વ્યાજદર ઘટે કે ન ઘટે, સરકારે આર્થિક સુધારાની ઝડપ તો વધારવી જ જોઈએ

ઑગસ્ટની પૉલિસીમાં રેટ-કટની જે સંભાવના હતી એ લગભગ નિશ્ચિત છે એમ ગણાય. રિઝર્વ બૅન્ક રેટ-કટ કરે કે ન કરે, સરકારે રોકાણ ને આર્થિક વિકાસને વેગ આપે એવા સુધારાઓની ઝડપ વધારી દેશના લાંબા ગાળાનું હિત અંકે કરવું જોઈએ

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

જૂન મહિનાની શરૂઆતમાં પૉલિસી-રેટ્સ યથાવત જાળવી રાખીને રિઝર્વ બૅન્કે પોતાની સ્વતંત્ર નિર્ણયશક્તિનો પરિચય કરાવ્યો. છેલ્લા દસ-બાર દિવસમાં બદલાયેલા આર્થિક ચિત્રના સંદર્ભમાં ઑગસ્ટ મહિનામાં જાહેર કરાનારી મૉનિટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે એ સંભાવના પ્રબળ બની છે. ફેડરલ રિઝર્વે ગયા અઠવાડિયે વ્યાજદરમાં પચીસ બેઝિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. ભાવવધારાનો દર અમેરિકામાં ઘટ્યો છતાં ફેડરલ રિઝર્વે વ્યાજના દર વધાર્યા છે અને એ માટેની એવી દલીલ કરી છે કે આ ઘટાડો કામચલાઉ પણ નીવડી શકે. સામાન્ય રીતે કોઈ પણ દેશની કેન્દ્રવર્તી બૅન્ક એની મૉનિટરી પૉલિસીના બદલાવમાં આર્થિક વિકાસ કરતાં ભાવવધારા (ઇન્ફ્લેશન)ને મર્યાદિત કરવાને અગ્રક્રમ આપતી હોય છે. ઘરઆંગણા (ડોમેસ્ટિક)ની બદલાયેલી આર્થિક સ્થિતિ ઉપરાંત ફેડરલ રિઝર્વનો આ નિર્ણય પણ ઑગસ્ટ મહિનાના નિર્ણયમાં રિઝર્વ બૅન્કની નજરમાં રહેવાનો જ.

જૂન મહિનાની મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દર ન ઘટ્યા એટલે સાતમી જૂન પછી બૉન્ડ પરના યીલ્ડ (વળતર)માં ૧૭ બેઝિસ પૉઇન્ટનો વધારો થયો હતો. ૧૨ જૂને મે મહિનાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)નો વધારાનો દર ઘટતાં અને ઔદ્યોગિક ઉત્પાદનનો એપ્રિલનો ઇન્ડેક્સ નબïળો આવતાં હવે રિઝર્વ બૅન્ક નક્કી વ્યાજના દર ઘટાડશે એ અપેક્ષાએ સરકારી બૉન્ડ પરના યીલ્ડનો વધારો અટક્યો એટલું જ નહીં, એમાં ૧૩ જૂને ઘટાડાની શરૂઆત થઈ. પ્રાઇવેટ ફન્ડ હાઉસ અને વિદેશી રોકાણકારો માટે તો અત્યારના સરકારી બૉન્ડનું રોકાણ ટૂંકા ગાળાનો ધંધાકીય લાભ કરાવી આપે એવી વાત થઈ. જાહેર ક્ષેત્રની બૅન્કોએ પોતાની પાસેનાં બૉન્ડ વેચીને ભાવવધારાના ફરક દ્વારા નફો બુક કરવાની અને કમાવાની તક ઝડપી લીધી. બજારોની હવા તો એવી છે કે રિઝર્વ બૅન્ક ઑગસ્ટ મહિનાની રાહ જોયા સિવાય પણ ગમે ત્યારે વ્યાજના દરનો પચીસ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કરે તો નવાઈ નહીં. રેકૉર્ડ નીચો ભાવવધારો કંપનીઓ માટે પણ નીચા વ્યાજના દરે કૉર્પોરેટ બૉન્ડ દ્વારા નાણાં ઊભાં કરવાની તક ગણાય.

રિઝર્વ બૅન્કે ભાવવધારાનો ટાર્ગેટ ૭ જૂનની મૉનિટરી પૉલિસીમાં ઘટાડેલો તો પણ ચોમાસાની અને GSTના અમલની સંભવિત ખરાબ અસરના સંદર્ભમાં વ્યાજના દર ઘટાડવાનું મુલતવી રાખ્યું હતું. હવે મે મહિનામાં CPIનો ભાવવધારાનો દર એપ્રિલના ૨.૯૯ ટકામાંથી ઘટીને ૨.૧૮ ટકા થયો છે જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી નીચો ફુગાવાનો દર છે. આ ઘટાડો ખાવાની ચીજવસ્તુઓમાં થયેલા ૧.૧ ટકાના ઘટાડાને આભારી છે. ફ્યુઅલનો ભાવવધારાનો દર પણ ઘટીને ૫.૫ ટકા થયો છે. ચોમાસાની વહેલી અને સારી શરૂઆત અને ચોમાસું નૉર્મલ રહેવાના અંદાજને કારણે ખરીફ પાકની વાવણી વધવાના સંજોગો ઊજળા બન્યા છે. બીજી તરફ એપ્રિલ ૨૦૧૭માં ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં ૩.૧ ટકાનો વધારો થયો છે જે માર્ચના ૩.૮ ટકા કરતાં ઓછો છે. ઔદ્યોગિક ઉત્પાદનના વધારાનો ઘટેલો દર અને CPIના ભાવવધારાનો પાંચ વર્ષનો સૌથી નીચો દર રિઝર્વ બૅન્ક પર વ્યાજના દર ઘટાડવાનું દબાણ વધારશે. મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ઉત્પાદનના વધારાનો દર પણ ૨.૬ ટકા જેટલો નીચો હતો. કૅપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનના દર ઘટ્યા છે.

ભાવવધારાનો દર માત્ર રીટેલ (છૂટકના ધોરણે) લેવલે ઘટ્યો છે એવું નથી. એપ્રિલના ૩.૮૫ ટકાથી ઘટીને મે મહિનાનો જથ્થાબંધ ભાવાંક (WPI) ૨.૧૭ ટકા જેટલો થયો છે. આ ઘટાડો મૅન્યુફૅક્ચર્ડ નૉન-ફૂડ પ્રોડક્ટ્સ સિવાયનાં ઘણાં બધાં ગ્રુપોમાં જોવા મળે છે. મે મહિનામાં ખાદ્ય ચીજોના જથ્થાબંધ ભાવો ૨.૩ ટકા જેટલા ઘટ્યા છે જે એપ્રિલમાં ૧.૨ ટકા જેટલા વધ્યા હતા.

સામાન્ય સંજોગોમાં CPI અને WPIના ભાવવધારાના દરમાં અને કેટલીક વાર એની દિશામાં ફરક હોય છે. એ જ બાબત WPI ફૂડ અને CPI ફૂડના ઇન્ડેક્સને લાગુ પડે છે. મે મહિનામાં CPI (૨.૧૮ ટકા) અને WPI (૨.૧૭ ટકા)ના ભાવવધારાના દર પણ બિલકુલ સરખા રહ્યા છે.

છેલ્લા એક મહિનામાં (એપ્રિલ કરતાં મેમાં) CPIમાં લગભગ ૦.૮ ટકાનો (૨.૯૯ - ૨.૧૮) ઘટાડો થયો છે એટલે કે ભાવવધારાનો દર ૦.૮ ટકા જેટલો ઘટ્યો છે એટલે કે રિઝર્વ બૅન્ક નૉમિનલ વ્યાજદરમાં ઘટાડો ન કરે તો સાચા (રિયલ) વ્યાજના દર ૦.૮ ટકા જેટલા વધી ગયા ગણાય. વ્યાજના દર ઘટાડવા માત્રથી મૂડીરોકાણ વધી જાય કે આર્થિક વિકાસનો દર વધે એમ નથી, પણ સાચા વ્યાજના દર ઊંચા હોય તો મૂડીરોકાણ દ્વારા થતા આર્થિક વિકાસ સાથે ભાવવધારો પણ થવાનો જ. આજના ૬થી ૭ ટકાના પૉલિસી દર સામે એક સમયે આ દર ડબલ ડિજિટમાં હતા, પણ ત્યારે ભાવવધારા (ઇન્ફ્લેશન)નો દર પણ ડબલ ડિજિટમાં હતો એટલે રિયલ ઇન્ટરેસ્ટ-રેટ (વ્યાજના દર માઇનસ ઇન્ફ્લેશનનો દર) નીચા રહેતા. હવે જ્યારે ઇન્ફ્લેશન બે ટકા જેટલો નીચો ગયો છે એટલે ૨૦૧૬-’૧૭માં રિયલ ઇન્ટરેસ્ટના દર છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધારે ઊંચા છે એને કારણે પણ રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડશે. હોમ લોનની વાત કરીએ તો ૧૨થી ૧૪ ટકાનો સામાન્ય રીતે પ્રવર્તતો આ દર ઘટીને આજે ૮.૫થી ૯ ટકા થઈ ગયો છે એટલે ઉદ્યોગ-ધંધા માટેની લોન માટેના વ્યાજના દર પણ હવે ઘટતા રહેવા જોઈએ. જોકે હોમ લોન અને ઉદ્યોગ-ધંધા માટેની લોનનો ફરક એ છે કે હોમ લોનનો રૂપિયેરૂપિયો એટલે કે ધિરાણ કરેલી પૂરેપૂરી રકમ હપ્તા દ્વારા પાછી ચૂકવાઈ જાય છે. ઉદ્યોગ-ધંધાની લોન માટે એવું નથી. એમાં બૅન્કોના કરોડો રૂપિયા ડૂબી જવાની સંભાવના રહે છે. હકીકતમાં હાલમાં બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)નું પ્રમાણ એટલું વધી ગયું છે કે બૅન્કો માટે ધિરાણ કરેલાં નાણાં પાછાં કેમ મેળવવાં એ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ટૂંકમાં, હોમ લોન આપવામાં જરા પણ જોખમ (રિસ્ક) નથી. આ લોન બહુ નાની રકમ (ઉદ્યોગ-ધંધાની સરખામણીમાં)ની હોય છે. એટલે કોઈક અપવાદરૂપ કિસ્સામાં એની પરતચુકવણીમાં પ્લસ-માઇનસ થાય તો એથી બૅન્કની બૅલૅન્સ-શીટ હલી ન જાય.

એથી વિપરીત રિઝર્વ બૅન્કની નિષ્ણાત પૅનલે ગયા અïઠવાડિયે બૅન્કો પાસેથી ધિરાણ લઈને પાછું ન કર્યંગ હોય એવાં ૧૨ ખાતાં (૧૨ કંપનીઓ) જુદી તારવી છે. ડિસેમ્બર ૨૦૧૬ના અંતે બૅન્કોની ગ્રોસ NPA ૭.૧૧ લાખ કરોડ રૂપિયા હતી જેમાં આ ૧૨ કંપનીઓનો હિસ્સો ૧.૭૫ લાખ કરોડ એટલે કે કુલ NPAના ૨૫ ટકા જેટલો છે. આવાં ૫૦૦ ખાતાંઓ (કંપનીઓ) છે જ્યાં બૅન્કો તેમની ધિરાણ કરેલી રકમ પાછી મેળવવામાં મુશ્કેલી અનુભવે છે એટલે આવા કિસ્સાઓમાં વ્યાજના દર પણ ગૌણ બની જાય છે છતાં પોતાની સલામતી ખાતર બૅન્કો નાણાં પાછાં આવવાનું જોખમ વધુ લાગે ત્યાં વ્યાજના દર પણ ઊંચા વસૂલ કરવાની જ. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં તો બૅન્કોની મૂડી એટલી હદે NPAને કારણે ધોવાઈ ગઈ છે કે રિઝર્વ બૅન્ક અને સરકાર એને અન્ય સક્ષમ બૅન્ક સાથે જોડાણ (મર્જર) કરવાનો પ્લાન કરીને આવી બૅન્કોને બચાવી લેવાનો પ્રયાસ કરે છે.

બૅન્કોની આ મુશ્કેલી ઓછી હોય એમ ખેડૂતોનાં દેવાં (ફાર્મ લોન) માફ કરવાનો એક ટ્રેન્ડ ઉત્તર પ્રદેશથી ચાલુ થયો છે. એણે અન્ય રાજ્યોમાં પણ આંદોલનનું રૂપ પકડ્યું છે. આમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનો સમાવેશ છે. કર્ણાટક અને રાજસ્થાન જ્યાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યાં પણ આ પ્રશ્ન ઊભો થયો છે. એક રાજ્ય આવું દેવું માફ કરે અલબત્ત, રાજકીય કારણસર એટલે બીજાં રાજ્યોમાં કે ભવિષ્યમાં એ જ રાજ્યમાં આવી માગણી ઊઠવાની એટલું જ નહીં, લોન પાછી કરવાની ક્ષમતાવાïળા સાધનસંપન્ન ખેડૂતો પણ બૅન્કોનાં નાણાંની પરતચુકવણીમાં ઠાગાઠૈયા કરે એ સ્વાભાવિક છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર અને નાણાપ્રધાન તથા નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વ્યાજના આદર્શ દર શું હોવા જોઈએ એ વિશેના મતભેદ કાંઈ નવા નથી. રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. સુબ્બારાવે પણ એ વખતના નાણાપ્રધાન પ્રણવ મુખરજી કે પી. ચિદમ્બરમ દ્વારા તેમના પર વ્યાજના દર ઘટાડવા માટે થયેલા દબાણની વાત કરી જ છે. ઇન્ફ્લેશનના ટાર્ગેટ સર કરીને ભાવવધારો કાબૂમાં રાખવાની જવાબદારી હોય એવી કેન્દ્રવર્તી બૅન્કોનું વલણ વ્યાજના દર ઊંચા રાખવાની તરફેણમાં જ હોવાનું. બીજી બાજુ ભારત જેવા દેશો જ્યાં સરકારનું દેવું ખૂબ ઊંચું હોય એ દેશની સરકારો વ્યાજના નીચા દરની તરફેણ કરવાની, કારણ કે નીચા વ્યાજના દરનો સૌથી મોટો ફાયદો સરકારને થવાનો. નીચા વ્યાજના દર સરકારને એના અંદાજપત્રની ખાધ - ફિસ્કલ ડેફિસિટ - ઓછી કરવામાં મદદ કરી શકે. વળી આર્થિક વિકાસની જવાબદારી સરકારની ગણાય એટલે પણ આર્થિક વિકાસમાં કે મૂડીરોકાણમાં સહાયક બને એવા નીચા વ્યાજના દરની ફેવર સરકાર કરે એ પણ સ્વાભાવિક છે એટલે સરકાર અને કેન્દ્રવર્તી બૅન્કો વચ્ચેનો આ ગજગ્રાહ બહુ જૂનો છે. એમાં પણ જ્યારે આર્થિક વિકાસનો દર ધીમો પડે કે એવા સંજોગો સર્જાય ત્યારે પણ આર્થિક નીતિના ઘડવૈયાઓ વચ્ચેના આવા મતભેદો ઊગ્ર થાય એવું જ કંઈક રિઝર્વ બૅન્ક અને સરકાર વચ્ચે હાલમાં ચાલી રહ્યું છે.

વ્યાજના દર નક્કી કરવાનું કામ જટિલ છે. સ્ટૅનફર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી જૉન ટેલરે આદર્શ વ્યાજના દર શું હોઈ શકે એ માટેની એક ફૉમ્યુર્લા ઘડી છે જેમાં બે મેક્રોઇકૉનૉમિક પેરામીટર્સ આઉટપુટ ગૅપ (એક્ચ્યુઅલ ઉત્પાદન અને ઉત્પાદનક્ષમતા વચ્ચેનો ગૅપ) અને ઇન્ફ્લેશન ગૅપ (એક્ચ્યુઅલ અને લક્ષ્યાંક પ્રમાણેના ઇન્ફ્લેશન વચ્ચેનો ગૅપ) ગણતરીમાં લેવાય છે. આવી કોઈ ફૉમ્યુર્લા હોવી જોઈએ કે નહીં એ વિશે અર્થશાસ્ત્રીઓ એકમત નથી. આ નિયમનું જ પાલન કેન્દ્રવર્તી બૅન્કે કરવાનું હોય તો કોઈ ખાસ સંજોગોમાં બૅન્કને પોતાનો તર્ક કે ડિસ્ક્રિશનના ઉપયોગ દ્વારા આ નિયમમાં ફેરફારનો અધિકાર પણ ન રહે. એટલે આ નિયમને વિશ્વભરના ઘણા દેશો એક બેન્ચમાર્ક (ધારાધોરણ) તરીકે લક્ષમાં રાખે છે. ભારતમાં પણ પૉલિસીમેકર્સ આ નિયમનો બેન્ચમાર્ક તરીકે ઉપયોગ કરે છે.

એનો ઉપયોગ પણ સરળ તો નથી જ. અર્થતંત્રની ઉત્પાદનક્ષમતા (પોટેન્શયલ) નક્કી કરવાનું પણ ડિસ્ક્રિશનરી એટલે અઘરું ગણાય છતાં હાલમાં આ ફૉમ્યુર્લા પ્રમાણે જે વ્યાજદર હોવો જોઈએ એના કરતાં ખરેખર વ્યાજના દર ઊંચા છે. હકીકતમાં આ તફાવત છેલ્લાં બે વર્ષમાં સૌથી મોટો છે એનું એક કારણ એ છે કે CPI છેલ્લા ૬ મહિનાથી ૪ ટકાના લક્ષ્યાંકથી નીચો છે. WPI જે CPI કરતાં તાજેતરના મહિનાઓમાં (છેલ્લા થોડા મહિનાના અપવાદ સિવાય) ઊંચો ફુગાવાનો દર બતાવે છે એને ધ્યાનમાં લઈએ તો પણ ટેલરના નિયમ પ્રમાણે હાલમાં પ્રવર્તમાન વ્યાજના દર હોવા જોઈએ એના કરતાં ઊંચા છે એટલે પણ એમાં ઘટાડાનો અïવકાશ છે.

૨૦૧૭-’૧૮ના ઉત્તરાર્ધ (ઑક્ટોબર-માર્ચ ૨૦૧૮) ઇન્ફ્લેશનનો દર વધવાની રિઝર્વ બૅન્કની ધારણા છે એટલે વ્યાજના દર ઘટાડવા બાબતે એ થોડી સંકુચિતતા દર્શાવે એવું પણ બની શકે છતાં તાજેતરના ભૂતકાળના અનુભવ પ્રમાણે ઇન્ફ્લેશનનો દર રિઝર્વ બૅન્કના ટાર્ગેટથી નીચો રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭ એ એનું એક ઉદાહરણ છે. રિઝર્વ બૅન્કના પાંચ ટકાના લક્ષ્ય સામે ફુગાવાનો દર હકીકતમાં આ ત્રિમાસિક ગાળામાં ૩.૬ ટકા જ રહ્યો છે.

ઑગસ્ટની પૉલિસીમાં રેટ-કટની જે સંભાવના હતી એ લગભગ નિશ્ચિત છે એમ ગણાય. રિઝર્વ બૅન્ક રેટ-કટ કરે કે ન કરે, સરકારે મૂડીરોકાણ અને આર્થિક વિકાસને વેગ આપે એવા સુધારાઓની ઝડપ વધારી દેશના લાંબા ગાળાનું હિત અંકે કરવું જોઈએ.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy