ક્રૂડનો ભાવવધારો, વ્યાજદરનો વિશ્વવ્યાપી વધારો ને રૂપિયાના અવમૂલ્યનની આગેકૂચ આપણા આર્થિક વિકાસ પર પ્રભાવ પાડી શકે

IMFના રિપોર્ટ પ્રમાણે લાંબા સમય સુધી પ્રવર્તમાન વિશ્વવ્યાપી નરમ મૉનિટરી પૉલિસી અને નીચા વ્યાજના દરોથી વિકસતા અને ઊભરતા દેશોને મોટો ફાયદો થયો છે, પણ આ સમય દરમ્યાન ઊભી અને ભેગી થયેલી નાણાકીય નબળાઈઓ હવે વિશ્વના અને એમાંય ખાસ કરીને ઊભરતા અર્થતંત્ર માટે મોટા ખતરારૂપ છે

oil

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

આર્થિક વિકાસનો દર વધતો હોય તથા જથ્થાબંધ અને છૂટક ભાવાંક અંકુશમાં હોય છતાં રૂપિયાનો ચળકાટ ઓછો થતો જાય છે, ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે.

૨૦૧૮ના પ્રથમ ચાર મહિના (જાન્યુઆરીથી એપ્રિલ ૨૬)માં રૂપિયાની બાહ્ય કિંમતમાં ૪.૬ ટકાનો ઘટાડો થયો છે. આ સમય દરમ્યાન જપાન, ચીન, થાઇલૅન્ડ, મલેશિયા અને સિગાપોરના ચલણની ડૉલર સામેની કિંમતો વધી છે. હૉન્ગકૉન્ગ, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાના ચલણની ડૉલર સામેની કિંમત ઘટી છે, પણ રૂપિયાની કિંમતના ઘટાડા કરતાં આ ઘટાડો ઓછો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ બધાં ચલણો સામે પણ રૂપિયો નબળો પડ્યો છે. ૨૦૧૭ના પ્રથમ ચાર મહિનામાં રૂપિયાની બાહ્ય કિંમતમાં વધારો થયો હતો.

એક ડૉલરના ૬૬.૭૬ રૂપિયાની કિંમત સાથે રૂપિયો ગમે એ ઘડીએ ૬૭ રૂપિયા કરતાં નીચે ઊતરી જશે. આજે રૂપિયાની બાહ્ય કિંમત એની છેલ્લા ૧૪ મહિનાની નીચી સપાટીએ છે (૨૦૧૭ની ૨૨ ફેબ્રુઆરીએ રૂપિયાનું મૂલ્ય ૧ ડૉલરના ૬૬.૯૭ રૂપિયા હતું). ૨૦૧૮ની શરૂઆતથી જ રૂપિયા પરના વધી રહેલા દબાણમાં છેલ્લા પખવાડિયામાં વધારો થયો છે. આમ આ વર્ષે રૂપિયાની કિંમતના સતત ઘટાડાનું કારણ શું? આ માટે કોઈ એક કારણ નહીં, ઘણાંબધાં આંતરિક અને બાહ્ય પરિબળો એકસાથે જવાબદાર છે. ઇન્ટ્રા-ડેમાં ગયા અઠવાડિયે રૂપિયો ૬૬.૯૦ જેટલો નીચે ઊતરી ગયો હતો.

આ બધામાં સૌથી અગત્યનું કારણ હોય તો એ ક્રૂડ ઑઇલના આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધી રહેલા ભાવો. ક્રૂડ ઑઇલના ભાવોનો ભડકો ફિસ્કલ ડેફિસિટ, કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) અને ભાવાંક જેવાં મેક્રો-ઇકૉનૉમિક પરિબળોને નબળાં પાડવાની ક્ષમતા ધરાવે છે. આ ડરથી ચિંતિત બનીને વિદેશી રોકાણકારો તેમના સ્ટૉક-માર્કેટનું અને બૉન્ડ-માર્કેટનું મૂડીરોકાણ પાછું ખેંચી રહ્યા છે. ટ્રમ્પના સંરક્ષણવાદતરફી વલણ અને વેપારયુદ્ધની ધમકીએ પણ રૂપિયા પરનું દબાણ વધાર્યું છે.

ભારત ક્રૂડ ઑઇલની નેટ આયાત કરતો દેશ હોવાથી ક્રૂડના વધતા ભાવો આપણા આયાતબિલને અસ્તવ્યસ્ત કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. આને કારણે ૨૦૧૭-’૧૮માં આપણી નિકાસ ૧૦ ટકા જેટલી જ વધી, જ્યારે આયાતોમાં ૨૦ ટકાનો ધરખમ વધારો થયો. પરિણામે આપણી વેપારખાધ વધીને ૧૫૭ બિલ્યન ડૉલર (૨૦૧૬-’૧૭માં ૧૦૮ બિલ્યન ડૉલર) થઈ ગઈ. આ ઊંચી વેપારખાધ આપણે માટે CADની સમસ્યા સરજ્યા વિના ન રહે. રેટિંગ-એજન્સી ઇકરાના અભ્યાસ પ્રમાણે ૨૦૧૭-’૧૮ની અંદાજિત CAD ૪૬થી ૪૮ બિલ્યન ડૉલર (૨૦૧૬-’૧૭માં ૧૫.૨ બિલ્યન ડૉલર) થવાની સંભાવના છે જે ૨૦૧૬-’૧૭માં આપણી રાષ્ટ્રીય આવકના ૦.૭ ટકા જેટલી હતી એ વધીને ૨૦૧૭-’૧૮માં ૧.૮ ટકા જેટલી થશે.

આજે ક્રૂડ ઑઇલના ભાવો બૅરલદીઠ ૭૫ ડૉલરની સપાટી કુદાવી ગયા છે. ચાલુ નાણાકીય વર્ષે ક્રૂડ ઑઇલનો બૅરલદીઠ સરેરાશ ૬૫ ડૉલરનો ભાવ પકડીએ તો પણ CAD રાષ્ટ્રીય આવકના ૨.૪ ટકા જેટલી ઊંચી રહેવાની. ક્રૂડ ઑઇલના ભાવો વર્ષ દરમ્યાન વધતા જ રહ્યા તો સરેરાશ ૭૫ ડૉલરના ભાવે CAD વધીને ૭૫ બિલ્યન ડૉલર જેટલી એટલે કે રાષ્ટ્રીય આવકના ત્રણ ટકા જેટલી થશે એટલે કે ૨૦૧૮-’૧૯માં CAD છેલ્લાં ૬ વર્ષની સૌથી ઊંચી સપાટીએ હશે. ૨૦૧૩-’૧૪માં ક્રૂડના સરેરાશ ભાવ બૅરલદીઠ ૧૦૮ ડૉલર જેટલા ઊંચા હતા ત્યારે પણ CAD રાષ્ટ્રીય આવકના ૧.૭ ટકા જેટલી હતી.

સામાન્ય રીતે આપણું કરન્ટ અકાઉન્ટ (ચીજવસ્તુઓ અને સેવાઓનો વેપાર) ડેફિસિટવાળું હોય છે, પણ વિદેશી મૂડીરોકાણને કારણે અને વિદેશમાં વસતા ભારતીય નાગરિકો દ્વારા મોકલાતા ડૉલરને કારણે કરન્ટ અકાઉન્ટની ખાધ ભરપાઈ થયા પછી પણ આપણું ઓવરઑલ બૅલૅન્સ ઑફ પેમેન્ટ (BOP) પુરાંતવાળું હોય છે આને પરિણામે વષોર્વર્ષ આપણું વિદેશી હૂંડિયામણ વધતું રહે છે. એક અંદાજ પ્રમાણે કેટલાંયે વર્ષો પછી પ્રથમ વાર ચાલુ નાણાકીય વર્ષે આપણું ઓવરઑલ BOP પણ માઇનસ રહેવાની સંભાવના છે. CAD ભરપાઈ થઈ શકે એના કરતાં વિદેશી મૂડીનો પ્રવાહ (પછી એ FDIરૂપે હોય, શૅરબજારનું રોકાણ હોય, વિદેશી સહાય હોય કે ભારતીય નાગરિકો દ્વારા પાછા મોકલાતા ડૉલર હોય) ઓછો થાય એટલે BOPની કટોકટી સર્જાવાની. પરિણામે હજી પણ રૂપિયાના વધારાના અવમૂલ્યનને નકારી શકાય નહીં. આ ઉપરાંત રાજ્યોની વિધાનસભાઓ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં પણ રૂપિયો વધારે નબળો પડી શકે. આવતા એકાદ વર્ષમાં રૂપિયો ડૉલર સામેની ૬૦.૮૯ની ઐતિહાસિક સપાટી તોડીને એક નવો રેકૉર્ડ ઊભો કરી શકે.

૨૦૧૭-’૧૮ના પ્રથમ ૯ મહિના (એપ્રિલથી ડિસેમ્બર) દરમ્યાન જ્Dત ગયા વર્ષના આ જ ગાળા કરતાં ૨૫ ટકા ઓછી હતી એટલે કે CAD વ્યાજના દર સાથે સંવેદનશીલ હોય એવી વિદેશી મૂડી દ્વારા ભરપાઈ કરાઈ છે. હવે પછીના મહિનાઓમાં અમેરિકામાં અને વિશ્વભરમાં વ્યાજના દર વધવાના હોય અને આપણે ત્યાંના વધારા કરતાં વધુ વધે એમ હોય ત્યારે વ્યાજના દરનો તફાવત (જે વિદેશી મૂડીરોકાણકારો માટે મુખ્ય આકર્ષણ ગણાય છે) ઘટી જવાનો જે વિદેશી મૂડીના પ્રવાહને વધારે નબળો પાડી શકે એટલે કે ઘટાડી શકે. એક તરફ CAD વધતી જાય અને બીજી તરફ વિદેશી મૂડીનો પ્રવાહ ઘટતો જાય તો નાણામંત્રાલયે અને રિઝર્વ બૅન્કે એ વિશે ગંભીરતાથી વિચારવું પડે. વધતાજતા ઑઇલના ભાવો ભાવવધારાના પ્રશ્નને ઉગ્ર બનાવી શકે અને આર્થિક વિકાસના દરને ઘટાડી શકે.

આ પરિસ્થિતિમાં આપણે ગભરાટ ફેલાવવાની જરૂર નથી, કારણ કે દેશનું વિદેશી હૂંડિયામણ ૪૨૬ બિલ્યન ડૉલરની વિક્રમ સપાટીએ છે. વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ૨૦૧૭માં દેશમાં ઠલવાયેલા ડૉલરના પ્રવાહે પણ વિક્રમ સરજ્યો છે.

૨૦૧૭માં ૬૯ બિલ્યન ડૉલર સાથે ભારત પહેલા ક્રમાંકે હતું. ૬૪ બિલ્યન ડૉલરની આવી આવક સાથે ચીન બીજા ક્રમે રહ્યું. ૨૦૧૭માં ભારતની આવી આવકમાં ૧૦ ટકાનો વધારો થયો તો પણ એ આવક ૨૦૧૪ના ૭૦.૪ બિલ્યન ડૉલરથી થોડી ઓછી રહી.

૧૦ વર્ષના અમેરિકન ટ્રેઝરી (બૉન્ડ) પરના વળતર (યીલ્ડ)નો દર ત્રણ ટકાની સપાટી વટાવી જવાથી અને ક્રૂડ ઑઇલના ભાવ ૭૫ ડૉલરે પહોંચી જતાં વિદેશી મૂડીરોકાણ પાછું ખેંચાવાની શરૂઆત થઈ રહી છે એટલે રૂપિયાની માગણી ઘટવાથી પણ રૂપિયાની બાહ્ય કિંમત ઘટવાની એવો અંદાજ છે. રૂપિયો નબળો પડતો હોય એટલે આયાતકારો પોતાના ફાયદા માટે અગોતરા ડૉલરની ખરીદી કરવાના જેને કારણે એક બાજુ ડૉલરની આવક ઘટવાની અને બીજી તરફ એની જાવક (માગણી) વધવાની જે ડોલરની મજબૂતી વધારશે.

ક્રૂડનો બૅરલદીઠ ૭૫ ડૉલરનો ભાવ નવેમ્બર ૨૦૧૪ પછીનો સૌથી ઊંચો ભાવ છે. ક્રૂડના ભાવો વધવાનું કારણ ઓપેક દ્વારા મુકાયેલો ઉત્પાદનનો કાપ તથા અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોનો વધતો જતો તનાવ છે. એક અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયા ક્રૂડનો ભાવ ૮૦થી ૧૦૦ ડૉલર જેટલો થાય એ માટે તત્પર છે.

અમેરિકાએ ૨૦૧૮માં એક વાર વ્યાજના દર વધાર્યા છે. વર્ષ પૂÊરું થાય એ પહેલાં હજી ત્રણ વાર ત્યાં વ્યાજના દર વધવાની શક્યતા છે એટલે રૂપિયો સતત દબાણ હેઠળ રહેશે. જોતજોતાંમાં એ નજીકના દિવસોમાં એક વખત ૬૮ની સપાટી પણ કુદાવી દે તો નવાઈ નહીં. ક્રૂડના ભાવો વધતા બંધ થાય અને થોડાઘણા ઘટે તો જ રૂપિયાની કિંમત વધી શકે. ક્રૂડના ભાવ ઘટે તો CAD ઘટે, રૂપિયાની કિંમત વધે તો વિદેશી મૂડીરોકાણ વધી શકે. બાકી હાલ પૂરતું તો આપણો રૂપિયો નબળો રહેવાની સંભાવના વધુ છે.

ઘટતો જતો રૂપિયો ડૉલરમાં દેવાવાળી કંપનીઓને હીટ કરી શકે એમાં પણ જે કંપનીઓએ આવા દેવા પર રહેલા ચલણની કિંમતનાં જોખમોની અગોતરી સંભાળ ન લીધી હોય એ કંપનીઓની હાલત વધારે બગડવાની. આયાતકારો જેમને લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) આપવાનું બંધ કરવામાં આવ્યું છે તેમને કમર્શિયલ બૅન્કો દ્વારા મળતા ફાઇનૅન્સ પરનો વ્યાજનો દર ખૂબ વધી જતાં તેમની આયાત માટેની કિંમતો આમ પણ વધી ગઈ છે એટલે નબળો રૂપિયો બળતામાં ઘી હોમી શકે. તો બીજી તરફ અન્ય ચલણની સરખામણીમાં ડૉલર સામે વધુ નબળો પડેલો રૂપિયો આપણી નિકાસો વધારવામાં કેટલી મદદ કરે છે એ જોવું રહ્યું.

૨૦૧૮ના પ્રથમ ચાર મહિનામાં ઇક્વિટી માર્કેટમાં પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ૧૩૯૦ મિલ્યન ડૉલરનું રોકાણ થયું છે, જ્યારે દેવામાં ૧૧૬૦ મિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં પોર્ટફોલિયો રોકાણકારોએ ઇક્વિટી માર્કેટનું રોકાણ ઘટાડ્યું છે. બૉન્ડ માર્કેટના રોકાણનો ઘટાડો, હાલમાં પ્રવર્તતા ભાવવધારાની અને વ્યાજના દરની અનિિતતાઓ વચ્ચે વધારે જોર પકડે એવી શક્યતા છે.

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના રિપોર્ટ પ્રમાણે ઘણા લાંબા સમય સુધી પ્રવર્તમાન વિશ્વવ્યાપી નરમ મૉનિટરી પૉલિસી અને નીચા વ્યાજના દરોથી વિકસતા અને ઊભરતા દેશોને મોટો ફાયદો થયો છે, પણ આ સમય દરમ્યાન ઊભી અને ભેગી થયેલી નાણાકીય નબળાઈઓ હવે વિશ્વના, ખાસ કરીને ઊભરતા અર્થતંત્ર માટે મોટા ખતરારૂપ છે. ફેડરલ રિઝર્વની બૅલૅન્સશીટની નૉર્મલાઇઝેશનની પ્રક્રિયા ધાર્યા પ્રમાણે આગળ વધે અને ૨૦૨૦ની શરૂઆત સુધીમાં અમેરિકામાં વ્યાજદર વધારીને ૩.૬ ટકા જેટલા થાય તો પણ ૨૦૧૮-’૧૯માં ઊભરતી માર્કેટમાંથી સરેરાશ ૪૦ બિલ્યન ડૉલર જેટલું પોર્ટફોલિયો મૂડીરોકાણ પાછું ખેંચાઈ શકે. અણગમતાં જોખમો સાથે આ પ્રક્રિયા આગળ વધે તો આ આંકડો વધીને ૬૦ બિલ્યન ડૉલરે પણ પહોંચી શકે જે ૨૦૧૦થી ૨૦૧૭ સુધીમાં દર વર્ષે કરાયેલા મૂડીરોકાણના ૨૫ ટકા જેટલું થાય. ભારતનું વિક્રમી વિદેશી હૂંડિયામણ હોવા છતાં ગમે એવી જોખમભરી પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ હોય ત્યારે IMFની ચેતવણીની અવગણના ભારતને ભારે પડી શકે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK