૨૦૧૭માં ઇન્ડસ્ટ્રિયલ અને પ્રેશ્યસ કૉમોડિટીમાં સંગીન કમાણીની અનેક તકો મળશે

સ્ટીલ, કોક, આયર્ન ઓર અને બેઝ મેટલના ભાવ બૉટમઆઉટ થઈને તેજીમય બન્યા છે: ક્રૂડ તેલના ભાવ ૧૮ મહિનાની ઊંચાઈએ પહોંચી ચૂક્યા છે, ૨૦૧૭માં વધુ તેજીનાં ફન્ડામેન્ટલ્સ: સોના-ચાંદી સહિત તમામ પ્રેશ્યસ મેટલનાં ફન્ડામેન્ટલ્સ નવી તેજીના સંકેત આપે છે

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

નવા વર્ષનો સૂર્યોદય નવી આશા સાથે ઊગી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ વગેરે વર્લ્ડના કી-મેકર નેતાઓની આગવી અને આક્રમક નીતિઓની રાહ સાથે ૨૦૧૭નું વર્ષ અનેક નવી આશાઓ, આકર્ષણો, રોમાંચકતા સાથે શરૂ થઈ રહ્યું છે.

જોકે આતંકવાદ, ક્લાયમેન્ટ ચેન્જ અને ન્યુક્લિયર શસ્ત્રોની દોટથી યુદ્ધની ચિંતાઓ પણ ૨૦૧૭ના વર્ષના આરંભે સતત વધી રહી છે. ખેર આવી મિશ્ર આશા-અપેક્ષાઓ સાથે શરૂ થયેલા વર્ષમાં ઇન્વેસ્ટરો, ટ્રેડરો, પ્રોસેસરો અને હેજરો માટે ઇન્ડસ્ટ્રિયલ અને પ્રેશ્યસ કૉમોડિટીમાં નવી કમાણી કરવાની તક આપતું ૨૦૧૭નું વર્ષ નીવડે એવા પૉઝિટિવ સંકેત મળી રહ્યા છે. અમેરિકાના નવા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ અને ચીનનું સ્ટ્રક્ચરલ રિફૉર્મ એ બન્ને બાબતો ૨૦૧૭ના વર્ષમાં ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટી માટે ગેમ-ચેન્જર બની રહેશે. ખાસ કરીને ચીનનું ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીની કૅપેસિટીનું કટિંગ આયર્ન ઓર, સ્ટીલ, કોક, કૉપર, ઍલ્યુમિનિયમ વગેરે ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીમાં નવી તેજી લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.

ચીન ગેમ-ચેન્જર બનશે

ચીનનું ઇકૉનૉમિક ટ્રાન્સમિશન પૂરું થઈ ચૂક્યું છે અને હવે ચીને સ્ટેબલ ગ્રોથ હાંસલ કરી લીધો હોવાથી ૨૦૧૭માં ચીનની ગવર્નમેન્ટ સ્ટ્રક્ચરલ રિફૉર્મનાં નવાં પગલાં લેશે. ચીને ૨૦૧૬ના શરૂઆતનાં ત્રણેય ક્વૉર્ટરમાં ૬.૭ ટકાનો ગ્રોથ-રેટ જાળવી રાખ્યો હતો. ૨૦૧૬ના આરંભે ચીને ૬.૫થી ૭ ટકાના ગ્રોથ-રેટનો ટાર્ગેટ મૂક્યો હતો. ઑગસ્ટથી નવેમ્બર મહિનાના ચીનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં હવે ૨૦૧૭માં કદાચ ચીન ૭ ટકા કરતાં વધુ ગ્રોથ હાંસલ કરે એવી શક્યતા દેખાવા લાગી છે. ચીને સ્ટ્રક્ચરલ રિફૉર્મ માટે સ્ટીલ કૅપેસિટી ૨૦૨૦ સુધીમાં ૧૦થી ૧૫ કરોડ ટન ઘટાડવાનો ટાર્ગેટ ૨૦૧૫માં નિશ્ચિત કર્યો હતો. ૨૦૧૬માં ચીને ૪.૫ કરોડ ટન સ્ટીલ કૅપેસિટી ઘટાડી હતી. કોલસાનું ઉત્પાદન ૨૦૨૦ સુધીમાં ૫૦ કરોડ ટન ઘટાડવાનો ટાર્ગેટ નિશ્ચિત કર્યો હતો. ૨૦૧૬ના અંત સુધીમાં ચીને ૨૫ કરોડ ટન કોલસાનું ઉત્પાદન ઘટાડ્યું હતું. કૉપર, ઍલ્યુમિનિયમ અને ઝિન્કની કૅપેસિટી ઘટાડવા પણ ચીને ૨૦૧૬માં આક્રમક પગલાં લીધાં હતાં. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ સ્ટેબલ બનતાં ઑટો સેક્ટરનો ગ્રોથ ઝડપી બન્યો છે. ૨૦૧૬માં ચીનના ઑટો સેક્ટરમાં બેઝ મેટલનો વપરાશ ૧.૮ ટકા વધ્યો હતો. ૨૦૧૭માં આ ગ્રોથ ૧.૩ ટકા વધવાની ધારણા છે. ચીને સ્ટેબલ ગ્રોથ હાંસલ કર્યા બાદ ઝડપી ગ્રોથ માટે મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ચીને ૫૦૩ અબજ ડૉલરનો ખર્ચ કરીને હાઈ સ્પીડ રેલવેનું નવું કૉરિડોર ૨૦૨૦ સુધીમાં બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો એ માટે ૩૦,૦૦૦ કિલોમીટરમાં નવી રેલવેલાઇન યુદ્ધના ધોરણે બિછાવવામાં આવશે.

રેલવે-પ્રોજેક્ટ માટે કરોડો ટન કૉપર, ઍલ્યુમિનિયમ અને અન્ય બેઝ મેટલની જરૂરિયાત ઊભી થશે. એ ઉપરાંત ચીને પ્રૉપર્ટી માર્કેટની તેજીને રોકવા બૅન્ક લૅન્ડિંગના નિયમો કડક કરીને મની સપ્લાય નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વધારવાનો નિર્ણય લેતાં ડૅમ, રસ્તા અને અનેક નવી સુવિધાઓના અનેક નવા પ્રોજેક્ટો ૨૦૧૭માં ચીનમાં ઊભા થશે અને એ માટે જંગી મટીરિયલ્સની જરૂર પડશે. ઇન્ડસ્ટ્રિયલ મેટલના ઉત્પાદનમાં અગ્રીમ હરોળમાં રહેલા ઑસ્ટ્રેલિયા સાથે ચીને ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ કર્યું છે. ઇન્ડસ્ટ્રિયલ એક્સપટ્ર્સના માનવા પ્રમાણે આ ઍગ્રીમેન્ટ બાદ ચીન વર્લ્ડની થર્મલ કોલ માર્કેટમાં વાઇલ્ડ કાર્ડ રમીને એનું આધિપત્ય ઊભું કરશે.

આયર્ન ઓર તથા બેઝ મેટલની માર્કેટ

ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીમાં શિરમોર રહેલી આયર્ન ઓર માર્કેટમાં વર્ષોથી ચાલી આવતી મંદી હવે પૂરી થઈ ચૂકી છે. સ્ટીલ તેમ જ અન્ય ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીના રૉ-મટીરિયલ્સ તરીકે વપરાતા આયર્ન ઓરના ભાવ ડિસેમ્બર-એન્ડ સુધીમાં ઘટીને ટનના ૪૦ ડૉલર થશે એવી આગાહીઓ વચ્ચે મેગા પ્રોડ્યુસરોએ પ્રોડક્શન કટ કરતાં ભાવ અત્યારે વધીને ૮૦ ડૉલરે પહોંચ્યા છે. આયર્ન ઓરના ત્રણ મેગા પ્રોડ્યુસર્સો વાલે, રિઓ ટિન્ટો અને બિલિટોને ૨૦૧૬ના પ્રથમ ૬ મહિનામાં ૭ કરોડ ટન પ્રોડક્શન ઘટાડતાં આર્યન ઓર માર્કેટ તેજીની રાહે

આગળ વધી રહી છે. બેઝ મેટલ માર્કેટમાં કૉપર-ઍલ્યુમિનિયમ માર્કેટ ૨૦૧૬માં સપ્લાય ડેફિસિટનો સામનો કરી રહી છે. કૉપરના ભાવ વર્લ્ડ માર્કેટમાં ૨૦૧૬ના આરંભે ૪૪૦૦ ડૉલર હતા એ વધીને ૮૬૦૦ ડૉલર ચાલી રહ્યા છે. ઍલ્યુમિનિયમની ખરીદી જપાન અત્યારે વર્લ્ડ માર્કેટના ભાવ કરતાં પ્રતિ ટન ૯૫થી ૧૧૦ ડૉલરના પ્રીમિયમે કરી રહ્યું છે. ચીનમાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન ૧૫ મહિનાના તળિયે પહોંચ્યું છે. ફિલિપીન્સ અને ઇન્ડોનેશિયામાં નિકલની સપ્લાયના ઇશ્યુ સતત વધી રહ્યા હોવાથી નિકલના ભાવ પણ સતત વધી રહ્યા છે. લીડની સપ્લાયમાં પણ ડેફિસિટ સતત વધી રહી છે.

ક્રૂડ તેલમાં તેજીની નવી આશા

ઓપેક (OPEC - ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)એ નવેમ્બરમાં દર દિવસ ૧૨ લાખ બૅરલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યા બાદ નૉન-ઓપેક દેશોએ પણ દિવસદીઠ ૬ લાખ બૅરલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કરતાં ક્રૂડ તેલના ભાવ વર્લ્ડ માર્કેટમાં ૧૮ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ૨૦૧૬ના આરંભે ૩૦ ડૉલર આસપાસ ખૂલેલા ક્રૂડ તેલના ભાવ ૨૦૧૬ના અંતે ૫૫ ડૉલરે પહોંચ્યા છે. આવનારા દિવસોમાં અમેરિકા-ચીન સહિત યુરોપ, જપાન અને ભારતના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ગ્રોથને કારણે ક્રૂડ તેલનો વપરાશ સતત વધતો રહેવાનો છે. એ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ઇસ્લામિક સ્ટેટના વધતા પ્રભાવને કારણે ઈરાન-ઇરાકની સપ્લાયમાં ગમે ત્યારે કાપ આવવાની શક્યતા છે. વળી રશિયા અને અમેરિકા વચ્ચે શીતયુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું હોવાથી રશિયાની ક્રૂડ-સપ્લાય પણ ગમે ત્યારે વર્લ્ડ માર્કેટમાં અટકી શકે છે. ઈરાનની ન્યુક્લિયર શસ્ત્રોની દોડ પણ ગમે ત્યારે તનાવ વધારી શકે છે. આ તમામ ફૅક્ટરો જોતાં ક્રૂડ તેલના ભાવમાં ૨૦૧૭માં મોટી અને અણધારી તેજી આવી શકે છે.

અમેરિકાનો સ્ટ્રૉન્ગ ગ્રોથ

અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ આખા વિશ્વનાં ઇકૉનૉમિક ઇન્ડિકેટરો ફરી ગયાં છે. ડોનલ્ડ ટ્રમ્પ ટૅક્સ રિફૉર્મ કરીને જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ કરવાના મૂડમાં છે. વળી અમેરિકાનો ઇકૉનૉમિક ગ્રોથ દિવસે-દિવસે સ્ટ્રૉન્ગ બની રહ્યો છે. ડોનલ્ડ ટ્રમ્પે ઇલેક્શન-કૅમ્પેનમાં આપેલા વચન અનુસાર કૉર્પોરેટ ટૅક્સ ૩૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરશે તો ડૉલરનું ઑફશૉર ઇન્વેસ્ટમેન્ટ રાતોરાત અમેરિકામાં પાછું ફરશે અને અમેરિકાનો ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ રાતોરાત અનેકગણો વધી જશે. મલ્ટિ હાઈ ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ અને જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગથી અમેરિકાની ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીની માગમાં મોટો વધારો થશે જે સ્ટીલ, કોક, આયર્ન ઓર અને તમામ બેઝ મેટલની માર્કેટમાં નવી તેજી લાવશે.

સોના-ચાંદીમાં તેજીના ચાન્સ

સતત ચાર વર્ષ મંદીમાં રહ્યા બાદ ૨૦૧૬માં સોના-ચાંદી બન્નેમાં તેજી જોવા મળી હતી. સોના કરતાં ૨૦૧૬માં ચાંદી વધુ વધી હતી. ૨૦૧૭માં પણ સોના કરતાં ચાંદીમાં વધુ તેજી જોવા મળશે, કારણ કે ચાંદીને સોના ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ કૉમોડિટીની તેજીનો પણ સર્પોટ મળશે. વળી વિશ્વમાં ક્લાયમેન્ટ ચેન્જની અસરો વધી રહી હોવાથી તમામ દેશો રિન્યુઅબલ એનર્જી‍ તરફ આગળ વધી રહ્યા છે જેમાં સોલર એનર્જીનો ઉપયોગ ટોચ પર હોવાથી ૨૦૧૭માં સોલર પૅનલનું ઉત્પાદન અનેકગણું વધશે. સોલર પૅનલ બનાવવામાં ચાંદીનો જ મહત્તમ ઉપયોગ થતો હોવાથી ચાંદીની ઇન્ડસ્ટ્રિયલ માગમાં ૨૦૧૭માં મોટો વધારો થશે. વળી ચાંદીના ભાવ ૨૦૧૧ના ટૉપ લેવલથી વધુ પડતા ઘટી ગયા છે. સોનું અને ચાંદી બન્નેનું માઇન્સ-પ્રોડક્શન લાંબા સમયથી વધી રહ્યું હતું એ ૨૦૧૬થી ઘટી રહ્યું છે. ૨૦૧૭માં સોનું-ચાંદીનું માઇન્સ-પ્રોડક્શન ઘટશે. સ્ટૉક માર્કેટ, પ્રૉપર્ટી માર્કેટ અને બૉન્ડ માર્કેટ મલ્ટિયર હાઈ લેવલે હોવાથી હવે આ તમામ માર્કેટમાં તેજીનાં બબલ ફૂટશે અને આ માર્કેટમાં કમાયેલાં નાણાં સોના-ચાંદીમાં આવતાં તેજીનાં નવાં દ્વાર ખૂલશે. જોકે સોનું અને ચાંદી ૨૦૧૭માં વધુપડતું વૉલેટાઇલ રહીને પણ ૨૦૧૭ના અંતે તગડી કમાણી કરાવશે. પ્લૅટિનમ અને પેલેડિયમનો ઉપયોગ ઑટો સેક્ટરમાં સતત વધી રહ્યો હોવાથી સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ગ્રોથની અસરે આ બન્ને પ્રેશ્યસ મેટલના તળિયે પહોંચેલા ભાવમાં પણ તેજી થવાની શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy