મોદી સરકાર સામે ખેડૂતોના રોષનું ઠીકરું વેપારીઓ પર ફોડવાનો કારસો

ખેડૂતોની આવક બમણી કરવી હોય તો સરકારે હાલમાં MSPથી નીચા ભાવે વેચાતાં તુવેર, મગ, અડદ, મગફળીનું વેચાણ બંધ કરવું જોઈએ

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

બ્રિટિશરાજમાં આમપ્રજાના હિતોને અવગણીને દમનકારી નિયમો ઘડાતા હતા એવો જ નિયમ હાલમાં મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે બનાવ્યો છે. આ નિયમ એવો છે કે મહારાષ્ટ્રના દરેક માર્કેટયાર્ડમાં વેચાતી કૃષિચીજોની ખરીદી જો કોઈ વેપારી MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી નીચે કરશે તો તેને ૫૦ હજાર રૂપિયાનો દંડ અને એક વર્ષની આકરી સજા થશે. આવો તઘલખી નિયમ બનાવીને ખેડૂતોના રોષનું ઠીંકરું વેપારીઓ પર ફોડવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત આવો નિયમ બજારના સામાન્ય નિયમથી વિરુદ્ધ છે અને સમગ્ર મહારાષ્ટ્રના વેપારીઓ માટે હળાહળ અન્યાયકર્તા છે. નરેન્દ્ર મોદી સરકારની ચિત્ર-વિચિત્ર પૉલિસીથી સમગ્ર દેશના ખેડૂતોમાં જબ્બર રોષ ફેલાયેલો છે. આ રોષનું પ્રતિબિંબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. ૨૦૧૯માં આવી રહેલી સંસદની ચૂંટણીમાં જીત મેળવવા માટે હાલમાં ખેડૂતોને ખુશ કરવા મોદી સરકાર રાત-દિવસ એક કરી રહી છે. મોદી સરકારનાં છેલ્લાં ચાર વર્ષના શાસનમાં ખેડૂતોને ખુલ્લા બજારમાંથી નક્કી કરેલી MSP જેટલા ભાવ પણ મળ્યા નથી ત્યારે હવે MSP જેટલા ભાવ મળે એ માટે વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશના વેપારીઓને જેલની સજાનો ડર બતાવીને ખેડૂતોના રોષને ઠંડો પાડવાનો કારસો ઘડાયો છે.

બેવકૂફીભર્યો નિર્ણય

સરકારના નીતિવિષયક નિર્ણયો લેવાની જેમની પાસે સત્તા છે તેમણે આ નિર્ણય લેવામાં ઍિગ્રકલ્ચર માર્કેટના બેઝિક નૉલેજનો અભ્યાસ કરવાની પણ તસ્દી લીધી નથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. ખેડૂત જ્યારે મંડીમાં કૃષિચીજો વેચવા માટે આવે છે ત્યારે તે ખેતરમાંથી સીધી ઉપાડીને માર્કેટમાં વેચવા આવે છે આથી તેની ક્વૉલિટીમાં ભારે અસમાનતા જોવા મળતી હોય છે. ખેડૂત ગમે એવી ક્વૉલિટી બજારમાં લઈને આવે ત્યારે વેપારી MSP જેટલા ભાવે જ એ કૃષિચીજ ખરીદે એવું કદી શક્ય બને નહીં. માર્કેટનો બેઝિક નિયમ છે કે ક્વૉલિટી પ્રમાણે જ ગમે એ ચીજના ભાવ નક્કી થાય. મહારાષ્ટ્ર સરકારે જે નિયમ ઘડ્યો એમાં તો ખેડૂત ગમે એ ક્વૉલિટી લઈને આવે એને વેપારીએ તો MSP જેટલા જ ભાવ ફરજિયાત આપવા અને ન આપે તો વેપારીને જેલભેગો કરી દેવો. બ્રિટિશરાજના કાળા પાણીની સજા જેવો આ કાયદો ઘડાયો છે.

જબ્બર અસમતુલા

કૃષિચીજોની ઊંચી MSP, વેપારીઓ માટે કાળો કાયદો અને સરકાર દ્વારા MSPથી નીચા ભાવે થઈ રહેલું વેચાણ, આ ત્રણેય બાબતોથી બજારમાં જબ્બર અસમતુલા પેદા થઈ છે અને હજી આવનારા દિવસોમાં અસમતુલા વધશે. ઉદાહરણથી સમજીએ તો સરકારે ચાલુ ખરીફ સીઝન માટે મગની MSP પ્રતિ ક્વિન્ટલ ૧૪૦૦ રૂપિયા વધારીને ૬૯૭૫ રૂપિયા કરી છે. હાલમાં મગનો ભાવ મંડીમાં પ્રતિ ક્વિન્ટલ ૪૭૦૦થી ૪૮૦૦ રૂપિયા ચાલે છે. સરકારે ગયા વર્ષે ખરીદેલા મગ અત્યારે ખુલ્લા બજારમાં ઓડિશામાં ૪૩૫૧ રૂપિયા અને રાજસ્થાનમાં ૪૭૮૦થી ૪૮૦૨ રૂપિયામાં ખુદ સરકાર વેચી રહી છે. સરકારે નક્કી કરેલી MSP, ખુલ્લા બજારમાં હાલમાં ચાલી રહેલા ભાવ અને સરકાર દ્વારા વેચાણ થતાં મગના ભાવ, ત્રણેય વચ્ચેનો તફાવત એટલો મોટો છે કે આ સ્થિતિમાં ખેડૂતને MSP જેટલા ભાવ કઈ રીતે મળી શકે એ મોટો પ્રશ્ન છે. એનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે ખુલ્લા બજારમાં સરકાર દ્વારા આટલા નીચા ભાવે મગનું વેચાણ થતું હોય ત્યારે વેપારી ખેડૂત પાસેથી MSP ૬૯૭૫ રૂપિયાના મગ ખરીદે તો તેનો ધંધો કઈ રીતે ચાલે? મગની દાળ બનાવનારી મિલને સરકાર દ્વારા ૪૩૫૧થી ૪૮૦૨ રૂપિયામાં મગ મળતાં હોય તો એ મિલ મંડીના વેપારી પાસેથી ૬૯૭૫ રૂપિયાના ભાવના મગ શું કામ ખરીદે?

આવી જ સ્થિતિ અડદ, તુવેર અને મગફળીની અત્યારે ચાલી રહી છે. સરકારે અડદની MSP પ્રતિ ક્વિન્ટલ ૫૬૦૦ રૂપિયા નક્કી કરી છે. ખુલ્લા બજારમાં અડદનો ભાવ ૩૪૦૦થી ૩૫૦૦ રૂપિયા ચાલે છે અને સરકાર ખુલ્લા બજારમાં ૩૦૦૬ રૂપિયામાં અડદ વેચી રહી છે. મધ્ય પ્રદેશ માર્કેટની શનિવારે જ સરકારી એજન્સીએ ૩૦૦૬ રૂપિયાના ભાવે અડદ વેચી હતી. સરકારે તુવેરની MSP ૫૬૭૫ રૂપિયા નક્કી કરી છે. ખુલ્લા બજારમાં તુવેરનો ભાવ ૩૫૦૦થી ૩૬૦૦ રૂપિયા ચાલે છે અને સરકારી એજન્સીઓ ખુલ્લા બજારમાં ૩૬૦૯થી ૩૬૭૧ રૂપિયામાં તુવેર વેચી રહી છે. આ જ રીતે સરકારે મગફળીની MSP ૪૮૯૦ એટલે કે પ્રતિ ૨૦ કિલો ૯૭૮ રૂપિયા નક્કી કર્યા છે.

મગ, અડદ, તુવેર અને મગફળીની માર્કેટમાં જે વિચિત્ર સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે એવી સ્થિતિ દરેક કૃષિચીજોની માર્કેટમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે, કારણ કે સરકારે નક્કી કરેલી MSP માર્કેટની વાસ્તવિક ભાવસપાટી કરતાં બહુ જ ઊંચી છે.

ગુજરાતમાં મગફળી-સીંગતેલની માર્કેટમાં વિચિત્ર સ્થિતિ

ગયા વર્ષે ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ ૪૫૦૦ રૂપિયા (૨૦ કિલોના ૯૦૦ રૂપિયા)ના ભાવે મગફળી ખરીદી હતી. સરકારે મગફળીનું વેચાણ મોડું કરતાં ખુલ્લા બજારમાં સરકારની મગફળી શરૂઆતમાં પ્રતિ ક્વિન્ટલ ૩૪૦૦થી ૩૫૦૦ રૂપિયા (૨૦ કિલોના ૬૮૦થી ૭૦૦ રૂપિયા) વેચાતી હતી. મગફળીની ડિમાન્ડ વધતાં સરકારે ભાવ વધારીને પ્રતિ ક્વિન્ટલ ૩૭૪૦ રૂપિયા (૨૦ કિલોના ૭૪૮ રૂપિયા) કર્યો. સ્વાભાવિક રીતે મગફળીના ભાવ વધે એટલે સીંગતેલના ભાવ પણ વધવાના જ છે. સીંગતેલના ભાવ વધતાં સરકાર સામે પસ્તાળ પડતાં વિજય રૂપાણીની ગુજરાત સરકારે વેપારીઓ અને મિલો પર તપાસ અને દરોડા પાડવાના ચાલુ કર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK