રૂપિયાની કિંમત ટકાવી રાખવા રિઝર્વ બૅન્ક પાસે કેટલા વિકલ્પ?

વ્યાજના દર વધારવાનો વ્યૂહ બૅન્ક અપનાવે એવી શક્યતાઓ વધી છે

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

રૂપિયાનો ચળકાટ દિનપ્રતિદિન ઓછો થતો જાય છે. ૨૦૧૮ની શરૂઆતથી ૧૨ ટકાના અવમૂલ્યન સાથે દિવસે-દિવસે મજબૂત થતા જતા ડૉલર સામે ગયે અઠવાડિયે રૂપિયો ૭૨ની સપાટી કુદાવી ગયો છે એ એક નવો વિક્રમ છે. નિષ્ણાતોના મતે આવનાર દિવસોમાં રૂપિયો ડૉલર સામે હજી વધુ નબળો થતો રહેશે.

રૂપિયાના આવા અભૂતપૂર્વ અવમૂલ્યનની અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રો પરની અવળી અસર ટાળવા માટે આવતા મહિને જાહેર કરાનાર મૉનિટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારશે એ હવે નિશ્ચિત માનવામાં આવે છે. એ વધારો ૫૦ બેસિસ પૉઇન્ટનો હોવાની સંભાવના પ્રબળ બનતી જાય છે અને એ પણ જૂન અને ઑગસ્ટ મહિનાની છેલ્લી બે પૉલિસીમાં દરેક વખતે ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યા પછી. એ વધારો મૉનિટરી પૉલિસી સમિતિના બધા સભ્યોની બહુમતીથી જ નહીં, સર્વાનુમતીએ પણ હોઈ શકે. સામાન્ય રીતે રિઝર્વ બૅન્ક એક વખત વ્યાજના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટ સુધીની વધ-ઘટ મર્યાદિત રાખે છે.

એપ્રિલ-જૂન ૨૦૧૮ના ક્વૉર્ટરના આર્થિક વિકાસનો ૮.૨ ટકાનો દર અગાઉના ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ ૨૦૧૮)ના ૭.૭ ટકા કરતાં અને એપ્રિલ-જૂન ૨૦૧૭ના ૫.૬ ટકા કરતાં ઘણો ઊંચો છે. આમ આર્થિક વિકાસનો દર ૮ ટકાને ઓળંગી ગયો છે એટલું જ નહીં, ૮.૨ ટકાનો આ વધારો છેલ્લા નવ ક્વૉર્ટરનો સૌથી મોટો વધારો છે. જ્યારે ભાવવધારાનો દર રિઝર્વ બૅન્કના લક્ષ્યાંક ચાર ટકાથી ઘણો ઊંચો છે. વર્તમાન ભાવવધારા કરતાં (ક્રૂડ ઑઇલના સતત વધી રહેલા ભાવોને લીધે) નજીકના ભવિષ્યના અપેક્ષિત ભાવવધારા પર બૅન્ક એની મૉનિટરી પૉલિસીની જાહેરાત વખતે (એટલે કે વ્યાજના દર નક્કી કરવામાં) વધુ વજન આપે છે એવો છેલ્લાં બે વરસનો આપણો અનુભવ છે. એટલે પણ રિઝર્વ બૅન્ક માટે આર્થિક વિકાસને વધારવા કરતાં ભાવવધારાને ઘટાડવાની ચિંતા મોટી હોવાની. રૂપિયાની ઘટતી જતી કિંમત પછી આ બીજું વગદાર કારણ છે જે રિઝર્વ બૅન્કને વ્યાજના દર વધારવાની ફરજ પાડી શકે.

રૂપિયાના ડૉલર સામેના ઘટાડાની તેજ રફ્તારથી ગયે અઠવાડિયે ૧૦ વરસના બેન્ચમાર્ક બૉન્ડ પરનાં યીલ્ડ (ઊપજ) ૮ ટકાથી વધીને છેલ્લાં ચાર વરસની ટોચે પહોંચ્યાં છે એમાં પણ નજીકના ભવિષ્યમાં વ્યાજના દર વધવાનો સંકેત છે. સહીસલામત અસ્ક્યામતો ભણી ખેંચાઈ રહેલા વિદેશી મૂડીરોકાણે જકાર્તાથી જોહનિસબર્ગ સુધીની ઊભરતી બજારોમાં ખળભળાટ મચાવ્યો છે. રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કર્યાના સમાચાર છે. છેલ્લાં સાત-આઠ સત્ર (દિવસો)માં રૂપિયાના થઈ રહેલા સતત અવમૂલ્યનથી બજારમાં ગભરાટ ફેલાતાં ડૉલરની ડિમાન્ડમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહેલા ફ્રૂડ ઑઇલના ભાવોએ પણ આયાત માટે જરૂરી ડૉલરની ડિમાન્ડમાં ઉમેરો કર્યો છે. ઘટતા જતા રૂપિયાએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું વળતર ઘટાડ્યું છે. છેલ્લા થોડા મહિનાઓથી સતત ખરીદી કરી રહેલા દેશી સંસ્થાકીય રોકાણકારો નવી ખરીદી કરવાના મિજાજમાં નથી. બૉન્ડ પરની ઊપજમાં થઈ રહેલો વધારો મૂડીની ભારિત (વેઇટેડ) સરેરાશ કિંમત વધારે છે, જેથી ભારતીય કંપનીઓ માટે દેશમાં કે વિદેશમાં નવી લોનો દ્વારા રૂપિયા ઊભા કરવાનું મુશ્કેલ બનાવે છે. મજબૂત બનતો ડૉલર ઊભરતા દેશોની પરિસ્થિતિ વધુ વણસાવે તો એનો ચેપ રૂપિયાને લાગ્યા વિના નહીં રહે.

રૂપિયાની સતત ઘટતી કિંમતને લીધે અમેરિકન ફન્ડની કિંમત (કે જે અમેરિકન સ્ટૉકમાર્કેટ પર આધારિત હોય છે) સતત વધતી રહી છે. બીજી તરફ જે પ્રોડક્ટ ભારતના સ્ટૉકમાર્કેટમાં રોકાણ કરે છે એની કિંમત રૂપિયાના ઘસારાને કારણે ઓછી વધે છે. અમેરિકન ફન્ડોએ ૨૦૧૮ની શરૂઆતથી આપેલા ૨૩ ટકા વળતર સામે એ જ સમયગાળામાં મલ્ટી-કૅપ ફન્ડો પરનું વળતર દોઢ ટકાથી પણ ઓછું છે. બેન્ચમાર્ક નિફ્ટીના ૧૦ ટકાના વધારા સામે નૅસ્ડૅક-૧૦૦માં ૧૯ ટકાનો વધારો થયો છે.

રૂપિયાનું દક્ષિણાયન ચાલુ રહેવાની સંભાવનાઓ વચ્ચે હવે ધ્યાન રિઝર્વ બૅન્ક તરફ કેન્દ્રિત થવાનું. અત્યાર સુધી રિઝર્વ બૅન્કે બજારના હસ્તક્ષેપ દ્વારા રૂપિયાને પડતો અટકાવવાના પ્રયાસ કર્યા છે.  રિઝર્વ બૅન્કે રૂપિયાને ટકાવી રાખવા માટે આ વરસે અત્યાર સુધી વિદેશી હૂંડિયામણમાંથી ૨૫ બિલ્યન ડૉલર બજારમાં ઠાલવ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં બૅન્કનો આ હસ્તક્ષેપ ઓછો થયો છે અને એટલે રૂપિયાની નીચે પડવાની પ્રક્રિયા ઝડપી બની છે.

નૉમુરાના એક સંશોધન અહેવાલ પ્રમાણે ૨૫ બિલ્યન ડૉલર બજારમાં વેચ્યા પછી આજે પણ વિદેશી હૂંડિયામણમાંથી બીજા ૨૦-૩૦ બિલ્યન ડૉલર બજારમાં વેચીને રૂપિયાને ટકાવી રાખવાની રિઝર્વ બૅન્કની ક્ષમતા છે. જોકે હાલમાં પ્રવર્તતી અનેક અનિશ્ચિતતાઓ વચ્ચે રૂપિયાને ટકાવી રાખવા માટે એની પાસેના ૪૦૦ બિલ્યન ડૉલરના વિદેશી હૂંડિયામણમાંથી અમુક હિસ્સો વેચવાનું બૅન્ક ઉચિત ન પણ ગણે.

આમ બજારમાં હસ્તક્ષેપ કરીને રૂપિયાને ટકાવી રાખવો ન હોય તો કદમાં નાના થતા જતા રૂપિયાની ભાવવધારા પરની અસર અટકાવવા માટેના વિકલ્પ તરીકે પણ રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારે તો નવાઈ નહીં. ઊભરતા અને વિકસતા દેશોનાં ચલણ વધતા જતા ડૉલરના પ્રભાવથી સતત દબાણ હેઠળ છે. એટલે નજીકની મુદતમાં તો રૂપિયો હજી તૂટવાનાં એંધાણ વર્તાય છે.

નાણાપ્રધાન અને સરકાર રૂપિયાના સતત થઈ રહેલા ધોવાણ માટે વૈશ્વિક પરિબળોને જવાબદાર ઠેરવે છે. અમુક અંશે એ વાત સત્ય હોય તો પણ એની ભાવવધારા પરની કે આર્થિક વિકાસ પરની આડઅસર તો જે થવાની છે એ જ થવાની. રૂપિયાનું અવમૂલ્યન એટલે અવમૂલ્યન. એને માટે જવાબદાર પક્ષ બદલાય કે જવાબદાર પરિબળો, એટલા માત્રથી ભાવવધારા પરની અવળી અસર ઓછી ન થાય. એટલે સરકારે આજે નહીં તો કાલે એ જવાબદારી સ્વીકારવી જ પડશે.

ક્રૂડના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો વધે એટલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો વધે જે આજે બની રહ્યું છે. એ સંજોગોમાં કરવેરાના ઘટાડા દ્વારા આ ભાવો ઘટાડવાની માગણી પણ પ્રજા દ્વારા કરવામાં આવી રહી છે. આ ભાવો જેમ વધતા જશે એમ એ માગણી પ્રબળ બનવાની. વિધાનસભાઓની ચૂંટણીના વરસમાં અને માથે ઊભેલી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં આવી માગણી ઠુકરાવવાનું સરકાર માટે સહેલું નહીં હોય.

એક તરફ કરવેરા ઘટાડવાની માગણી વાજબી એટલે ગણાય કે સરકાર ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઑઇલના ઘટતા ભાવોનો ફાયદો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડીને પ્રજાને આપવાને બદલે વખતોવખત નવેમ્બર-૨૦૧૪થી જાન્યુઆરી-૨૦૧૬ સુધીમાં કરવેરા (એક્સાઇઝ અને વૅટ) વધારીને કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારોએ એમાંથી ભરપૂર કમાણી કરી છે અને એ દ્વારા ફિસ્કલ ડેફિસિટ અંકુશમાં હોવાનો આભાસ ઊભો કર્યો છે. હવે આ કરવેરા ઘટાડાય તો સરકાર ફિસ્કલ ડેફિસિટ પરનો અંકુશ ગુમાવી શકે.

સરકાર પાસેની પસંદગી ‘ડેવિલ અને ડીપ સી’ વચ્ચેની છે. ન તો કરવેરા નહીં ઘટાડીને ચૂંટણીઓના વરસે પ્રજાનો રોષ વહોરવાનું પોસાય કે ન તો કરવેરા ઘટાડીને ફિસ્કલ ડેફિસિટ પરની બ્રેક ઢીલી કરવાનું પોસાય. બન્નેમાંથી કોઈ પણ વિકલ્પ અપનાવવાનું પરિણામ તો એક જ આવવાનુંને? દેખીતી રીતે ભાવવધારો અટકાવવા માટે સરકારે હવે રિઝર્વ બૅન્ક સાથે મને-કમને પણ વ્યાજના દર વધારવાની વાત સાથે સહમત થવું પડશે.

કરવેરા ઘટાડ્યા પછી પણ સરકારને ફિસ્કલ ડેફિસિટ મર્યાદિત કરવી હોય તો એક વિકલ્પ છે મૂડીખાતા (કૅપિટલ)નો ખર્ચ ઘટાડવાનું. જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ તો ખાનગી ક્ષેત્ર માટે ઉદ્દીપન (Catalyst)નું કામ કરે છે. એટલે એ ખર્ચ ઘટ્યો તો મૂડીરોકાણની સાઇકલ દોડતી કરવાનું લગભગ અશક્ય. છેલ્લાં કેટલાંક વરસોથી બૅન્કોની પરિસ્થિતિ કથળતાં આ સાઇકલ ધીમી પડી છે. જો એમાં સુધારો ન થાય તો આર્થિક વિકાસ થોડા સમય પછી ધીમો પડે.

ફિસ્કલ ડેફિસિટના લીવરનો કન્ટ્રોલ સરકાર પાસે છે, પણ કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD)ના લીવરનો નહીં. છેલ્લા ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે એપ્રિલ-જૂન ૨૦૧૮ની CAD GDPના ૨.૪ ટકાએ (જાન્યુઆરી-માર્ચમાં ૧.૯ ટકા) પહોંચી છે જે છેલ્લા ચાર ક્વૉર્ટરનો સૌથી ઊંચો આંક છે.

આપણી CAD વધવાનું એક કારણ આપણો આર્થિક વિકાસ વિદેશમાંથી રૂપિયા ઉધાર લઈને એટલે કે પરદેશથી લોન્સ લઈને ટકાવી રખાયો એ છે. આગળનાં વરસોમાં એ વધતું એના કરતાં વધારે પ્રમાણમાં આપણું વિદેશી દેવું વધ્યું છે એનું કારણ ઘટેલું કૉર્પોરેટ સેવિંગ અને બૅન્કોની ખરડાયેલી બૅલૅન્સશીટ છે. આ સંજોગોમાં સરકાર પાસે CAD ઘટાડવાનો એક વિકલ્પ આર્થિક વિકાસના દર પર બ્રેક લગાડવાનો છે.

રિઝર્વ બૅન્ક બજારમાં ડૉલર વેચ્યા સિવાય પણ રૂપિયાની કિંમત ટકાવી શકે અને એ દ્વારા CAD ઘટાડી શકે. ભૂતકાળની જેમ ઑઇલ કંપનીઓને એમની આયાત માટે જરૂરી ડૉલરની ખરીદી માટે એક અલગ બારી ખોલી શકે જેથી બજાર પર એનું દબાણ ન આવે. ટૂંકા ગાળા માટે વ્યાજના દર વધારીને રૂપિયા સામે ડૉલર ખરીદીને (અને રૂપિયો વધુ નીચો જાય ત્યારે વેચીને) સટ્ટો કરનાર પર બ્રેક પણ લગાવી શકે. જોઈએ અર્થતંત્રના આ નાજુક તબક્કે રિઝર્વ બૅન્ક અને સરકાર શું પગલાં લે છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK