વધતા જતા વ્યાજના દર વચ્ચે પણ સ્ટૉકમાર્કેટની છલાંગ

ઉગ્ર બનતી ટ્રેડ-વૉરની ઐૈસીતૈસી, વિકાસનો દર વધવાના સંયોગો તેજી સર્જે છે

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી


સળંગ છેલ્લી બે મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દર વધ્યા પછી પણ શૅરબજારની તેજી ચાલુ રહી છે. ૩૦ શૅરના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સે છલાંગ મારીને ગયે અઠવાડિયે નવો રેકૉર્ડ સ્થાપ્યો છે. સેન્સેક્સે ૩૭૦૦૦ના સ્તરેથી માત્ર નવ ટ્રેડિંગ સેશનમાં ૧૦૦૦ પૉઇન્ટ વધીને ૩૮,૦૦૦ની સપાટી કુદાવી છે જે ૧૦૦૦ પૉઇન્ટની રૅલીના સૌથી ઝડપી વધારામાંનો એક છે. ચીન અને અમેરિકાનું ઉગ્ર બનતું જતું વેપારયુદ્ધ પણ આ રૅલીને પ્રભાવિત કરી શક્યું નથી. વિકાસના દરની ઊજળી શક્યતાઓને કારણે આમ થયું હોય શકે. 

આ સાથે વિશ્વનાં મોટાં સ્ટૉકમાર્કેટમાં ભારતનું બજાર ૨૦૧૮માં શ્રેષ્ઠ બજાર તરીકે ઊભર્યું છે. આ સમયમાં ૧૦ ટકાના વધારા સાથે એણે અમેરિકા, ચીન અને જપાનનાં બજારોને પણ પાછળ રાખી દીધાં છે. જોકે રૂપિયાના ડૉલર સામેના અવમૂલ્યનને કારણે સેન્સેક્સના ત્રણ ટકાના વળતર સાથે ભારતનો નંબર ૨૦૧૮માં અમેરિકા (પાંચ ટકાનું વળતર) પછી બીજો રહ્યો છે. જુલાઈ-૨૦૧૮માં બ્રાઝિલના બજારના ૯ ટકાના વધારા પછી સેન્સેક્સના ૬ ટકાના વધારાને કારણે ભારત વિશ્વનાં શૅરબજારોમાં બીજા નંબરે રહ્યું છે. 

શૅરબજારના માંધાતાઓ ટ્રેડ-વૉરને ગૌણ ગણીને કંપનીઓનાં જૂન ક્વૉર્ટરનાં સારાં પરિણામ એટલે કે સુધરતા જતા પ્રૉફિટ-માર્જિન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ‘મિન્ટ’ના ઍનૅલિસિસ પ્રમાણે ૧૦૨ લિસ્ટેડ કંપનીઓનો ૧૪ ટકાનો જૂન ક્વૉર્ટરનો નફો છેલ્લા નવ ક્વૉર્ટરનો સૌથી ઊંચો નફો છે. સારાં કૉર્પોરેટ પરિણામોને કારણે વધતા જતા P/E (પ્રાઇસ/અર્નિંગ) રેશિયોએ પણ આ રૅલીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.  

FII ફરી એક વાર બજારમાં દાખલ થયા છે. હાલમાં રૂપિયાની સ્થિર કિંમત અને ક્રૂડ ઑઇલના નીચા ભાવોએ પણ વિદેશી રોકાણકારોને બળ પૂરું પાડ્યું છે જેને લીધે ઑગસ્ટની પહેલી પાંચમાંથી ત્રણ બેઠકોમાં FIIએ નેટ રોકાણ કર્યું છે જેણે પણ આ રૅલીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જુલાઈમાં પણ વિદેશી રોકાણકારોએ ચોખ્ખું રોકાણ કર્યું હતું. SIPને કારણે મ્યુચ્યુઅલ ફન્ડમાં થતાં રોકાણોને લીધે સ્થાનિક સ્તરે પણ લિક્વિડિટી (રોકડાની ઉપલબ્ધિ) સારી છે જે શ+રબજારની રૅલીને ધક્કો આપે છે.  બીજી તરફ નિફ્ટી માટેના ૫૦ શૅરનું શૅરદીઠ વળતર ઘટી રહ્યું છે. આ રૅલી મર્યાદિત શૅરો પૂરતી સીમિત છે એની નોંધ લેવી રહી.  

ગયા વરસના જૂન ક્વૉર્ટરના નીચા બેઝને કારણે આ વરસે જૂન ક્વૉર્ટરનાં અર્નિંગ સુધર્યાં છે, પણ શૅરબજારની શરૂ થયેલી રૅલી ટકાવી રાખવી હશે તો કંપનીઓનાં અર્નિંગ આગળ ઉપર પણ સુધરતાં રહેશે તો જ આ શક્ય બનશે. P/E રેશિયોએ જે આશાવાદ બતાવ્યો છે એ કંપનીઓનાં પરિણામો વધુ ને વધુ સુધરતાં રહેશે તો જ ટકી શકશે અને તો જ માર્કેટની રૅલી પણ.  

વ્યાજના દરને લાગેવળગે છે ત્યાં સુધી આપણી રિઝર્વ બૅન્કે ઑગસ્ટની શરૂઆતમાં વ્યાજના દર વધાર્યા એ જ અરસામાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે (BOE) પણ એ દર નજીવો વધારીને ૦.૭૫ ટકાનો કર્યો. ૨.૩ ટકાના ભાવવધારાના સંદર્ભમાં ૦.૭૫ ટકાનો વ્યાજનો દર બહુ નીચો ગણાય. ખરા વ્યાજના દર આ વધારા પછી પણ નેગેટિવ જ છે. ૨૦૧૬માં બ્રેક્ઝિટ પછી BOEએ આગોતરા વ્યાજના દર ઘટાડ્યા હતા. BOE દ્વારા વ્યાજના દર માત્ર નજીવા જ વધારવામાં આવ્યા એટલે ત્યાંના અગ્રગણ્ય મીડિયામાં એની ટીકા પણ થઈ છે. ફેડરલ રિઝર્વે‍ વ્યાજના દર ન વધાર્યા, પણ જે સ્પષ્ટતા કરી એ પરથી આવતા મહિને અમેરિકામાં વ્યાજના દરનો વધારો નિશ્ચિત માની શકાય. 

અર્થતંત્ર ધીમું પડે કે મંદી આવે એ માટે દોષનો ટોપલો સામાન્ય રીતે કડક મૉનિટરી પૉલિસી પર ઢોળાતો હોય છે. નરમ મૉનિટરી પૉલિસી જે ભાવવધારાને ઉત્તેજિત કરી શકે એેને દોષી ઠેરવાતી નથી. એટલે મધ્યવર્તી બૅન્કો બમણા જોરથી વ્યાજના દર ઘટાડવાનું નરમ વલણ અપનાવે છે. આ હરીફાઈમાં વ્યાજના દર તળિયે પહોંચે છે. આજના યુગની આવી મૉનિટરી પૉલિસીના સંદર્ભમાં રિઝર્વ બૅન્કે ભાવવધારાને અટકાવવા આગોતરા વ્યાજના દર વધાર્યા એ સરાહનીય છે. 

ભાવવધારાને રોકવા માટે અર્થતંત્ર મજબૂત હોય ત્યારે પણ મધ્યવર્તી બૅન્કો વ્યાજના દર અમર્યાદિત રીતે વધારી ન શકે. એમ કરાય તો ધિરાણની કિંમત વધે એટલે ઉદ્યોગધંધાના મૂડીરોકાણ પર એની અવળી અસર થાય. વધતા જતા વ્યાજના દરો આખરે ચીજવસ્તુઓની પડતર કિંમત વધારે જેનો બોજો ગ્રાહકો પર નખાય તો ચીજવસ્તુઓની ડિમાન્ડ ઘટે અને એને કારણે આર્થિક વિકાસનો દર પણ. 

વ્યાજના દરની સૌથી મોટી અસર સરકારી તિજોરી પર પડે. સરકાર દર વરસે ચોખ્ખા છ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ લેતી હોય અને એનું કુલ ધિરાણ લગભગ ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું હોય એટલે દર વરસે વ્યાજપેટે સરકારને લગભગ ૭.૫ લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડે. ૨૫ બેસિસ પૉઇન્ટનો વ્યાજના દરનો વધારો સરકાર પર ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો નાખે. રાજ્ય સરકારોને પણ સામેલ કરીએ તો આ બોજો ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધી જાય.  

એક તો વ્યાજના દર વધવાથી મૂડીરોકાણ ઘટે અને એ દ્વારા આર્થિક વિકાસનો દર ઘટે (જે કોઈ પણ સરકાર માટે મોટો માઇનસ પૉઇન્ટ બની રહે) અને સરકારી તિજોરી પરનો બોજો વધે એ નફામાં. આર્થિક વિકાસનો દર ઘટે એટલે સરકારની કરવેરાની આવક ઘટે અને ફિસ્કલ ડેફિસિટ વધે જે નંબર પ્રજામાં પણ બહુ સંવેદનશીલ ગણાય છે. આમ થાય એટલે વ્યાજની રકમ ચૂકવવા માટે પણ સરકારે વધારાની લોન લેવી પડે. એટલે સામાન્ય રીતે કોઈ પણ સરકાર (ભારત સરકાર સહિત) મધ્યવર્તી બૅન્ક પર વ્યાજના દર ન વધારવા માટેનું સીધું કે આડકતરું દબાણ લાવે એ સ્વાભાવિક છે. એ સંદર્ભમાં પણ રિઝર્વ બૅન્ક પોતાની સ્વાયત્તતા જાળવી રાખીને સ્વતંત્ર નિર્ણય કરે છે એ પણ પ્રશંસનીય કહેવાય.

ભારતના આર્થિક વિકાસનો દર વધી રહ્યો છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના અંદાજ પ્રમાણે ચાલુ નાણાકીય વરસે આ દર ૭.૩ ટકાનો અને એ પછીના વરસે ૭.૫ ટકાનો રહેશે. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી વરસાદની ખાધ ૧૦ ટકાની હોવા છતાં વેધશાળાના અંદાજ પ્રમાણે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ નૉર્મલ અને એનું વિતરણ પણ અનુકૂળ રહેવાની ગણતરીએ આર્થિક વિકાસનો આ દર સિદ્ધ કરી શકાય એવી શક્યતાઓ છે. હકીકતમાં નૉર્મલ ચોમાસાની અપેક્ષા અને આશાવાદ પણ શૅરબજારની તેજીનું એક કારણ છે. 

વિશ્વના આર્થિક વિકાસના વધારાના દરમાં ભારતનો ફાળો ૧૫ ટકા જેટલો મોટો છે. એટલે વિશ્વના આર્થિક વિકાસનો દર ટકાવી રાખવાની મોટી જવાબદારી ભારતના શિરે છે. એ જવાબદારી નિભાવવાના માર્ગમાં દેશ નાનાં-મોટાં અનેક આંતરરાષ્ટ્રીય અને ઘરઆંગણાનાં જોખમોનો સામનો કરે છે. સરકાર અનેક માળખાકીય સુધારા (GST અને ઇન્સૉલ્વન્સી અને બૅન્કરપ્ટસી કોડ સહિતના) અમલમાં મૂકી રહી છે, પણ એનાં પરિણામ આવતાં થોડો સમય નીકળે એ સ્વાભાવિક છે.  

દરમ્યાન શ્રમજીવીઓ માટેના કાયદાઓના સુધારા દ્વારા સંગઠિત ક્ષેત્રનો વ્યાપ વધારાય અને એ દ્વારા થતી વધારાની કરવેરાની આવક સામાજિક અને માળખાકીય (શિક્ષણ, સ્વાસ્થ્ય અને વાહનવ્યવહાર) સુવિધાઓ વધારવા માટે કરીને સરકાર પ્રજાને અને વોટબૅન્કને પોતાની બાજુએ ખેંચી શકે.  

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK