ભારતની હાલત બાર સાંધે ત્યાં તેર તૂટે એવી છે

ટ્રેડ-વૉરની વધતી સંભાવના અને અમેરિકામાં વધતા વ્યાજના દર

BSE

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ગયા અઠવાડિયે ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો છે. ૨૦૧૮ના આ બીજા વધારા સાથે અમેરિકામાં વ્યાજના દર હવે ૧.૭૫થી બે ટકા જેટલા થયા છે. અમેરિકાની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે, બેરોજગારીનો દર ઘટતો જાય છે અને ભાવવધારો અંદાજ કરતાં વધુ ઝડપે એના લક્ષ્ય ભણી આગળ વધી રહ્યો છે એટલે ફેડના બોર્ડના સભ્યોએ ૨૦૧૮નું વર્ષ સમાપ્ત થાય એ પહેલાં વ્યાજના દરના બીજા બે વધારાની સંભાવના વ્યક્ત કરી છે. વ્યાજના દર એ ઝડપે વધારાશે જે આર્થિક વિકાસના દરને ધીમો પણ ન પાડી દે કે એ વધુ ઝડપી વધે એમ પણ ન થાય. હાલના ભાવવધારાના, વધી રહેલા આર્થિક વિકાસના દરના અને લેબર માર્કેટના સંદર્ભમાં ૨૦૧૯ના વર્ષમાં પણ વ્યાજના દર ત્રણ વાર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 

ટ્રમ્પ દ્વારા અપાયેલી ૧૫૦૦ બિલ્યન ડૉલરની કરવેરાની રાહતો અને ૩૦૦ બિલ્યન ડૉલરના કરાનારા વધારાના ખર્ચને કારણે અમેરિકાના આર્થિક વિકાસનો દર વધી શકે છે. વધતો જતો આર્થિક વિકાસ અને ટાઇટ થતા જતા લેબર માર્કેટ વચ્ચે પણ વેતનવધારાનો દર ધીમો રહ્યો છે જે એક આર્ય છે. વેતનના દર વધવા માંડે અને એ દ્વારા ભાવવધારાનો દર વધે તો ફેડને વ્યાજના દર વધુ ઝડપે વધારવાની ફરજ પડી શકે. એની અસર આર્થિક વિકાસની ઝડપ પર, વિશ્વના નાણાબજારના ફેરફારોની ઝડપ પર અને ઊભરતા દેશોનાં અર્થતંત્રો પર પડે જે હાલમાં પણ વિદેશી મૂડીરોકાણના વધતા જતા બાહ્ય પ્રવાહને કારણે દબાણ હેઠળ છે.

અમેરિકામાં જાહેર કરાયેલી આ પૉલિસીના ફેરફારની આટલા વિસ્તારથી વાત શા માટે? ફેડના અંદાજ પ્રમાણે ૨૦૧૮ અને ૨૦૧૯માં વ્યાજના દર વધે તો ભારતનું આર્થિક ચિત્ર ઝાંખું થઈ શકે કે બગડી પણ શકે.

આ મહિનાની શરૂઆતમાં ભારતની રિઝર્વ બૅન્કે પૉલિસીના દર વધાર્યા એની પાછળ આ બધી ગણતરી મુકાઈ છે એટલે અમેરિકામાં થયેલો વ્યાજના દરનો વધારો રિઝર્વ બૅન્કના નિર્ણયને વાજબી ઠેરવે છે.

એ ઉપરાંત ગયા અઠવાડિયે જાહેર કરાયેલો મે મહિના માટેનો છૂટક અને જથ્થાબંધ ભાવાંક, એપ્રિલ માટેના ઔદ્યોગિક ઉત્પાદનના આંક અને ૨૦૧૭-’૧૮ના વર્ષની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD)ના આંકડા પણ રિઝર્વ બૅન્કના વ્યાજના દર વધારવાના પગલાને દૂરંદેશી ઠેરવે છે. દેશ જ્યારે તરહ-તરહની આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલો હોય ત્યારે કુનેહપૂવર્કર લેવાયેલાં સાચાં પગલાં દેશને આર્થિક સંકટમાંથી બચાવી શકે.

મે મહિનાનો જથ્થાબંધ ભાવાંકનો ૪.૪૩ ટકાનો વધારો માર્ચ-૨૦૧૭ના ૫.૧ ટકા પછીનો એટલે કે ૧૪ મહિનાનો સૌથી મોટો વધારો છે. મે મહિના માટેનો કોર ઇન્ફ્લેશન (ફ્યુઅલ અને ફૂડ-આઇટમ સિવાયનો) ૪.૪ ટકાનો (મે ૨૦૧૭માં ૩.૬ ટકાનો) હતો. ફળફળાદિના ભાવમાં મે મહિનામાં ડબલ ડિજિટનો એટલે કે ૧૫ ટકાનો વધારો થયો હતો. મે મહિનામાં છૂટક ભાવાંક એપ્રિલના ૪.૬ ટકાના વધારા સામે ૪.૯ ટકા જેટલો વધ્યો હતો જે ચાર મહિનાનો સૌથી મોટો ભાવવધારો છે.

મે-૨૦૧૭નો છૂટક ભાવવધારો ૨.૨ ટકા જ હતો. અપેક્ષિત ભાવવધારાના ઓછાયા હેઠળ રહેતી રિઝર્વ બૅન્કને ભાવોની પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય એ માટે ઑગસ્ટ-૨૦૧૮ની મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દર વધારવાની ફરજ પડે તો નવાઈ નહીં.

અર્થતંત્રમાં મુશ્કેલીઓ આવવા માંડે એટલે એ ઝુંડમાં આવતી હોય છે અને બેવડાતી જતી હોય છે એ આપણાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોમાંનું એક સૌથી અગત્યનું પરિબળ CAD છે. વધતી જતી CAD અર્થતંત્રની ગાડી પર બ્રેþક લગાવી શકે. ફિસ્કલ ૨૦૧૮ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં CAD વધીને ૧૩ બિલ્યન ડૉલર થઈ જે GDPના ૧.૯ ટકા છે (ફિસ્કલ ૨૦૧૭ના આ ગાળામાં એ ૨.૬ બિલ્યન ડૉલર અથવા GDPના ૦.૪ ટકા હતી).

ફિસ્કલ ૨૦૧૮ના છેલ્લા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮)ની CAD વધીને લગભગ ૨૦૧૬-’૧૭ (ફિસ્કલ ૨૦૧૭)ના આખા વર્ષની CAD જેટલી થઈ છે જે સતત વધતા કૉમોડિટીના, ખાસ કરીને ક્રૂડના, ભાવો આપણા અર્થતંત્રને અને આપણી બાહ્ય ચુકવણીની પરિસ્થિતિને કેટલી હદે હચમચાવી શકે છે એનો નિર્દેશ કરે છે.

છેલ્લા થોડાં વર્ષોમાં ક્રૂડના નીચા ભાવોને કારણે CAD એક લિમિટમાં હતી અને ઓછા ભાવવધારાને કારણે વ્યાજના દર પણ સ્થિર રહ્યા કે ઘટતા રહ્યા. એ સાથે જ અમેરિકામાં પણ વ્યાજના દર નીચા હોવાને કારણે મર્યાદિત CADને ફાઇનૅન્સ કરવામાં મુશ્કેલી પડતી નહોતી. FDI અને FIIનાં રોકાણો અને ઇન્ફ્લોથી એ જરૂરિયાત પૂરી થઈ રહેતી હતી. રૂપિયો સ્થિર અને વિકસિત દેશોમાં વ્યાજના દર ઓછા એટલે વિદેશી મૂડીરોકાણકારોને પણ ભારત જેવા ઊભરતા દેશ તરફ નજર માંડ્યા સિવાય છૂટકો નહોતો.

હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એક બાજુ વધતા જતા કૉમોડિટીના ભાવો CADને ભડકાવી રહ્યા છે તો બીજી બાજુ એને ભરપાઈ કરવા માટે જરૂરી કૅપિટલ ઇન્ફ્લો ઘટી રહ્યો છે એટલે રૂપિયો ગગડતો રહે છે અને નિકાસો વધે કે ન વધે પણ આયાતો વધતી રહે છે.

મજબૂત ડૉલર અને વિદેશોમાં વધતા વ્યાજના દર તો વિદેશી મૂડીના પ્રવાહને ભારતમાં આવતો અટકાવે, પણ સમગ્ર વિશ્વમાં ઘટી રહેલા વિદેશી મૂડીના પ્રવાહને કારણે પણ ભારત પર એની અસર પડે જ. વિશ્વમાં વિદેશી મૂડીનો પ્રવાહ ૨૦૦૭માં વિશ્વના GDPના ૨૧ ટકામાંથી ઘટીને ૨૦૧૭માં માત્ર સાત ટકા થઈ ગયો છે.

ગ્લોબલાઇઝેશનનાં વળતાં પાણી વચ્ચે વિદેશી મૂડીને આર્કષવા માટેની તીવþ હરીફાઈ હોય એટલે સીધું વિદેશી મૂડીરોકાણ વધારવા માટે રેડ ટૅપિઝમ દૂર કરીને રેડ કાપેરટ બિછાવવી પડશે. ૨૦૧૭માં તો પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટના વધારાએ સીધા વિદેશી મૂડીરોકાણના ઘટાડાથી ઊભી થયેલી ખાધ પૂરી કરી, પણ હવે જ્યારે વિશ્વના સ્તરે લિક્વિડિટી (રોકડ નાણાંની ઉપલબ્ધિ)ની ખેંચ ઊભી થઈ રહી છે ત્યારે ભવિષ્યમાં પોર્ટફોલિયો દ્વારા થતું મૂડીરોકાણ પણ ઘટતું જવાનું. ૨૦૧૮માં આની શરૂઆત થઈ જ ગઈ છે એટલે આપણી બાહ્ય ચુકવણીનું બજેટ ખોરવાઈ ન જાય એ માટે સીધા વિદેશી મૂડીરોકાણ માટેની આપણી નીતિ વધુ સરળ અને લિબરલ બનાવવી પડશે.

જોકે ૨૦૧૮ના અંકટાડના વલ્ર્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭માં વૈશ્વિક સ્તરે સીધા વિદેશી મૂડીરોકાણમાં ૨૩ ટકાનો ઘટાડો થયો છે, પણ ભારતમાં આવતા વિદેશી મૂડીરોકાણમાં ૨૦૧૭-’૧૮માં નજીવો પણ વધારો (ત્રણ ટકાનો) થવાથી એ મૂડીરોકાણ ૬૨ બિલ્યન ડૉલરે પહોંચ્યું છે. અલબત્ત, આ વધારો છેલ્લાં ચાર વર્ષનો સૌથી નીચો વધારો છે. 

હવે પછીનાં વર્ષોમાં, ખાસ કરીને ફિસ્કલ ૨૦૧૯માં, વિદેશી મૂડીરોકાણના વધારાની ઝડપમાં થતો ઘટાડો અટકાવવો હોય તો રૂપિયાને મજબૂત કર્યા સિવાય અને વિદેશી મૂડીરોકાણકારો માટે ખરા અર્થમાં રેડ કાપેરટ બિછાવવા સિવાય વધતી જતી CADની ખરાબ અસરમાંથી બચવાનો કોઈ ઉપાય નથી.

આર્થિક નીતિના ફેરફારો ઉપરાંત બદલાઈ રહેતી રાજકીય પરિસ્થિતિ પણ આમાં મહત્વનો ભાગ ભજવી શકે. એથી આગળ વધીને વૈશ્વિક સ્તરે આર્થિક નીતિની વધી રહેલી અનિશ્ચિતતા પણ ભારતની કપરી પરિસ્થિતિમાં વધુ ગૂંચવાડો ઊભો કરી શકે. મે મહિનાનો ગ્લોબલ ઇકૉનૉમિક પૉલિસી અનસર્ટન્લી ઇન્ડેક્સ વધીને ૧૭૩નો થયો છે જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઊંચો આંક છે. અમેરિકાના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરાયેલો આ ઇન્ડેક્સ ઉદ્યોગ-ધંધાને અસર કરે એવી પ્રવર્તમાન સામાન્ય આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લે છે. 

કેટલીક મહત્વની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જેણે આ ઇન્ડેક્સમાં વધારો કર્યો હોય એનો ઉલ્લેખ કરવો રહ્યો. ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપોરમાં ગયા અઠવાડિયે યોજાયેલી મુલાકાતનો હિસ્સો પણ એમાં ગણાય જ. વિશ્વની તંગદિલી હળવી કરવા માટે યોજાયેલી આ બેઠકની ફળશ્રુતિ વિશે ઘણી અનિશ્ચિતતા પ્રવર્તે છે. આખરે કિમ પરમાણુ નિ:શસ્ત્રીકરણ માટે સહમત થયા છે, જ્યારે ટ્રમ્પે નૉર્થ કોરિયાને વેપારી અને લશ્કરી ક્ષેત્રે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે. કાગળ પરના આ કરારનો બન્ને પક્ષે કેટલી ગંભીરતાથી અમલ થશે એ વિશે આજે કોઈ સ્પક્ટ અનુમાન લગાવવું લગભગ અશક્ય ગણાય. હાલપૂરતું તો બન્ને દેશોએ વાતચીત દ્વારા સમસ્યાના નિરાકરણ માટેની ખુલ્લી રાખેલી ચૅનલ એક મોટું પૉઝિટિવ પરિબળ ગણાય.

અમેરિકાના અન્ય દેશો સાથેના વેપારયુદ્ધનો હાઉ પણ વિશ્વની આર્થિક નીતિ/પરિસ્થિતિની અનિશ્ચિતતામાં વધારો કરી શકે. કૅનેડામાં G-૭ની શિખર બેઠકમાં ટ્રમ્પે યજમાન દેશના વડા પ્રધાનનું જાહેરમાં અપમાન કરીને એ બેઠક છોડી ચાલી જઈને ફરી એક વાર તેમના તઘલખી મિજાજનો પરિચય આપ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગોના નિર્ણયો પણ વિશ્વની આર્થિક નીતિની અનિશ્ચિતતામાં વધારો કરી શકે.

ઇટાલીમાં રાજકીય તનાવ ઓછો થયો છે છતાં એ દેશ યુરોપિયન યુનિયન નહીં જ છોડી જાય એવી કોઈ ખાતરી આપી શકાય એમ નથી. ટ્રમ્પનો હુંકાર કે અમેરિકા એના મિત્ર કે દુશ્મન દેશોને અમેરિકા સાથેના વેપારમાં ફાયદો ઉઠાવવા દેશે નહીં એ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય વેપારક્ષેત્રે કેવી તારાજી સરજાઈ શકે એનો અણસાર આપે છે.

ક્રૂડના ભાવો વધી રહ્યા છે ત્યારે ઓપેક અને નૉન-ઓપેક દેશો વચ્ચે ક્રૂડનું ઉત્પાદન વધારવું કે હાલના સ્તરે ટકાવી રાખવું એની ચર્ચા માટેની બાવીસ જૂનની બેઠક પણ ભારત માટે અત્યંત મહત્વની ગણાય. અમેરિકા દ્વારા જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સિસ (જે દ્વારા ભારતના નિકાસકારોને અમેરિકા કરવામાં આવતી નિકાસમાં પસંદગીના ધોરણે પરવાનગી મળે છે)ની સમીક્ષા થઈ રહી છે જે આપણી નિકાસો સામેની મોટી અનિશ્ચિતતા છે. ટોક્યોમાં જુલાઈમાં મળનારી ૧૬ દેશો વચ્ચેના ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટની મીટિંગ વિશે પણ ભારે દ્વિધા છે. આ બધા દેશો પોતાની નિકાસ પરની ટૅરિફ ઘટાડવા કે નાબૂદ કરવા ભારત પર દબાણ વધારી રહ્યા છે, પણ ભારતની સેવાઓના ક્ષેત્રના કરાર કરવા વિશેની દરખાસ્તને ભાવ આપતા નથી. આવા કરાર કુશળ કારીગરોની એકબીજાના દેશોમાં રોકટોક વગરની હિલચાલમાં અને નોકરીઓ સ્વીકારવાની બાબતે છૂટ આપવા વિશેના છે.

આ બધી સમસ્યાઓના સંદર્ભમાં ભારતનું ભાવિ નજીકના ભવિષ્યમાં કેવું હશે એ સવાલનો જવાબ સહેલાઈથી મળે એમ નથી.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK