રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરીથી રૂપિયાની મંદી પર બ્રેક

ટ્રેડવૉર અને ફ્રેજાઇલ ફાઇવ - ટર્કી, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, ભારત પર બજારની મીટ

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

રૂપિયામાં મંદી વેગીલી બનતાં એક તબક્કે રૂપિયો ૭૨ની સપાટી વટાવીને ૭૨.૧૦ થઈ ગયો હતો એ પછી રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી અને ખાસ કરીને ‘ફ્રેજાઇલ ફાઇવ’ દેશો ટર્કી, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા (જેમાં ભારત પણ સમાવિક્ટ છે)ની કરન્સીમાં મામૂલી સુધારો આવતાં રૂપિયાને પણ એનો ફાયદો મળ્યો હતો. ફ્રેજાઇલ ફાઇવ નામકરણ ૨૦૧૩માં મૉર્ગન સ્ટૅન્લી નામની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ બૅન્કે કરેલું છે. આ પાંચ દેશોને ફ્રેજાઇલ એટલે કે નાજુક કહેવા પાછળનો તર્ક એ છે કે આ પાંચેય દેશો કેટલીક સમાન ખાસિયતો ધરાવે છે. ઊંચી ચાલુ ખાતાની ખાધ અથવા ચાલુ તેમ જ વેપારખાધ એમ બેવડી ખાધ, વિદેશી મૂડી અથવા દેવા પર આધાર, ઊંચો ફુગાવો અને ઊંચા વ્યાજદરો, સમાજવાદી મૉડલ, પૉપ્યુલિસ્ટ સોસિયો ઇકૉનૉમિક મૉડલ. ટર્કીથી શરૂ થયેલી કટોકટીએ તરત જ બ્રાઝિલ અને સાઉથ આફ્રિકન કરન્સીને પણ લપેટમાં લીધી અને રૂપિયો પણ એની હડફેટે ચડી ગયો એનું મુખ્ય કારણ ઊંચી ખાધ, ફુગાવાકારી દબાણ અને પૉપ્યુલિસ્ટ મૉડલ પ્રભાવક પરિબળો ગણી શકાય. જ્યારે-જ્યારે આર્થિક કટોકટી આવે ત્યારે આ દેશોમાં કૅપિટલ આઉટફ્લો જલદી દેખાય છે અને એટલે કરન્સીની નરમાઈ વધુ વેગીલી હોય છે.

રૂપિયામાં સપ્તાહની આખરમાં થોડો સુધારો આવ્યો છે. રૂપિયો ૭૧.૭૮ બંધ રહ્યો છે. રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી ૭૧.૯૦-૭૨ આસપાસ હતી. જોકે આક્રમક દરમ્યાનગીરી નથી. રૂપિયો એક વર્ષમાં અંદાજે ૧૨ ટકા કમજોર થયો છે. એનાથી વિદેશી દેવાની વ્યાજચુકવણીમાં અંદાજે ૬૮,૦૦૦ કરોડનો માર પડશે. પેટ્રોલિયમ આયાતબિલમાં પણ ૪૫,૦૦૦ કરોડ જેટલો માર પડશે. સિવાય કે ક્રૂડ ૬-૭ ડૉલર જેટલું ઘટી જાય. રૂપિયામાં હાલપૂરતી મંદી અટકીને બજાર ટકી જાય તો કન્સોલિડેટ થાય. જોકે આ સુધારો નક્કર છે કે તકલાદી એ જાણવા હજી ત્રણ-ચાર સેશન રાહ જોવી પડે. હાલપૂરતી ટેક્નિકલ રેન્જ ૬૯.૧૫-૭૨.૩૭ ગણાય. જો ૭૨.૨૦ ઉપર બંધ આવે તો નરમાઈ ચાલુ રહે.

વિશ્વબજારની વાત કરીએ તો અમેરિકાના નૉન-ફાર્મ પેરોલ ડેટા સારા હતા. ૧૯ સપ્ટેમ્બરે ફેડ વ્યાજદર વધારે એવી સંભાવના વધી છે. યુરોપમાં પણ ઇટાલિયન બૉન્ડ યીલ્ડ ઘટ્યા હતા. ગભરાટ થોડો શમ્યો હતો.

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવૉર અને અમેરિકા અને કૅનેડા વચ્ચે વેપાર-ડીલ મામલે ખેંચતાણ, નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (NAFTA-નાફ્ટા)નું અધ્ધરતાલ ભાવિ અને યુરોપમાં જર્મની અને ફ્રાન્સ દ્વારા યુરોપને વધુ મજબૂત, વધુ સ્વતંત્ર બનાવવાનો હુંકાર જોતાં અમેરિકા-નાટો વચ્ચેના સંબંધોમાં પણ કંઈક રંધાતું લાગે છે. રશિયા, જર્મની અને ફ્રાન્સની ધરી અત્યારે ભલે અસંભવ લાગે, પણ આ સંભાવના સાવ નકારવા જેવી નથી. આવતા બે મહિના રસાકસીના છે.

અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધમાં ટ્રમ્પ હવે છેક સુધી લડવાના મૂડમાં હોય એવા હાકોટા પાડે છે. ચીન પર વધુ ૨૦૦ બિલ્યન ટૅરિફ નાખવાની વાત હજી લટકે છે ત્યાં તેમણે વધારાની ૨૬૭ અબજ ડૉલરની ટૅરિફ નાખવાની ધમકી આપી છે. જોકે આ ટૅરિફ-લિસ્ટ કોઈ ધ્યાનથી જુએ તો એમાં નૌંટકીનું તત્વ વધારે લાગે. જમીની વાસ્તવિકતા કંઈક જુદી જ છે. અમેરિકા સાથેની ચીનની વેપારપુરાંત ૩૧ અબજ ડૉલર વિક્રમી ઊંચી થઈ ગઈ છે એટલે કે ટ્રેડવૉરનો કોઈ પ્રભાવ દેખાતો નથી. કૅનેડાએ પણ અમેરિકા સાથેના વેપારમાં દાયકાની સર્વોચ્ચ વેપારપુરાંત બતાવી છે.

અમેરિકી ટેક્નૉલૉજી શૅરોમાં ફાટફાટ તેજી છે. ઍપલ પછી ઍમેઝૉન પણ હવે ટ્રિલ્યન ડૉલર કંપની - એક લાખ કરોડની કંપની બની ગઈ છે. ટેસ્લા જોકે એક પછી એક વિવાદમાં સપડાતાં ટેસ્લાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સામે કોઈક મલિન ઇરાદાવાળી ઝુંબેશ ચાલતી હોય એવી છાપ પડે છે. ઍરોસ્પેસ, ઑટો, એનર્જી‍, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, કેટકેટલાયે મહારથીઓ માટે મસ્ક આડખીલી જેવો પડકાર બની ગયા છે. પ્રમુખ ટ્રમ્પે ફેસબુક, ગૂગલ, ઍમેઝૉન જેવી મોટી કંપનીઓ મૉનોપૉલી બની ગઈ છે અને એનો બ્રેકઅપ થઈ શકે એવી ગર્ભિત ટિપ્પણી કરી છે. બજારોમાં અસમંજસ બરકરાર છે અને ૬ નવેમ્બરે મિડ ટર્મ ચૂંટણીનાં પરિણામો ન આવે ત્યાં સુધી આ ધુમ્મસ જળવાઈ રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK