દેશના ખેડૂતોનો રોષ પરાકાષ્ઠાએ : BJP-કૉન્ગ્રેસની ખેડૂતોને મૂરખ બનાવવાની નીતિઓનો ભાંડો ફૂટ્યો

ખેડૂતોની વોટ-બૅન્ક મજબૂત કરવા મોટી-મોટી વાતો કરીને આજ સુધી માત્ર ઠેંગો દેખાડનારા BJP-કૉન્ગ્રેસના નેતાઓને વીણી-વીણીને સાફ કરવા દેશના ખેડૂતો હવે રસ્તા પર ઊતરી આવ્યા છે : દેશના ખેડૂતોનું ૧૨.૬૦ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરવા સરકાર પાસે પૈસા નથી, પણ ઉદ્યોગપતિઓને ત્રણ વર્ષમાં સરકારે ૧૭.૧૫ લાખ કરોડ રૂપિયાની લહાણી કરાવી અને મોદી-માલ્યા દેશને લૂંટીને ભાગી ગયા

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


દેશના ખેડૂતોનો રોષ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ખેડૂતોને આકાશના તારા તોડી લાવવાનાં સપનાં દેખાડીને સત્તાની ખુરસી પર ચડી ગયેલી નરેન્દ્ર મોદી સરકારે પોણાચાર વર્ષમાં દેશના ખેડૂતોને જીવતેજીવ મારી નાખ્યા છે. ખેડૂતોને તેમની પેદાશના દોઢા અને બમણા ભાવ અપાવવાની મોટી જાહેરાતો સાંભળી-સાંભળીને ખેડૂતોનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો છે. દોઢા-બમણા ભાવ આપવાની વાત તો દૂર રહી, સરકાર ખેડૂતોને જે ભાવ (ટેકાના ભાવ) અપાવવાનું દર વર્ષે નક્કી કરે છે એ ભાવથી ૪૦થી ૪૫ ટકા નીચા ભાવે ખેડૂતોને રાત-દિવસ કાળી મજૂરી કરીને પકવેલી પેદાશો વેચવી પડી રહી છે. ખેડૂતોને અચ્છે દિનનાં સપનાં દેખાડનારી નરેન્દ્ર મોદી સરકારના રાજમાં પણ દર વર્ષે ૧૩થી ૧૪ હજાર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એ કડવી વાસ્તવિકતા છે. ખેડૂતોનું જીવન દિવસે-દિવસે દોઝખ બની રહ્યું છે.

દેવામાફીનું રાજકારણ

નરેન્દ્ર મોદી સરકારના રાજમાં ખેડૂતોની દેવામાફીનું રાજકારણ એટલુંબધું ફૂલ્યુંફાલ્યું છે કે હવે ખેડૂતોને પણ તેમને લાભ આપનારી દરેક જાહેરાતોમાં રાજકીય ગંદકી જ દેખાય છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ જીતવા રાતોરાત ખેડૂતોની દેવામાફીની જાહેરાત કરવામાં આવી અને તામિલનાડુના ખેડૂતો દિલ્હી દરબાર સામે મહિનાઓ સુધી દેવામાફીની માગણી કરે તો તેમને ખદેડી મૂકવામાં આવે તો ખેડૂતોનું ભલું કરવાની વાતોનું સત્ય શું? એક રાષ્ટ્રીય ચૅનલ પર ખેડૂતોનું ભલું કરવાની મોટી-મોટી જાહેરાતોનો પર્દાફાશ કરતો એક રિપોર્ટ આવ્યો હતો એમાં ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના એક જાહેર રિપોર્ટનો હવાલો દઈને કહેવામાં આવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે દેશના ઉદ્યોગપતિઓને કુલ ૧૭.૧૫ લાખ કરોડ રૂપિયાની લહાણી કરી છે એની સામે દેશના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો સરકારને ૧૨.૬૦ લાખ કરોડ રૂપિયા ભરપાઈ કરવામાં આવે. ઔદ્યોગિક સેક્ટર દેશમાં ત્રણ કરોડ લોકોને રોજગારી આપે છે અને કૃષિ સેક્ટરમાંથી દેશના ૨૬ કરોડ લોકોને સીધી રોજગારી મળે છે. દેશના ૧૧૦ કરોડ લોકોનો જીવનનિર્વાહ ખેતી કે ખેતીને સંલગ્ન સેક્ટરમાંથી થઈ રહ્યો છે ત્યારે દેશના ખેડૂતોને માત્ર સપનાં દેખાડવાના અને ઉદ્યોગપતિઓને પાછલા બારણાથી આમ જનતાની પરસેવાની કમાણીની ખેરાત કરી દેવાની, આ બાબતની સમજ હવે ખેડૂતોને થઈ ચૂકી હોવાથી તેઓ હવે રસ્તા પર ઊતરી આવ્યા છે. મહારાષ્ટ્રના ૩૫ હજાર ખેડૂતો મુંબઈની સડક પર આવી ચૂક્યા છે. આ ખેડૂતો મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસની સરકારની ઊંઘ હરામ કરવા બેતાબ બન્યા છે, કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતો દેશમાં સૌથી વધુ દુખી છે અને મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસ સરકાર ખેડૂતોને ખુશ કરવામાં સંપૂર્ણપણે નાકામિયાબ સાબિત થઈ છે.

ખેડૂતો નાખુશ કેમ?

દેશની બિનખેડૂત સામાન્ય જનતાના મનમાં એવો પ્રશ્ન જરૂર ઊભો થતો હશે કે ખેડૂતો આટલા નારાજ શા માટે? બહુ સીધુંસાદું ગણિત એ છે કે BJP હોય કે કૉન્ગ્રેસ, દરેક રાજકીય પક્ષોએ ખેડૂતોની વોટ-બૅન્ક હાંસલ કરવા માત્ર ને માત્ર રાજકીય રોટલા શેક્યા છે. નરેન્દ્ર મોદીએ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવામાં બધાને પાછળ છોડી દીધા છે. ચૂંટણીઓમાં ખેડૂતોને દેવામાફી, વીજમાફી, વ્યાજમાંથી મુક્તિ, બમણી આવક જેવાં સપનાં દેખાડીને ખેડૂતોના મત મેળવીને સત્તાની બાગડોર સંભાળી, પણ ખેડૂતોને લાભ થાય એવાં એક પણ પગલાં આજ સુધી લીધાં નથી. બધી જ જાહેરાતો માત્ર હવામાં રહી, ખેડૂતોને આ તમામ જાહેરાતનો કોઈ લાભ થયો નહીં. આથી હવે દેશભરના ખેડૂતો વીફર્યા છે અને રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એની આવક છે. રાત-દિવસ કાળી મજૂરી કરીને ખેડૂત જે પકવે એના બજારમાં સારા ભાવ મળે એ તેની બેઝિક જરૂરિયાત છે. નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને તેમની પેદાશના સારા ભાવ આપવાની વાત તો દૂર રહી, સરકારે જે ભાવ નક્કી કર્યા એ પણ આપી શકી નહીં. હાલમાં તુવેરની MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) પ્રતિ ક્વિન્ટલ ૫૪૫૦ રૂપિયા ચાલી રહી છે, પણ ખુલ્લા બજારમાં ખેડૂતોએ પકવેલી તુવેર ૪૧૦૦થી ૪૨૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે. ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવ પણ ખુલ્લા બજારમાંથી મળે નહીં એનાથી વધુ સરકારની નિષ્ફળતા બીજી કઈ હોઈ શકે? ખેડૂતોના રોષનું કારણ એ છે કે પહેલાં મોટાં-મોટાં સપનાં દેખાડો છો અને મત પડાવી જાઓ છો અને અમે લૂંટાઈ રહ્યા છીએ ત્યારે કંઈ કરી શકતા નથી. જો ખેડૂતોને લાભ મળવાનો ન હોય તો સપનાં શા માટે દેખાડો છો?

વાસ્તવિક પ્રશ્નો તરફ દુર્લક્ષ

BJP હોય કે કૉન્ગ્રેસ, બન્ને પક્ષોએ દેશની પ્રજા પર રાજ કર્યું, પણ બુનિયાદી પ્રશ્નોનું નિરાકરણ કરવાની દિશામાં બન્ને પક્ષોએ નજર સુધ્ધાં દોડાવી નથી. આજે પણ દેશની પંચાવન ટકા જમીન પર સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી. હિમાલય અને ગંગા જેવી કુદરતી સંપત્તિ ધરાવતા દેશના ખેડૂતોને પાણી માટે વલખાં મારવાં પડે ત્યારે BJP-કૉન્ગ્રેસ બન્નેએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન, સ્માર્ટ સિટી અને સ્કિલ ડેવલપમેન્ટ જેવી મોટી-મોટી યોજનાઓ બનાવીને અબજો રૂપિયા ખર્ચી રહ્યા છે, પણ ખેડૂતોના બુનિયાદી પ્રશ્નો ઉકેલવા એક પણ યોજના બનાવી નથી. આ દેશને અને ખેડૂતોને સમૃદ્ધ કરવાનો એક સીધો અને સાદો રસ્તો એ છે કે દેશની દરેક ખેતીલાયક જમીનને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ જે હાલમાં માત્ર ૪૫ ટકા જમીન પર જ ઉપલબ્ધ છે. બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે ખેડૂતોનું આત્મસન્માન અને ખુદના પગ પર ઊભા રહેવાની તાકાત હોવી જરૂરી છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ ખેડૂતોને સરકાર બધી સુવિધા આપે તો ખેડૂતો પગભર ક્યારે થશે? ખેડૂતો ગમે એટલા ધનવાન થાય તો પણ તેમને ઇન્કમ-ટૅક્સ નહીં ભરવાનો? આવી સગવડ ખેડૂતોને દરેક સરકારે આપીને દેશના ખેડૂતોને BJP અને કૉન્ગ્રેસે આળસુ અને હંમેશાં સરકાર પાસે કંઈ ને કંઈ માગણી કરનારો બનાવી દીધો છે. BJP અને કૉન્ગ્રેસે ખેડૂતોને પગભર કરવાને બદલે ઓશિયાળો બનાવી દીધો છે. દેશના ખેડૂતને વધુ સારી ખેતી કરવા, વધુ સારું ઉત્પાદન કરવા અને ખેડૂત ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ ન જાય એવાં કોઈ પ્રોત્સાહનો આપવાને બદલે સબસિડી, દેવું અને અન્ય બાબતોની માફી બક્ષીને BJP અને કૉન્ગ્રેસે પોતાની વોટ-બૅન્ક જે-તે સમયે મજબૂત બનાવી છે, પણ દેશની કૃષિ અને ખેડૂતોને હરહંમેશ બરબાદીના રસ્તે ધકેલ્યા છે. જેમ પાઘડીને છેડે વળ આવે એ રીતે હવે BJP-કૉન્ગ્રેસની ખેડૂતોને મૂરખ બનાવવાની રીતરસમો પરાકાષ્ઠાએ પહોંચી હોવાથી બન્નેનો ભાંડો ફૂટી ગયો છે અને ખેડૂતોને પણ હવે BJP-કૉન્ગ્રેસના ગંદા રાજકીય છળકપટની ખબર પડી ગઈ હોવાથી તેઓ બરાબરના વીફર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK