શું તમારા મ્યુચ્યુઅલ ફન્ડ તરફથી એમની સ્કીમોમાં કરવામાં આવેલા પરિવર્તનની તમને જાણ-સમજ છે?

જેમાં ફન્ડ પોતાના ગ્રાહક રોકાણકારોને સેબીની માર્ગરેખા મુજબના નવા ફેરફાર સમજાવે છે, કૅટેગરી દર્શાવે છે, વધુ સ્પષ્ટતા અને પારદર્શકતા બતાવે છે. આ શું છે અને શા માટે છે એને સમજીએ

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા

જો તમે મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકાર છો તો તમને તાજેતરમાં તમે જે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કર્યું છે એમના તરફથી એક ખાસ મેઇલ આવતી હશે, જેમાં એ મ્યુચ્યુઅલ ફન્ડ તમને પોતાના ઇન્વેસ્ટર ગ્રાહક તરીકે કહે છે કે તમે જે યોજનામાં રોકાણ કર્યું છે એમાં ફન્ડામેન્ટલ ફેરફાર - મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. આ ફેરફાર નિયમન સંસ્થા સેબીની સૂચના અને માર્ગરેખાના આધારે થઈ રહ્યા છે. આમ જણાવી મ્યુચ્યુઅલ ફન્ડ વધુમાં આ ફેરફાર શું છે, શા માટે છે, કઈ રીતે થશે અને ફન્ડની રોકાણ વ્યૂહરચના હવે પછી કેવી બદલાશે, એમાં શું નવું ઉમેરાશે, ફન્ડનું ધ્યેય શું બનશે, રોકાણકારો માટે પારદર્શકતા કેટલી અને કેવી વધશે, જોખમનો નિર્દેશ કઈ રીતે થશે વગેરે જણાવશે. હવે જો તમને આ ફેરફાર મુજબ એ યોજનામાં રોકાણ ચાલુ ન રાખવું હોય તો તમે એમાંથી બહાર નીકળી શકો છો અથવા અન્ય સ્કીમમાં રોકાણ ટ્રાન્સફર કરાવી શકો છો.

બોલો બરાબરને? આ પ્રકારની મેઇલ તમને મળે છેને? યસ, તો ઘણાને આ વિશેની પૂર્ણ સમજ ન પણ હોય, આમ કરવા પાછળનો હેતુ ન ખબર હોય એવું પણ બની શકે છે. આજે આ પરિવર્તનને સરળ શબ્દોમાં સમજીએ. આમ તો આ વિષયમાં અગાઉ આપણે થોડી ચર્ચા કરી છે, આજે જરા વધુ વિગતે જાણીએ.

શું ફેરફાર થઈ રહ્યા છે?

કોઈ પણ મ્યુચ્યુઅલ ફન્ડનું નામ લીધા વિના એની સ્કીમના ઉદાહરણથી આ પરિવર્તનને જાણીએ. અત્યાર સુધી જે સ્કીમ ઓપન એન્ડેડ ગ્રોથ સ્કીમ તરીકે ઓળખાતી હતી એ હવે ઓપન એન્ડેડ ગ્રોથ સ્કીમ તો રહેશે જ, પરંતુ એમાં હવે સ્પષ્ટ એ થયું છે કે એ સ્કીમનું રોકાણ મહદ્ અંશે લાર્જ કૅપ સ્ટૉક્સમાં થશે. આને પરિણામે રોકાણકારોને એ ક્લિયર થશે કે તેમના રૂપિયા મહત્તમ લાર્જ કૅપ સ્ટૉક્સમાં જ રોકાશે. અગાઉ માત્ર ગ્રોથ સ્કીમને કારણે તેમને એ ખબર નહોતી કે તેમના રૂપિયા માત્ર લાર્જ કૅપ સ્ટૉક્સમાં જ રોકાય છે. હવે આ પારદર્શકતા વધુ સ્પષ્ટ થઈ.

અગાઉ આ સ્કીમના રોકાણ માટે બેન્ચમાર્ક એસ ઍન્ડ પી સેન્સેક્સ-૨૦૦ ઇન્ડેક્સ હતો, હવે નિફટી-૫૦ ઇન્ડેક્સ રહેશે. આ એક મોટું પરિવર્તન ગણાય, જેની જાણ રોકાણકારોને થાય એ જરૂરી છે. આ જ રીતે  ફન્ડ જણાવે છે કે એનાં ધ્યેય વધુ-ઓછે અંશે એ જ રહે છે, પરંતુ એના ઍસેટ-અલોકેશનમાં બદલાવ આવી રહ્યો છે. એની રોકાણ સ્ટ્રૅટેજી પણ પરિવર્તન પામી રહી હોય છે. આ જણાવીને ફન્ડ રોકાણકારોને રિડમ્પશન (પૈસાના ઉપાડ) માટે અથવા અન્ય સ્કીમમાં શિફ્ટ થવાનો વિકલ્પ ઑફર કરે છે. મોટા ભાગનાં ફન્ડ્સ તરફથી આ વિકલ્પોની ઑફર ૨૦૧૮ના જૂનથી શરૂ થઈ જશે.

ગૂંચવણો દૂર થશે

વાસ્તવમાં ફન્ડ્સની અનેકવિધ યોજનાઓ, એમનાં નામો અને હેતુઓની ગૂંચવણો વચ્ચે સેબીએ લાંબા સમય બાદ એની કૅટેગરી બનાવીને રોકાણકારો માટે સરળતા ઊભી કરી છે. દાખલા તરીકે સ્કીમનું નામ હોય ફલાણું ઢીંકણું બ્લુચિપ ફન્ડ, હવે તમે આ નામ પરથી શું અર્થ કરો? તમારા રૂપિયાનું રોકાણ કેવા શૅરોમાં થવાનું છે, કેટલા પ્રમાણમાં થવાનું છે એની કઈ રીતે સમજ પડે? એને બદલે સ્મૉલ કૅપ, મીડિયમ કૅપ કે લાર્જ કૅપ યા મલ્ટિકૅપ ફન્ડ જેવાં નામ યા કૅટેગરી આપી દીધી હોય તો રોકાણકાર તરત સમજી શકે કે આ રૂપિયા કેવા શૅરોમાં જવાના છે, એમાં કેટલું જોખમ હોઈ શકે વગેરે.

ભારતમાં વર્તમાનમાં બે હજારથી વધુ ફન્ડ્સ છે અને એમાં ૯૦૦૦થી વધુ ચૉઇસ છે. હવે સેબીની માર્ગરેખા પ્રમાણે એને કૅટેગરીમાં વિભાજિત કરાઈ છે ત્યારે રોકાણકારોને પોતાને કઈ સ્કીમ વધુ બંધ બેસે છે, કઈ યોગ્ય છે વગેરેની સમજ પડવા લાગે છે. કઈ કૅટેગરીના ફન્ડમાં રોકાણ કરવાથી તેનું ધ્યેય બર આવી શકશે એનો ખયાલ મળી શકે છે. સ્કીમનું માત્ર નામ નહીં, વિશેષણ પણ ખરું. ગુણો પણ ખબર પડે અને લક્ષ્ય પણ.

સેબીનાં ધોરણોને પગલે

સેબીએ ગયા વરસે ફન્ડની સ્કીમોનાં કન્ફયુઝન દૂર કરવા એમની કૅટેગરી નક્કી કરી હતી, જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે. સેબીએ આવી ૩૬ કૅટેગરી પાડી છે. તેમ જ એક કૅટેગરીમાં કેટલાં ફન્ડ રહી શકે અને એનાં ધોરણો શું હોય એ પણ સેબીએ ફાઇનલ કર્યું છે; જેને લીધે દરેક મ્યુચ્યુઅલ ફન્ડ પોતાના ગ્રાહક રોકાણકારોને મેઇલ મોકલી આ જાણકારી સાથે તેમના ફન્ડની-સ્કીમની નવી કૅટેગરી જણાવી રહ્યા છે, એનાં બદલાયેલાં ધ્યેય અથવા રોકાણ વ્યૂહરચના કહી રહ્યા છે. આ વિશે વધુ સ્પષ્ટતા અને પારદર્શકતા લાવી રહ્યા છે. સેબીએ એમ પણ કહ્યું છે કે એક કૅટેગરીમાં કેટલાં ફન્ડ હોઈ શકે, જો એનાથી વધુ હોય તો ફન્ડ્સનું મર્જર કરવું પડે એવી જોગવાઈ પણ કરવામાં આવી છે. અલબત્ત, ઇન્વેસ્ટરો પોતાને ન સમજાય તો પોતાના રોકાણ સલાહકાર અથવા એજન્ટની સલાહ લઈ નવી પસંદગી યા ફેરફારનું મહત્વ સમજી શકે છે અને પોતાના પોર્ટફોલિયોમાં પરિવર્તન કરી શકે છે. સેબીએ આ ફેરફાર રોકાણકારોના હિતમાં અને ઉદ્યોગના વિકાસ માટે કર્યા છે.

મૉર ટુ કમ

ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં હજી ઘણા નવા ફેરફાર-પરિવર્તન આવી શકે છે. આગામી સમયમાં આ ઉદ્યોગનું કદ અને વૈવિધ્ય તેમ જ વિસ્તાર વધવાના છે, જેથી આ વિષયમાં સમજ અને જાગ્રતિ વધારી આગળ વધવું જોઈશે. લાંબા ગાળાનાં રોકાણ મારફત સંપત્તિ સર્જનનો આ ઉત્તમ માર્ગ બની શકે છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK