વૉલમાર્ટ ભારતીય ઈ-કૉમર્સ અને ઑનલાઇન માર્કેટની દિશા ને દશા બદલી નાખશે

એ જ વૉલમાર્ટ આખરે ભારતીય જાયન્ટ ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટને હસ્તગત કરીને ભારતમાં પ્રવેશી રહી છે ત્યારે આ સેક્ટરમાં કેવાં પરિવર્તન આકાર લેશે એ જોવું-જાણવું રસપ્રદ રહેશે. અત્યારે તો આપણે કંઈક અંશે એની કલ્પનાઓની ઝલક પર નજર કરીએ

walmart

જયેશ ચિતલિયા

વૉલમાર્ટ અને ફ્લિપકાર્ટ આ નામો આપણે દસ-વીસ વરસ પહેલાં સાંભળ્યાં હતાં? પરંતુ હવે આમાંથી વૉલમાર્ટ નામ આપણે વરસો સુધી સાંભળતાં રહીશું. અલીબાબા એટલે આપણા માટે તો પેલી વાર્તા અલીબાબા અને ચાલીસ ચોર હતા! પણ અલીબાબા એટલે ચીનની જાયન્ટ ઑનલાઇન કે ઈ-કૉમર્સ કંપની એ આપણને પાંચેક વરસ પહેલાં જ ખબર પડી. અરે, ઈ-કૉમર્સ અને ઑનલાઇન શબ્દ પણ આપણા માટે હજી તાજા જ ગણાય. દુકાનમાં જઈ માલ ખરીદવો એ આપણી સદીઓની પરંપરા છે, પણ છેલ્લાં પાંચેક વરસથી આ સદીઓ જૂની પરંપરામાં જબરદસ્ત પરિવર્તન શરૂ થયું છે. કોઈ પણ ચીજનું નામ બોલો, હાથમાં મોબાઇલ લો અને મોબાઇલ મારફત જ બોલ્યા વિના ઑર્ડર લખીને મોકલો, એ ચીજવસ્તુ ઘરે પહોંચી જાય. પેમેન્ટ પણ ઑનલાઇન થઈ જાય.

તમને થશે, હા ભાઈ, હવે તો અમને આ બધી ખબર છે, હવે અમને કેમ જણાવો છો? યસ, વાત સાચી, પણ હવે ભારતીય કંપની ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો વૈશ્વિક (અમેરિકન) કંપની વૉલમાર્ટે ૧૬ અબજ ડૉલરમાં ખરીદીને હસ્તગત કરી લીધી છે (ફ્લિપકાર્ટનું કુલ વૅલ્યુએશન ૨૧ અબજ ડૉલરનું ગણાય છે). નવાઈની વાત એ છે કે ફ્લિપકાર્ટ સવા અબજની લૉસ ધરાવતી કંપની છે. એમ છતાં વૉલમાર્ટ જેવી જાયન્ટ કંપની એને ખરીદે આ બાબત જ સ્પષ્ટ કરે છે કે ભારતમાં રીટેલ માર્કેટની સાઇઝ કેવી અને કેટલી ગતિએ વધવાની છે. હવે પછી શું થશે એ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય, સમજાયું  નહીં હોય અને કલ્પના પણ નહીં હોય. તો ચાલો, રીટેલ ઑનલાઇન ઈ-કૉમર્સ સેક્ટરમાં થયેલા જગતના સૌથી મોટા સોદાને, આ સોદા બાદ શું થશે, કોને લાભ કોને નુકસાન થશે? કોના માટે સ્પર્ધા વધશે? ઈ-કૉમર્સ સેક્ટરમાં કેવાં પરિવર્તન જોવા મળશે એને જાણવા-સમજવાનો પ્રયાસ કરીએ.

વૉલમાર્ટને આપણા દેશમાં પ્રવેશ આપવા સામે વિરોધ અને વિવાદ ચાલતા હતા, એના ભારત-પ્રવેશથી ભારતીય રીટર્લેસ વર્ગની દશા બેસી જશે અને દિશા બદલાઈ જશે એવો ભય સતત વ્યક્ત થતો રહ્યો હતો, હવે આ જ વૉલમાર્ટે ભારતની ટોચની ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટને હસ્તગત કરી લીધી છે ત્યારે ઘણાં સમીકરણો બદલાવાનાં શરૂ થઈ જશે. આ સોદાને પરિણામે ફ્લિપકાર્ટ કંપનીના સ્થાપકો, સ્ટેકહોલ્ડર્સ અબજોપતિ બની ગયા છે  એટલું જ નહીં, આ કંપનીના કર્મચારીઓ પણ લાખોપતિ બની ગયા છે. આ કર્મચારીઓએ ફ્લિપકાર્ટ પાસેથી ઇક્વિટી સ્ટૉક ઑપ્શન્સ પ્રાપ્ત કર્યા હતા, જેની વૅલ્યુ વૉલમાર્ટની એન્ટ્રીથી કરોડો રૂપિયામાં થઈ જશે. અહીં એક નોંધવા જેવી વાત એ છે કે ફ્લિપકાર્ટના મુખ્ય પોસ્ટરબૉય ગણાતા સહસ્થાપક સચિન બંસલ તો પોતાનો ૫.૫ ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચીને આ કંપનીમાંથી જ બહાર નીકળી ગયા છે. અમુક જ વરસમાં આ યુવાન બિલ્યનેર બની ગયો છે. જયારે બીજા સહસ્થાપક બિન્ની બંસલ સહિત સ્ટેકહોલ્ડર ટેનસેન્ટ હોલ્ડિંગ્સ, ટાઇગર ગ્લોબલ અને માઇક્રોસૉફ્ટે પોતાનો હિસ્સો જાળવી રાખ્યો છે. બિન્ની બંસલે તેનો આંશિક હિસ્સો વેચ્યો છે. સૉફ્ટબૅન્કે હજી પોતાના સ્ટેક વિશે નિર્ણય નથી લીધો.

પરિવર્તનનો પવન ફૂંકાશે

આ સોદાથી એક સત્ય ઢોલનગારાં સાથે જાહેરમાં આવી ગયું છે કે ભારતમાં ઈ-કૉમર્સ સેક્ટરમાં ક્રાન્તિ આવવાની છે. આ સેક્ટરમાં પરિવર્તનનો એવો પવન ફૂંકાશે કે ભલભલાં સાહસોનાં ચિત્ર બદલાઈ જશે. ખાસ કરીને સ્ટાર્ટઅપ્સની આપણે ત્યાં મોટા ભાગે ટીકા થયા કરતી હોય છે કે એ વરસો સુધી નફો નથી કરી શકતાં એથી એ બંધ થઈ જાય છે અથવા સ્થાપક પોતે જ નાણાંના અભાવે એ અધૂરું છોડી દે છે યા વેચી દે છે. કેટલાંક વેન્ચર કૅપિટલ પણ સ્ટાર્ટઅપ્સને ટેકો આપતાં ખચકાય છે. ખુદ ભારત સરકાર પણ સ્ટાર્ટઅપ્સની ભરપૂર વાતો -પ્રચાર કર્યા બાદ એમાં હજી કંઈ નકકર કરી શકી નથી. જ્યારે વૉલમાર્ટે અને ફ્લિપકાર્ટના આ મહાકાય ડીલે માત્ર ભારતમાં જ નહીં , બલકે વિશ્વમાં આ સેક્ટરના ખેલાડીઓને વિચારતા કરી દીધા છે. વૉલમાર્ટ હજી પાંચ અબજ ડૉલરનું રોકાણ ભારતમાં કરશે.

ભારતીય રીટેલ માર્કેટનું કદ શું થશે?

આગામી સાતથી આઠ વરસમાં ભારતીય રીટેલ માર્કેટ ૨૦૦ અબજ ડૉલરનું થઈ જવાનું છે એવો અંદાજ મુકાયો છે. આ સમય દરમ્યાન ભારતમાં વૉલમાર્ટ, ઍમેઝૉન અને અલીબાબા જેવી જાયન્ટ ઈ-કૉમર્સ કંપનીઓ વચ્ચે મહાયુદ્ધ ચાલતાં થઈ જશે, જેમાં ઘણી નાની ઈ-કૉમર્સ કંપનીઓ ખતમ થઈ જશે યા મોટી કંપનીઓમાં સમાઈ ગઈ હશે. ઇન શૉર્ટ, નાની માછલીઓને મોટી માછલીઓ ખાઈ જશે. જોકે આ જાયન્ટ ડીલ આ દિવસોમાં લાંબી અને ઊંડી ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. 

ખેડૂતોને સીધો લાભ

વૉલમાર્ટના આ ડીલને પરિણામે એક મોટો લાભ ખેડૂતોને થવાની આશા છે. આ જાયન્ટ કંપનીની ક્ષમતા અનેકગણી વધુ હોવાથી એ ખેડૂતો પાસેથી સીધો માલ ઉપાડશે અને તેમનું હિત સાચવી શકશે, જે અન્ય કંપનીઓ વૉલમાર્ટની તુલનાના પ્રમાણમાં કરવા માટે સક્ષમ નથી. આ કાર્ય ઍમેઝૉન માટે પણ કપરું છે. ખેડૂતોને લાભ થશે તેમ ગ્રાહકોને પણ લાભ થવાની આશા ચોક્કસ રાખી શકાય, કારણ કે મિડલમૅનની સંખ્યા ઘટી જવાથી અથવા નીકળી જવાથી ભાવોમાં પણ નોંધપાત્ર ફરક પડશે. ભારતની ૧૩૦ કરોડની વસ્તીમાં તેમ જ સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રને કારણે વૉલમાર્ટને શું લાભ થશે એનો અંદાજ એણે પોતે બાંધી જ લીધો હશે. આ અમેરિકન લાલો લાભ વિના કોઈ કામ ન કરે.

સ્ટાર્ટઅપ્સને સપોર્ટ


આ ઘટના બાદ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કૅપિટલ વર્ગ સક્રિય બનીને આગળ આવશે. આ અમેરિકન જાયન્ટે ભારતમાં આટલું મોટું સાહસ કર્યું હોવાથી હવે પછી અન્ય અમેરિકન કંપનીઓ પણ ભારત પર પોતાનું ફોકસ વધારશે, તેઓ અન્ય વેન્ચર કૅપિટલિસ્ટની રાહ જોવાનું ટાળશે એવું બની શકે. રીટેલ માર્કેટમાં સૌથી વધુ ગ્રોથની શક્યતા ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા અને મલેશિયામાં દેખાય છે. હવે ખરો પડકાર અલીબાબા સામે આવીને ઊભો રહેશે.

ઇન્કમ-ટૅક્સ વિભાગની નજર

ઇન્કમ-ટૅક્સની નજર હવે આ ડીલમાં જેમને નફો થયો છે તેમના પર મંડાઈ ગઈ છે, જેમાં ફ્લિપકાર્ટના સ્થાપકો ઉપરાંત કંપનીના કર્મચારીઓ પણ આવી જશે. આ કર્મચારીઓને આશરે પચાસ કરોડ ડૉલરનો લાભ મળશે. આ દરેક કર્મચારીને અંદાજે દસ લાખ ડૉલર મળવાની આશા છે. ઇક્વિટી સ્ટૉક ઓપ્શન્સની વૅલ્યુ બે અબજ ડૉલર (અંદાજિત ૧૩,૪૫૫ કરોડ રૂપિયા) જેટલી છે એ ચારથી પાંચ અબજ ડૉલર થઈ જશે. વૉલમાર્ટ આ કર્મચારીઓ પાસેથી શૅર બાયબૅક કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ઇન્કમ-ટૅક્સ વિભાગે વૉલમાર્ટ અને ફ્લિપકાર્ટ પાસેથી પણ આ ડીલની સંપૂર્ણ વિગતો માગી છે, એના પરની સંભવિત કર-જવાબદારીનો તેઓ અભ્યાસ પણ કરી રહ્યા છે.

સ્પર્ધા અને નોકરીની તકો વધશે


વૉલમાર્ટ-ફ્લિપકાર્ટના આ સોદા બાદ ઈ-કૉમર્સમાં હરીફાઈનું વાતાવરણ વધશે, જેમાં નાના પ્લેયર્સ સાફ થઈ જવાની પૂરેપરી શક્યતા છે. જોકે જાયન્ટ કંપનીઓ આ સેક્ટરમાં સક્રિય બનતાં અને વધુ વિદેશી જાયન્ટ કંપનીઓનો રસ વધતાં એમનું આ માર્ગે ભારતમાં રોકાણ વધશે, જેને પગલે નોકરીની તકો વધશે. આવા ઈ-કૉમર્સ ડીલથી સૌથી વધુ લાભ લૉજિસ્ટિક ઉદ્યોગને થશે. આ ક્ષેત્રે વધુ ને વધુ કંપનીઓ આગળ આવી શકશે અને જે છે એ પોતાનું વિસ્તરણ કરવાનું પસંદ કરશે. એમના માટે બિઝનેસની તક વધશે એ નક્કી છે. આ સાથે વેરહાઉસિસ અને કોલ્ડ-સ્ટોરેજ હાઉસિસની ડિમાન્ડ પણ વધશે.

કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રી વેગ પકડશે

આ સાથે કન્ઝ્યુમર ઉદ્યોગને વેગ મળશે, કારણ કે હરીફાઈમાં ભાવકાપ પ્રવૃત્તિ પણ ઉમેરાશે. નવી-નવી સ્કીમ્સ આવતી રહેશે, નવા પ્લેયર્સ આવશે. નવી પ્રોડક્ટ્સ આવતી જશે. અત્યાર સુધી વણખેડાયેલી અથવા સીમિત ખેડાયેલાં ગ્રામ્ય માર્કેટમાં પણ નવા ટ્રેન્ડ ઊભા થશે.

ભારતીય જાયન્ટ્સને આ વિચાર ન આવ્યો?

નવાઈની વાત એ છે કે ફ્લિપકાર્ટનો આ જાયન્ટ સોદો અમેરિકન કંપની તરફથી આકાર પામ્યો, તો પછી આપણી ભારતીય જાયન્ટ કંપનીઓ શું કરતી હતી? શું જે તક વૉલમાર્ટને દેખાઈ એ તક ભારતીય જાયન્ટ રિલાયન્સ, તાતા, બિરલા જેવા મહાકાય ગ્રુપને દેખાઈ નહીં કે પછી તેઓ આ બિઝનેસમાં લાંબો કસ જોતા નથી કે લાંબે ગાળે આનું બહુ ઉજ્જ્વળ ભાવિ જોતા નથી ? એ સવાલ ચર્ચા માગી લે છે.

અન્ય ઈ-કૉમર્સ કે ઑનલાઇન કંપનીઓ

ફ્લિપકાર્ટની જેમ અન્ય ભારતીય ઈ-કૉમર્સ કંપનીઓ કહો કે ઑનલાઇન સર્વિસ કંપનીઓ કહો એવી અગ્રણી કંપનીઓમાં મેકમાયટ્રિપ, બુકમાયશો, સ્નૅપડીલ સહિત સંખ્યાબંધ કંપનીઓ છે. હજી પણ ઘણાં નાનાં-મોટાં સાહસો છે. હજી આવતાં રહેશે. ઇન શૉર્ટ, ભારતીય ઈ-કૉમર્સ અને ઑનલાઇન માર્કેટમાં એક નવા યુગનો આરંભ થઈ ગયો છે. જે સદીઓમાં થયું નથી એ દાયકા કરતાં પણ ઓછા સમયમાં થયું છે. હવે પછી આવા પરિવર્તનની ઝડપ હજી વધે તો નવાઈ નહીં.

કેટલીક રસપ્રદ ઝલક

ફ્લિપકાર્ટના ફાઉન્ડર બિન્ની બંસલ અને સચિન બંસલ (આ બન્ને એકબીજાનાં સગાં નથી) એક સમયે ઍમેઝૉનમાં નોકરી કરતા હતા. એમાંથી છૂટા થઈ તેમણે ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી.

વૉલમાર્ટના આ પગલાને લીધે ફ્લિપકાર્ટનું લિસ્ટિંગનું સપનું પણ પૂરું થશે.

આ બન્ને સહિત જેણે પણ આ ડીલમાં શૅરો વેચ્યા છે તેમને ભલે અત્યારે કરોડો રૂપિયા મળશે, પણ આ રકમ પર તેમણે ઊંચો વેરો ભરવો પડશે.

પ્રત્યેક ચીજવસ્તુમાં ભાવકાપ અને ડિસ્કાઉન્ટ-યુદ્ધ થશે.

સ્વદેશી જાગરણ મંચે આ ડીલ વિશે સવાલો ઉઠાવી સરકારના વાણિજય ખાતાને આ મામલે તપાસ કરવા અનુરોધ કર્યો છે.

નાના ઑફલાઇન અને ઑનલાઇન સેલર્સનું અસ્તિત્વ જોખમમાં.

વેરહાઉસ અને કોલ્ડ-સ્ટોરેજ હાઉસની ડિમાન્ડ વધશે.

લૉજિસ્ટિક સર્વિસિસ ઉદ્યોગમાં તેજીની ગાડી સ્પીડ પકડશે.

ઍમેઝૉને ભારતમાં પાંચ અબજ ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કમિટ કર્યું છે, જે હવે પછી વધારે એવું બની શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK