લાર્જ કૅપ ફન્ડ સારાં કે મિડ કૅપ ફન્ડ સારાં?

આપણા દેશમાં હવે મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરનારાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે.
મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - અમિત ત્રિવેદી


આવા જ રોકાણકારોમાંના એકે તાજેતરમાં પૂછ્યું હતું કે મિડ કૅપ ફન્ડ કરતાં લાર્જ કૅપ ફન્ડ સારાં કહેવાય કે નહીં? ઘણા રોકાણકારોના ર્પોટફોલિયોમાં મિડ કૅપ ફન્ડનું પ્રમાણ વધારે દેખાતું હોય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મિડ કૅપ સ્ટૉક્સમાં આવેલી તેજીને જોતાં આવું થવું સ્વાભાવિક છે. આ સાથેના કોક્ટકના ફન્ડની શ્રેણી મુજબના વળતરના આંકડા પરથી એ જોઈ શકાય છે.

ફન્ડની શ્રેણી    ૧ વર્ષ    ૩ વર્ષ    ૫ વર્ષ

લાર્જ કૅપ    ૬.૪૯    ૧૩.૦૦     ૧૩.૪૧

મિડ કૅપ    ૭.૨૪     ૨૪.૨૦     ૨૧.૭૫

(રૂપિયા લાખમાં છે)

 (સ્રોત : www.valueresearchonline.co)

લાર્જ કૅપની તુલનાએ મિડ કૅપની કામગીરી ખરેખર પ્રભાવી દેખાય છે. ફન્ડની કામગીરીને લીધે રોકાણકારો આ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. જોકે લોકોને ફક્ત વળતર દેખાય છે, એની સાથે સંકળાયેલાં જોખમોનો કોઈ વિચાર કરતું નથી. આવી પરિસ્થિતિમાં રોકાણકારો જોખમ અને વળતર વચ્ચેના સંબંધ તરફ દુર્લક્ષ કરતા હોય છે. આ સંબંધ વિશે કહેવાય છે કે વધારે વળતર મેળવવા માટે વધારે જોખમ ખેડવું પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તો જે શ્રેણીમાં વધારે વળતર મળે છે એમાં જોખમ પણ વધારે હોય છે.

ઉક્ત બન્ને ફન્ડો શેમાં રોકાણ કરે છે એના તરફ એક દૃષ્ટિ કરી લેવી આવશ્યક છે. ફન્ડના નામમાંનો ‘કૅપ’ શબ્દ ‘કૅપિટલાઇઝેશન’ એટલે કે મૂડીકરણનો ટૂંકો શબ્દ છે. માર્કેટ કૅપિટલાઇઝેશન એટલે કંપનીના તમામ શૅરનું બજારમૂલ્ય. જો કોઈને આખી કંપની ખરીદવી હોય તો તેમણે કંપનીના કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન જેટલી રકમ ચૂકવવી પડે. પ્રતિ શૅર બજારભાવને કંપનીએ ઇશ્યુ કરેલા શૅરની સંખ્યા સાથે ગુણવાથી માર્કેટ કૅપિટલાઇઝેશન મળે છે.

આમ જેમનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘણું ઊંચું હોય એમને લાર્જ કૅપ અને મધ્યમ સ્તરનું હોય એને મિડ કૅપ સ્ટૉક કહેવાય છે. એનાથી નીચલા સ્તરે સ્મૉલ કૅપ આવે છે. મ્યુચ્યુઅલ ફન્ડ જે પ્રકારના સ્ટૉક્સમાં રોકાણ કરે એ પ્રકારની એની શ્રેણી હોય છે.

સામાન્યપણે મોટી કંપનીઓ અર્થાત્ લાર્જ કૅપ કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતી હોય છે. આ કંપનીઓના બિઝનેસની સ્થિતિ સ્થિર હોય છે અને સમસ્યાઓનો સામનો નાની અને મધ્યમ સ્તરની કંપનીઓ કરતાં વધુ સારી રીતે કરી શકે છે. આ દૃષ્ટિએ જોઈએ તો લાર્જ કૅપ સ્ટૉક્સમાં થયેલું રોકાણ એમનાથી નાની કંપનીઓના સ્ટૉક્સની તુલનાએ વધુ સુરક્ષિત હોય છે. અહીં એ પણ કહેવું જરૂરી છે કે નાની અને મધ્યમ સ્તરની કંપનીઓ લાંબા ગાળે સારી કામગીરી કરીને લાર્જ કૅપ બની શકે છે. આ દૃષ્ટિએ એમની વૃદ્ધિની સંભાવનાને જોતાં તેઓ ઘણું ઊંચું વળતર આપી શકવાની સ્થિતિમાં હોય છે. એનામાં કરાયેલા રોકાણ પર વધુ વળતર મળવાની આ સંભાવનાને જોઈને જ રોકાણકારો એની તરફ આકર્ષાય છે. ક્યારેક એવી કંપનીઓનાં વળતાં પાણી થાય ત્યારે એ જ રોકાણકારો પાછા લાર્જ કૅપ તરફ વળી જતા હોય છે.

જોખમ અને વળતરના સંબંધનો અંદાજ આ સાથેના આલેખ પરથી આવે છે :

 (સ્રોત : www.valueresearchonline.co)

આ સાથેના આલેખમાં BSEના સેન્સેક્સ અને એના મિડ કૅપ ઇન્ડેક્સની કામગીરી દર્શાવવામાં આવી છે. સેન્સેક્સમાં લાર્જ કૅપ સ્ટૉક્સ હોય છે અને બીજા ઇન્ડેક્સમાં મિડ કૅપ સ્ટૉક્સને આવરી લેવામાં આવ્યા છે.

એમાં ૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૪ પર નજર કરો. ૨૦૦૯, ૨૦૧૨ અને ૨૦૧૪માં દર વર્ષે ઇન્ડેક્સ ૨૦ ટકા કરતાં વધુ પ્રમાણમાં ઊંચે ગયો હતો અને ૨૦૧૧માં ૨૦ ટકા કરતાં વધુ પ્રમાણમાં નીચે ગયો હતો. આલેખમાં કુલ આઠ વર્ષ દર્શાવાયાં છે એમાંથી ફક્ત ચાર વર્ષની આ વાત છે, કારણ કે એમાં જ આટલી મોટી હિલચાલ થઈ છે.

જે ચાર વર્ષમાં મોટા ફેરફાર આવ્યા એમાં દરેકમાં એમની હિલચાલ લાર્જ કૅપની સરખામણીએ ઘણી વધારે હતી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટૉક્સના ભાવ વધી રહ્યા હતા એવા સમયે મિડ કૅપ સ્ટૉક્સમાં વધારે વળતર છૂટ્યું અને જ્યારે સ્ટૉક્સ પડવા લાગ્યા ત્યારે લાર્જ કૅપની સરખામણીએ મિડ કૅપમાં વધારે નુકસાન થયું.

આ ઉદાહરણ પરથી સ્પક્ટ થાય છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં મિડ કૅપ સ્ટૉક્સમાં વળતર ભલે ઊંચું મળ્યું હોય એમાં જોખમ પણ વધારે હોય છે. જો કોઈએ ૨૦૧૧ની ૧ જાન્યુઆરીએ સેન્સેક્સમાં ૧,૦૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો ત્રણ વર્ષના અંતે એનું મૂલ્ય ૧,૦૩,૨૩૪ રૂપિયા થઈ ગયું હોત. જો આ જ રકમ BSEના મિડ કૅપ ઇન્ડેક્સમાં રોકવામાં આવ્યું હોત તો રોકાણનું મૂલ્ય ઘટીને ૮૫,૦૩૬ રૂપિયા થઈ ગયું હોત.

ટૂંકમાં કહીએ તો, અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરતી વખતે જોખમ અને વળતરના સંબંધને લક્ષમાં લેવાની જરૂર પડે છે. મ્યુચ્યુઅલ ફન્ડના પ્રચલિત વાક્ય મુજબ ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં પણ રહેશે એવી કોઈ બાંયધરી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy