તમને કોઈ મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ અથવા તો અન્ય રોકાણ-પ્લાન પધરાવી દેતું નથીને?

આ સવાલનો જવાબ તમને જ ખબર હોઈ શકે અને આનો ઉપાય પણ તમે જ કરી શકો. આ માટે કઈ રીતે અને કોનાથી સાવચેત રહેવું એ સમજી લો

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા


આપણે ગયા વખતે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં તમારા રોકાણનો ઓવરડોઝ અથવા ઓવર-એક્સપોઝર થઈ ગયું હોય તો અન્ય રોકાણ વાળવા માટે શું કરવું જોઈએ એની ચર્ચા કરી હતી. આપણે સ્ટૉક સ્પેસિફિક સેલ્ફ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની વાત કરી હતી. નિયમિત ધોરણે આપણે ચોક્કસ શૅરો જમા કરવાની અને એના લાભ સમજવાની કોશિશ કરી હતી. આ વખતે આપણે મ્યુચ્યુઅલ ફન્ડ્સ જેવા માર્ગમાં અને પેન્શન-પ્લાન જેવામાં રોકાણ કરીને ફસાતા કેટલાક રોકાણકારોની વાત કરવી છે. રાધર લોકોને આ વિષયમાં જાગ્રત કરવા છે, સાવચેત કરવા છે.

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ એક સિનિયર સિટિઝન ઇન્વેસ્ટર મને મળવા આવ્યા. તેમનાં જ્યાં અકાઉન્ટ્સ છે એવી બે જુદી-જુદી બૅન્કના અધિકારીએ તેમને મ્યુચ્યુઅલ ફન્ડની અમુક યોજનામાં રોકાણ કરાવી દીધું હતું, જ્યારે અમુક અધિકારીએ તેમને પેન્શન-પ્લાન પધરાવી દીધો હતો. હવે ત્રણેક વરસ બાદ આ વડીલ મૂંઝાયા એટલે તેમને થયું કે કોઈને પૂછું. જ્યારે તેમની વિગત જાણી તો ખબર પડી કે તેમની બૅન્કના અધિકારી-સ્ટાફે આ વડીલને બૅન્કને કમિશન મળે એવી સ્કીમ પધરાવી હતી અને બીજી બૅન્કના સ્ટાફે બૅન્કને સારું કમિશન મળતું રહે એ માટે તે ભાઈને પેન્શન-પ્લાન આપી દીધો હતો. થોડા વખત પહેલાં આવો જ એક કિસ્સો બીજા એક મધ્યમ વયના ભાઈનો આવ્યો હતો. તેમને તેમના એજન્ટે અયોગ્ય પેન્શન-પ્લાન અપાવી દીધો હતો. તો વળી એક સિનિયર સિટિઝન મહિલાને તેમના એજન્ટે મ્યુચ્યુઅલ ફન્ડના એકસરખા પ્લાન્સમાં રોકાણ કરાવી દીધું હતું, માત્ર નામમાં જ ફરક હતો. આવાં જ એક વરિષ્ઠ મહિલાને તેમના એજન્ટે કૉર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ અપાવી દીધી હતી, જેમાં તેમને વ્યાજ મળવાનું સાવ જ બંધ થઈ ગયું હતું અને પછી તો મૂળ રકમ પણ મળે એવી શક્યતા ન રહી, કારણ કે કંપની જ ફડચામાં (લિક્વિડેશન) ગઈ.

વર મરો, કન્યા મરો

આ તો અમુક કિસ્સાઓની ઝલક છે. બાકી આવા વાસ્તવિક કિસ્સા તો અનેક છે યા હશે. આને ફાઇનૅન્શિયલ જગતની ભાષામાં મિસ-સેલિંગ કહે છે, જેનું મહત્તમ કામકાજ બૅન્કોના સ્ટાફ દ્વારા થાય છે. પેન્શન-પ્લાન, ઇન્શ્યૉરન્સ પૉલિસી અને મ્યુચ્યુઅલ ફન્ડ્સના અમુક પ્લાન (જે પ્લાન ખરાબ કે ખોટા નથી, પરંતુ એ વ્યક્તિ માટે યોગ્ય નથી હોતા) પધરાવી દેવામાં આવ્યાં હોય છે. કારણ એક જ હોય છે, બૅન્કને મળતું કમિશન. બૅન્કો એના સ્ટાફને આ માટે ચોક્કસ પ્રોત્સાહન આપે છે. તેમનું લક્ષ્ય એક જ હોય છે : વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો! આમ કરવામાં તેમને જેટલી સફળતા મળે એટલી બૅન્કની આવક વધે અને આ સ્ટાફને મળે કમિશન યા પ્રમોશન.

જો આમ હોય તો તમારે કરવું શું? આવો સવાલ થાય એ સહજ છે. વાસ્તવમાં એ સમજી લો કે બૅન્કના સ્ટાફ પાસેથી આવી પ્રોડક્ટ્સ લેવાનું કે એમાં રોકાણ કરવાનું ટાળવું, કેમ કે આ સ્ટાફને તમારા રોકાણમાંથી તેમની બૅન્કને મળનારા કમિશન સિવાય કોઈ રસ હોતો નથી. અમે એમ કહેવા નથી માગતા કે બધી જ બૅન્કના સ્ટાફ આવા હોય છે, પરંતુ મહદંશે તેમનું લક્ષ્ય એ હોય છે કે બૅન્કની અન્ય આવક વધારવી, જેનાથી તેમનું પણ ભલું થાય અને બૅન્કનું પણ હિત સચવાય. આ લોકોને તમારી ખરી જરૂર શું છે એની ચિંતા હોતી નથી.

રોકાણ એ આયોજનની બાબત


તમારી રકમનું કઈ ઉંમરે ક્યાં કેટલું રોકાણ કરવું એ આયોજનની બાબત છે, જેમાં બૅન્કના સ્ટાફને બહુ રસ હોતો નથી એટલે તેઓ તમને તમારા લક્ષ્ય વિનાનાં સાધનોમાં રોકાણ કરાવી દે છે અને એ પણ એવી રીતે કે તમે એમાંથી જલદી બહાર પણ ન આવી શકો. પરિણામે તેમનું કમિશનનું મીટર લાંબું ચાલતું રહે છે. જો તમે એ રોકાણના નબળા વળતર વિશે ફરિયાદ લઈને જાઓ તો એ સ્ટાફ તમારું રોકાણ એમાંથી ટ્રાન્સફર કરાવીને બીજા એવા સાધનમાં કરાવે છે જેમાં વળી તેમને જ સારું કમિશન મળવાનું હોય. કેટલાક ચાલાક સ્ટાફ તો સિનિયર સિટિઝન્સ સાથે મીઠી-મીઠી વાતો કરીને તેમનો વિશ્વાસ જીતી લે છે અને તેમની પાસે ઘણાં પેપર્સ પર સહી કરાવી લે છે જેથી પોતે એ સિનિયર સિટિઝન્સની રકમનું પોતાના લાભમાં રોકાણ કરાવતા રહી શકે.

સિનિયર સિટિઝન્સ સાવચેત રહે

આ મામલે વરિષ્ઠ નાગરિકોએ સાવધ થઈ જવાની આવશ્યકતા છે. સામાન્ય રીતે બૅન્કોમાં પોતાના કામકાજ માટે આવનજાવન કરતા સિનિયર સિટિઝન્સ હોય કે અન્ય હાઈ નેટવર્થ વ્યક્તિ હોય, બૅન્કના માર્કેટિંગ વિભાગનો કર્મચારી તેમના પર નજર રાખે છે. આવી વરિષ્ઠ અને વજનદાર વ્યક્તિના બૅન્ક-બૅલૅન્સની, તેમના ખાતામાં આવતા-જતા પૈસાની તેમને જાણ હોય છે એટલે તક જોઈને તેઓ આવા બચતકારોને નવી સ્કીમ આવી છે, તમારા માટે સારી છે વગેરે જેવું મીઠું માર્કેટિંગ કરીને તેમને સમજાવવા લાગે છે અને પછી શીશામાં ઉતારી લે છે. સામાન્ય રીતે બૅન્કનો સ્ટાફ હોવાથી અને નિયમિત પરિચય હોવાથી આવા બચતકારોને તેમના પર વિશ્વાસ બેસતાં વાર લાગતી નથી. એટલે બૅન્કનો સ્ટાફ હોય કે અન્ય એજન્ટ, રોકાણ કરતી વખતે તમારી પોતાની જરૂરિયાતને પહેલાં સમજો, વિશ્વાસ કરતાં પહેલાં ક્રૉસ ચેક કરો, તમારી મેળે સ્કીમ યા પ્લાન વિશે જાણવા-સમજવાનો પ્રયાસ કરો. આમ ન થઈ શકે તો વિશ્વાસપાત્ર એક્સપર્ટની સલાહ લો. આ તમારી મહેનતની મૂડી છે, તમારી નિવૃત્તિ સમયે કામ આવનારી મૂડી છે. એ મૂડી ટલ્લે ચડી જાય નહીં એ જોવાની વધુ જવાબદારી તમારી પોતાની ગણાય. કોઈ વધુ આકર્ષણ બતાવે અને વધુ વળતરના દાવા કરે તો સમજ્યા વિના ખેંચાઈ ન જાઓ. આ વિશે વધુ વાતો ફરી ક્યારેક કરીશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK