અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે સરકારનો હાથ ઉપર રહ્યો

જોકે આમને-સામને આવવાની હોડની દેશવાસીઓ ચૂકવે છે ભારે કિંમત

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવીને વિરોધ પક્ષો તેમનો ઇરાદો પાર પાડી શક્યા નથી. લોકસભામાં BJP અને સાથીપક્ષોના સંખ્યાબળને કારણે આ દરખાસ્ત પસાર કરાવીને સરકારને ઊથલાવી શકાય એમ તો હતું જ નહીં એ વાત વિપક્ષો, અને વિપક્ષોને નેતાગીરી પૂરી પાડનાર કૉન્ગ્રેસ સારી રીતે સમજતાં હતાં.

જે બનવાનું હતું એ આખરે બનીને રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવામાં વિપક્ષોનો રકાસ થયો છે એ તો ખરું પણ વિપક્ષો આ દરખાસ્ત દ્વારા સરકારને મહત્વના મુદ્દાઓ પર ભીડવવાના પોતાના મર્યાદિત એજન્ડામાં પણ નિષ્ફળ નીવડ્યા છે.

ચાર વર્ષના શાસન પછી લોકસભામાં રજૂ થયેલી આ દરખાસ્ત વર્તમાન સરકાર માટે છૂપી રીતે આર્શીવાદરૂપ સાબિત થઈ છે. એ દરખાસ્ત પરના વોટિંગમાં વિપક્ષોની હાર થઈ, પણ એ દ્વારા સરકારને કૉન્ગ્રેસની, વિપક્ષોની કે ગઠબંધનવાળી ભૂતકાળની સરકારોને ભાંડવાનો અને એમની નિષ્ફળતાઓ છતી કરવાનો અવસર મળ્યો. વડા પ્રધાન મોદી એ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને તેમની ધારદાર છટાથી અવિશ્વાસની દરખાસ્તના જવાબમાં દેશવાસીઓને તેમની સરકારની સિદ્ધિઓ જણાવવામાં સફળ રહ્યા.

લોકસભાની છેલ્લી થોડીક બેઠકોમાં વિપક્ષોના જોરદાર વિરોધ અને બહિષ્કારને કારણે કોઈ મહત્વની કાર્યવાહી હાથ ધરી શકાઈ નહોતી. આ સ્થિતિ કે આવું ભંગાણ અપવાદરૂપ નહીં પણ નવી સામાન્ય પરિસ્થિતિરૂપે દેશવાસીઓ જોતા આવ્યા છે એટલે એ બેઠકોમાં મહત્વના નીતિવિષયક નિર્ણયોમાં પોતાની સફળતા વિશે કે એમાં આવતી અડચણો વિશે સરકારને દેશવાસીઓને માહિતગાર કરવાની તક મળતી નહોતી. ગયા શુક્રવારની લોકસભાની બેઠકે સરકારને અને વડા પ્રધાનને આ તક પૂરી પાડી. સરકાર માટે એ એક આકસ્મિક લાભ ગણાય.

આ દરખાસ્તમાં સરકારનો હાથ બધી રીતે ઉપર રહ્યો. સરકારને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટેનો તખ્તો તૈયાર કરવાનો નહીં કલ્પ્યો હોય એવો મોકો મળ્યો. કૉન્ગ્રેસ-પ્રમુખના ૫૦ મિનિટના આક્ષેપોનો વડા પ્રધાને ૯૦ મિનિટના ભાષણથી પ્રત્યુત્તર આપ્યો.

કેટલાક ઉદ્યોગપતિઓની બૅન્ક-લોન પરત ન આવતી હોય એટલે ખેડૂતોનાં દેવાં માફ કરવાની કૉન્ગ્રેસની દલીલ પણ વજૂદ વગરની છે. જોકે ખેડૂતોની દેવામાફીનો સવાલ આવે ત્યારે રાજ્યોની BJP સરકારો પણ કૉન્ગ્રેસ સરકારોની જેમ બિનજવાબદાર રીતે જ વર્તે છે. કિસાન-લૉબી મજબૂત છે. એની તરફેણની વાત આવે એટલે કોઈ પણ સરકાર જે-તે ઇશ્યુના અર્થશાસ્ત્રને ગૌણ કરી રાજકારણને પ્રાધાન્ય આપે છે. આ બાબતે આઝાદી પછીનો ઇતિહાસ તપાસીએ તો હમેશાં રાજકારણનો અર્થકારણ પર વિજય થયો છે. પછી એ ખેડૂતોની દેવામાફીનો પ્રશ્ન હોય કે ખેતીક્ષેત્ર પરના આવકવેરાની વાત હોય. એનું મુખ્ય કારણ કિસાનો દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવતી વોટબૅન્ક છે.

દેશમાં ભાવવધારાનો દર વધી રહ્યો છે. જથ્થાબંધ ભાવોના જૂન મહિનાના આંકમાં ૫.૮ ટકાનો વધારો થયો છે જે છેલ્લાં સાડાચાર વરસનો સૌથી મોટો વધારો છે. મે મહિનામાં આ દર ૪.૪ ટકાનો હતો. છૂટક ભાવવધારાનો દર પણ જૂન મહિનામાં વધીને પાંચ ટકા થયો છે. દેશમાં અત્યાર સુધીમાં આ ચોમાસાનો વરસાદ નૉર્મલ કરતાં ૪ ટકા ઓછો છે. દેશના બાવન ટકા વિસ્તારમાં જ નૉર્મલ વરસાદ છે. ચોમાસાના વરસાદની પ્રતિકૂળતા સર્જા‍ય કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો અસાધારણ રીતે વધે તો ફુગાવો અંકુશ બહાર જઈ શકે.

મૉન્સૂન કે ક્રૂડ ઑઇલના ભાવોની કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જા‍ય તો ઑગસ્ટ મહિનાની મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દરનો વધારો આવી શકે. એેમ ન થાય તો પણ વધી રહેલા ફુગાવાના સંર્દભમાં ૨૦૧૮ના અંત પહેલાં રજૂ થનારી બીજી બે પૉલિસી (ઑક્ટોબર અને ડિસેમ્બર)માં વ્યાજના દર વધવાની શક્યતા વધી જાય છે.

જૂન મહિનામાં નિકાસમાં ૧૮ ટકાનો વધારો થયો, પણ ક્રૂડના વધેલા ભાવોને લીધે આયાતમાં ૨૧ ટકાનો વધારો થયો. પરિણામે વેપારખાધ વધીને ૧૭ બિલ્યન ડૉલર જેટલી થઈ ગઈ જે છેલ્લાં ૪૩ મહિનાની (નવેમ્બર ૨૦૧૪ પછીની) સૌથી ઊંચી વેપારખાધ છે. આ વધતી જતી વેપારખાધ કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD)ને પણ વકરાવી શકે, જેની સીધી અસર સરકારની રાજકોષીય ખાધ પર પડ્યા વિના ન રહે.

નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા કૌભાંડ પછી બૅન્કો દ્વારા નિકાસકારોને લેટર ઑફ અન્ડરટેકિંગ ઇશ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે, જેને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોની ટ્રેડ-ફાઇનૅન્સ ઊભું કરવાની મુશ્કેલીઓ વધી છે.

ટ્રમ્પ દ્વારા છેડાયેલા વિશ્વ વેપારયુદ્ધને કારણે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારક્ષેત્રે અનેક અનિિતતાઓ સર્જા‍ઈ છે. અમેરિકાએ ભારત સામે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)માં દાખલ કરેલ ટ્રેડ-ડિસ્પ્યુટના કેસમાં ભારત હારે એવી શક્યતાઓ ઊભી થઈ છે. ભારતમાં આવકનાં લેવલ વધ્યાં હોવાને કારણે નિકાસો પરની સરકાર દ્વારા અપાતી રોકડ સહાય (સબસિડી)ને યથાર્થ ઠેરવવાનું મુશ્કેલ બની શકે. એટલે પણ ભારતની નિકાસો નજીકના ભવિષ્યમાં ઘટી શકે.

ફિસ્કલ ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં ક્રૂડ ઑઇલની આયાત ૫૦ ટકા જેટલી વધીને ૩૫ બિલ્યન ડૉલર થઈ છે. વેપારખાધ આ ગાળામાં ૪૦ બિલ્યન ડૉલરથી વધીને ૪૫ બિલ્યન ડૉલર જેટલી થઈ છે. ઇલેક્ટ્રૉનિક માલસામાનની વધતી આયાતોને કારણે નૉન-ઑઇલ ડેફિસિટ પણ વધી રહી છે. પરિણામે દેશના વિદેશી હૂંડિયામણમાં ટોચના સ્તરેથી ૨૦ બિલ્યન ડૉલરનો ઘટાડો થયો છે.

ભાવવધારાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને માર્ચમાં બે ટકાનો મોંઘવારી ભથ્થાનો વધારો મળ્યા પછી હવે બીજો એક વધારો પણ આપવો પડે, જેનો ફાયદો રાજ્ય સરકારોના કર્મચારીઓને પણ મળે. ચૂંટણીઓ નજીકમાં હોવાથી સરકાર એના કર્મચારીઓને આવો ફાયદો કરાવી આપી એનો લાભ મેળવવાની તરફેણ કરે જ. આમેય રાજ્યોની ફિસ્કલ ડેફિસિટની સ્થિતિ સારી નથી.

ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણની સાઇકલ શરૂ થઈ નથી. બૅન્કોની ખરાબ બૅલૅન્સશીટ એમને નવી લોનો મંજૂર કરવામાં બાધારૂપ બને છે. મે મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદનનો ૩.૨ ટકાનો વધારો સાત મહિનાનો સૌથી નીચો છે. માળખાકીય સવલતોના વિલંબમાં પડેલા કામને લીધે પ્રોજેક્ટ-કૉસ્ટમાં વધારો થતો જાય છે.

આ બધાં પરિબળો વિકાસને આરે આવીને ઊભેલા આપણા અર્થતંત્ર માટે અવરોધ ઊભા કરી શકે. સરકાર અને વિપક્ષોએ સાથે મળીને દેશના અને નાગરિકોના હિતમાં આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવા જોઈએ. નાગરિકોએ ચૂંટીને મોકલેલા પાર્લમેન્ટના સભ્યોની આ સંયુક્ત જવાબદારીમાંથી છટકી જવાની ભારે કિંમત દેશની તિજોરી પર જ તો પડે છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK