ગુજરાતમાં મગફળી ખરીદીના કૌભાંડે સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા

કથિત ભ્રષ્ટાચારને છુપાવવા સંગ્રહિત ચાર ગોડાઉનમાં આગ લગાડવામાં આવી : સરકારે ખરીદેલી મગફળીમાં ધૂળ, કચરો, કંકણ નીકળ્યાના વિડિયો સમગ્ર ગુજરાતમાં વાઇરલ

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં કરવામાં આવેલી મગફળીની ખરીદીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કૉન્ગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ૨૪ સપ્ટેમ્બરે ગુજરાતના ખેડૂતોને ખુશ કરવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રતિ ૨૦ કિલો મગફળી ૯૦૦ રૂપિયામાં ખરીદવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરી ત્યારે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ પ્રતિ ૨૦ કિલો ૫૫૦થી ૬૦૦ રૂપિયા ચાલતો હતો. ગત દિવાળીના તહેવારો બાદ જ્યારે ખેતરમાં મગફળીનો નવા પાક બજારમાં આવવાનો ચાલુ થયો કે તરત જ ગુજરાતનાં ૧૫૭ કેન્દ્રોમાંથી સરકારે ચૂંટણીઓ પૂર્વે ૮ લાખ ટન મગફળીની ખરીદી કરી લીધી હતી, ચૂંટણી બાદ નવી મંજૂરી મળ્યા બાદ ૩૦ હજાર ટન મગફળીની વધુ ખરીદી કરી હતી.

કૉન્ગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાત સરકારે મગફળીનું ખરીદીનું ૪૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે જેમાં BJPના અનેક સ્થાનિક નેતાઓ સંડોવાયેલા છે અને ગુજરાત સરકાર આ તમામ નેતાઓને છાવરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા BJP શાસિત મંડળીઓને મગફળીની ખરીદીની કામગીરી સોંપી હતી જેમાં ખેડૂતોને પ્રતિ ગૂણ ૫૦થી ૧૦૦ રૂપિયા કમિશન આપવું પડ્યું છે. કુલ ૮.૩૦ લાખ ટન ખરીદી પેટે પ્રતિ ટન ૫૦૦૦ રૂપિયાનું કમિશન ગણતાં BJPના નેતાઓ અને સમર્થકોએ ૪૧૫ કરોડ રૂપિયા કમિશનપેટે ખેડૂતો પાસેથી લૂંટ્યા છે.

ચાર ગોડાઉનમાં આગ

મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપને પગલે ગુજરાત સરકારે વિવિધ જિલ્લાના કલેક્ટરને આ બાબતે તપાસ કરવાનો આદેશ આપ્યાના ગણતરીના દિવસોમાં સરકારે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં સંગ્રહિત કરી હતી એવાં ચાર ગોડાઉનમાં આગ લાગ્યાના બનાવ બન્યા હતા. કૉન્ગ્રેસનો આક્ષેપ છે કે મગફળીની ખરીદીમાં થયેલી ગોલમાલ બહાર ન પડે એ માટે ગોડાઉનમાં જાણીજોઈને આગ લગાડવામાં આવી હતી. ગાંધીધામમાં બીજી જાન્યુઆરીએ ૬૫ હજાર ગૂણ ભરેલી હતી એ ગોડાઉનમાં આગ લાગી હતી. ૩૦ જાન્યુઆરીએ ગોંડલમાં ૧.૩૯ લાખ ગૂણ ભરેલી હતી એ ગોડાઉનમાં આગ લાગી હતી, ૧૯ એપ્રિલે જામનગરમાં ૪૩૪૬ ગૂણ ભરેલી હતી એ ગોડાઉનમાં આગ લાગી હતી અને ૬ઠ્ઠી મેએ શાપર-વેરાવળમાં ૨૯ હજાર ગૂણ મગફળી સંગ્રહિત કરી હતી એ ગોડાઉનમાં આગ લાગી હતી. માત્ર સવાચાર મહિનાના ગાળામાં માત્ર સરકારી મગફળી સંગ્રહિત કરી હતી એ જ ગોડાઉનમાં આગ લાગવાના બનાવ કોઈ જોગાનુજોગ તો ન જ હોઈ શકે. વળી આ ચારેય ગોડાઉનમાં ક્યાંય CCTV કૅમેરા લગાડ્યા નહોતા તેમ જ માત્ર ગોંડલના ગોડાઉનમાં લાગેલી આગની જ ગુજરાત સરકારે પોલીસ-ફરિયાદ કરી હતી.

ખરીદીના ટેન્ડરમાં ગોલમાલ

ગુજરાત સરકાર અને નાફેડે (NAFED-નૅશનલ ઍિગ્રકલ્ચર કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન) પાંચ સંસ્થાઓ બનાસ ડેરી, સાબર ડેરી, ગુજકોમાસોલ, ગુજકોટ અને ગુજપ્રોને મગફળી ખરીદીની કામગીરી સોંપી હતી. ગુજરાતમાં ગુજકોમાસોલ બહુ જ મોટી સહકારી એજન્સી છે જેના ચૅરમૅન તરીકે ગુજરાતના ભૂતપૂર્વ કૃષિપ્રધાન અને પૂર્વ સંસદસભ્ય દિલીપ સંઘાણી છે. ગુજકોમાસોલને ૧.૧૭ લાખ ટન જ મગફળી ખરીદવાનો ઑર્ડર આપ્યો હતો જ્યારે ગુજકોટના ગુજરાતમાં માત્ર છ જ કર્મચારીઓ હોવા છતાં એને ૫.૫૦ લાખ ટન મગફળીની ખરીદીનો ઑર્ડર આપ્યો હતો. કૉન્ગ્રેસનો આક્ષેપ છે કે ગુજકોમાસોલના ચૅરમૅન દિલીપ સંઘાણી અને વિજય રૂપાણી વચ્ચે રાજકીય શીત યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ગુજકોમાસોલને મગફળી ખરીદીની માત્ર નામ પૂરતી જ કામગીરી સોંપી હતી. ગત ડિસમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ધારીની બેઠક પરથી હારી ગયા હતા. દિલીપ સંઘાણીના સમર્થકો ખુલ્લંખુલ્લા કહી રહ્યા છે કે વિજય રૂપાણી ઍન્ડ મંડળીએ જ દિલીપ સંઘાણીને હરાવ્યા હતા, કારણ કે જો દિલીપ સંઘાણી ચૂંટાય તો તેઓ મુખ્ય પ્રધાનપદના સબળ ઉમેદવાર બની શકે એમ હતા. ખેર, આ રીતે મગફળી ખરીદીનાં ટેન્ડર દેવામાં પણ જે રીતે પક્ષપાત કરવામાં આવ્યો એ પરથી ભ્રષ્ટાચાર થયાની શંકા ઊપજતી હતી.

માત્ર નામ પૂરતી તપાસ


ગુજરાતમાં કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા અનેક વિસ્તારોમાં મગફળી કૌભાંડના વિરુદ્ધમાં ધરણાંનો કાર્યક્રમ થતાં વિજય રૂપાણી સરકારે જેતપુર ગામની એક સહકારી મંડળીના આગેવાન અને ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના મૅનેજર મગન ઝાલાવડિયાને અરેસ્ટ કરીને તપાસ આગળ વધારી હતી. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને અરેસ્ટ કરીને એવું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મગફળીની ખરીદીમાં જેમણે પણ ગોટાળો કર્યો છે એ તમામ સામે તપાસ કરવામાં આવશે. વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં ૨૮૯ ગોડાઉનમાં સરકારે ખરીદેલી મગફળી સંગ્રહિત કરી હતી. વેપારીઓ, ઑઇલમિલરો અને સિંગદાણાના કારખાનાદારોની ફરિયાદ છે કે દરેક ગોડાઉનમાં પડેલી મગફળીની ખરીદી કરતાં ધૂળ, કચરો, કંકણ નીકળે છે. કૉન્ગ્રેસે માગણી કરી છે કે દરેક ગોડાઉનમાં પડેલી મગફળીની નિષ્પક્ષ તપાસ થાય એ માટે મગફળીની જે પણ ખરીદી થઈ એની CBI દ્વારા તપાસ થવી જોઈએ. વળી અધૂરામાં પૂરું ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે તાજેતરમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને મગફળીની ખરીદીની કામગીરીમાં ગુજરાત સરકાર ક્યાંય સામેલ નથી, આખી ખરીદીની કામગીરી નાફેડ દ્વારા થઈ હોવાથી નાફેડ જ આ સમગ્ર કૌભાંડ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. નાફેડના અત્યારના ચૅરમૅન તરીકે કૉન્ગ્રેસના વાઘજીભાઈ બોડા છે. એથી મગફળી ખરીદીના કૌભાંડને રાજકીય રંગ આપીને આખી ગાડી અવળે પાટે ચડાવવાના પણ ભરપૂર પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે.

ચૂંટણી જીતવાનો ખેલ બગડ્યો

ગુજરાતમાં ગત ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં BJPના શાસન સામે ભારે રોષ પ્રવર્તતો હતો. પટેલ અનામત આંદોલનને કારણે ગુજરાતનો આખો પટેલસમુદાય BJPથી નારાજ હતો. આંદોલનકારી હાર્દિક પટેલની સભામાં જે રીતે માનવમહેરામણ ઊમટતો હતો એ જોઈને BJPએ ખેડૂતોને ખુશ કરવા ચૂંટણી પૂર્વે મગફળીની જંગી ખરીદી કરવાનું આયોજન હાથ ધર્યું હતું. આ પ્લાન હેઠળ ગુજરાતમાંથી ૮.૩૦ લાખ ટન મગફળી ચાલુ સીઝનમાં ખરીદાયેલી હતી, જેની કિંમત ૩૭૩૬.૨૪ કરોડ રૂપિયા થતી હતી. આ મગફળીને સાચવવા માટે ગોડાઉન ભાડું અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અલગ ગણાય. મગફળીની જંગી ખરીદી કરી હોવા છતાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPને માત્ર સાત બેઠકોની જ બહુમતી મળી હતી અને અગાઉની વિધાનસભાની ચૂંટણીઓ કરતાં ઘણી જ ઓછી બેઠક મળી હતી. એમાંય સમગ્ર ગુજરાતના ૮૦ ટકા ગ્રામ્ય વિસ્તારમાં BJPએ બેઠકો ગુમાવી હતી. માત્ર શહેરી મતદારોના સમર્થનથી જ BJP સરકાર બનાવી શકી હતી. પાતળી બહુમતીની નાલેશી ઉપરાંત મગફળી ખરીદીનું કૌભાડ અત્યારે દેશભરમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ નરેન્દ્ર મોદી સરકાર પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત સરકારનો દાવો કરી રહી છે ત્યારે મગફળીની ખરીદીના કૌભાંડથી નરેન્દ્ર મોદી સરકારની આબરૂના ધજાગરા ઊડી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK