વૈશ્વિક તેલ-તેલીબિયાં માર્કેટમાં મહામંદી : સોય-પામતેલના ભાવ મલ્ટિયર લો સપાટીએ

ભારતે છેલ્લા ૧૦ મહિનામાં પાંચ વખત ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી, એેની મોટી અસર થઈ : રૂપિયાની નબળાઈ અને ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાથી ભારતીય તેલ-તેલીબિયાં માર્કેટમાં ઓછી અસર થઈ

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


વૈશ્વિક તેલ-તેલીબિયાંના ભાવ છેલ્લાં છ-સાત સપ્તાહથી નૉનસ્ટૉપ ઘટી રહ્યા છે. અમેરિકા-ચીનની ટ્રેડ-વૉરને કારણે ચીને અમેરિકન સોયબીનની ઇમ્પોર્ટ પર ૨૫ ટકા ડ્યુટી લાદી દેતાં સોયબીનની ડિમાન્ડમાં એકાએક મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા વિશ્વનું સૌથી મોટું સોયબીન ઉત્પાદક હોવાથી સોયબીનની ડિમાન્ડ ઘટતાં શિકાગો સોય પ્રોડક્ટ વાયદામાં એની મોટી અસર જોવા મળી હતી. ભારતે ઑગસ્ટથી શરૂ કરીને છેલ્લા દસ મહિનામાં પાંચ વખત ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતાં મલેશિયા-ઇન્ડોનેશિયાની પામતેલની ડિમાન્ડ ઝડપથી ઘટવા લાગી હતી. મલેશિયા અને ઇન્ડોનેશિયાનો પામતેલનો સ્ટૉક ઝડપથી વધવા લાગતાં મલેશિયન પામતેલ વાયદો ઝડપથી તૂટવા લાગ્યો હતો. શિકાગો સોય પ્રોડક્ટ વાયદા અને મલેશિયન પામતેલ વાયદો, આ બન્ને વિશ્વની ખાદ્ય તેલોની માર્કેટના મુખ્ય બૅરોમીટર હોવાથી આ બન્નેમાં ઘટાડાને પગલે વિશ્વના તમામ દેશોમાં તેલ-તેલીબિયાંના ભાવમાં નૉનસ્ટૉપ મંદી વ્યાપી ચૂકી છે. ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો હોવાથી અને અહીં સરકારે સતત પાંચ વખત ઇમ્પોર્ટ ડ્યુટી વધારી હોવાથી મંદીની અસર ઓછી છે, પણ હવે છેલ્લાં બે સપ્તાહથી મંદીની અસર વધી રહી છે.

સોય-પામતેલ વાયદા

મલેશિયન પામતેલ વાયદો છેલ્લાં સાત સપ્તાહમાંથી છ સપ્તાહમાં ઘટ્યો હતો. વીતેલા સપ્તાહ દરમ્યાન મલેશિયન પામતેલ વાયદામાં ૧૧૯ રિંગિટનો એટલે કે ૫.૫૨ ટકાનો ઘટાડો થઈને ભાવ ૨૧૪૭ રિંગિટ થયો હતો જે ભાવ છેલ્લાં ત્રણ વર્ષના સૌથી નીચા ભાવ છે. મલેશિયન પામતેલ વાયદો સાત સપ્તાહ અગાઉ ૨૪૫૫ રિંગિટ હતો. સાત સપ્તાહમાં મલેશિયન પામતેલ વાયદામાં ૩૦૮ રિંગિટ એટલે કે ૧૨.૫૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. શિકાગો સોયબીન વાયદામાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૫.૮૦ સેન્ટ એટલે કે ૬.૬૧ ટકાનો ઘટાડો થઈને ભાવ ૮.૧૯ ડૉલર પ્રતિ બુશેલ (એક બુશેલ=૨૭.૨૧૮ કિલો), સાડાનવ વર્ષના તળિયે પહોંચ્યો હતો. છેલ્લાં સાત સપ્તાહમાં શિકાગો સોયબીન વાયદામાં ૨૧.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સાત સપ્તાહ શિકાગો સોયબીન વાયદો ૧૦.૪૫ ડૉલર પ્રતિ બુશેલ હતો. શિકાગો સોયતેલ વાયદો પણ વીતેલા સપ્તાહ દરમ્યાન ૧.૧૦ સેન્ટ પર પાઉન્ડ (એક પાઉન્ડ-૪૫૪ ગ્રામ) એટલે કે ૩.૬૨ ટકા ઘટ્યો હતો.

ટ્રેડ-વૉરની અસર

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર શરૂ થયા બાદ છઠ્ઠી જુલાઈથી ચીને અમેરિકન સોયબીનની ઇમ્પોર્ટ પર ૨૫ ટકા ડ્યુટી લાદી હતી. ચીન દ્વારા ડ્યુટી લાગુ થતાં ચાઇનીઝ ક્રશરો અને ઇમ્પોર્ટરોને અમેરિકાથી સોયબીન મગાવવું મોંઘું પડવા લાગતાં આવનારા દિવસોમાં અમેરિકન સોયબીનની ડિમાન્ડમાં મોટો ઘટાડો થશે. અમેરિકાનું સોયબીન ઉત્પાદન વિશ્વમાં સૌથી વધુ ૧૧૯૫ લાખ ટન ચાલુ વર્ષે થયું હતું. ચીન વિશ્વમાં સૌથી મોટું સોયબીનનું વપરાશકાર છે. ચીનની ચાલુ વર્ષની સોયબીનની ડિમાન્ડ ૧૧૫૦ લાખ ટનથી વધુ છે. સોયબીનના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર વચ્ચે ટ્રેડ-વૉર શરૂ થતાં સોયાબીનની ડિમાન્ડમાં મોટો ઘટાડો થવાની આગાહીથી શિકાગો સોય પ્રોડક્ટ વાયદામાં ઝડપથી ભાવ ઘટવા લાગ્યા હતા. ચીને સોયબીનના વપરાશમાં બે ટકાનો ઘટાડો કરીને વપરાશ ૧૦૯૦ લાખ ટન આસપાસ થવાનો અંદાજ મૂક્યો તો અમેરિકાએ સોયબીનની એક્સપોર્ટમાં પણ ઘટાડો થવાનો અંદાજ મૂક્યો એની અસરે ભાવ ઝડપથી ઘટ્યા હતા.

પામતેલ પર અસર


ભારતે પામતેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં મોટો વધારો કરતાં મલેશિયા અને ઇન્ડોનેશિયાની પામતેલ એક્સપોર્ટ ધડાધડ ઘટવા લાગી અને સ્ટૉક ત્યાં મોટા પ્રમાણમાં જમા થયો હતો. મલેશિયન પામ ઑઇલ બોર્ડ દ્વારા વીતેલા સપ્તાહ દરમ્યાન જાહેર થયેલા ડેટામાં પામતેલનો એન્ડિંગ સ્ટૉક ડિસેમ્બર પછી પ્રથમ વખત વધ્યો હતો. ડિસેમ્બરના અંતે મલેશિયાનો પામતેલ સ્ટૉક ૨૭.૩૨ લાખ ટન હતો જે ઘટીને મેના અંતે ૨૧.૭૧ લાખ ટન થયો હતો એ વધીને જૂનના અંતે ૨૧.૮૯ લાખ ટન થયો હતો. મલેશિયાનું પામતેલ ઉત્પાદન અને એક્સપોર્ટ સતત ચોથા મહિને ઘટ્યાં હતાં અને બન્ને ફેબ્રુઆરી-૨૦૧૭ પછીની નીચી સપાટીએ એટલે કે ઉત્પાદન અને એક્સપોર્ટ બન્ને ૧૬ મહિનાના તળિયે પહોંચ્યાં હતાં. મલેશિયન પામતેલનું ઉત્પાદન ૧૩.૩૦ લાખ ટન થયું હતું જે માર્ચમાં ૧૫.૭૪ લાખ ટન હતું અને મલેશિયન પામતેલની એક્સપોર્ટ ઘટીને ૧૧.૨૯ લાખ ટન થઈ હતી જે માર્ચમાં ૧૫.૬૬ લાખ ટન હતી. એક્સપોર્ટમાં વધુ ઘટાડો નોંધાયો હતો. આવી સ્થિતિ ઇન્ડોનેશિયામાં જોવા મળી હતી. ઇન્ડોનેશિયન પામ ઑઇલ બોર્ડે‍ મે મહિનાના અંતે ઇન્ડોનેશિયામાં પામતેલનો સ્ટૉક વધીને ૪૭.૬ લાખ ટન થયાનો રિપોર્ટ આપ્યો હતો જે એપ્રિલને અંતે ૩૯.૭ લાખ ટન હતો. ઇન્ડોનેશિયાની પામતેલ એક્સપોર્ટ મે મહિનામાં ૧૮.૩ ટકા ઘટીને ૨૧.૪ લાખ ટન જ રહી હતી.

વૈશ્વિક તેલ-તેલીબિયાં માર્કેટની મંદીની ભારતીય માર્કેટ પર અસર

સોય પ્રોડક્ટ અને પામતેલના ભાવ એકધારા ઘટવા લાગતાં વીતેલા સપ્તાહ દરમ્યાન ભારતીય માર્કેટમાં પણ એની અસર જોવા મળી હતી. સિંગતેલ અને રાયડા કચ્ચીઘાણી સિવાય તમામ તેલ-તેલીબિયાંના ભાવ વીતેલા સપ્તાહ દરમ્યાન ઘટ્યા હતા.

NCDEX સોયબીન વાયદામાં ૪.૯૩ ટકા એટલે કે પ્રતિ ક્વિન્ટલ ૧૭૨ રૂપિયાનો ઘટાડો

NCDEX સોયતેલ રીફાઇન્ડ વાયદામાં ૨.૧૧ ટકા એટલે પ્રતિ ૧૦ કિલો ૧૬ રૂપિયાનો ઘટાડો

NCDEX રાયડા વાયદામાં ૦.૨૯ ટકા એટલે કે પ્રતિ ક્વિન્ટલ ૧૨ રૂપિયાનો ઘટાડો

MCX ક્રૂડ પામતેલ વાયદામાં ૨.૩૮ ટકા એટલે કે પ્રતિ ૧૦ કિલો ૧૫ રૂપિયાનો ઘટાડો

ક્રૂડ પામતેલ CNFના ભાવમાં પ્રતિ ટન ૨૫ ડૉલરનો ઘટાડો

સોયડીગમના CIFના ભાવમાં પ્રતિ ટન ૧૫ ડૉલરનો ઘટાડો

સનફલાવર તેલના CIFના ભાવમાં પ્રતિ ટન ૧૩ ડૉલરનો ઘટાડો

હાઈસીઝ ક્રૂડ પામતેલના ભાવમાં પ્રતિ ૧૦ કિલોએ ૧૦ રૂપિયાનો ઘટાડો

હાઈસીઝ સોયડીગમના ભાવમાં પ્રતિ ૧૦ કિલોએ ૧૦ રૂપિયાનો ઘટાડો

કચ્ચીઘાણીના ભાવમાં પ્રતિ ૧૦ કિલોએ ૧૦ રૂપિયાનો વધારો

સિંગતેલ લૂઝના ભાવમાં પ્રતિ ૧૦ કિલોએ ૧૫ રૂપિયાનો વધારો નોંધાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK