યુઆનની મંદીથી સંપત્તિ બચાવવા ચીની નાગરિકો બિટકૉઇનમાં લેવાલ, સરકારની લાલ આંખ

રૂપિયામાં રેન્જબાઉન્ડ ટ્રેડિંગ : યુરોપમાં પણ કૅશહન્ટનાં પગરણ
કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ચીનમાં આર્થિક મંદીજન્ય વાતાવરણ અને યુઆનની નરમાઈ વચ્ચે કૅપિટલ ફ્લાઇટ વધી છે, દેશમાંથી મૂડી બહાર જઈ રહી છે. ચીની યુઆનને તૂટતો રોકવા સરકારે મૂડીનિયંત્રણોનો આશરો લીધો છે. દેશમાંથી મૂડી સગેવગે કરવા ચીની નાગરિકોએ બિટકૉઇન ખરીદીને પોતાની સંપત્તિ કૅશહન્ટથી ઉગારવા બિટકૉઇનનો વપરાશ કરવાથી બિટકૉઇનમાં તેજી ફાટી નીકળી છે. શુક્રવારે બિટકૉઇનના ભાવ ૧૧૬૦ ડૉલરની વિક્રમી સપાટીએ હતા, પણ ચીને બિટકૉઇન વિશે સંચાલકો સાથે બેઠક કર્યા પછી બિટકૉઇનમાં ૨૦૦-૨૫૦ ડૉલરનો કડાકો આવ્યો હતો ચીને કહ્યું છે કે બિટકૉઇન વચ્યુર્અલ છે. કરન્સી-ચલણ તરીકે એનો કોઈ કાનૂની દરજ્જો નથી. ભારતમાં નોટબૅન પછી બિટકૉઇન, સ્વિસકૉઇન જેવી ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં ઉછાળો આવ્યો છે. કાળાં નાણાંને સગેવગે કરવા બિટકૉઇન જેવી કરન્સીમાં મૂડી શિફટ થઈ રહી છે. આ પ્રમાણ નજીવું છે, પરંતુ નજરઅંદાજ કરવા જેવું નથી અને ખાસ તો બિટકૉઇન એ લીગલ ટેન્ડરમાન્ય કરન્સી નથી એટલે મૂડીની સલામતી કેટલી એ વિચાર માગતો પ્રશ્ન છે. બ્લૉકચેઇન ટેક્નૉલૉજી અને પેમેન્ટ-ફિનટેકમાં અત્યારે ૧૮૦ જેટલાં સ્ટાર્ટઅપ આવ્યાં છે. આ સ્થળે બિટકૉઇન વિશે લખવાનો આશય માત્ર એટલો જ છે કે વૈશ્વિક નાણાપ્રણાલીમાં કેવા પ્રવાહ છે અને એમાં ક્યાં કેમ બચીને ચાલવું એ વ્યક્તિગત વિવેકની વાત છે.

ચીની યુઆનમાં કૅપિટલ આઉટફ્લો સૂચવે છે કે ચીની આર્થિક મંદી દેખાય છે એના કરતાં ઘણી ગંભીર હોઈ શકે. યુઆન ડૉલર સામે ૨૦૧૧ પછી નીચી સપાટીએ પહોંચ્યો છે. ગુરુવારે ચીની સરકારે સટોડિયાઓને પાઠ ભણાવવા યુઆનની મંદી રોકવા જબરદસ્ત દરમ્યાનગીરી કરી હતી, ડૉલર વેચ્યા હતા. યુઆન ૬.૯૫થી ઊછળી ૬.૭૮ થઈ ગયો હતો, પણ ફરી યુઆન ૬.૯૧ આવી ગયો હતો. ચીનની ફૉરેક્સ રિઝર્વ ૭ વર્ષની નીચી સપાટી ૩.૦૧ ટ્રિલ્યન ડૉલર થઈ ગઈ છે. પાછલા ૧૭ મહિનામાં ચીનની ફૉરેક્સ રિઝર્વ ૧ ટ્રિલ્યન ડૉલર ઘટી છે. બિટકૉઇનના ભાવ પાછલા એક વર્ષમાં ૫૦ ટકા વધ્યા છે. પાંચ વર્ષમાં બિટકૉઇન ૨૭ ડૉલરથી વધીને ૧૧૦૦ ડૉલર થયા છે. કૅશહન્ટથી બચવા ધનિક રોકાણકારો પોતાની સંપત્તિને અસાધારણ ઍસેટમાં પાર્ક કરી રહ્યા છે, પરંતુ સરકારી સકંજાથી કૅશને બચાવવી ખૂબ જ કપરું કામ છે. વિશ્વભરની સરકારો દેવાળિયા બની ગઈ છે. ખાધપુરવણી-ડેફિસિટ ફાઇનૅન્સિંગ, મૉનિટરી ઇઝિંગ, ક્વૉન્ટિટેટિવ ઇઝિંગમાં બૉન્ડ છાપી-છાપીને દેવું વધાર્યા પછી પુન: ચુકવણી માટે નાણાં અપૂરતાં છે. પેન્શન, સંરક્ષણ, સામાજિક સુરક્ષા અને ભ્રષ્ટાચારને કારણે સરકારી ખર્ચ વધ્યા છે, પણ આવકો વધતી નથી. કરવેરા ઊંચા છે અને નવા વેરા વધારવામાં જનઆક્રોશનો ભય છે એટલે વિશ્વભરની સરકારો કૅશહન્ટ અને વેલ્થ કૉન્ફિસ્કેશન રોકડની નાબૂદી અન સંપત્તિની જપ્તીના સ્વરૂપમાં ખાનગી મિલકતો હડપ કરીને, રોકડની નાબૂદી કરીને દેવું મિટાવી પોતાનો ચોપડો ચોખ્ખો કરવાનાં આયોજન ધરાવે છે.

૨૦૧૩માં યુરોપે ૫૦૦ યુરોની નોટ રદ કરી, ફ્રાન્સે રોકડેથી અથવા કાર્ડથી સોનું ખરીદવા પર નિયંત્રણ મૂક્યાં; G20 દેશોએ ફેબ્રુઆરી ૨૦૧૬માં આતંકવાદ, આર્થિક ગુનાખોરી અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મેળવવા અને મની-લૉન્ડરિંગ રોકવા પર મોટી નોટ રદ કરવાનું, ૧૦૦ ડૉલરની નોટ પણ રદ કરવાની વાત વહેતી કરી હતી. ચલણી નોટોની નાબૂદીનો મૂળ ખ્યાલ અમેરિકાના ભૂતપૂર્વ નાણાસચિવ લૉરેન્સ સમરનો છે. નીચા વ્યાજદરની નીતિના મુખ્ય પ્રણેતા પણ લૉરેન્સ સમર છે અને વ્યાજદરો ઘટાડી મંદી થામવાનો ખ્યાલ ખોટો પડતાં નોટબૅન વડે દેવાનાબૂદીનો ઉકેલ એ તેમની સર્જકતા હોવાનો ગણગણાટ થાય છે. યુરોપમાં નૉર્વે, સ્વીડન અને ડેન્માર્ક કૅશલેસ સોસાયટી તરફ આગળ વધી ગયા છે. ભારતના ડીમૉનેટાઇઝેશનના પ્રયોગ પર વિશ્વભરના બૅન્કરો, રાજકારણીઓ અને ઇલાઇટ જૂથોની નજર છે. જો આ પ્રયોગ સફળ થશે તો આગામી વર્ષોમાં યુરોપમાં પણ નોટબૅન આવશે. યુરોપે ગયા મહિને જ કૅશ અને સોનાની હેરફેર પર અંકુશ મૂક્યા છે. ૧૦,૦૦૦ યુરોથી વધુ રકમની રોકડ અથવા સોનું યુરોપની બહાર જઈ ન શકે કે અંદર આવી ન શકે. જો કોઈની પાસેથી મળે તો એને જપ્ત કરવામાં આવશે. આતંકવાદ ડામવા માટે યુરોપ કૅશ, ગોલ્ડ, બિટકૉઇન-જપ્તી જેવાં પગલાં લેશે એવું અહેવાલો કહે છે.

બજારોની વાત કરીએ તો રૂપિયામાં બેતરફી વધ-ઘટ વચ્ચે દિશાહીન બજાર છે. ડૉલર ઇન્ડેક્સમાં ઉછાળે વેચવાલી આવે છે, ઘટાડે લેવાલી આવે છે. ડૉલર ઇન્ડેક્સ ૧૦૦.૫૦-૧૦૩.૫૦ની રેન્જમાં અથડાઈ રહ્યો છે એટલે રૂપિયો પણ ૬૬.૮૫-૬૮.૮૮ વચ્ચે અથડાતો રહે એવું લાગે છે. આયાતકારોએ ૬૭.૧૫-૬૭.૩૭-૬૭.૪૭ વચ્ચે ડૉલર બુક કરવા ફાયદાકારક ગણાય. નિકાસકારોએ ૬૮.૧૦-૬૮.૩૦-૬૮.૫૫ના મથાળે સ્ર્પોટ ડૉલરના આધારે દૂરના ફૉર્વર્ડ વેચવા.

ક્રૉસ કરન્સીમાં યુરો રૂપીની રેન્જ ૬૯.૭૩, પાઉન્ડની રેન્જ ૮૩-૮૬ ગણાય. ડૉલર યુરોની રેન્જ ૧.૦૪-૧.૦૮, પાઉન્ડની રેન્જ ૧.૨૦-૧.૨૭, યેનની રેન્જ ૧૧૩-૧૨૦ છે. યુરોમાં નીચા ભાવની મંદી અટકી સુધારો શરૂ થયો છે. યેનમાં હજી પણ નરમાઈ લાગે છે. એશિયામાં યેન, યુઆન, કોરિયા વોનમાં નોંધપાત્ર નરમાઈ છે. યુઆન અને યેનની નરમાઈ જોતાં ૨૦૧૭માં એશિયામાં કરન્સી-વૉર, સ્પર્ધાત્મક અવમૂલ્યન, દરેક દેશો પોતાની કરન્સી નબળી રાખીને નિકાસ વધારવાના પ્રયાસ કરશે. ભારતીય રૂપિયો ૨૦૧૬માં ઇમર્જિંગ કરન્સીમાં એકંદર મજબૂત રહ્યો છે. જો રૂપિયામાં થોડો વધુ સુધારો આવે તો ચીન, કોરિયા, જપાન જેવા દેશોમાંથી આયાતી ચીજો કે ઘરેલુ ચીજોનું ડમ્પિંગ વધવાની સંભાવના છે. ૨૦૧૭ના વર્ષમાં કરન્સી-વૉર અને યુરોપની ચૂંટણીઓ તથા ચીન, અમેરિકા, યુરોપ, બ્રિટનના અન્યો સાથેના વેપારી સંબંધો રાજકારણ, અર્થકારણ માટે નોંધપાત્ર પ્રભાવી પરિબળો બની રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy