જાહેર ક્ષેત્રની બૅન્કોનાં કૌભાંડોની તપાસ તો જરૂરી છે જ

જાહેર ક્ષેત્રની બૅન્કોના નિયંત્રણમાં કેન્દ્રીય નાણાખાતાની દખલગીરી વધુપડતી છે એટલે આ બૅન્કોના ગોટાળા અને કૌભાંડો માટે રિઝર્વ બૅન્ક પર દોષનો ટોપલો ઢોળી શકાય નહીં. બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, ૧૯૪૯માં કરાયેલા સુધારાઓ પ્રમાણે જાહેર ક્ષેત્રની બૅન્કોની કૉર્પોરેટ ગવર્નન્સ જાળવવાની રિઝર્વ બૅન્કની સત્તા ઘટાડાઈ છે જે હાલનાં કૌભાંડોનું મુખ્ય કારણ છે

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓનો જંગ જીતવા માટે પ્રજાને પોતાના પાંચ વર્ષના વહીવટનો હિસાબ આપવા ટાણે છાપે ચડેલાં જાહેર ક્ષેત્રની બૅન્કોનાં કૌભાંડોએ BJP અને NDA સરકાર માટે ઉકેલવી ભારે પડે એવી એક મોટી સમસ્યા ઊભી કરી છે. તો એ જ કારણે માથા પરની ચૂંટણીઓ જીતવા માટેના સંજોગો ઊજળા બનતા દેખાવાને કારણે વિપક્ષો ગેલમાં આવી ગયા છે. બૅન્ક-કૌભાંડોના મુદ્દે વિપક્ષોએ સરકાર પરનું દબાણ વધાર્યું છે. એ જ મુદ્દે સંસદના બજેટસત્રનું કામકાજ ઠપ થઈ ગયું છે.

આ બધી ધમાલ વચ્ચે સરકારે લોકસભામાં કોઈ પણ પ્રકારની ચર્ચા સિવાય ગણતરીની મિનિટોમાં ૨૦૧૮ના વર્ષનું ફાઇનૅન્શિયલ બિલ પસાર કરી દીધું છે. લોકસભાની જેમ નંબરની તાકાત પર રાજ્યસભામાં આ બિલ પાસ કરી શકાય એમ નથી. પણ ‘મની બિલ’ તરીકે આ બિલનો વિરોધ કરવાની રાજ્યસભાની મર્યાદા હોવાથી સરકારને એની ચિંતા ન હોય એ સ્વાભાવિક છે.

ત્રિપુરા, નાગાલૅન્ડ અને મેઘાલયની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો BJP અને NDAની તરફેણનાં રહ્યાં, પણ બિહાર અને ઉત્તર પ્રદેશની લોકસભાની પેટાચૂંટણીઓનાં પરિણામો સરકારને આંચકો આપી ગયાં. એમાં પણ પક્ષના ગઢ સમાન ગણાતી ઉત્તર પ્રદેશના ગોરખપુર (જ્યાંથી યોગી આદિત્યનાથ છેલ્લી પાંચ ચૂંટણીઓ જીતતા રહ્યા છે)ની હારને પચાવવાનું સરકાર માટે ખૂબ મુશ્કેલ છે. એવું જ ફૂલપુરની બેઠકનું કહી શકાય. વધુમાં આ બેઠકો સમાજવાદી પક્ષ (અખિલેશ યાદવ)એ બહુજન સમાજવાદી પક્ષ (માયાવતી) સાથેના જોડાણથી કબજે કરી એ તો NDA સરકાર  માટે ‘ડોશી મરે તો મરે, પણ જમ ઘર ભાળી ગયા’ જેવી વાત છે. રાજનીતિમાં દુશ્મનનો દુશ્મન મિત્ર બને એ ન્યાયે તદ્દન અસંભવ લાગતું વિપક્ષોનું જોડાણ શક્ય બન્યું. કૉન્ગ્રેસને બાજુએ રાખીને આમ થયું એટલે કૉન્ગ્રેસનું પત્તું પણ કપાઈ ગયું. સરકારના મનોરથ પ્રમાણે ભારત કૉન્ગ્રેસમુક્ત તો નહીં બની જાયને એવા ડરે કૉન્ગ્રેસનાં સર્વેસર્વા (રાહુલ ગાંધી પક્ષપ્રમુખ ભલે હોય) ભૂતપૂર્વ પક્ષપ્રમુખ સોનિયા ગાંધીને વિપક્ષોની એકતા માટે સક્રિય કરી દીધાં છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને માત્ર સરકાર સાથેનો જ નહીં, NDA સાથેનો છેડો પણ ફાડ્યો છે. ૧૮ સંસદસભ્યો સાથેની શિવસેના (NDAનો એક મજબૂત પક્ષ)એ તો સરકારમાં રહીને પણ કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારવાના એજન્ડા પર પોતાની બધી તાકાત લગાવી છે. મુંબઈના કિસાન મોરચાએ પણ મહારાષ્ટ્ર સરકારને નમાવી છે.

આમ ચૂંટણીઓ માટેનો રાજકીય તખ્તો ગોઠવાઈ રહ્યો છે અને ગરમ પણ થઈ રહ્યો છે. વિપક્ષો અમિત શાહના BJP કે નરેન્દ્ર મોદીની સરકારની તાકાત ઓછી આંકે એટલા અપરિપક્વ તો નથી જ એટલે ૨૦૧૪માં કૉન્ગ્રેસના વિકલ્પ ગણાતા BJP અને NDA (ઓરિજિનલ NDA માઇનસ TDP અને શિવસેના)નો વિકલ્પ ૨૦૧૯ની ચૂંટણીઓમાં કોણ એવો સવાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે.

૧૯૮૭થી છેલ્લાં ૩૦ વર્ષ સુધી ગોરખપુરની લોકસભાની બેઠક જાળવી રાખ્યા પછી એ બેઠક ગુમાવવી એ BJP માટે મોટા ફટકા સમાન છે. જ્યારે આ બેઠક યોગી આદિત્યનાથે રાજ્યના મુખ્ય પ્રધાન બનતાં ખાલી કરી હોય ત્યારે તો ખાસ. લોકસભાની પેટાચૂંટણીનાં આ પરિણામો રાજકીય પક્ષોનું ધ્રુવીકરણ થઈ રહ્યું હોવાનો સંકેત ગણાય. એને મતદારોની, ખાસ કરીને ગામડાંઓના અશિક્ષિત ગણાતા મતદારોની પરિપકવતા (જે ભૂતકાળમાં પણ વખતોવખત જોવા મળી છે)ના દાખલારૂપે પણ જોઈ શકાય. ત્રિપુરાની તાજેતરની ચૂંટણીઓમાં અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં જોવા મળ્યું એ ઍન્ટિ-ઇન્કમબન્સી (શાસન કરનાર પક્ષના અને સરકારના વહીવટથી ત્રાહિત થઈને એમાંથી છૂટવા માટે વૈકલ્પિક પક્ષને સત્તા પર લાવવો) પરિબળ પણ ૨૦૧૯ની ચૂંટણીઓમાં સરકારની વિરુદ્ધ જવાની શક્યતા ખરી જ. લોકો શાસનમાં ફેરફાર ઇચ્છતા હોય ત્યારે તેમનો મત સંભવિત વિકલ્પની તરફેણ કરતાં પ્રવર્તમાન શાસનની વિરુદ્ધમાં હોવાની શક્યતા વધુ હોય છે.

આમ રાજકીય મોરચે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સરકારને એક વધુ ફટકો પડ્યો છે. દેશની મધ્યવર્તી બૅન્ક દ્વારા જાહેર ક્ષેત્રની બૅન્કોનાં કૌભાંડ ભવિષ્યમાં અટકે કે ઓછાં થાય એ માટે રિઝર્વ બૅન્ક એક પછી એક પગલાં લઈ રહી છે. આ પગલાંઓની હારમાળામાં બૅન્કે આયાતકારો માટે અપાતા લેટર ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (LOU’s -  જે પંજાબ નૅશનલ બૅન્કના કૌભાંડના મૂળમાં છે) રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રેડ ફાઇનૅન્સ સિસ્ટમ પર આની મોટી અવળી અસર થઈ શકે. ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી તથા ઇજનેરી ક્ષેત્રોની નિકાસો ઘટી શકે અને એ માટેના ફન્ડની કિંમતમાં પણ વધારો થાય. ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટ્રેડ-વૉરને કારણે પણ ભારતની નિકાસો ઘટવાની શક્યતા ખરી. ૨૦૧૮-’૧૯ના બજેટ સાથે રજૂ કરાયેલા ઇકૉનૉમિક સવેર્ના તારણ પ્રમાણે ભારતનો આર્થિક વિકાસ વધારવાની ઊંચી ક્ષમતા આપણી નિકાસોમાં રહેલી છે એટલે ટ્રેડ-વૉર અને બૅન્ક-કૌભાંડોના પરિણામે આપણી નિકાસો ઘટે તો ડીમૉનેટાઇઝેશન અને GSTના રોલઆઉટને લીધે ભંગાણ પડેલા આર્થિક વિકાસ વધવાની જે શરૂઆત થઈ છે એના પર પણ બ્રેક લાગે અને તો રાજકીય મોરચે ઘેરાયેલી સરકાર આર્થિક મોરચે પણ ઘેરાય.

રિઝર્વ બૅન્કે લીધેલાં આવાં જરૂરી પગલાં સાથે ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલે કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે રિઝર્વ બૅન્ક પાસે બૅન્કોને નિયંત્રિત કરવાની સત્તા છે એ વાત ખરી, પણ ખાનગી ક્ષેત્રની બૅન્કોને નિયંત્રિત કરવાની જે સત્તા એની પાસે છે એવી અને એટલી સત્તા જાહેર ક્ષેત્રની બૅન્કો સંબંધી નથી. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં મુખ્ય શૅરહોલ્ડર હોવાના નાતે સરકારને ઓનરશિપ (માલિકી)નું માળખું બદલવામાં રસ નથી, એટલું જ નહીં, જાહેર ક્ષેત્રની બૅન્કોના નિયંત્રણમાં કેન્દ્રીય નાણાખાતાની દખલગીરી વધુપડતી છે એટલે આ બૅન્કોના ગોટાળા અને કૌભાંડો માટે રિઝર્વ બૅન્ક પર દોષનો ટોપલો ઢોળી શકાય નહીં. બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, ૧૯૪૯માં કરાયેલા સુધારાઓ પ્રમાણે જાહેર ક્ષેત્રની બૅન્કોની કૉર્પોરેટ ગવર્નન્સ જાળવવાની રિઝર્વ બૅન્કની સત્તા ઘટાડાઈ છે જે હાલનાં કૌભાંડોનું મુખ્ય કારણ છે.

બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, ૧૯૪૯ના સુધારા દ્વારા સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોના ચૅરમૅન, ડિરેક્ટસરો કે મૅનેજમેન્ટમાં ફેરફાર કરવાની રિઝર્વ બૅન્કની સત્તા પર કાપ મૂક્યો છે. આ સુધારાઓ જાહેર ક્ષેત્રની બૅન્કોની ફડચામાં જવાની પ્રક્રિયાને કાયદાની રૂએ આગળ ધપાવતા કે આવી બૅન્કોના સધ્ધર બૅન્કો સાથેના વિલીનીકરણ (મર્જર)ની પ્રક્રિયાને પૂરી કરવામાંથી રિઝર્વ બૅન્કને અટકાવે છે. બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ ઉપરાંત સરકાર બૅન્કિંગ કંપનીઝ ઍક્ટ, ૧૯૭૦, બૅન્ક નૅશનલાઇઝેશન ઍક્ટ, ૧૯૮૦ અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટ, ૧૯૫૫ દ્વારા જાહેર ક્ષેત્રની બૅન્કોનું નિયંત્રણ કરે છે.

આમ હાલનાં આ કૌભાંડો માટે રિઝર્વ બૅન્ક અને નાણામંત્રાલય સંયુક્ત રીતે જવાબદાર હોય એવી નબળી નિયંત્રણ-વ્યવસ્થાને જવાબદાર ઠરાવીને ડૉ. પટેલે બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, ૧૯૪૯ને મજબૂત બનાવીને જાહેર ક્ષેત્રની બૅન્કોને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બૅન્કની સત્તા વધારવાની વાત કરી છે. એ સત્તા આડે જાહેર ક્ષેત્રની બૅન્કોની માલિકીનું માળખું અંતરાયરૂપ ન બનવું જોઈએ.

ડૉ. પટેલે આડકતરી રીતે દેશનાં ટાંચાં નાણાકીય સાધનોના મહત્તમ અને અસરકારક ઉપયોગ માટે સરકારને જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણનો વિકલ્પ તપાસવાની અપીલ કરી છે.

બૅન્કોનાં કૌભાંડો અને અનિયમિતતાઓ એટલે વ્યાપારી સમાજના એક મર્યાદિત વર્ગે જાહેર ક્ષેત્રની બૅન્કો જેવા ઉદાર ધિરાણદારો સાથે મળીને દેશના ભાવિને લંૂટવાની અને ખતરામાં મૂકવાની કરેલી પ્રક્રિયા. દેશની કેન્દ્રવર્તી બૅન્કના ગવર્નર દ્વારા કરાયેલાં વિધાનોની અવગણના કરવાનું સરકારને અને દેશને ભારે પડી શકે. આશા રાખીએ કે નાણાપ્રધાન અને નાણામંત્રાલય એની ગંભીર નોંધ લઈને અતિ મહત્વના પ્રશ્નઉકેલની દિશામાં સઘન પ્રયાસ કરશે. સરકાર માટે આ તબક્કે શાખ અને ગુડવિલ વધારવાનું સરકાર માટે બહુ જરૂરી ગણે. અનેક રેકૉડોર્ નોંધાવનારી સરકાર આર્થિક વિકાસ વધારવા માટે અનિવાર્ય એવા બૅન્કિંગ ક્ષેત્રના બાકી રહેલા સુધારાઓનો રેકૉર્ડ એના નામે ચડાવીને દેશના આર્થિક વિકાસમાં મોટું યોગદાન આપી શકે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK