વૈશ્વિક રાજકારણમાં આપખુદીના ઉદયથી બજારોમાં બોઝિલ અજંપો

વેપારખાધ વધતાં રૂપિયો નરમ થવાની ધારણા : ફેડની બેઠક પર બજારની નજર


કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

વૈશ્વિક રાજકારણમાં આપખુદીનો આવિષ્કાર ચિંતાજનક બની ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વિદેશસચિવ રેક્સ ટિલરસનની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને CIAના વડા માઇકલ પિમ્પોને નિયુક્ત કર્યા છે. CIAના વડા તરીકે હવે જીના હાસ્પેલ, પ્રથમ મહિલા વડાં આવશે. ગુનેગારોને ટૉર્ચર કરવાનાં સમર્થક એવાં જીના હાસ્પેલની નિયુક્તિ અને CIAના ભૂતપૂર્વ વડા હવે અમેરિકાના વિદેશપ્રધાન હશે એટલે CIAનો પ્રભાવ કેવો હશે એની કલ્પના કરવી આસાન છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મૅક્માસ્ટરને પણ પાણીચું આપી તેમના સ્થાને સ્ટીફન બિગેલનું નામ ચર્ચામાં છે. આમ કરવાનું પ્રયોજન એ કે સુરક્ષા સંબંધિત ત્રણેય નેતાઓ વચ્ચે આપસી મતભેદ ઓછા રહે અને તેમની વચ્ચે વૈચારિક સમાનતા જળવાઈ રહે. સાદી ભાષામાં કહીએ તો અમેરિકામાં હાર્ડલાઇનર રાજકારણનો સૂરજ મધ્યાહ્ને આવ્યો છે. અમેરિકાની વિદેશનીતિમાં કાતિલ યુ-ટર્ન આવી ચૂક્યો છે. આમ કરવા માટે અમેરિકા પાસે પૂરતાં વજૂદ છે, કારણ કે અમેરિકાના વેપારી અને લશ્કરી સ્પર્ધક ચીનમાં પણ ચિંતાજનક શાસકીય બદલાવ આવ્યો છે. શી હવે આજીવન પ્રમુખ રહી શકશે. રશિયામાં પુતિન તો સદાકાળ ચર્ચાસ્પદ હોય જ છે. બ્રિટનના સેલિસબરીમાં ભૂતપૂર્વ રશિયન ડબલ એજન્ટ સર્જી‍ સ્ક્રિપાલ અને તેમનાં પુત્રી પર પ્રતિબંધિત નર્વ ગૅસનો જીવલેણ હુમલો કરીને હત્યા કરવાના મામલે બ્રિટને ૨૩ રશિયન ડિપ્લોમેટ્સની હકાલપટટ્ટી કરી છે. અમેરિકાએ બ્રિટનને ટેકો આપીને રશિયા પર તડાપિટ બોલાવી છે.

ધીમે-ધીમે પણ કોઈ મલિન ઇરાદાવાળી મહાભયાનક ડિઝાઇન આકાર પામી રહી છે. કોઈક તો છે જેને યુદ્ધ જોઈએ છે. 

કરન્સી કે શૅરબજારોની વાત કરીએ તો ટ્રેડ-વૉર, ઇકૉનૉમિક વૉર કે સાચુકલી મિલિટરી વૉર, ગમે તે થઈ શકે એવી નાજુક હાલત અત્યારે ઊભરી રહી છે. ટ્રમ્પ કઈ ઘડીએ કયો ટ્વીટ-બૉમ્બ ફોડશે એ નક્કી થઈ શકતું નથી. શૅરબજારો અત્યાર સુધી તો સંગીન ફન્ડામેન્ટલ્સના સથવારે મદહોશ છે; પણ હવે આ મદહોશીને ટ્રમ્પ, શી કે પુતિન બેહોશીમાં પલટી શકે છે. ડૉલરમાં કામચલાઉ મંદી અટકી છે. ફુગાવો સૉફટ રહેતાં બૉન્ડ યીલ્ડ નીચા આવ્યા છે. બૉન્ડબજારોનો ગભરાટ શમ્યો છે. આગામી બુધવારે ફેડની બેઠકમાં ૨૫ બેઝિસ પૉઇન્ટ વ્યાજદરવધારો થશે એવો અંદાજ છે. ટેક્નિકલી ડૉલર ઇન્ડેક્સની રેન્જ ૮૮.૮૦-૯૨.૨૦ છે.

ઘરઆંગણે રૂપિયામાં થોડો સુધારો આવ્યો હતો, પણ આ સુધારો તકલાદી રહેશે. વેપારખાધ ૩૨ અબજ ડૉલરથી વધીને ૪૩ અબજ ડૉલર થઈ એટલે કે GDPના ૧.૩ ટકાથી વધીને બે ટકા થઈ છે જે આગળ જતાં રૂપિયા પર દબાણ વધારી શકે. ફેડને વ્યાજદર વધારો, ક્રૂડની તેજી અને વેપારખાધનો વધારો જોતાં રૂપિયો એપ્રિલ સુધીમાં ૬૫.૫૦-૬૬ થઈ જશે. બૅન્કોમાં નિતનવાં કૌભાંડો, ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીમાં શાસક પક્ષનો નબળો દેખાવ જેવાં કારણો પણ તેજી માટે બાધક છે. નોબલવિજેતા અર્થશાસ્ત્રી પૉલ ક્રેગમૅને કહ્યું છે કે જો ભારતમાં ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ નહીં થાય તો ઇન્ડિયા સ્ટોરી જંગી બેકારીને કારણે સમાપ્ત થઈ જશે. ટેક્નિકલી રૂપિયામાં રેન્જ ૬૪.૪૮-૬૫.૫૫ છે. ૬૫.૫૮ વટાવાતાં નવી રેન્જ ૬૫.૩૭-૬૬.૨૩ ખૂલશે.

યુરોપમાં બજારોમાં ખાસ હલચલ નથી. સમર હૉલિડેઝ આવી રહ્યા છે એટલે બજારોમાં કામકાજ ઓછા છે. યુરો ૧.૨૨-૧.૨૪ અને પાઉન્ડ ૧.૩૭-૧.૪૦ની રેન્જમાં અથડાય છે. બ્રિટન - રશિયા વચ્ચે તનાવ, યુરોપ-બ્રિટન વચ્ચે બ્રેક્ઝિટનું વણઊકલ્યું કોકડું અને યુરોપિયન શૅરબજારોમાં નફારૂપી વેચવાલી આવતાં યુરોની તેજી અટકી છે. કામચલાઉ વિરામ છે.

એશિયામાં મહાસત્તા ચીનમાં શી હવે આજીવન પ્રમુખ રહી શકશે. તેમના સાથીદાર તરીકે તેમના વિશ્વાસુ વેન્ગની વરણી થઈ છે.

શી-વેન્ગની જોડી ચીનમાં સત્તાનું કેન્દ્રીકરણ ચરસસીમાએ પહોંચ્યાનો પુરાવો છે. ચીન અને અમેરિકા વચ્ચે લશ્કરી, આર્થિક મહાસત્તા બનવાની હરીફાઈ હવે પૉઇન્ટ ઑફ નો રિટર્ન સમી બની ગઈ છે. ચીનના પાડોશીઓ ખાસ કરીને ભારત અને જપાન માટે ચીની પડકાર પેચીદો કોયડો બનવાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK