કઠોળના ખેડૂતોની ભારે દુર્દશા : મોદી સરકાર MSP જેટલા ભાવ અપાવવામાં સરિયામ નિષ્ફળ

સરકારની ધૂમ ખરીદી છતાં ખુલ્લા બજારમાં કઠોળના ખેડૂતો સરેઆમ લૂંટાઈ રહ્યા છે: દેશમાં પ્રર્યાપ્ત ઉત્પાદન છતાં એપ્રિલ-જાન્યુઆરીમાં ૫૩ લાખ ટન કઠોળની ઇમ્પોર્ટ થઈ:

pulses

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

નરેન્દ્ર મોદીની સરકાર મોટા ઉપાડે ખેડૂતોને તેમની પ્રોડક્શન-કૉસ્ટથી દોઢાથી બમણા ભાવ અપાવવાનાં બણગાં જાહેરમાં ફૂંકે છે, પણ વાસ્તવમાં કઠોળના ખેડૂતોને હાલમાં સરકારે નક્કી કરેલી MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ - ટેકાના ભાવ) જેટલા ભાવ પણ ખુલ્લા બજારમાંથી મળી નથી રહ્યા. એગ્રિકલ્ચર મિનિસ્ટ્રીની બ્યુરોક્રસી સરકારની રેકૉર્ડબ્રેક ખરીદીનાં વખાણ કરવામાંથી ઊંચી આવતી નથી, પણ સરકારની રેકૉર્ડબ્રેક ખરીદીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી એ બાબતે કોઈ પગલાં લઈને ખેડૂતોને દોઢા કે બમણા નહીં પણ સરકારે જે નક્કી કર્યા છે એટલા ભાવ મળે એવી કાર્યવાહી પણ થતી નથી.  એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સની માર્કેટ તરફ નજર નાખીએ અને ખેડૂતોની પ્રોડક્શન-કૉસ્ટમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં જે વધારો થયો છે એ જોતાં હાલમાં દેશભરમાં ખેડૂતો દ્વારા જે આંદોલન થઈ રહ્યાં છે એ વાજબી છે. નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોનાં હિત માટે જે કામગીરી કરી રહી છે એ દેશની જનતા અને ખેડૂતોને મૂર્ખ બનાવવાની માત્ર ને માત્ર મોહિમ છે. અહીં દરેક ખેડૂતોના હાલમાં ચાલી રહેલા ભાવ અને એની સામે સરકારે ચાલુ સીઝન માટે નક્કી કરેલી MSPની સરખામણી આપી છે એના પરથી ખરી વાસ્તવિકતાનો ચિતાર મળી રહ્યો છે.

સરકારની ખોટી નીતિ


નરેન્દ્ર મોદી સરકારની એગ્રિકલ્ચર મિનિસ્ટ્રી, કૉમર્સ મિનિસ્ટ્રી અને ફૂડ સપ્લાય મિનિસ્ટ્રી વચ્ચે કોઈ તાલમેલ ન હોવાથી દેશના ખેડૂતોની હાલત હાલમાં બદતર છે. એગ્રિકલ્ચર મિનિસ્ટ્રી દ્વારા દેશમાં કઠોળનંચ વાવેતર અને ઉત્પાદનની માહિતી નિયમિત અપડેટ થાય છે. ફૂડ સપ્લાય મિનિસ્ટ્રી દ્વારા દેશમાં કઠોળની ડિમાન્ડ અને સપ્લાયની માહિતી નિયમિત અપડેટ થાય છે, જ્યારે કૉમર્સ મિનિસ્ટ્રી કઠોળની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની પૉલિસી તૈયાર કરે છે. દેશમાં કઠોળનું ઉત્પાદન અને ડિમાન્ડના સાચા ડેટા તૈયાર કરીને જો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પૉલિસી સમયસર ઘડવામાં આવે તો હાલની સ્થિતિ નિર્માણ થવાની કોઈ શક્યતા જ નથી. દેશમાં કઠોળની વાર્ષિક જરૂરિયાત ૨.૪૦ કરોડ ટનની છે અને દેશમાં કઠોળનું ઉત્પાદન સરકારના ડેટા અનુસાર ૨.૨૬ કરોડ ટન થયું છે. આ સ્થિતિમાં સરકારે કઠોળની ઇમ્પોર્ટ પર સીઝનની શરૂઆતમાં જ નિયંત્રણ મૂકવાં જોઈએ, પણ કૉમર્સ મિનિસ્ટ્રીનું એગ્રિકલ્ચર મિનસ્ટ્રી કે ફૂડ સપ્લાય મિનિસ્ટ્રી સાથે કોઈ સંકલન ન હોવાથી દેશમાં ચાલુ સીઝનમાં એપ્રિલ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ૫૩.૩ લાખ ટન કઠોળની ઇમ્પોર્ટ થઈ ચૂકી છે. આમ સરકારની સંકલનવિહીન પૉલિસીને કારણે ખેડૂતોને કઠોળના પૂરતા ભાવ મળતા નથી. આ સ્થિતિને દૂર કરવાને બદલે સરકારી એજન્સી દ્વારા આડેધડ કઠોળની ખરીદી થઈ રહી છે જેનો ખેડૂતોને કોઈ જ લાભ મળતો નથી. સરકારી ખરીદીમાં નર્યો ભ્રષ્ટાચાર થતો હોવાથી ખેડૂતો કરતાં અન્ય લેભાગુ એજન્સીઓ અને વેપારીઓ સરકારી ખરીદીનો લાભ લઈ જંગી કાળાં નાણાં બનાવી રહ્યા છે. આ સ્થિતિ સરકાર રોકી શકે એવું કોઈ મેકૅનિઝમ જ સરકાર પાસે નથી.

સરકારી ખરીદી માત્ર તૂત


સરકારી એજન્સી દ્વારા થતી ખરીદીની માર્કેટ પર કોઈ જ અસર નથી એના નમૂના તરફ દૃષ્ટિપાત કરીએ તો હાલમાં સરકારી એજન્સી ચણા અને તુવેરની ખરીદી દેશના જુદા-જુદા રાજ્યમાંથી કરી રહી છે. દેશમાં આ વર્ષે ચણાનું બમ્પર ઉત્પાદન થયું છે. એગ્રિકલ્ચર મિનિસ્ટ્રી ૧૧૦ લાખ ટન અને ટ્રેડ વતુર્ળોચ આ વર્ષે દેશમાં ૯૦ લાખ ટન ચણાના ઉત્પાદનનો અંદાજ મૂકી રહ્યાં છે. આટલા ઉત્પાદન સામે દેશની વાર્ષિક જરૂરિયાત ૫૦થી ૬૦ લાખ ટન છે. સરકારે ચણાની ઇમ્પોર્ટ પર સમયસર નિયંત્રણો ન મૂક્યાં એને કારણે આજે પણ દેશમાં બેથી ત્રણ લાખ ટન ઇમ્પોર્ટ ચણા અને ૧૦થી ૧૨ લાખ ટન જૂના ચણાનો સ્ટૉક પડ્યો હોવાનું અનુમાન છે. આટલો જંગી સ્ટૉક હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. હાલમાં ખુલ્લા બજારમાં ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૩૭૫૦ રૂપિયા છે અને ચણાની MSP ૪૪૦૦ રૂપિયા છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં MSP કરતાં પ્રતિ ક્વિન્ટલ ૬૫૦ રૂપિયા નીચા ભાવે ચણા વેચવાની ફરજ પડી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોને MSP જેટલા ભાવ પણ આપી શકતી નથી એ વાસ્તવિકતા છે. સરકારી એજન્સીઓએ અત્યાર સુધીમાં ચણાની ૫૨૮૯૫ ટનની ખરીદી કરી છે. હાલમાં સરકારી એજન્સીઓ તેલંગણ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી ચણાની ખરીદી કરી રહી છે. ચણા જેવી જ સ્થિતિ તુવેરની છે. તુવેરના ભાવ ખુલ્લા બજારમાં પ્રતિ ક્વિન્ટલ ૪૪૨૫ રૂપિયા ચાલી રહ્યા છે અને એની સામે એની MSP પ્રતિ ક્વિન્ટલ ૫૪૫૦ રૂપિયા છે. ખેડૂતોને હાલમાં MSP કરતાં પ્રતિ ક્વિન્ટલ ૧૦૨૫ રૂપિયા નીચા ભાવે તુવેર વેચવાની ફરજ પડી રહી છે. તુવેરની નવી આવક જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને સરકારી એજન્સીએ અત્યાર સુધીમાં ૫.૪૫ લાખ ટન તુવેરની ખરીદી કરી હોવા છતાં ખેડૂતોને MSP જેટલા ભાવ ખુલ્લા બજારમાંથી મળી રહ્યા નથી. સરકારી એજન્સીઓ હાલમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને તેલંગણમાંથી તુવેરની ખરીદી કરી રહ્યું છે, પણ એનો કોઈ ફાયદો ખેડૂતોને થયો નથી.

બેકાર ઇમ્પોર્ટ-પૉલિસી


નરેન્દ્ર મોદી સરકારની ઇમ્પોર્ટ-પૉલિસી સાવ બેકાર હોવાથી ખેડૂતોને એનો કોઈ લાભ મળતો નથી. ખેડૂતોને તમામ કઠોળના MSP કરતાં ઘણા નીચા ભાવ મળતા હોવા છતાં હાલમાં તુવેર, અડદ, મગ અને ચણાની જંગી ઇમ્પોર્ટ થઈ રહી છે. તુવેરની ઇમ્પોર્ટનો બે લાખ ટનનો અને અડદ-મગની ઇમ્પોર્ટનો ત્રણ લાખ ટનનો ઇમ્પોર્ટ-ક્વોટા હજી ચાલુ જ છે. આ ઇમ્પોર્ટ-ક્વોટા પર સરકારે કોઈ નિયંત્રણ મૂક્યાં નથી. ચાલુ સીઝનમાં તમામ કઠોળનું જંગી ઉત્પાદન થયું હોવા છતાં સરકારની બેકાર ઇમ્પોર્ટ-પૉલિસીને કારણે એપ્રિલ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ૫૩.૩ લાખ ટન કઠોળની ઇમ્પોર્ટ થઈ ચૂકી છે. હાલની સ્થિતિમાં જો નરેન્દ્ર મોદી સરકારને ખેડૂતોનું હિત હૈયામાં હોય તો તમામ કઠોળની ઇમ્પોર્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, પણ આ નિર્ણય લેવામાં શું નડી રહ્યું છે એ એક રહસ્ય છે. હાલમાં વટાણાની ઇમ્પોર્ટ પર ૫૦ ટકા ડ્યુટી લાગી રહી છે છતાં હજી જંગી માત્રામાં વટાણા આવી રહ્યા છે. ખુલ્લા બજારમાં વટાણાના ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ ૨૯૨૧ રૂપિયા ચાલી રહ્યા છે અને ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૩૭૫૦ ચાલી રહ્યા હોવાથી બેસન બનાવવામાં મિલોને ચણા કરતાં વટાણા સસ્તા મળતા હોવાથી એનો  બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે સરકારે તાત્કાલિક અસરથી વટાણાની ઇમ્પોર્ટ-ડ્યુટી ૫૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા અથવા તો વટાણાની ઇમ્પોર્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, પણ ખેડૂતોનાં હિત માટે આ નિર્ણય લેવાનું પણ સરકારમાં કોઈને સૂઝતું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK