ભાવવધારાના એંધાણથી પાણી પહેલાં પાળ બાંધવાની રિઝર્વ બૅન્કની આવકાર્ય નીતિ

ઉદ્યોગધંધાની સંસ્થાઓએ વ્યાજના વધતા દરની અવળી અસર મૂડીરોકાણ પર થવાની ફરિયાદ કરી છે. વધતી જતી રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે, લોકસભાની ચૂંટણીઓ હાથવેંતમાં હોય ત્યારે સરકાર એની ફિસ્કલ પૉલિસીમાં ફેરફાર કરીને અર્થતંત્રને બચાવવાનો કેવો પ્રયાસ કરે છે એ જોવું રસપ્રદ બની રહેશે

RBI

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ગયે અઠવાડિયે રિઝર્વ બૅન્કે વ્યાજના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો જાહેર કર્યો છે. આ સાથે રેપો રેટ વધીને ૬.૨૫ ટકા અને રિવર્સ રેપો રેટ વધીને ૬ ટકા થયો છે. રેપો રેટ એટલે જે દરે રિઝર્વ બૅન્ક કમર્શિયલ બૅન્કોને ધિરાણ કરે છે એ દર અને રિવર્સ રેપો એટલે જે દરે રિઝર્વ બૅન્ક કમર્શિયલ બૅન્કો પાસેથી ધિરાણ લે છે એ દર. છેલ્લે ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો જાન્યુઆરી-૨૦૧૪માં કરવામાં આવેલો અને એ દ્વારા રેપો રેટ ૮ ટકા થયેલો એટલે આ વધારો છેલ્લાં ચાર વરસથી વધુ સમયનો પ્રથમ વધારો છે. મોદી સરકારના શાસનકાળનો આ પ્રથમ વધારો છે. બજારો, બૅન્કો, અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોમાં આ વધારાની અપેક્ષા હતી. એટલે વ્યાજના દર વધવા છતાં એના પછીના બે દિવસે (જૂન ૭ અને ૮) શૅરબજારનો સેન્સેક્સ ઘટવાને બદલે વધ્યો છે. પૉલિસી રેટના વધારાની ધારણાએ સેન્સેક્સ પૉલિસીની જાહેરાત પહેલાં સતત ઘટતો રહ્યો. સામાન્ય રીતે અગત્યની નીતિવિષયક જાહેરાતો કરાય એ પહેલાં બજારોમાં એના પ્રત્યાઘાતરૂપે (ઍક્શન પહેલાં રીઍક્શન) વધ-ઘટ જોવા મળતી હોય છે એટલે પૉલિસી-રિલેટેડ જાહેરાતો પછી બજારોના રીઍક્શન ધારણાથી વિુરદ્ધનાં હોઈ શકે.

આ વખતની પૉલિસીની જાહેરાતના મહત્વના મુદ્દા એ છે કે મૉનિટરી પૉલિસી કમિટીની મીટિંગ પહેલી વાર બે દિવસને બદલે ત્રણ દિવસ ચાલી અને કદાચ પહેલી જ વાર વ્યાજના દર વધારવા માટે બધા સભ્યોએ સંમતિ આપી એટલે આ નિર્ણય બહુમતીએ નહીં પણ સર્વાનુમતીએ લેવામાં આવ્યો. હવે અટકળો એ થવા લાગી છે કે ૨૦૧૮ની બાકી રહેલી ત્રણ પૉલિસીમાં વ્યાજના દર હજી પણ વધશે. એ એક વાર વધે કે બે વાર પણ વધતા રહેશે એ નક્કી છે.

રિઝર્વ બૅન્ક પૉલિસી રેટ વધારે કે ઘટાડે પણ ભાવવધારાનો લક્ષ્યાંક ઘટાડે છે કે વધારે છે એના પર બજારના પ્રત્યાઘાત અવલંબિત છે. એપ્રિલ-૨૦૧૮ની પૉલિસીની જાહેરાતમાં ભાવવધારાનો લક્ષ્યાંક ઘટાડેલો, પણ એ સમયની મીટિંગની પછીથી પ્રસિદ્ધ કરવામાં આવેલી મિનિટ્સનો ટોન ભાવવધારાતરફીનો જણાતાં મિનિટ્સની જાહેરાત થતાં જ બૉન્ડ પરનાં વળતર વધવા માંડ્યાં.

વ્યાજના દર વધારવા પાછળનું રિઝર્વ બૅન્કનું ગણિત શું છે? ભાવવધારાનું એક પણ સિગ્નલ ગ્રીન નથી. ભલે એ રેડ પણ ન હોય પણ પીળું એટલે કે રેડ થાય એ પહેલાંનું છે. પછી એ હેડલાઇન (મુખ્ય- મૅક્રો લેવલનો) ઇન્ફ્લેશનનો આંક હોય, કોર ઇન્ફ્લેશન (ફૂડ અને ફ્યુઅલ સિવાય) નો આંક હોય, અપેક્ષિત ભાવવધારાનો આંક હોય કે ઇનપુટ કૉસ્ટના આંકડા હોય. એમાનું એક પણ પરિબળ સહીસલામત ઝોનમાં નથી. કોર ઇન્ફ્લેશનનો આંક તો હેડલાઇન ઇન્ફ્લેશન કરતાં પણ આગળ ભાગે છે. એનો સાદો અર્થ એ થયો કે અત્યાર સુધીની જે માન્યતા હતી કે અર્થતંત્રનો ભાવવધારો મુખ્યત્વે ખાધાખોરાકીની ચીજો કે ફ્યુઅલના વધતા જતા ભાવોને કારણે છે એ બરાબર નથી. બીજી ચીજવસ્તુઓના ભાવો પણ એટલા જ વધે છે. સરકારે વધારી આપેલાં ઊંચાં હાઉસ રેન્ટ અલાવન્સ જ એ માટે જવાબદાર છે એમ પણ નહીં.

આમ જ્યારે સમગ્ર અર્થતંત્રમાં બધી ચીજવસ્તુઓનો ભાવવધારો અપેક્ષિત હોય ત્યારે વ્યાજના દર ન વધારતાં ભાવવધારા પરનું નિયંત્રણ ગુમાવીએ ત્યાં સુધી રાહ જોવાની અગાઉની રિઝર્વ બૅન્કની નીતિ મૉનિટરી પૉલિસી કમિટીને માન્ય નથી. પાણી પહેલાં પાળ બાંધવાની આવી આગોતરી નીતિ પ્રશંસનીય ગણાય. રોગને થતો અટકાવવો એ રોગ થયા પછી મટાડવાના ઉપાય કરવા કરતાં વધારે સલાહભર્યું ગણાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉર.

ભાવવધારા પરનો અંકુશ એ રિઝર્વ બૅન્કનો મુખ્ય ટાર્ગેટ છે, પણ ભારતના અર્થતંત્રના ૧૯૯૧થી શરૂ થયેલા અને વધતા રહેલા વૈશ્વિકીકરણને કારણે અમેરિકા કે એેના જેવા બીજા વિકસિત દેશોની આર્થિક સ્થિતિ/નીતિના ફેરફારની ઉપેક્ષા કરવાનું ભારતના નાણામંત્રાલય કે રિઝર્વ બૅન્કને પરવડે એમ નથી. અને એટલે જ ફેડરલ રિઝર્વ દ્વારા થતા વ્યાજના દરના વધારાની રિઝર્વ બૅન્કે ગંભીર નોંધ લેવી પડે છે એટલું જ નહીં, આપણી પૉલિસીના ફેરફારનું પણ એની સાથે ફાઇનટ્યુનિંગ કરવું પડે છે. ફેડરલ રિઝર્વ વ્યાજના દર વધારે એટલે વિદેશી મૂડીના પ્રવાહ પર, ખાસ કરીને ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) દ્વારા કરવામાં આવતા પોર્ટફોલિયો રોકાણ પર એની અવળી અસર પડે છે. ૨૦૧૮ના પ્રથમ પાંચ મહિનામાં FII દ્વારા બજારમાંથી ૪૫૦૦ મિલ્યન ડૉલર (૨૭,૦૦૦ કરોડ રૂપિયા) પાછા ખેંચાયા છે. એથી પણ શૅરબજારની વૉલેટિલિટી વધી છે.

ફેડરલ રિઝર્વની બૅલૅન્સશીટના કદનો ઘટાડો, ખાસ કરીને ટ્રમ્પ અમેરિકાની ફિસ્કલ ડેફિસિટ વધારી રહ્યા હોય ત્યારે ભારત જેવા ઊભરતા દેશો પરનો તણાવ વધાર્યા સિવાય રહે નહીં એવા મતલબના વિચારો ગવર્નર ડૉ. ઊર્જિત આર. પટેલે લંડનના પ્રસિદ્ધ દૈનિકમાં વ્યક્ત કર્યા છે. ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ફેડરલ રિઝર્વની મૉનિટરી પૉલિસીના છાંટા ભારત જેવા દેશની નાણાકીય સ્થિરતા પર પડે અને એ સ્થિરતા જોખમાય એવી વાત અગાઉ કરી છે. જોકે આ અને આવી અન્ય રજૂઆતને કારણે ફેડરલ રિઝર્વ ઘરઆંગણાનાં પરિબળોને બદલે આંતરરાષ્ટ્રીય પરિબળોની ચિંતા કરે અને એને લક્ષમાં લઈને એની પૉલિસી ઘડે એવી અપેક્ષા રાખવાનું વ્યવહારુ નથી અને એ પણ ટ્રમ્પના અમેરિકા ફસ્ર્ટના યુગમાં તો નહીં જ.

ભારત જેવા ઊભરતા દેશોએ અમેરિકા જેવા વિકસિત દેશોની પૉલિસીની આડઅસરમાંથી બચવું હોય તો આવી પૉલિસીની પોતાની નાણાકીય વ્યવસ્થા પરની અસર નાબૂદ કરી શકે એવા શક્ય એટલા વધુ વિકલ્પો વિચારીને એની સામે મોરચો માંડવા સજ્જ રહેવું પડશે. આ વિકલ્પોમાં રિઝર્વ બૅન્ક દ્વારા બજારમાં ડૉલર વેચીને (માર્કેટ ઇન્ટરવેન્શન) રૂપિયાને મજબૂત રાખવાનો (અને એની કિંમત ઘટતી અટકાવવાનો), વિદેશી મૂડી પરનાં મર્યાદિત પસંદગીનાં નિયંત્રણોનો અને મૅક્રો સ્તરે અન્ય વ્યવહારુ નિયમનોનો સમાવેશ થઈ શકે. ઇન્ફ્લેશન ટાર્ગેટિગ રિઝર્વ બૅન્કના ધ્યેયમાં આ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બંધ બેસી શકે એ વિચાર માગી લે એવો એક મોટો પ્રશ્ન છે. દેશના અને સરકારના સારા નસીબે આપણી પાસે આજે ૪૧૨ બિલ્યન ડૉલર જેટલું માતબર વિદેશી હૂંડિયામણ છે. (થોડા સમય પહેલાં આ હૂંડિયામણ ૪૨૫ બિલ્યન ડૉલરની રેકૉર્ડ સપાટી પર હતું અને છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં એ બજારમાં વેચીને રૂપિયાની કિંમત ટકાવી રાખવા માટે એનો ઉપયોગ થયો પણ છે.)

ફેડરલ રિઝર્વની અને અન્ય વિકસિત દેશોની કડક મૉનિટરી પૉલિસીને કારણે રોકડની ઉપલબ્ધિ (લિક્વિડિટી)ના સંભવિત ઘટાડાના પ્રશ્નનું કાંઈક નિરાકરણ લાવવું પડશે, પણ એ એવા ચાતુર્યથી કરવું પડશે કે જેથી એની કોઈ આડઅસર બૅન્કના ભાવવધારાના લક્ષ્યાંકના આદેશ પર ન પડે. રિઝર્વ બૅન્કે બજારમાં ડૉલર વેચવાના કે ખરીદવાના એના સોદા એવી રીતે ગોઠવવા પડશે કે જેથી કૉલ મની (બૅન્કો દ્વારા પોતાની રોકડની ઉપલબ્ધિને આધારે અન્ય બૅન્કોને કરવામાં આવતું ઓવરનાઇટ ધિરાણ)નો દર રેપો રેટની આસપાસ રહે અને બૉન્ડ પોર્ટફોલિયો પરના નુકસાનને કારણે કૉલ મની રેટ રેપો રેટથી વધારે પ્રમાણમાં વિચિલત ન થાય. રિઝર્વ બૅન્ક માટે આ એક મોટો પડકાર છે.

મોંઘવારી ઘટાડવાના રિઝર્વ બૅન્કના અગ્રક્રમને કારણે વધારવામાં આïવેલા વ્યાજના દરને કારણે હાઉસિંગ લોન પરના વ્યાજના દર વધવાના. જોકે સામા પક્ષે ઘણી કમર્શિયલ બૅન્કોએ નાગરિકો દ્વારા કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજના દર અને વપરાશકારોને અપાતી લોન પરના દર રિઝર્વ બૅન્કે રેપો રેટ વધાર્યા પહેલાં જ (એ વધારશે એવી ધારણાથી) વધારી દીધા છે. આને લીધે બચત કરનારને થોડો ફાયદો થશે અને વરિષ્ઠ નાગરિકોને થોડી રાહત.

એપ્રિલ-૨૦૧૮ના હેડલાઇન અને કોર ઇન્ફ્લેશનના આંકડા રિઝર્વ બૅન્કના મધ્યમ ગાળાના ૪ ટકાના લક્ષ્યાંકને કુદાવી ગયા છે એટલે નૈઋર્ત્યના ચોમાસાના દેખાવની (ચોમાસું નૉર્મલ રહેશે એવી વેધશાળાની આગાહી છતાં) કે લઘુતમ ટેકાના ભાવ અને સરકાર દ્વારા ખેડૂતોને તેમની કિંમતોના ૧૫૦ ટકા ખરીદીભાવ આપવાની બજેટની જાહેરાતની ભાવવધારા પરની સ્પષ્ટ અસરની રાહ જોયા સિવાય રિઝર્વ બૅન્કે વ્યાજના દર વધાર્યા છે. ક્રૂડના સતત વધી રહેલા ભાવોએ અને એની વપરાશની ચીજવસ્તુઓ પરની સંભવિત અસરે પણ રિઝર્વ બૅન્કને એના દ્વારા લેવામાં આવેલા વ્યાજના દરવધારાના પગલા માટે મજબૂર કરી હોય. હવે રિઝર્વ બૅન્કે પૉલિસી રેટ્સ વધાર્યા જ છે એટલે બૅન્કો દ્વારા ડિપોઝિટ પરના અને ધિરાણ પરના વ્યાજના દરમાં નવો વધારો થશે.

નાણાબજારોએ પણ રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારશે એ અપેક્ષાએ એમના વ્યાજના દરમાં ઊંચી બૉરોઇંગ કૉસ્ટ ગણતરીમાં લીધી જ છે. ૧૦ વરસના સરકારી બૉન્ડ પરના વળતરમાં, એપ્રિલ-૨૦૧૮ની મૉનિટરી પૉલિસીની જાહેરાત પછી ૭૩ બેસિસ પૉઇન્ટનો વધારો થયો છે. એટલે બૉન્ડ માર્કેટમાં વળતરના દર હાલની પૉલિસીના પ્રત્યાઘાતરૂપે ન પણ વધે. રૂપિયાની કિંમતમાં છેલ્લા બે મહિનાના ૩.૨ ટકાના ઘટાડાથી રૂપિયો ડૉલર સામે ૬૮ની સપાટી કુદાવી ગયો છે. ફ્રૂડના સતત વધતા ભાવો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા પાછા ખેંચાઈ રહેલા ડૉલર રૂપિયાના અવમૂલ્યનની વધતી જતી ઝડપ માટે જવાબદાર છે.

ઉદ્યોગધંધાની સંસ્થાઓએ વ્યાજના વધતા દરની અવળી અસર મૂડીરોકાણ પર થવાની ફરિયાદ કરી છે. વધતી જતી રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે, લોકસભાની ચૂંટણીઓ હાથવેંતમાં હોય ત્યારે, સરકાર એની ફિસ્કલ પૉલિસીમાં ફેરફાર કરી અર્થતંત્રને બચાવવાનો કેવો પ્રયાસ કરે છે એ જોવું રસપ્રદ બની રહેશે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK