રિકવરી અને કરેક્શન વચ્ચે અટવાયેલા શૅરબજારમાં જોખમી શૅરોથી દૂર જ રહો

રિઝર્વ બૅન્કે ગયા સપ્તાહમાં ચાર વર્ષ બાદ પહેલી વાર વ્યાજદરમાં વધારો કર્યો છતાં બજારે આ પગલા સામે વધારો દર્શાવીને ઇકૉનૉમી પ્રત્યે પોતાનો વિશ્વાસ બતાવ્યો છે. સેન્સેક્સની રેન્જ ૩૫,૦૦૦થી ૩૬,૦૦૦ અને નિફ્ટીની ૧૦,૦૦૦થી ૧૧,૦૦૦ વચ્ચે રહેવાની ધારણા તેમ જ સંજોગો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રોકાણ કરવામાં સાર છે. બજાર પાસે મોટા વધારા કે ઘટાડા માટે કોઈ નક્કર કારણો નથી. બજાર રિકવરી અને કરેક્શન વચ્ચે અટવાયેલું છે


શૅરબજારની સાદીવાત  - જયેશ ચિતલિયા

વીતેલા સપ્તાહમાં પ્રથમ દિવસે એટલે કે સોમવારે બજારે નેગેટિવ શરૂઆત કરી હતી જેમાં સેન્સેક્સ ૨૧૫ પૉઇન્ટ અને નિફ્ટી ૬૭ પૉઇન્ટ ઘટી ગયા હતા. આમ તો ઘણા દિવસોથી વિદેશી રોકાણકારો નેટ સેલર રહ્યા છે; પરંતુ સોમવારે તેમણે ૨૩૦૦ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક ઇન્વેસ્ટરોએ ૭૧૨ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હતું. મંગળવારે પણ બજારે વધ-ઘટ સાથે અંતમાં સેન્સેક્સમાં ૧૦૮ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૩૫ પૉઇન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો. સપ્તાહ દરમ્યાન રિઝર્વ બૅન્કની મીટિંગ હોવાથી બજારની નજર એના પર હતી. રિઝર્વ બૅન્ક વ્યાજદર વધારશે એવા ભયની બજાર પર અસર હતી અને બુધવારે એમ થયું પણ ખરું. રિઝર્વ બૅન્કે ૨૫ બેઝિસ પૉઇન્ટ રેપો રેટ વધારી દીધો તેમ જ રિઝર્વ બૅન્કે મોંઘવારી (ફુગાવો) વધવાની શક્યતા પણ દર્શાવી છતાં બજારે રિઝર્વ બૅન્કનાં નિવેદનોને પૉઝિટિવ લઈને સેન્સેક્સમાં ૨૭૫ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૯૧ પૉઇન્ટનો વધારો હાંસલ કર્યો હતો. ઘણા દિવસોના ઘટાડા બાદ બુધવારે બજાર પૉઝિટિવ બન્યું હતું. મોદી સરકારના આ ચાર વર્ષના સમયગાળામાં પહેલી વાર વ્યાજદરનો વધારો થયો હોવા છતાં અને એને પગલે પર્સનલ, વેહિકલ કે હોમ લોન મોંઘી બનવાની શક્યતા હોવા છતાં માર્કેટે ગુરુવારે શરૂઆત પૉઝિટિવ ટ્રેન્ડથી કરતાં સેન્સેક્સે ૪૦૦ પૉઇન્ટનો ઉછાળો મારી દીધો હતો. જોકે પ્રૉફિટ-બુકિંગ આવતાં અંતમાં સેન્સેક્સ ૨૮૪ પૉઇન્ટ અને નિફ્ટી ૮૩ પૉઇન્ટ પ્લસમાં બંધ રહ્યા હતા. શુક્રવારે બજાર નેગેટિવ ખૂલીને વધુ ઘટતું રહ્યું હતું. જોકે પાછળથી રિકવરી વેગ પકડતાં અંતમાં બજાર નહીંવત સમાન નીચે બંધ રહ્યું હતું. આમ વીતેલું સપ્તાહ એકંદરે પૉઝિટિવ રહ્યું કહી શકાય. આગામી સપ્તાહમાં પણ બજારનો ટ્રેન્ડ કંઈક આવો જ રહેવાની ધારણા છે. હાલમાં સેન્સેક્સની રેન્જ ૩૫,૦૦૦થી ૩૬,૦૦૦ની વચ્ચે અને નિફ્ટીની રેન્જ ૧૦,૦૦૦થી ૧૧,૦૦૦ની વચ્ચે જળવાઈ રહેવાની શક્યતા વિશેષ છે.

રિઝર્વ બૅન્કનાં પગલાંનાં પરિણામો

રિઝર્વ બૅન્કની પૉલિસી જાહેરાતમાં મોદી સરકારનાં ચાર વર્ષ બાદ પહેલી વાર વ્યાજદરમાં વધારો કરવાની નોબત આવી હતી તેમ જ વર્તમાન સંજોગો જોતાં ઑગસ્ટમાં ફરી રેટવધારો થાય એવી શક્યતા પણ વ્યક્ત થઈ હતી. જોકે બજારે અને ઉદ્યોગોએ રિઝર્વ બૅન્કનાં નિવેદનો અને અન્ય સંકેતોને સકારાત્મક ગણીને પ્રતિસાદ આપ્યો હતો. રિઝર્વ બૅન્કે ઘર ખરીદનારાઓને ફાઇનૅન્શિયલ ક્રેડિટર બનાવી દીધા હોવાથી હવે પછી આ ગ્રાહકો પણ લિક્વિડેશનમાં જતી રિયલ્ટી કંપનીઓ સામે પોતાના પૈસા માટે દાવા કરી શકશે જેથી એમાંથી તેમને પણ હિસ્સો મળી શકશે. અત્યાર સુધી આવી સુવિધા નહોતી. બીજું, રિઝર્વ બૅન્કે શહેરી કો-ઑપરેટિવ બૅન્કોને સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક બનવાની તક પણ ઑફર કરી છે. અફૉર્ડેબલ હાઉસિંગ માટેનો સ્કોપ પણ રિઝર્વ બૅન્કે વધારી દીધો છે જેની પૉઝિટિવ અસર રિયલ્ટી સેક્ટર પર થશે. રિઝર્વ બૅન્કનાં પગલાંથી ક્રેડિટ માર્કેટ વધુ કાર્યક્ષમ બનશે. આમ રિઝર્વ બૅન્કનાં પગલાં ગ્રોથલક્ષી હોવાથી એને આવકાર પ્રાપ્ત થયો છે જેમાં વિકાસદરને પણ ઊંચો જાળવી રાખવાની ધારણા આવી જાય છે. મોંઘવારીને અંકુશમાં રાખવા સાથે ગ્રોથને જાળવવાનું કદમ મહત્વનું ગણાય.

સ્મૉલ-મિડ કૅપ શૅરો


આ વખતે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સ્મૉલ કૅપ અને મિડ કૅપ શૅરોમાં જબરું ધોવાણ થયું છે. સેબીનાં અંકુશાત્મક પગલાંની અસરથી પણ આમ થયું કહી શકાય. કેટલીયે કંપનીઓ સર્વેલન્સ હેઠળ મુકાઈ રહી છે. રોકાણકારો આવા શૅરોથી ભય પામી રહ્યા છે. પરિણામે આવા અનેક શૅરો વર્ષની એની નીચલી સપાટીએ પહોંચી ગયા છે. NSE પર સ્મૉલ અને મિડ કૅપ શૅરોનું માર્કેટકૅપ ૨.૮૮ લાખ કરોડ રૂપિયા જેટલું ડાઉન ગયું છે. BSEમાં પણ સ્મૉલ-મિડ કૅપ શૅરોમાં ધોવાણ થયું છે અને એ છેલ્લા આઠ મહિનાની નીચી સપાટીએ આવી ગયા છે. સર્વેલન્સ પગલાંના ડરથી ઘણા ઇન્વેસ્ટરો એમાં આંખ બંધ કરી વેચાણ કરી ગયા છે અર્થાત લૉસ હોય તો લૉસ, પણ બુક કરી ગયા છે. રોકાણકારોએ આવા શૅરો પ્રત્યે સાવચેત રહેવાની જરૂર વધી ગઈ છે. બહેતર છે કે આવા જોખમ મર્યાદિત રાખીને રોકાણકારો લાર્જ કૅપ શૅરોને લાંબો સમય આપે.

સ્ટાર્ટઅપ્સને વેગ


સપ્તાહ દરમ્યાન સરકારે સ્ટાર્ટઅપ ઉદ્યોગને ભરપૂર પ્રોત્સાહન આપવાના ઍક્શન પ્લાનની જાહેરાત કરી હતી જે માટે સરકારે એક લાખ કરોડનું ભંડોળ ફાળવવાની તૈયારી બતાવી છે. આ સંબંધમાં કેટલાક નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે. સેબીએ પણ આ મામલે વેન્ચર ફન્ડને વધુ બળ મળે એવી જોગવાઈ કરી છે જે માટે એન્જલ ફન્ડની રોકાણમર્યાદા વધારી છે. આ બધાની સીધી નહીં પરંતુ આડકતરી અસર બજાર પર પડશે; કારણ કે સ્ટાર્ટઅપ્સ - નવાં સાહસોને વેગ મળવાથી રોકાણ-સાઇકલ વેગ પકડશે, રોજગારસર્જનમાં વૃદ્ધિ થશે.

કરન્સી-ક્રૂડ

અગાઉના દિવસોમાં ક્રૂડની અને કરન્સીની જે વિપરીત અસર હતી એ ઘટીને ક્રૂડ અને કરન્સી બન્ને સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યાં હોવાનું જણાય છે. ખાસ કરીને ક્રૂડના ભાવના ઘટાડાની સારી અસર જોવાઈ રહી છે. જોકે ગ્લોબલ સ્તરે અનિશ્ચિતતા અને ટ્રેડ-વૉર જેવા રિસ્ક ભારતની મોટી ચિંતા છે. અમેરિકન ફેડરલ તરફથી પણ વ્યાજવધારાનો ભય હજી ઊભો છે. યુરોપિયન ક્રાઇસિસ ક્યાંક-ક્યાંક માર્કેટને ડિસ્ટર્બ કર્યા કરે છે. ગ્લોબલ લેવલે પણ પૉલિટિકલ ટ્રેન્ડ સબ સલામતના સંકેત આપી શકતા નથી.

તંદુરસ્તી સામે જોખમ

આ વર્ષે અત્યાર સુધીમાં માર્કેટ-બ્રેડ્થ (એટલે કે કેટલા શૅર વધે છે અને કેટલા ઘટે છે એનો ટ્રેન્ડ) મોટે ભાગે નેગેટિવ રહી છે. એકમાત્ર એપ્રિલને બાદ કરતાં જાન્યુઆરીથી મે સુધીમાં માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી છે. માત્ર BSE-૫૦૦ શૅરોના ગ્રુપમાં જોઈએ તો જાન્યુઆરીમાં ૧૭૬ શૅર વધ્યા હતા અને ૩૨૪ ઘટ્યા હતા. ફેબ્રુઆરીમાં ૧૩૨ શૅર વધ્યા અને ૩૬૯ ઘટ્યા, માર્ચમાં ૧૧૧ શૅર વધ્યા અને ૩૯૦ ઘટ્યા અને મેમાં ૧૨૪ શૅર વધ્યા અને ૩૭૭ ઘટ્યા હતા. એકમાત્ર એપ્રિલમાં ૩૯૬ શૅર વધ્યા હતા અને ૧૦૪ ઘટ્યા હતા. આમ બજારનું વાસ્તવિક ચિત્ર જોઈએ તો બજારની તેજી રહી ત્યારે સીમિત રહી હતી, પરંતુ માર્કેટની મંદી યા ડાઉન ટ્રેન્ડ વ્યાપક હતો. એનું કારણ એ છે કે માર્કેટ સામે વિપરીત યા નેગેટિવ સમાચારોની સંખ્યા વધુ રહે છે. જેમ કે અમેરિકામાં વ્યાજદરના વધારાની શક્યતા વધુ છે. ક્રૂડના ઊંચા ભાવને કારણે રૂપિયાની નબળાઈની ચિંતા વધુ હતી જે અત્યારે રાહત આપતી થઈ છે. અમુક કંપનીઓના અપવાદ સિવાય માર્ચ ક્વૉર્ટરનાં કૉર્પોરેટ અર્નિંગ્સ ધારણા કરતાં નબળાં રહ્યાં છે.

સર્વેલન્સ હેઠળના શૅરોથી સાવચેત

સ્ટૉક એક્સચેન્જે ઘણી કંપનીઓને વધારાના સર્વેલન્સ હેઠળ મૂકી દેતાં અને સેબીએ એના પ્રત્યેની નજર વધુ આકરી કરતાં તેમ જ આવી ઘણી કંપનીઓના ઑડિટર્સ જે-તે કંપનીને છોડી જતાં આવી કંપનીઓ સામે વધુ શંકા ઊભી થઈ છે. પરિણામે એના ભાવો નવાં નીચાં લેવલ શોધવા લાગે છે. આખરે રોકાણકારોએ આવી કંપનીઓમાં સંભવત: મોટી ખોટ સહન કરવાની આવી શકે છે. આવી કંપનીઓથી દૂર રહેવામાં શાણપણ છે.

નાની સાદી વાત

તાજેતરના દિવસોમાં સંખ્યાબંધ શૅરો બાવન સપ્તાહની નીચલી સપાટી બનાવી રહ્યા છે જેમ અનેક શૅરો વધારાના સર્વેલન્સ હેઠળ જઈ રહ્યા છે. BSEમાં આ સિલસિલો ચાલુ છે ત્યારે તાજેતરમાં NSEમાં પણ સવાબસો સ્ક્રિપ્સ એમની બાવન સપ્તાહની નિમ્ન સપાટી પર નોંધાઈ છે. જોકે આ શૅરો આવા નીચા સ્તરે જવાથી ઍવરેજ કરવા માટે કે નવેસરથી ખરીદવા માટે પાત્ર બની જતા નથી એ સમજવું જરૂરી છે. આમાં પણ સિલેક્ટિવ બનવું પડે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK