ક્રૂડ તેલમાં તેજીનાં વળતાં પાણી: વધુ તેજી થવાના ધૂંધળા સંજોગો

સાઉદી અરેબિયા અને રશિયાએ ઉત્પાદનકાપ મુલતવી રાખીને ઉત્પાદન વધારવાની જાહેરાત કરી: આવતા ચાર મહિનામાં બ્રેન્ટ ઘટીને ૬૭થી ૬૮ ડૉલર અને સ્વીટ ક્રૂડ ઘટીને ૬૦-૬૨ ડૉલર થશે

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઝડપથી ઊછળી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકાર પર સમગ્ર દેશમાંથી માછલાં ધોવાઈ રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થવાનું મુખ્ય કારણ વર્લ્ડ માર્કેટમાં ક્રૂડ તેલના ભાવમાં આવેલી તેજી હતું, પણ હવે શુક્રવારથી વર્લ્ડ માર્કેટમાં ક્રૂડ તેલનાં ફન્ડામેન્ટલ્સ એકાએક ફરતાં ક્રૂડ તેલની માર્કેટમાં તેજીનાં વળતાં પાણી થયાં છે અને જે નવાં ફન્ડામેન્ટલ્સ આકાર લઈ રહ્યાં છે એ ભારતીય પ્રજા અને નરેન્દ્ર મોદી સરકાર માટે રાહતભર્યા સમાચાર છે એટલે કે ક્રૂડ તેલમાં હવે મોટી તેજી થવાના ચાન્સિસ બહુ નથી. એકમાત્ર ભારતીય રૂપિયાની નબળાઈ વધે અને અમેરિકામાં શરૂ થયેલી વાવાઝોડાની સીઝન દરમ્યાન ધારણા બહાર ખાનાખરાબી થાય તો જ ક્રૂડ તેલમાં મોટી તેજી થઈ શકે, પણ આવું થવાના ચાન્સિસ બહુ જ ઓછા છે.

ક્રૂડ તેલમાં તેજી અને કારણો

ક્રૂડ તેલના ભાવ ૨૦૧૭ના મધ્યથી એકધારા વધી રહ્યા છે અને ગયા સપ્તાહે ક્રૂડ તેલના ભાવ વર્લ્ડ માર્કેટમાં સાડાત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. ૨૦૧૭ના છેલ્લા છ મહિનામાં ક્રૂડ તેલમાં ૫૦ ટકાની તેજી જોવા મળી હતી અને ૨૦૧૮ના આરંભથી અત્યાર સુધીમાં પણ ક્રૂડ તેલના ભાવમાં ૩૦થી ૩૫ ટકાની તેજી જોવા મળી હતી. ઓપેક (OPEC - ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ના સૂત્રધારોએ ક્રૂડ તેલની મંદીને ખાળવા ૨૦૧૭ના આરંભથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં પ્રતિ દિવસ ૧૮ લાખ બૅરલ કાપ મૂકવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણયની સમયમર્યાદા વધારીને ૨૦૧૮ના અંત સુધીની કરતાં એની અસરે ક્રૂડ તેલના ભાવ સતત વધતા રહ્યા હતા. છેલ્લા એક મહિનામાં બનેલા ઘટનાક્રમે ક્રૂડ તેલમાં વધુ તેજી કરાવી હતી. અમેરિકાએ ઓપેકના બીજા ક્રમના ક્રૂડ તેલઉત્પાદક ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો હોવાથી ઈરાનની ક્રૂડ તેલની સપ્લાય ઘટે એવી નોબત આવતાં ક્રૂડ તેલમાં એકાએક તેજી ફાટી નીકળી. બીજું કારણ, વેનેઝુએલામાં આર્થિક સંકટ ઊભું થતાં ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટીને ૧૯૫૦ના લેવલે પહોંચી ગયું હોવાથી વર્લ્ડને મળતી ક્રૂડ તેલની સપ્લાયમાં વધુ કાપ આવ્યો જે પણ એક તેજીનું કારણ બન્યું. ઓપેકનો ઉત્પાદનકાપ, ઈરાન પર આર્થિક પ્રતિબંધ અને વેનેઝુએલાનું આર્થિક સંકટ આ ત્રણ કારણો એકસાથે અસરકર્તા બનતાં યુરોપિયન દેશોની માર્કેટનું બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ તેલ ૮૦ ડૉલરને પાર કરી ગયું અને અમેરિકન માર્કેટનું બેન્ચમાર્ક ગણાતું સ્વીટ ક્રૂડ તેલ ૭૨ ડૉલરને પાર કરી ગયું. આ ભાવ છેલ્લાં સાડાત્રણ વર્ષના ઊંચા હતા. ભારતીય માર્કેટમાં MCX (મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ)નો નિયર મન્થ ક્રૂડ તેલ વાયદો ૬ એપ્રિલે ઘટીને ૪૦૨૯ રૂપિયા હતો એ વધીને ગુરુવારે ૪૯૧૫ રૂપિયા થયો હતો. શુક્રવારે આ વાયદો ઘટીને ૪૬૦૪ રૂપિયા બંધ રહ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં ક્રૂડ તેલના ભાવ વધતાં ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ સવાર પડે અને વધવા લાગ્યા છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૧૮ મહિનાના તળિયે પહોંચતાં ક્રૂડ તેલની તેજીની અસર વર્લ્ડ માર્કેટ કરતાં અહીં વધારે જોવા મળી હતી.

ઘટાડાતરફી ડેવલપમેન્ટ


ક્રૂડ તેલની માર્કેટમાં તેજી થવા માટેનાં જે કારણો હતાં એ તમામ કારણો એકાએક નબળાં પડી જાય એવું ડેવલપમેન્ટ થતાં ક્રૂડ તેલની માર્કેટમાં ઝડપી ભાવઘટાડો જોવા મલ્યો હતો. ઓપેક મેમ્બરોની આગેવાની લેનાર સાઉદી અરેબિયા અને રશિયાએ ૨૦૧૭થી પ્રતિ દિવસ ૧૮ લાખ બૅરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો હતો એ પાછો ખેંચીને બન્ને દેશોએ ઉત્પાદનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયા ઓપેકનું સૌથી મોટું ક્રૂડ તેલઉત્પાદક છે અને રશિયા વર્લ્ડનું સૌથી મોટું ક્રૂડ તેલઉત્પાદક છે. બન્નેની ઉત્પાદન વધારવાની જાહેરાતની મોટી અસર થઈ હતી. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો; પણ ૨૦૧૫માં ઈરાન પરનો આર્થિક પ્રતિબંધ દૂર કરવાના નિર્ણયમાં સાથે રહેનારા જર્મની, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ચીને ઈરાન પર અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધ લાદવાના નિર્ણયનો ઠંડો પ્રતિસાદ આપતાં ઈરાન પરના આર્થિક પ્રતિબંધની બહુ મોટી અસર નહીં થાય એવું અર્થઘટન થવા લાગ્યું હતું. વળી ઓપેક અને રશિયાએ ઉત્પાદનકાપ મૂકવાનો નિર્ણય લીધો એમાંથી ઈરાનને બાકાત રખાયું હોવાથી ક્રૂડ તેલની તેજીમાં ઈરાનની ભૂમિકા બહુ જ સીમિત હતી. સાઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરતાં ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવે અને ઈરાનની સપ્લાય ઘટે તો પણ હવે સાઉદી અરેબિયા અને રશિયાના ઉત્પાદનવધારાથી એ સરભર થઈ જશે. વેનેઝુએલામાં આર્થિક સંકટને કારણે ત્યાં ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટ્યું હતું એ વિશે તાજેતરમાં ચૂંટાયેલા નવા પ્રેસિડન્ટ નિકાલસ માદુરોએ જાહેરાત કરી હતી કે વેનેઝુએલા પ્રતિ દિવસ ૧૦ લાખ બૅરલ ક્રૂડ તેલનું ઉત્પાદન વધારશે અને એને માટે ઓપેકની સહાય મેળવશે. વેનેઝુએલાના પ્રેસિડન્ટની આ જાહેરાતથી આગામી બેથી ત્રણ મહિનામાં વેનેઝુએલાની સપ્લાય વધવાની આશા બંધાણી હતી. ક્રૂડ તેલની તેજીમાં પીછેહઠ થવાનું છેલ્લું કારણ, અમેરિકામાં ઑઇલ ડ્રિલિંગ-રિગ્સ કાઉન્ટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૧૫નો વધારો થયો હતો જે ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો વધારો હતો અને છેલ્લા એક વર્ષમાં અમેરિકાની ઑઇલ ડ્રિલિંગ રિગ્સના કાઉન્ટમાં ૧૩૭નો વધારો થયો છે.

વધુ તેજીના જૂજ ચાન્સ


ઓપેક મેમ્બરો અને રશિયાએ સાથે મળીને પ્રતિ દિવસ ૧૮ લાખ બૅરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનું ડિસમ્બર-૨૦૧૮ સુધી નક્કી કર્યું હતું એને બદલે ઉત્પાદન વધારવાની જાહેરાત કરતાં ઓપેક મેમ્બરો દ્વારા પ્રતિ દિવસ ચારથી પાંચ લાખ બૅરલ અને રશિયા દ્વારા પ્રતિ દિવસ સાતથી આઠ લાખ બૅરલ ક્રૂડ તેલનું ઉત્પાદન વધશે. આથી વર્લ્ડની સપ્લાયમાં આટલો વધારો થશે. અમેરિકાનું ક્રૂડ તેલ ઉત્પાદન સતત વધી રહ્યું છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં ડ્રિલિંગ રિગ્સની સંખ્યામાં ૧૩૭નો વધારો થયો છે. ગયા સપ્તાહે અમેરિકાનું ક્રૂડ તેલઉત્પાદન પ્રતિ દિવસ ૧૦૭.૨૫ લાખ બૅરલ હતું જે ગયા વર્ષે આ સમયે ૯૩.૨૦ લાખ બૅરલ અને બે વર્ષ અગાઉ આ સમયે ૮૭.૬૭ લાખ બૅરલ હતું. અમેરિકાએ ચાલુ વર્ષે પ્રતિ દિવસ ૧૪ લાખ બૅરલ ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ક્રૂડ તેલમાં તેજી થવાના બહુ જ જૂજ ચાન્સિસ છે. દેશની જાણીતી બ્રોકિંગ કંપની કેડિયા કૉમોડિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ‘ભારતીય માર્કેટમાં ક્રૂડ તેલના ભાવનો વિચાર કરીએ તો જો ભારતીય રૂપિયો વધુ નબળો પડે તો જ અહીં ક્રૂડ તેલના ભાવમાં તેજી જોવા મળી શકે છે.’

વર્લ્ડ માર્કેટમાં એકમાત્ર કારણ અમેરિકાના ક્રૂડ તેલના ઉત્પાદનમાં હરિકેન (વાવાઝોડા)ની સીઝનમાં ઑઇલ-ફીલ્ડ કે રિફાઇનરીઓને કોઈ મોટું નુકસાન થાય તો ક્રૂડ તેલના ભાવમાં શૉર્ટ ટર્મ તેજી ઉદ્ભવી શકે છે. અમેરિકન હરિકેન સેન્ટરે જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન અમેરિકામાં પાંચ હરિકેન આવવાની આગાહી કરી હતી. વળી જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન અમેરિકાની મોટા ભાગની રિફાઇનરીઓ મેઇન્ટેનન્સ માટે બંધ રહેતી હોય છે. આ દરમ્યાન અમેરિકાના ક્રૂડ તેલ, ગૅસોલીન અને ડીઝલ હીટિંગ ઑઇલના સ્ટૉકમાં મોટો ઘટાડો થાય તો ક્રૂડ તેલમાં શૉર્ટ ટર્મ તેજી થઈ શકે છે. લૉન્ગ ટર્મ વિચારીએ તો આવતા ચાર મહિનામાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ઘટીને ૬૭થી ૬૮ ડોલર અને અમેરિકન સ્વીટ ક્રૂડ તેલના ભાવ ઘટીને ૬૦થી ૬૨ ડૉલર થાય એવો અંદાજ છે. ગયા શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ તેલ વાયદો પાછલા દિવસની સરખામણીમાં ત્રણ ડૉલર ઘટીને ૭૬.૧૧ ડૉલર બંધ રહ્યો હતો જે એક સપ્તાહ અગાઉ વધીને ૮૦ ડૉલર પર બંધ રહ્યો હતો. અમેરિકન સ્વીટ ક્રૂડ તેલ વાયદો ગયા શુક્રવારે પાછલા દિવસની સરખામણીમાં ૩.૦૮ ડૉલર ઘટીને ૬૭.૬૩ ડૉલર બંધ રહ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK