ખેતપેદાશોની સરકારી ખરીદી દ્વારા વોટબૅન્કનું રાજકારણ રમવામાં મોદી સરકાર ભેખડે ભરાઈ

રાજસ્થાન, મધ્ય પ્રદેશની આગામી ચૂંટણી જીતવા ચણા-રાયડાની જંગી ખરીદીનો ખેલ છતાં અત્યારે સ્થિતિ ગંભીર : ચૂંટણીઓ જીતવા કરોડો રૂપિયાની ખેતપેદાશોની ખરીદી કર્યા બાદ એના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેતપેદાશો ગોડાઉનમાં સડીને બરબાદ થઈ રહી છે

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૪માં ખેડૂતોની કમાણી પાંચ વર્ષમાં બમણી કરવાનાં વચનો આપીને ખેડૂતોની વોટબૅન્ક વડે સત્તા હાંસલ કરી લીધી, પણ શાસનનાં ચાર વર્ષમાં ખેડૂતોની સ્થિતિ હતી ત્યાં ને ત્યાં જ રહેતાં હવે દેશભરના ખેડૂતો વીફર્યા છે એથી ખેડૂતોને ખુશ કરવા મોદી સરકાર વિવિધ તરકીબો અપનાવી રહી છે,ણ આ તરકીબોનાં ધાર્યાં પરિણામો મળતાં ન હોવાથી હવે નરેન્દ્ર મોદી સરકાર ભેખડે ભરાઈ હોય એવી સ્થિતિ સર્જા‍ઈ છે. સંસદની ૨૦૧૪ની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઢંઢેરામાં ખેડૂતોને ધોળે દિવસે તારા તોડી લાવવા જેવાં વચનો આપવામાં હતાં, પણ આ તમામ વચનોમાંથી એક પણ કાર્ય એવું નથી થયું કે જેના વડે ભારતના ખેડૂતોની સ્થિતિ સુધરી હોય. કૉન્ગ્રેસના શાસનમાં દર વર્ષે ૧૨થી ૧૫ હજાર ખેડૂતો આત્મહત્યા કરતા હતા એ સ્થિતિમાં પણ ફેર નથી પડ્યો, ૨૦૧૭માં દેશમાં ૧૨ હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનો રિપોર્ટ ખુદ સરકારે સુપ્રીમ કોર્ટને આપ્યો છે.

ખેડૂતોની વોટબૅન્ક અંકે કરવા મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)થી જંગી ખેતપેદાશોની ખરીદી કરવાનું મોદી સરકારે છેલ્લાં બે વર્ષથી શરૂ કર્યું છે. હવે આ સ્કીમનો ઉપયોગ ચૂંટણીઓ જીતવા થવા લાગ્યો છે. ગુજરાત વિધાનસભાની ગત ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણી જીતવા પ્રતિ ક્વિન્ટલ ૪૫૦૦ રૂપિયાના ભાવે કુલ ૩૭૩૬.૨૪ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૮.૩૦ લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. મગફળીની ખરીદીમાં અનેક ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ થઈ હતી એને પગલે સરકારે કડક તપાસ શરૂ કરતાં ગુજરાતમાં મગફળીનાં ત્રણ ગોડાઉનો સળગાવી દેવાના બનાવો પણ બન્યા હતા. ગુજરાત સરકારે આ મગફળી જ્યારે વેચવા કાઢી ત્યારે વેપારીઓએ બહુ જ ઓછો રસ દાખવ્યો હતો, કારણ કે સરકાર દ્વારા ખરીદવામાં આïવેલી મગફળીમાં ધૂળ, કચરો, માટી વગેરે ભરપૂર માત્રામાં નીકળ્યાં હોવાના અનેક દાખલાઓ સામે આવ્યા હતા. ગુજરાત સરકાર માટે ૮.૩૦ લાખ ટન મગફળીનો નિકાલ કરવો શિરદર્દ બની ચૂક્યું હતું. અંતે પ્રતિ ક્વિન્ટલ ૪૫૦૦ રૂપિયામાં ખરીદેલી મગફળી ૩૨૦૦થી ૩૭૦૦ રૂપિયામાં વેચાઈ હતી. સરકારને મગફળીની ખરીદીમાં મોટી ખોટ સહન કરવી પડી હતી, પણ એનાથી સરકારને ક્યાં કંઈ ફરક પડે છે, કારણ કે જે નુકસાન જશે એ તો મારા-તમારા પરસેવાની કમાણીમાંથી થવાનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા આ આખું ત્રાગું રચાયું હતું, પણ તેમાં પણ BJPને ધારી સફળતા નહોતી મળી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્યવિસ્તારની તમામ બેઠકોમાં BJPએ હારનો સામનો કરવો પડ્યો હતો. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ શહેરોની બેઠકોમાં BJPની જીત થતાં ગુજરાતની વિધાનસભામાં માત્ર સાત બેઠકોની બહુમતીથી BJPએ સરકાર બનાવી હતી.

હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ બન્ને રાજ્યોના મુખ્ય રવી પાક રાયડો અને ચણા છે અને આ બન્ને ખેતપેદાશનું આ વર્ષે જંગી ઉત્પાદન થતાં ખેડૂતોને પૂરતા ભાવ મળવા મુશ્કેલ હતા. બન્ને ખેતપેદાશના બજારભાવ MSPથી નીચા ચાલતા હતા. ચણાની MSP સરકારે પ્રતિ ક્વિન્ટલ ૪૪૦૦ રૂપિયા નક્કી કરી હતી અને બજારમાં ભાવ પ્રતિ ક્વિન્ટલ ૩૧૦૦થી ૩૨૦૦ રૂપિયા ચાલતા હતા. એક તરફ સરકાર ખેડૂતોને દોઢી કમાણી આપવાનાં સપનાં દેખાડતી હતી અને બીજી તરફ ખુલ્લા બજારમાંથી ખેડૂતોને સરકારે નક્કી કરેલી MSP જેટલા ભાવ પણ મળતા નહોતા. રોષે ભરાયેલા ખેડૂતોને ખુશ કરવા અને રાજસ્થાન-મધ્ય પ્રદેશની ચૂંટણીઓ જીતવા સરકારે ૨૯ લાખ ટન ચણા અને ૮.૩૦ લાખ ટન રાયડાની ખરીદી કરી હતી. ચણા અને રાયડાનો જંગી જથ્થો સરકારી ગોડાઉનમાં અત્યારે પડ્યો છે. આટલી મોટી સરકારી ખરીદીને પગલે ચણાનો ભાવ ખુલ્લા બજારમાં ૩૧૦૦-૩૨૦૦ રૂપિયાથી વધીને તાજેતરમાં ૪૩૦૦ રૂપિયા થયો હતો અને રાયડાનો ભાવ પણ MSP ૪૦૦૦ રૂપિયાની નજીક પોંચ્યો હતો. ચણા અને રાયડાના જંગી સ્ટૉકને કારણે અત્યારે ગોડાઉનો ભરચક છે અને ખરીફ સીઝનની આવકો હવે માથે દેખાવા લાગી છે. ચણા અને રાયડાનો સ્ટૉક ખાલી કરવો હવે અનિવાર્ય બન્યો છે.

તાજેતરમાં સરકારે ચણા અને રાયડાનો સ્ટૉક ખાલી કરવા સરકારી એજન્સીને મંજૂરી આપી હતી, પણ આ મંજૂરીના સમાચારને પગલે ચણા અને રાયડાનો ભાવ ખુલ્લા બજારમાં ગગડવા લાગ્યો હતો. જો સરકાર ચણા અને રાયડાનું વેચાણ કરશે તો ખુલ્લા બજારમાં ભાવ ઘટશે અને ખેડૂતોની નારાજગી સહન કરવી પડશે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી વખતે ચણા અને રાયડાનો ભાવ MSPની નીચે હશે તો ખેડૂતો ફરી વીફરશે અને BJPને મત નહીં આપે. ચણા અને રાયડાનું વેચાણ જો એકાદ-બે મહિનામાં નહીં થાય તો બન્ને ખેતપેદાશો સડવા લાગશે. આમ સરકાર અત્યારે ચણા અને રાયડાના સ્ટૉક બાબતે બરાબરની ભેખડે ભરાઈ છે.

મગફળી, ચણા અને રાયડા સહિત દરેક ખેતપેદાશની સરકાર દ્વારા જંગી ખરીદી અને ત્યાર બાદ એના નિકાલ માટે યોગ્ય પૉલિસીના અભાવને કારણે છેલ્લાં બે વર્ષથી ભારતીય કૃષિ સેક્ટરને ઘણું જ નુકસાન થયું છે. એક તરફ ખેડૂતોને તેમની મહેનતના યોગ્ય ભાવ નથી મળતા, સરકારી ખરીદીમાં ઠેર-ઠેર ભ્રષ્ટાચાર થતો હોવાથી નાણાંની મોટી બરબાદી થાય છે અને અધૂરામાં પૂરું સરકાર દ્વારા ખરીદવામાં આવેલી જંગી ખેતપેદાશોના નિકાલની કોઈ નિશ્ચિત પૉલિસી ન હોવાથી સરકારી ગોડાઉનમાં આ ખેતપેદાશો સડીને બરબાદ થાય છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની તુવેર સરકારી ગોડાઉનમાં સડીને બરબાદ થઈ હતી જેનો સ્વીકાર મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં કર્યો હતો. વળી સરકાર જે ભાવે ખરીદે છે એના કરતાં ૩૦થી ૪૦ ટકા નીચા ભાવે આ ખેતપેદાશો ખુલ્લા બજારમાં વેચાય છે. સરકારે ગત વ્રષે પ્રતિ ક્વિન્ટલ ૫૪૫૦ રૂપિયામાં તુવેર ખરીદી હતી જે અત્યારે પ્રતિ ક્વિન્ટલ ૩૫૦૦ રૂપિયામાં ખુલ્લા બજારમાં વેચાય છે. અડદ અને મગની પણ આવી જ સ્થિતિ છે. મગફળી પણ સરકારે જે ભાવે ખરીદી એેના કરતાં ૪૦ ટકા નીચા ભાવે ખુલ્લા બજારમાં વેચી હતી. ચણા અને રાયડાની સ્થિતિ પણ આવી થવાની છે, કારણ કે સરકારી ખરીદીમાં નર્યો ભ્રષ્ટાચાર થતો હોવાથી અને ધૂળ, માટી, કચરો ભેળસેળ થતો હોવાથી વેપારીઓ સરકારે ખરીદેલી ખેતપેદાશો સસ્તા ભાવે મળે તો જ ખરીદે છે.

ભારતનું કૃષિ સેક્ટર અત્યારે કંગાળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કૃષિ સેક્ટર અને ખેડૂતોના પ્રfનો એટલા મોટા છે કે જેનું નિરાકરણ લાવવા કોઈ સરકારે એના રાજકીય લાભોને કોરાણે મૂકીને દેશહિત માટે નિર્ણય લેવાની જરૂર છે. દેશ આઝાદ થયો ત્યાર બાદનાં ૭૧ વર્ષમાં કૉન્ગ્રેસે પંચાવન વર્ષના શાસનમાં ખેડૂતોને માત્ર ને માત્ર વોટબૅન્ક તરીકે જ ઉપયોગ કરીને દેશના કૃષિ સેકટર અને ખેડૂતોને બરબાદ કરવામાં કોઈ કમી નથી રાખી અને બાકી રહેલાં ૧૬ વર્ષમાં BJP અને અન્ય ખીચડી સરકારોએ પણ ખેડૂતોના હિત માટે કોઇ નિર્ણયો રુન્શ્વ લીધા. નરેન્દ્ર મોદી સરકારે છેલ્લાં ચાર વર્ષમાં માત્ર ને માત્ર ખેડૂતોના હિતની મોટી-મોટી વાતો જ કરી છે, પણ વાસ્તવિક રીતે ખેડૂતો પગભર બનીને કૃષિ સેકટરનો વિકાસ કરે એવા કોઈ પગલાં જ નથી લીધાં. અત્યાર સુધીની તમામ સરકારોએ ખેડૂતો બિચારા, ગરીબ અને ઓશિયાળા બનીને રહે એવા જ પ્રયત્નો કર્યા છે. આવાં કાર્યોની પરાકાષ્ઠા છેલ્લાં ચાર વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારમાં જોવા મળી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માત્ર ઉત્તર પ્રદેશના ખેડૂતોનાં જ દેવાં માફ કરી દેવાં અને આખા દેશના ખેડૂતોને ઠેંગો બતાવી દેવો, આ મૂલ્યવિહીન અને ગંદું રાજકારણ નથી તો શું છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK