આ સપ્તાહે બજાર રેન્જ-બાઉન્ડ રહેશે

ગયા સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૦.૪૬ ટકા અને ૦.૫૦ ટકા વધીને ૧૦,૮૧૮ અને ૩૫,૬૨૨ બંધ રહ્યા હતા.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી


ક્ષેત્રવાર જોઈએ તો બૅન્કિંગ, ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, એનર્જી‍, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ફાર્મા અને મીડિયા સ્ટૉક્સની કામગીરી સારી રહી હતી; જ્યારે કૅપિટલ ગુડ્સ, મેટલ, પાવર અને ઇન્ફ્રા નબળા રહ્યા હતા.

રિઝર્વ બૅન્કે હાલમાં નીતિવિષયક વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. દેશમાં વૃદ્ધિને પોષક થઈ રહે એ માટે મધ્યમ ગાળામાં ફુગાવો ચાર ટકાની આસપાસ જ રહે એવો સરકારનો નિર્ણય છે. આથી કેન્દ્રીય બૅન્કે એને અનુરૂપ નિર્ણય લીધો છે. અમને એવું લાગે છે કે ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં વપરાશ ઘણો સારો રહેશે. વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન ૭.૪ ટકાના દરે વધવાની સંભાવના આશાસ્પદ છે.

હાલમાં નાણાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળતા પીયૂષ ગોયલે જાહેર કર્યું છે કે સરકારી બૅન્કોની બૅડ લોન લેવા માટે ઍસેટ રીકન્સ્ટ્રક્શન કંપની રચવા વિશે ચકાસણી કરવા સમિતિની રચના કરવામાં આવી છે. સરકારી બૅન્કોને સારી સ્થિતિમાં લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ કદમ છે.

આ નાણાકીય વર્ષમાં સરકારી બૅન્કોની સ્થિતિ સુધરવાની આશા છે. જો એમની બધી જ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ એક ઍસેટ રીકન્સ્ટ્રક્શન કંપનીમાં આવી જાય તો આ બૅન્કો પોતાના કામકાજ પર વધુ લક્ષ્ય કેન્દ્રિત કરી શકશે અને પોતાની સ્થિતિ સુધારી શકશે. વળી સરકારી બૅન્કોમાં ફસાયેલા રોકાણકારોના પૈસા પણ ઝડપથી છૂટા થઈ શકશે.

વૈશ્વિક હિલચાલ

વૈશ્વિક બજારના બેન્ચમાર્કમાં ગયા સપ્તાહે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. નૅસ્ડૅકમાં ૧.૬૫ ટકાની વૃદ્ધિ થઈને આંક ૭૭૬૧ પર બંધ રહ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ૦.૨૬ ટકા ઘટીને ૨૫,૧૭૫ બંધ રહ્યો હતો અને લ્&ભ્ ૫૦૦ ઇન્ડેક્સ ૦.૪૪ ટકા ઘટીને ૨૭૮૨ બંધ રહ્યો હતો.

અમેરિકાની કેન્દ્રીય બૅન્કે આ વર્ષે બીજી વાર વ્યાજદરમાં વધારો કર્યો છે અને આ જ વર્ષમાં હજી બે વખત વધારો કરવાના સંકેત આપ્યા છે. એને લીધે અર્થતંત્રની ગતિ ફરી થોડી ધીમી પડશે એવું લાગે છે.

બીજી બાજુ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની વાટાઘાટો બાદ વૈશ્વિક બજારોમાં સારાં કામકાજ થયાં હતાં. બન્ને દેશોએ કોરિયન દ્વીપસમૂહ વિસ્તારમાં અણુમુક્તિ માટેનો ઐતિહાસિક કરાર કર્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પણ નૉર્થ કોરિયા પરનાં નિયંત્રણો દૂર કરવાની ખાતરી આપી છે.

ક્ષેત્રવાર અંદાજ

ફાર્મા : ઇન્ડિયા બ્રૅન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના અંદાજ મુજબ ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર મૂલ્યની દૃષ્ટિએ વૈશ્વિક ફાર્મા ઉદ્યોગના ૩.૧-૩.૬ ટકા જેટલો અને વૉલ્યુમની દૃષ્ટિએ ૧૦ ટકા જેટલું રહેવાનો અંદાજ છે.

મંજૂરીઓ મળવામાં થતાં વિલંબ, અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના નિયમનકારી પ્રશ્નો, નિયમનકારી સખતાઈ અને બાયોસિમિલર વિકસાવવા માટે મૂડીનો અભાવ જેવાં કારણોને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ફાર્મા કંપનીઓ નવી પ્રોડક્ટ લાવવામાં ધીમી રહી છે. વળી સ્થાનિક માર્કેટમાં ફિક્સ્ડ ડોઝ કૉમ્બિનેશન પરના પ્રતિબંધને કારણે અનિશ્ચિતતા સર્જા‍ઈ છે. હાલમાં સ્થાનિક માર્કેટમાં વેચાતી નવી પ્રોડક્ટ્સનો હિસ્સો બેથી અઢી ટકા જેટલો છે જે ત્રણ-ચાર વર્ષ પહેલાં ત્રણથી ચાર ટકા જેટલો હતો. એકંદરે કહી શકાય કે ફાર્મા સ્ટૉક્સ હાલની તારીખે ઓછા મૂલ્યમાં મળી રહ્યા છે અને એથી એની ખરીદી શરૂ કરી દેવી જોઈએ. ઘણી ફાર્મા કંપનીઓએ પોતાના પ્લાન્ટને લગતા નિયમનકારી પ્રશ્નોના ઉકેલ માટે પગલાં ભર્યાં છે જેનું સારું પરિણામ આગામી સમયમાં મળી શકશે. આમ આગળ જતાં ફાર્મા સ્ટૉક્સમાં મૂલ્યવૃદ્ધિની ઉજ્જ્વળ સંભાવના દેખાય છે.

આગામી સપ્તાહ : આ સપ્તાહે માર્કેટ રેન્જ-બાઉન્ડ રહેશે. એ માટેનાં અનેક પરિબળો છે. પહેલું પરિબળ ચીન અને અમેરિકા વચ્ચે છેડાયેલા વેપારયુદ્ધનું છે. ચીને આપેલા સંકેત મુજબ અમેરિકાની સામે એ વળતો પ્રહાર કરીને આયાત પર ટૅરિફ લગાડશે. આ સંજોગોમાં વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા સર્જા‍શે અને એને પગલે ભારતમાં પણ ઇન્ડેક્સ રેન્જ-બાઉન્ડ રહેશે. જોકે આપણાં બજારોમાં પસંદગીના સ્ટૉક્સ ખરીદવા માટેની તક સારી રહેશે. ગયા સપ્તાહે ફાર્મા કંપનીઓ ઊપડી હતી, જ્યારે આ સપ્તાહ બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સેક્ટર અને ઇન્શ્યૉરન્સનું રહેશે. ખાસ કરીને બૅન્કો અને કેટલીક નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ તથા વીમા કંપનીઓના સ્ટૉક્સ ડિમાન્ડમાં રહેશે. આ સ્ટૉક્સમાં એકંદરે ખરીદી માટેની સારી તક ઊભી થઈ રહી છે. એ ઉપરાંત કૅપિટલ ગુડ્સના સ્ટૉક્સમાં પણ સારી કામગીરી જોવા મળી શકે છે તથા પસંદગીની મેડિકલ કંપનીઓ અને ઑટો કંપનીઓ પણ ખરીદી શકાય એવી સ્થિતિમાં રહેશે. બજારનું એકંદર વલણ બદલાય એવું લાગતું નથી. નિફ્ટીની રેન્જ ઉપરમાં ૧૦,૮૫૦-૧૦,૯૦૦ અને નીચામાં ૧૦,૪૦૦-૧૦,૫૦૦ રહેવાની ધારણા છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK