ભારતના મુખ્ય પાકોની ઉત્પાદકતાનું પછાતપણું કૃષિવિકાસનો સૌથી મોટો અવરોધ

દેશના ખેડૂતોને વીજમાફી, વ્યાજમાફી અને દેવામાફીના લાભને બદલે કૃષિશિક્ષણ આપવાની ખાસ જરૂર : એગ્રિકલ્ચર ગ્રોથ માટે રાજ્યોમાં પ્રાઇવેટ યુનિવર્સિટી અને કૃષિ-સ્કૉલર માટે ઍડ્વાન્સ સિલેબસની આવશ્યકતાકૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


દેશના ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનું જબ્બર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે જેમાં દેશના તમામ એગ્રિકલ્ચર-એક્સપર્ટોને સામેલ કરીને તેના વિચાર જાણીને એક કૉમ્પ્રિહેન્સિવ પૉલિસી તૈયાર થઈ રહી છે. આ પૉલિસીમાં અનેક પ્રકારનાં નવાં પ્રાવધાન સામેલ કરવામાં આવી રહ્યાં છે. આ પૉલિસી તૈયાર થઈ રહી છે ત્યારે કૃષિવિકાસ આડે આવતો સૌથી મહત્વનો અવરોધ કૃષિઉત્પાદકતામાં ભારતનું પછાતપણું છે. આ પછાતપણું દૂર કરવા માટે સરકારે ખાસ પગલાં લેવાની જરૂર છે. આ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભારતના ખેડૂતો વધુ પછાત બનશે અને ભારતની એગ્રિકલ્ચર પ્રોડક્ટની સ્પર્ધા વિશ્વના અનેક દેશો સાથે ન થઈ શકે જેને પરિણામે ભારતીય એગ્રિકલ્ચર પ્રોડક્ટની વર્લ્ડ-માર્કેટ સાવ ખતમ થઈ જશે.

દેશના જેટલા મુખ્ય કૃષિ પાકો છે એ દરેકની ઉત્પાદકતા વિશ્વના અન્ય દેશો કરતાં ૪૦થી ૫૦ ટકા ઓછી છે જે અહીં નીચે દર્શાવાયેલા કોઠા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. દેશના મુખ્ય કૃષિ પાકોની ઉત્પાદકતા ચાલુ વર્ષની છે અને આ તમામ વિગતો ૮ ફેબ્રુઆરીએ બહાર પડેલા યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (USDA)ના ફૉરેન એગ્રિકલ્ચર ડિવિઝનના રિપોર્ટ પરથી તૈયાર કરવામાં આવી છે.

વર્લ્ડમાં રૂની ઉત્પાદકતામાં અન્ય દેશો કરતાં આપણે ઘણા પછાત છીએ. ભારતમાં હેક્ટરદીઠ ઉત્પાકતા રૂની માત્ર ૫૦૪ કિલો છે એની સરખામણીમાં ચીનની ૧૭૬૧ કિલો, ઑસ્ટ્રેલિયાની ૨૨૦૨ કિલો, બ્રાઝિલની ૧૫૫૫ કિલોની છે. પાકિસ્તાનની રૂ ઉત્પાકતા પણ ભારત કરતાં સારી છે. ચાલુ વર્ષે ચીને ૩૪ લાખ હેક્ટરમાં ૩.૫૦ કરોડ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી) રૂનું ઉત્પાદન મેળવ્યું છે એની સામે ભારતે ૧૨૩ લાખ હેક્ટરમાં ૩.૬૫ કરોડ ગાંસડી રૂનું ઉત્પાદન મેળવ્યું છે. ચીન કરતાં ત્રણગણી જમીન અને એ પણ બે સીઝનની જમીન વપરાયા પછી પણ રૂનું ઉત્પાદન ૩.૬૫ કરોડ ગાંસડી મેળવીને ભારત અન્ય કૃષિ પાકોના ઉત્પાદનને ધક્કો પહોંચાડી રહ્યું છે. ભારતમાં કપાસનું વાવેતર જૂન-જુલાઈમાં થયા બાદ ખેતરમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી કપાસ મળતો હોવાથી ખરીફ અને રવી બન્ને સીઝન કપાસના વાવેતર પાછળ ખર્ચાય છે. એને બદલે ૧૨૩ લાખ હેક્ટર જમીનમાં બે તેલીબિયાં પાક મેળવીએ તો કદાચ ભારત માત્ર એક કે બે વર્ષમાં તેલીબિયાંના ઉત્પાદનક્ષેત્રે સ્વાવલંબી બની શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેલીબિયાંની ખેતી માટે ૧૨૩ લાખ હેક્ટર જમીન ખરીફ સીઝનમાં વપરાય તો ૧૨૩ લાખ ટન સોયાબીન કે મગફળીનું ઉત્પાદન મેળવી શકીએ અને ૧૨૩ લાખ હેક્ટર જમીન રવી સીઝનમાં વપરાય તો ૧૨૩ લાખ ટન રાયડો કે મગફળી રવી સીઝનમાં પણ મેળવીએ તો વર્ષે ૨૪૬ લાખ ટન તેલીબિયાંનું વધારે ઉત્પાદન મળે તો કદાચ ૧૨૫ લાખ ટન વધારાનું ખાદ્ય તેલ ઉત્પન્ન થાય તો ખાદ્ય તેલની મોટા ભાગની ખાધ આપણે એક-બે વર્ષમાં પૂરી કરી શકીએ એમ છીએ. પ્રૅક્ટિકલી આ શક્ય બનાવવું અઘરું છે, પણ આ દિશામાં વિચારવાનું શરૂ કરીએ તો કપાસનો વાવેતરવિસ્તાર ધીમે-ધીમે ઘટાડીને એને બદલે તેલીબિયાં કે કઠોળનો વિસ્તાર વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું ભારતીય એગ્રિકલ્ચર ગ્રોથ માટે લાભનું પરિવર્તન બની શકે છે.

તેલીબિયાંના ઉત્પાદનમાં પણ આપણે અન્ય દેશો કરતાં ઘણા પાછળ છીએ. રાયડાની ઉત્પાદકતા ભારતમાં અન્ય દેશો કરતાં લગભગ અડધી જ છે. ચીન ૩૨૭૦ કિલો રાયડો પ્રતિ હેક્ટર ઉત્પાદન મેળવે છે એની સામે ભારત માત્ર ૧૦૦૦ કિલો રાયડો મેળવે છે. રાયડામાં ૪૨ ટકા તેલ મળે તો પ્રતિ હેક્ટર રાયડાના તેલની ઉત્પાદકતા માત્ર ૪૨૦ કિલો જ છે. એની સામે મલેશિયા અને ઇન્ડોનેશિયા પ્રતિ હેક્ટર ૫૦૦૦થી ૬૦૦૦ કિલો પામતેલ (બિયાં નહીં, તેલ) મેળવે છે. સોયાબીનની ઉત્પાદકતા ભારતમાં પ્રતિ હેક્ટર માત્ર ૯૦૦ કિલો છે એની સામે અમેરિકા ૩૩૦૦ કિલો, બ્રાઝિલ ૩૨૦૦ કિલો અને આર્જેન્ટિના ૨૯૨૦ કિલો સોયાબીન મેળવે છે. મગફળીની ઉત્પાદકતામાં પણ આપણે ઘણા પાછળ છીએ. ભારતમાં પ્રતિહેક્ટર ૧૩૦૦ કિલો સામે ચીનમાં ૩૬૧૦ કિલો અને અમેરિકામાં ૪૫૬૦ કિલોની ઉત્પાદકતા છે.

ઘઉં, ચોખા અને કઠોળની ઉત્પાદકતા પણ અન્ય દેશો કરતાં અહીં ઘણી ઓછી છે. કઠોળની પ્રતિ હેક્ટર ઉત્પાદકતા ભારતમાં ૬૫૦ કિલો છે અને એની સામે વિશ્વની સરેરાશ ઉત્પાદકતા ૧૦૦૦ કિલો છે. ઘઉંની ઉત્પાદકતામાં ભારત બહુ પાછળ નથી. ઘઉંની ઉત્પાદકતા વધારવા માટે ભારતના વૈજ્ઞાનિકોએ ઘણું સારું કામ કર્યું છે અને સાથે-સાથે ઘઉંનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે રાજકીય દબાણે પણ મહત્વનું કામ કર્યું છે.

commodity

રાજકીય દબાણનો રોલ

ભારતમાં રાજકીય રીતે જે રાજ્યનું મહત્વ રહ્યું છે એ રાજ્યમાં ઊગતા કૃષિ પાકોનું ઉત્પાદન અને ઉત્પાદકતા હંમેશાં વધ્યાં છે. પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજકીય વજન ધરાવતાં રાજ્યો હોવાથી આ રાજ્યોના ખેડૂતોને ખુશ રાખવા માટે દરેક સરકારે પ્રયત્ન કરવા પડે છે. આમ રાજકીય વજન ધરાવતા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશે ઘઉં ઉગાડતા ખેડૂતોને ખુશ રાખવા માટે દર વખતે સરકારે પ્રોત્સાહન આપ્યું હોવાથી ઘઉંનું ઉત્પાદન અને ઉત્પાદકતાં હંમેશાં વધ્યાં છે. શેરડીની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં પણ ભારત અન્ય દેશો કરતાં બહુ પાછળ નથી, કારણ કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના નેતાઓનું કૉન્ગ્રેસની સરકારમાં વજન રહેતું હતું એથી શેરડીની ખેતી માટે દરેક સરકારે પ્રોત્સાહક પગલાં લીધાં છે. તેલીબિયાં અને કઠોળની ખેતીમાં પશ્ચિમનાં અને દક્ષિણનાં રાજ્યોનું પ્રાધાન્ય રહેલું હોવાથી ત્યાં રાજકીય લાભ મળ્યો નથી એને પરિણામે તેલીબિયાં અને કઠોળની ખેતીનો વિકાસ જોઈએ એવો થયો નથી.

ઉત્પાદકતા વધારવાનાં પગલાં

દેશમાં દરેક કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા ખરેખર એગ્રિકલ્ચર પ્રૅક્ટિસને વધુ સઘન બનાવવાની જરૂર છે અને એ માટે દરેક પાકની ખેતી એક્સપર્ટની દેખરેખ હેઠળ જ થવી જોઈએ. દરેક તાલુકાદીઠ ૧૦થી ૨૫ એગ્રિકલ્ચર એક્સપર્ટ નીમીને એ એક્સપર્ટને પ્રતિ હેક્ટર ઉત્પાદકતા વધારવાની જવાબદારી સોંપી શકાય, પણ ખાટલે મોટી ખોડ એ છે કે દેશમાં પહેલાં તો આધુનિક ટેક્નૉલૉજીથી પરિચિત હોય એવા એગ્રિકલ્ચર એક્સપર્ટ તૈયાર કરવા માટે માળખું તૈયાર કરવું પડે અને એ માટે પ્રાઇવેટ એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓ મોટા પાયે ઊભી થવી જોઈએ. આ માટે સરકારે ત્વરિત પગલાં લેવાં જોઇએ. ઍગ્રી-એક્સપર્ટને તૈયાર કરવા માટે ઍડ્વાન્સ સિલેબસ જેમાં પ્રૅક્ટિકલ અભ્યાસક્રમો વધારે હોય એવું મેકૅનિઝમ બનવું જરૂરી છે. ભારતમાં અત્યાર સુધી જે સરકારો આવી એણે ખેડૂતો અને ખેતીનો વિકાસ કરવાને બદલે ખેડૂતોને દેવામાફી, વ્યાજમાફી અને વીજમાફી આપીને દેશના ખેડૂતોની મહેનત કરવાની શક્તિને કુંઠિત કરી નાખી જેને કારણે ખેડૂત વધુ ને વધુ ઓશિયાળો બન્યો અને દેશની ખેતી બરબાદ થઈ ચૂકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK