તેલ-તેલીબિયાં માર્કેટમાં સાર્વત્રિક મંદી : ઇમ્પોર્ટ ડ્યુટી વધારવા માટે સરકાર પર વધતું દબાણ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ બાબતે સમાધાન નહીં થાય તો આગળ જતાં વધુ મંદી થઈ શકે છે : ભારત ખાદ્ય તેલનું સોથી મોટું ઇમ્પોર્ટર હોવાથી ડ્યુટી વધારવાનો નિર્ણય વર્લ્ડ માર્કેટમાં મંદીનું કારણ બને છે

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

ભારત સહિત સમગ્ર વર્લ્ડની તેલ-તેલીબિયાં માર્કેટમાં મંદીનો સકંજો વધી રહ્યો છે. વીતેલા સપ્તાહ દરમ્યાન વર્લ્ડ માર્કેટ અને ભારતીય માર્કેટમાં વાયદા-સ્પૉટ માર્કેટમાં ઝડપી કડાકો જોવા મળ્યો હતો. અમેરિકામાં સોયબીનના ઊભા પાક પર સાનુકૂળ હવામાન, મલેશિયા-ઇન્ડોનેશિયાની પામતેલની ઘટતી એક્સપોર્ટ, ઇન્ડોનેશિયામાં પામતેલનો વધતો સ્ટૉક અને અમેરિકા-ચીન વચ્ચે તોળાઈ રહેલી ટ્રેડ-વોર વગેરે કારણો ખાદ્ય તેલોની મંદી માટે કારણભૂત છે. ભારત સરકાર દ્વારા ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઑગસ્ટથી અત્યાર સુધીમાં ચાર વખત કરવામાં આવેલો વધારો અને હજી પણ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવા ચાલી રહેલી તજવીજ, જે વર્લ્ડ માર્કેટમાં તેલ-તેલીબિયાં માર્કેટમાં છવાયેલી મંદીનું અન્ય કારણો ઉપરાંતનું સૌથી મોટું કારણ બન્યું છે.

તેલ-તેલીબિયાં માર્કેટના હાલના ફન્ડામેન્ટલ્સ તરફ નજર નાખીએ તો દૂર-દૂર સુધી ખાદ્ય તેલોમાં તેજી થવાની કોઈ શક્યતા નથી દેખાતી, ઊલટું આવનારા દિવસોમાં ખાદ્ય તેલોની માર્કેટમાં વધુ મંદી થઈ શકે છે.

સપ્તાહનાં લેખાંજોખાં


વીતેલા સપ્તાહ દરમ્યાન તેલ-તેલીબિયાં માર્કેટમાં ઝડપી મંદી જોવા મળી હતી. ભારત કરતાં વર્લ્ડ માર્કેટના બેન્ચમાર્ક વધુ ઘટ્યા હતા. વીતેલા સપ્તાહ દરમ્યાન શિકાગો સોયબીન વાયદો ૪.૩ ટકા, સોયખોળ વાયદો ૪.૫ ટકા અને સોયતેલ વાયદો ૧.૭ ટકા ઘટ્યો હતો. મલેશિયન પામતેલ વાયદો છેલ્લા ચાર દિવસમાં ૪૦ રિંગિટ ઘટીને ૨૪૦૦ રિંગિટની અંદર ચાલ્યો ગયો હતો. સ્થાનિક માર્કેટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન સોયબીન વાયદા ૧.૮૨ ટકા, સોયતેલ વાયદા ૧.૫૫ ટકા અને ક્રૂડ પામતેલ વાયદા ૧.૦૭ ટકા ઘટ્યા હતા. ભારતમાં ઇમ્પોર્ટ થતા ક્રૂડ પામતેલના ભાવમાં પ્રતિ ટન ૧૦ ડૉલર, સોયડીગમના ભાવમાં પ્રતિ ટન બાવીસ ડૉલર અને ક્રૂડ સનફ્લાવર ઑઇલમાં ૧૫ ડૉલરનો ઘટાડો નોંધાયો હતો. હાઇસીઝમાં ક્રૂડ પામતેલના ભાવમાં પ્રતિ ૧૦ કિલો ૬ રૂપિયા અને હાઇસીઝ સોયતેલના ભાવમાં પ્રતિ ૧૦ કિલોએ ૩ રૂપિયા ઘટ્યા હતા. મુંબઈમાં સિંગતેલનો ભાવ પ્રતિ ૧૦ કિલો ૮૨૫ રૂપિયાથી ઘટીને ૮૧૦ રૂપિયા થયો હતો. ઇન્દોરમાં સોયતેલ રીફાઇન્ડનો ભાવ પ્રતિ ૧૦ કિલો ૭૪૫-૭૪૭ રૂપિયાથી ઘટીને ૭૩૮-૭૪૦ રૂપિયા અને કાચા સોયતેલનો ભાવ પ્રતિ ૧૦ કિલો ૭૧૪-૭૧૮ રૂપિયાથી ઘટીને ૭૦૫-૭૧૦ રૂપિયા ઘટ્યો હતો. પામોલીનનો ભાવ પ્રતિ ૧૦ કિલો ૭૧૫ રૂપિયાથી ઘટીને ૭૧૦ રૂપિયા થયો હતો. રાયડાતેલમાં અન્ય ખાદ્ય તેલોથી વિપરીત સુધારો જોવા મળ્યો હતો. જયપુરમાં કચ્ચીઘાણીનો ભાવ પ્રતિ ૧૦ કિલોએ ૨૦ રૂપિયા સુધર્યો હતો જ્યારે રાયડા વાયદો વીતેલા સપ્તાહ દરમ્યાન ૦.૮૦ ટકા સુધર્યો હતો. રૉટરડૅમ ખાતે રાયડાતેલનો ભાવ પ્રતિ ટન ૮૩૩ ડૉલર થયો હતો જે એક મહિના અગાઉ ૭૯૪ ડૉલર હતો.

બમ્પર સોયપાકની સ્થિતિ


વર્લ્ડમાં સોયબીનનું સૌથી વધુ ઉત્પાદન કરતા અમેરિકામાં અત્યારે સોયબીનનું વાવતેર પુરજોશમાં ચાલુ છે. વીતેલા સપ્તાહના અંતે અમેરિકામાં ૮૭ ટકા સોયબીનનું વાવેતર સંપન્ïન થઈ ચૂક્યું છે જે ગયા વર્ષે આ સમયે ૮૧ ટકા અને છેલ્લાં પાંચ વર્ષની આ સમયગાળાની ઍવરેજ ૭૫ ટકા છે. સોયબીનના ઊભા પાકની સ્થિતિ ૭૫ ટકા ઉત્તમ છે જે ગયા વર્ષે આ સમયે ૬૫ ટકા જ હતી. સોયબીનના ઊભા પાકની સાનુકૂળ સ્થિતિ જોતાં અમેરિકામાં સોયબીનના ઉત્પાદનનો નવી સીઝનનો અંદાજ ૧૨૧૦ લાખ ટનનો મુકાય છે જે ચાલુ વર્ષે ૧૧૯૫ લાખ ટન થયું હતું. વર્લ્ડમાં સોયબીનનું ઉત્પાદન કરતા બીજા ક્રમના મોટા દેશ બ્રાઝિલમાં સોયબીનનું ઉત્પાદન ૧૧૭૦થી ૧૧૯૦ લાખ ટન થયાનો અંદાજ વિવિધ એજન્સીઓ મૂકી રહી છે જે ગયા વર્ષે ૧૧૪૧ લાખ ટન થયું હતું. વર્લ્ડના સૌથી મોટા બે દેશમાં સોયબીનનું જંગી ઉત્પાદન થતાં વર્લ્ડમાં સોયબીનનું ઉત્પાદન ૩૫૮૦ લાખ ટન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જે ગયા વર્ષે ૩૩૮૪ લાખ ટન જ થયું હતું. ચાલુ વર્ષે સોયબીનનું જંગી ઉત્પાદન થયા બાદ નવી સીઝનમાં પણ સોયબીનનું બમ્પર ઉત્પાદન થવાના સંજોગોથી તેલ-તેલીબિયાં માર્કેટમાં મંદી વધુ ઘેરી બની રહી છે.

બ્રાઝિલમાં સોયબીનની કાપણી પૂરી થઈ ચૂકી હોવાથી સોયબીનની જંગી સપ્લાય વર્લ્ડ માર્કેટમાં ઠલવાઈ રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ બાબતે વિવાદ ચાલી રહ્યો હોવાથી અમેરિકન સોયબીનની ડિમાન્ડ અત્યારે સુસ્ત છે અને ચીને અમેરિકાને બદલે બ્રાઝિલ, પારાગ્વે, ઉરુગ્વે અને અન્ય દેશોમાંથી સોયબીનની ઇમ્પોર્ટ વધારી હોવાથી શિકાગો સોયબીન, સોયખોળ અને સોયતેલ વાયદા એકધારા તૂટી રહ્યા છે. આર્જેન્ટિનામાં સોયબીનના ઉત્પાદનનો અંદાજ ગયા વર્ષ કરતાં ૨૦૦ લાખ ટન ઓછો મુકાઈ રહ્યો છે, પણ એની સામે અમેરિકા અને બ્રાઝિલનું સોયબીનનું ઉત્પાદન જંગી માત્રામાં વધવાની ધારણાથી સોયબીનની ઉપલબ્ધિમાં કોઈ શૉર્ટેજ દેખાતી નથી.

પામતેલનો વધતો સ્ટૉક

વર્લ્ડના સૌથી મોટા પામતેલના ઉત્પાદક ઇન્ડોનેશિયામાં પામતેલનો સ્ટૉક છેલ્લા ચાર મહિનાથી સતત વધી રહ્યો છે એની સામે એક્સપોર્ટ ઘટી રહી છે અને ઉત્પાદન વધી રહ્યું છે. જાન્યુઆરીને અંતે ઇન્ડોનેશિયાનો પામતેલ સ્ટૉક ૩૬.૨૩ લાખ ટન હતો જે એપ્રિલને અંતે વધીને ૩૯.૫૦ લાખ ટન નોંધાયો હતો. છેલ્લા ચાર મહિનામાં ઇન્ડોનેશિયાના પામતેલના સ્ટૉકમાં ૩.૨૭ લાખ ટનનો વધારો થયો હતો. વળી ઇન્ડોનેશિયાનું પામતેલનું ઉત્પાદન પણ છેલ્લા ચાર મહિનાથી સતત વધી રહ્યું છે. જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયાનું પામતેલનું ઉત્પાદન ૩૪.૧૧ લાખ ટન હતું જે એપ્રિલમાં વધીને ૩૭.૧૮ લાખ ટન થયું હતું. ઇન્ડોનેશિયાની પામતેલ એક્સપોર્ટ છેલ્લા ત્રણ મહિનાથી એકધારી ઘટી રહી છે. જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયાની પામતેલ એક્સપોર્ટ ૨૮.૩૬ લાખ ટન હતી જે ઘટીને એપ્રિલમાં ૨૩.૯૪ લાખ ટન નોંધાઈ હતી. ફેબ્રુઆરીમાં ઇન્ડોનેશિયાની પામતેલ એક્સપોર્ટ ૧૩.૨૯ ટકા અને માર્ચમાં ૧૯.૨૭ ટકા ઘટી હતી. ખાસ કરીને ભારત સરકારે પામતેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધારતાં ઇન્ડોનેશિયન પામતેલની એક્સપોર્ટને બહુ જ મોટી અસર પડી છે. ઇન્ડોનેશિયાના પામતેલના ઉત્પાદન, સ્ટૉક અને એક્સપોર્ટના ડેટા નબળા આવતાં એની અસરે મલેશિયન પામતેલ વાયદો છેલ્લાં બે સપ્તાહથી એકધારો ઘટી રહ્યો છે. વળી મલેશિયામાં પામતેલનો સ્ટૉક છેલ્લા પાંચ મહિનાથી ઘટી રહ્યો છે, પણ મલેશિયન પામતેલની એક્સપોર્ટ સતત ઘટી રહી છે. મલેશિયન પામતેલની એક્સપોર્ટ મે મહિનામાં ૯.૨થી ૧૨ ટકા ઘટવાનો અંદાજ રૉયટર્સ, બ્લૂમબર્ગ અને મલેશિયન બૅન્કે મૂક્યો છે. મલેશિયન પામતેલ બેન્ચમાર્ક થ્રી મન્થ વાયદો ૨૪ મેએ ૨૪૮૭ રિંગિટ હતો જે ૮ જૂને ઘટીને ૨૩૭૮ રિંગિટ થયો હતો.

ઇમ્પોર્ટ ડ્યુટીમાં તોળાતો વધારો

ભારત સરકારે અઢી મહિના અગાઉ માત્ર પામતેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી હતી. અત્યારે ક્રૂડ પામતેલની ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટી ૪૮.૪૦ ટકા અને રીફાઇન્ડ પામતેલની ઇમ્પોર્ટ ડયુટી ૫૯.૪૦ ટકા છે. પામતેલની ઊંચી ઇમ્પોર્ટ ડ્યુટીની સરખામણીમાં કાચું સોયતેલ (સોયડીગમ)ની ઇમ્પોર્ટ ડ્યુટી ૩૩ ટકા, ક્રૂડ સનફ્લાવર-કનોલા ઑઇલની ઇમ્પોર્ટ ડ્યુટી ૨૭.૫૦ ટકા અને કપાસિયાતેલની ૩૩ ટકા છે. ખાદ્ય તેલોનાં વિવિધ અસોસિએશન દ્વારા વારંવાર પામતેલ સિવાયના ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની રજૂઆત થઈ રહી છે. ગત સપ્તાહમાં કૃષિસચિવે ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી ટૂંકમાં વધારવાનો નિર્ણય લેવાય એવી શક્યતા બતાવી હતી. વર્લ્ડ માર્કેટમાં ભારત સૌથી મોટું ખાદ્ય તેલોનું ઇમ્પોર્ટર હોવાથી અહીં ડ્યુટી વધે તો પામતેલ અને સોયતેલ એક્સપોર્ટ કરનારા દેશોની એક્સપોર્ટ ઘટે એ અસરે વર્લ્ડ માર્કેટમાં ખાદ્ય તેલોના ભાવ ઘટશે. ભારતના દૃષ્ટિકોણથી વિચારીએ તો આપણા દેશની ખાદ્ય તેલોની કુલ જરૂરિયાતનું ૭૦ ટકા ખાદ્ય તેલ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા હોવાથી વર્લ્ડ માર્કેટમાં જો તેલ-તેલીબિયાંના ભાવ ઘટે તો એની અસરે અહીં પણ ભાવ ઘટશે. કોઈ પણ સંજોગોમાં ભારતીય તૈલીબિયાં ઉગાડતા ખેડૂતો કે ખાદ્ય તેલોના પ્રોસેસર્સોને શૉર્ટ ટર્મ કોઇ ફાયદો થવાની શક્યતા નથી, પણ ઇમ્પોર્ટ ડ્યુટી વધતાં લૉન્ગ ટર્મ ભારતની ડિપેન્ડન્સી ઘટે અને અહીં તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને સારા ભાવ મળી શકે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વિશેના વિવાદમાં જો કોઈ સમાધાન નહીં થાય તો અમેરિકાની સોયબીનની એક્સપોર્ટ ઘટશે અને એની સીધી અસર શિકાગો સોયબીન વાયદા પર થશે. શિકાગો સોયબીન વાયદો અત્યારે વર્લ્ડ માર્કેટનો બેન્ચમાર્ક હોવાથી એમાં મંદી થતાં સમગ્ર વર્લ્ડની માકેર્ટમાં મંદી વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK