ગયો હતો. ભાવ છેલ્લે ૭૦૮ રૂપિયા બંધ આવ્યો છે. એનએસઇ ખાતે ભાવ ૭૩૫ રૂપિયા ખૂલ્યો હતો. ઉપરમાં ૭૪૦ રૂપિયા અને નીચામાં ૭૦૨ રૂપિયાની અંદર જઈને અંતે ૭૦૭ રૂપિયા રહ્યો છે. બન્ને બજાર ખાતે કુલ મળીને આશરે ૧.૦૧ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય IPOની વાત કરીએ તો ICICI લોમ્બાર્ડ ૬૬૧ની ઇશ્યુ-પ્રાઇસ સામે ગઈ કાલે ૬૭૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ઉપરમાં ૬૮૮ થઈ છેલ્લે એક ટકો વધીને ૬૮૫ રૂપિયા હતો. કૅપેસિટી ઇન્ફ્રા પોણાબે ટકા ઘટીને ૩૩૨ રૂપિયા, મૅટ્રિમની ડૉટકૉમ ૭૯૪ રૂપિયાની અંદર જઈને ઉપરમાં ૮૧૪ રૂપિયા બતાવી દોઢ ટકો વધીને ૮૦૫ રૂપિયા તથા ભારત રોડ નેટવર્ક્સ ૧૭૨નું ઑલટાઇમ બૉટમ બનાવી ૩.૩ ટકાના ઘટાડે ૧૭૨ પ્લસ રૂપિયા બંધ હતા. ડિક્સન ટેક્નૉલૉજી અઢી ટકાના સુધારામાં ૨૬૯૯ રૂપિયા હતો.

તાતા મોટર્સમાં વેચાણવૃદ્ધિથી કરન્ટ આવ્યો

સપ્ટેમ્બરમાં તાતા મોટર્સ દ્વારા ચાર વર્ષમાંના સૌથી મોટા એવા ૨૫ ટકાના દરે સ્થાનિક વેચાણમાં વધારો હાંસલ થતાં શૅર ગઈ કાલે ઉપરમાં ૪૨૮ રૂપિયા વટાવી છેલ્લે ૩.૮ ટકા વધીને ૪૧૬ રૂપિયા બંધ હતો. તાતા મોટર્સનો DVR સવાયા વૉલ્યુમમાં ૨૩૬ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે ૪.૮ ટકાના ઉછાળે ૨૩૩ રૂપિયા હતો. મારુતિ સુઝુકીએ ૯.૩ ટકાના વૃદ્ધિદર સાથે ૧.૬૩ લાખ નંગ કાર ગયા મહિને વેચી છે. શૅર મંગળવારે પ્રારંભિક સુધારામાં ૮૦૬૫ રૂપિયા થયા બાદ હળવા પ્રૉફિટ-બુકિંગમાં સવા ટકો ઘટીને ૭૮૭૧ રૂપિયા રહ્યો છે. મહિન્દ્રનું વેચાણ ૧૬ ટકા વધીને આવતાં ભાવ સવાયા કામકાજમાં ૧૨૯૧ વટાવીને છેલ્લે સાધારણ વધી ૧૨૫૮ રૂપિયા બંધ હતો. ટૂ-વ્હીલર્સ અગ્રણી બજાજ ઑટોનું વેચાણ ગયા મહિને ૧૪ ટકા વધીને ૪.૨૮ લાખ નંગ થયું છે. શૅર મંગળવારે લગભગ પોણાબે ગણા કામકાજમાં ૩૨૦૮ રૂપિયાનું બેસ્ટ લેવલ મેળવી અંતે ૧.૮ ટકા વધીને ૩૧૬૪ રૂપિયા હતો. રૉયલ એન્ફીલ્ડનું વેચાણ ૨૨ ટકાના ઉછાળે ૭૦,૦૦૦ નંગ થયું છે. એની કંપની આઇશરનો ભાવ ગઈ કાલે ૩૧૯૭૪ વટાવી છેલ્લે નહીંવત્ ઘટી ૩૧૧૦૦ રૂપિયા હતો. અશોક લેલૅન્ડ દ્વારા ગયા મહિને વર્ષનો સૌથી ઊંચા ૨૭.૫ ટકાના વૃદ્ધિદરથી ૧૫૩૭૦ નંગ વાહનો વેચવામાં આવ્યાં છે. શૅર ગઈ કાલે ૧૨૬ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે અડધા ટકાના ઘટાડે ૧૨૨ રૂપિયા હતો. અન્ય ઑટો શૅરમાં ગઈ કાલે હીરો મોટોકૉર્પ પોણો ટકો વધીને ૩૮૦૯ રૂપિયા, TVS મોટર્સ ૬૭૨ રૂપિયાની વિક્રમી સપાટીએ જઈ ૦.૭ ટકા ઘટીને ૬૫૪ રૂપિયા તથા એસ્કોર્ટ્સ નહીંવત્ ઘટાડે ૬૫૮ રૂપિયા બંધ હતા. સ્કૂટર્સ ઇન્ડિયામાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી હતી.

બજારો વરસમાં તૂટી પડશે : માર્ક ફેબર

ડૉક્ટર ડૂમના હુલામણા નામે જાણીતા ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ માર્ક ફેબરે શૅરબજારોના નજીકના ભાવિને લઈને અકળાવનારી આગાહી કરી છે. તેમના મતે અમેરિકન શૅરબજાર એક વર્ષમાં ૩૦થી ૪૦ ટકા ગગડી જશે. કંપનીના નફા વધી રહ્યા છે, વ્યાજદર નીચા છે છતાં વૅલ્યુએશન જરાય હજમ થાય એવાં નથી. દુનિયાભરનાં શૅરબજાર અસાધારણ રીતે મોંઘાં બની ગયાં છે. બૉન્ડ માર્કેટના પણ આવા જ હાલ છે. એ લાંબું ચાલી શકે નહીં. ક્રેડિટ બબલ, સ્કૅમ કે પછી ફ્રૉડ, વ્યાજદરમાં વધારો અગર તો પછી ડેટ-બૉમ્બમાંથી કોઈ પણ કે પછી એની સંયુક્ત અસરમાં કોઈક કારણ આગામી આર્થિક હોનારતનું નિમિત્ત બનશે. બાય ધ વે, માર્ક ફેબર પહેલાં એકાદ મહિના પૂર્વે અન્ય એક ઇન્વેસ્ટમેન્ટ-ગુરુ જિમ રૉજર્સ તરફથી પણ આવી જ અમંગળ વાણી ઉચ્ચારવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા જીવનમાં ક્યારેય અનુભવી ન હોય એવી મોટી આર્થિક કટોકટી માંડ એકાદ વર્ષ દૂર છે. છેલ્લા એક દાયકામાં વૈશ્વિક દેવું ૨૭૬ ટકા વધીને ૨૧૭ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. ૨૦૦૮ની કટોકટીના મૂળમાં પણ દેવામાં વધારાનો જ મામલો હતો. એ દેવું ઘટવાને બદલે વધતું ચાલ્યું છે. જિમ રૉજર્સ તેમની આદત મુજબ ઍગ્રી કૉમોડિટીઝ તથા પ્રેશિયસ મેટલ્સને લઈને ભારે બુલિશ છે. તાઓ માને છે કે સોનાના ભાવમાં રૉકેટ ગતિએ ઉછાળો આવવાનો છે.

અવંતી ફીડ્સ વિક્રમી ટોચે

અવંતી ફીડ્સ તેજીની ચાલમાં ગઈ કાલે અઢી ગણા કામકાજમાં ૨૩૦૫ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૨૨૭ રૂપિયાના ઉછાળામાં ૨૨૫૪ રૂપિયા બંધ હતો. લગભગ ૧૧ મહિના પૂર્વે ૯ નવેમ્બરે આ શૅર ૪૧૧રૂપિયાના તળિયે હતો. બે રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ ૧૪૧ રૂપિયા જેવી છે. ઇન્ડસ્ટ્રીના ૪૫.૭ના પી/ઈ સામે હાલમાં આ શૅર લગભગ ૩૩ના પી/ઈ ઉપર ચાલે છે. મેઇડન બોનસની રાહ જાવાય છે. બે વર્ષ પૂર્વે, સપ્ટેમ્બર ૨૦૧૫માં ૧૦ રૂપિયાના શૅરનું બે રૂપિયામાં વિભાજન થયું હતું. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૯૦૮ લાખ રૂપિયાની કુલ ઇક્વિટીમાં ૪૪ ટકા જેવું છે. થાઇલૅન્ડની થાઈ યુનિયન ફ્રોઝન પ્રોડક્ટ્સ ઇન્વેસ્ટરની હેસિયતથી ૨૫ ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે. એક અન્ય કાઉન્ટર ફિલિપ્સ કાર્બન ચાર ગણા કામકાજમાં ૯૦૪ રૂપિયાની ઐતિહાસિક ટૉપ બનાવી છેલ્લે સવાઅગિયાર ટકાના જમ્પમાં ૮૯૪ રૂપિયા બંધ હતો. ICICI-લાઇફ ચાર ગણા વૉલ્યુમમાં છ ટકા ઊછળીને ૪૧૩ રૂપિયા, બૉમ્બે બર્મા ૧૩૭૩ રૂપિયાની વિક્રમી વિક્રમી સપાટી મેળવી ૫.૪ ટકાની આગેકૂચમાં ૧૩૫૭ રૂપિયા, તાતા મેટલિક્સ ૭.૭ ટકાની તેજીમાં ૭૦૯ રૂપિયા, GNFC સાત ટકાના જમ્પમાં ૩૨૪ રૂપિયા, હિન્દુસ્તાન ઝિન્ક ૬ ટકા વધીને ૩૧૩ રૂપિયા બંધ હતા.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK