શૅરબજારોમાં ફૂલગુલાબી તેજી વચ્ચે મક્કમ રૂપિયો

બિટકૉઇનમાં તેજીનું તાંડવ : ટ્રમ્પ-ઇમ્પીચમેન્ટની વધતી સંભાવના

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ફેડ દ્વારા સાત મહિનામાં ત્રીજી વાર વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. ફેડ ચાલુ વર્ષે હજી એક વાર વ્યાજદરમાં વધારો કરશે. ૨૦૧૮માં ત્રણ વાર વ્યાજદરમાં વધારો કરવામાં આવશે એમ કહ્યું છે અને સાથોસાથ ફેડની તોતિંગ બૅલૅન્સ-શીટનું કદ ઘટાડવાની શરૂઆત વર્ષના અંતે થશે એમ પણ કહ્યું છે. ટ્રમ્પના ઇમ્પીચમેન્ટની સંભાવના જેવાં જોખમ, ચીનમાં સ્લોડાઉન, બ્રિટન બ્રેક્ઝિટ અને યુરોપની અનઈવન રિકવરીને અવગણીને પણ ફેડ વ્યાજદરમાં વધારો અને મટીરિયલ ટાઇટનિંગ તરફ આગળ વધી છે એ જોતાં ફેડને અમેરિકાના આર્થિક સુધારા પર પણ ભરોસો છે. સાથોસાથ ફેડ ઍસેટ બબલ - એટલે કે શૅરબજારમાં વધુ પડતી તેજી - ઍસેટ ઇન્ફ્લેશન ન થાય એ જોવા પણ સતર્ક છે. કરન્સી બજારોમાં એકંદરે સુસ્તી છે. વિશ્વમાં ઠેર-ઠેર રાજકીય ઊથલપાથલ ચાલ્યા કરે છે, પણ બજારો ઊડે દિલ બેફિકરે મૂડમાં જ છે.

રૂપિયાની વાત કરીએ તો ફેડના વ્યાજદરના વધારા પછી એક ઝડપી ઉછાળારૂપે ડૉલર રૂપિયા સામે ૬૪.૭૩ થઈ ગયો હતો, પણ ઉપરના મથાળે નિકાસકારોની વેચવાલી આવતાં રૂપિયો ફરી સુધરીને ૬૪.૪૪ થઈ ગયો. રૂપિયામાં અફરાતફરી થોડી વધી છે. શૅરબજારોમાં અમુક લાર્જ કૅપ શૅરોમાં નોંધપાત્ર કરેક્શન આવ્યું છે, પરંતુ મિડ કૅપ શૅરોમાં હજી મૂડીપ્રવાહની આવક ચાલુ છે. વિશ્વબજારમાં ચીનને બાદ કરતાં મોટા ભાગનાં બજારોમાં તેજીનો પ્રવાહ છે. જોકે એશિયામાં હવે ઑસ્ટ્રેલિયા અને હૉન્ગકૉન્ગમાં શૉર્ટ સેલર્સ થોડા સક્રિય બન્યા છે. હૉન્ગકૉન્ગ અને ચીનની નાની ટેક્નૉલૉજી કંપનીમાં વૅલ્યુએશન સુપરક્રેઝી છે. નાણાબજારોમાં બેફામ લિક્વિડિટી અને ફન્ડ મૅનેજરો, શ્રીમંત સુખી સ્પેક્યુલેટર્સની જોખમ લેવાની ક્ષમતામાં પણ જબ્બર વધારો થયો હોવાથી સટ્ટાકીય રોકાણોમાં ભારે અફરાતફરી છે. બિટકૉઇનમાં વિક્રમી તેજી છે અને રોજિંદી ૧૫-૨૦ ટકાની તેજી-મંદી આવે છે. ચાલુ સપ્તાહે બિટકૉઇનની ટ્રેડિંગ-રેન્જ ૨૧૦૦-૨૭૦૦ ડૉલર હતી. ઇથરકૉઇનમાં પણ તોફાની વધ-ઘટ હતી. રૂપિયામાં મેક્રો ફ્ન્ડામેન્ટલ સારાં હોવાથી પ્રાઇમરી ટ્રેન્ડ તેજીનો છે.

વિશ્વભરમાં ડૉલર ઇન્ડેક્સ, યુરો, પાઉન્ડ, યેન મોટા ભાગનાં ચલણ સાંકડી રેન્જમાં અથડાય છે. અમેરિકામાં ડૉનલ્ડ ટ્રમ્પ સામેની મુશ્કેલી વધતી જાય છે. રશિયાએ ગયા વર્ષની ચૂંટણીમાં હૅકિંગ દખલ કરી હતી એ મામલે ટ્રમ્પના ઘણા સાથીદારો સામે જ્ગ્ત્ની તપાસ ચાલે છે, પણ હવે ટ્રમ્પ ખુદ પણ તપાસમાં ઘેરાયા છે. ન્યાય ખાતાએ નીમેલા ખાસ તપાસનીશ ટ્રમ્પની તપાસ કરે છે એવું ટ્રમ્પે ખુદ ટ્વીટ કર્યું છે અને આ તપાસને ‘વિચ હન્ટ’ કિન્નાખોરી કહી છે. ડોનલ્ડ ટ્રમ્પના ઇમ્પીચમેન્ટ માટે આકાશપાતાળ એક કરી રહેલાં સ્થાપિત હિતો ટ્રમ્પને હટાવીને જ રહેશે એવું માનવાને પૂરતાં કારણો છે. જો ડોનલ્ડ ટ્રમ્પ ડેપ્યુટી ઍટર્ની જનરલ રોઝેન્સ્ટિનને બરતરફ કરે તો અમેરિકામાં રિચર્ડ નિક્સન જ્યારે પ્રમુખ હતા અને કટોકટી સર્જાઈ હતી એવી જ કટોકટી સર્જાઈ શકે.

યુરોપનાં શૅરબજારોમાં સુધારો છે. અમેરિકાની તુલનાએ યુરોપની સ્થિરતા વધુ સારી છે એવી ગણતરીએ અમુક ફન્ડ મૅનેજર્સ યુરોપમાં રોકાણ વધારતા જાય છે. યુરોપમાં પણ સંગીન સુધારો છે. બૅડ બૅન્કોનો પ્રશ્ન ૨૦૧૨માં વિકરાળ લાગતો હતો એ હવે વિકરાળ નથી લાગતો. સેન્ટિમેન્ટ પણ કમાલની ચીજ છે.

બ્રિટનમાં તાજેતરની ચૂંટણીમાં વડાં પ્રધાન થેરેસા મેના કંગાળ દેખાવ પછી બ્રેક્ઝિટનું કોકડું થોડું ગૂંચવાયું છે. બ્રિટનના શૅરબજારમાં ઉછાળે વેચવાલી છે.

મધ્ય પૂર્વમાં કતાર પર અખાતી દેશોના આર્થિક અને રાજદ્વારી બહિષ્કારનો ફિયાસ્કો થયો છે. કતાર આતંકવાદને પોષે છે એમ કહીને સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ વગેરેએ કતાર સાથે તમામ વ્યવહારો બંધ કરી દીધા, પણ કતાર ઝૂક્યું નહીં. અમેરિકાએ આ તંગદિલીનો લાભ લઈને કતારને અબજો ડૉલરનાં જ્૧૫ લશ્કરી વિમાનો વેચ્યાં છે. ફ્રાન્સ, અમેરિકા કોઈએ પણ સાઉદીને ટેકો આપ્યો નથી. કતારની જંગી ગૅસ રિઝર્વ અને આર્થિક તાકાત જોતાં કતારનો બહિષ્કાર કરવાનું પશ્ચિમી દેશોને ભાગ્યે જ મંજૂર હોય.

એશિયામાં જપાન અને હૉન્ગકૉન્ગ શૅરબજારોમાં ખાસ તો ટેક્નૉલૉજી શૅરોમાં જોરદાર વધ-ઘટ છે. હૉન્ગકૉન્ગમાં પ્રૉપર્ટી બજારમાં ફાટફાટ તેજી છે. ચીની રોકાણકારો મલેશિયા અને સિંગાપોરમાં પણ ખૂબ સક્રિય છે. તાજેતરમાં સિંગાપોર, હૉન્ગકૉન્ગ, મલેશિયાના પ્રવાસે જવાનું થયું ત્યારે ચીની પ્રૉપર્ટી રશની તીવþતાનો જાતઅનુભવ થયો. ચીની રોકાણકારો પાર્કિંગ-પ્લૉટ અને કમર્શિયલ પ્રૉપર્ટી અથવા પ્રીમિયમ રહેણાક પ્રૉપર્ટી ખરીદીને ભાડે આપી લીઝ ઇન્કમ મૉડલ અપનાવી રહ્યા છે. બિટકૉઇન અને ફિનટેક-બ્લૉક ચેઇન સ્ટાર્ટઅપમાં પણ ચીની ટેક્નૉક્રૅટ્સ સક્રિય બન્યા છે. ભારતમાં પણ ફિનટેક રિવૉલ્યુશન આકાર લઈ રહી છે. મશીન લર્નિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને બ્લૉક ચેઇન-ડિઝરપ્ટિવ ટેક્નૉલૉજી તરીકે ઓળખાતી આ ટેક્નૉલૉજી તહલકો મચાવી રહી છે.

ચીનમાં મૅન્યુફૅક્ચરિંગ સ્લોડાઉન છે. સમાંતર બૅન્કિંગનાં જોખમો, વધુપડતું  દેવું કાબૂમાં લાવવા સત્તાવાળાઓ કડક પગલાં લઈ રહ્યા છે. ઑક્ટોબરમાં ચીનમાં સત્તાપલટો આવતાં અગાઉ ચાવીરૂપ કંપનીઓમાં, ચાવીરૂપ સત્તાધીશોની નોકરીઓ જોખમમાં છે. ચીનની આર્થિક હાલત કથળેલી દેખાય છે. ચીની નાગરિકો ખૂબ અમીર બનતા જાય છે, પણ અર્થતંત્રમાં જંગી દેવાંના આધારે થયેલો વિકાસ ફિક્કો પડતો જાય છે. ડોનલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન - ત્રિદેવમાંથી કોણ ક્યારે આડું ફાટશે એ કહેવું મુશ્કેલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy