રેવન્યુ ખર્ચ પરનો અંકુશ ટૂંકા ગાળાનો સૌથી વધુ જરૂરી સુધારો ગણાય : એ સિવાય ફિસ્કલ સ્ટિમ્યુલસ વિકાસને નહીં, ભાવવધારાને જ પોષે

રેવન્યુ ખર્ચ ઘટાડવાનું પૉલિટિકલ વિલ દર્શાવવાનો આ સમય દેશ અને સરકાર માટે આકરી કસોટીનો બની રહેવાનો એની કોણ ના પાડી શકશે?

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી


નાણાપ્રધાનની અનેક જાહેરાતોમાં આર્થિક સ્લોડાઉન પર ઘા કરી શકે એવાં અસરકારક પગલાં દેખાતાં નથી એટલે ચારે બાજુથી સરકાર પરનું દબાણ વધતું જાય છે ત્યારે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રની હાલત સુધરતી હોય ત્યારે પણ ભારતના આર્થિક સ્લોડાઉનની સ્થિતિ સુધરવાનું નામ ન લેતી હોય એટલે સરકારની ચિંતા વધી છે.

OECDના સપ્ટેમ્બર મહિનાના અહેવાલ પ્રમાણે વિશ્વનાં મુખ્ય અર્થતંત્રો યુરોપ, અમેરિકા, જપાન અને ચીન સુધારાતરફી છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (ADB)એ પણ એશિયાના મુખ્ય દેશોના વિકાસદરના લક્ષ્યાંક સુધાર્યા છે. વિશ્વવેપાર સંગઠન પણ છેલ્લા કેટલાક સમયથી વિશ્વવેપારની ગાડી પાટા પર ચડતી હોવાનું સૂચવે છે. ભારત આમાં અપવાદ કેમ? વિશ્વના મોટા ભાગના દેશોની આર્થિક હાલત સુધરતી જતી હોય એનો ફાયદો આપણે કેમ ઉઠાવી શકતા નથી?

એક તરફ OECD, ADB અને વિશ્વવેપાર સંગઠન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના આવા અહેવાલો અને બીજી તરફ વિરોધ પક્ષોનો વધતોજતો વિરોધ તથા BJPના જ ભૂતપૂર્વ નાણાપ્રધાનો (આ વિરોધમાં યશવંત સિંહા સાથે હવે અરુણ શૌરી પણ જોડાયા છે)ના આકરા પ્રહારોએ સરકારની મૂંઝવણ વધારી છે.

ગમે તે કારણે સરકાર આ ગંભીર સ્થિતિનો ઉકેલ કેમ લાવવો એની અવઢવમાં છે એટલે જ આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં પહેલી વાર આ વિષય પર પોતાના પ્રત્યાઘાત આપ્યા છે જેમાં કોઈ નક્કર પગલાંઓની જાહેરાત નહીં પણ સરકારનો બચાવ છે. આર્થિક વિકાસની ગાડી પાટા પર છે, બધાં આર્થિક પેરામીટર્સ મજબૂત છે અને સરકારની નીતિઓ પણ ક્ષતિરહિત છે. આગળ વધીને ભૂતકાળને ઉખેળતાં વડા પ્રધાને એમ પણ કહ્યું કે UPA સરકારના કાળમાં આર્થિક વિકાસનો ત્રિમાસિક દર ૫.૭ ટકાથી નીચો હોય એવા આઠ દાખલા છે. આવી સરખામણીઓથી તો જેટલા દૂર રહેવાય એટલું સારું. સ્લોડાઉન પર અટૅક કરે એવા પગલાની જાહેરાતને બદલે તેમણે ઉદ્યોગપતિઓ તથા નાના વેપારીઓને તેમના જૂના રેકૉર્ડ તપાસીને પરેશાન નહીં કરાય એવી ખાતરી આપી છે. જોકે વેપારીઓનો વાસ્તવિક અનુભવ કાંઈક જુદો જ હોય છે. ભારતમાં લાઇસન્સ-રાજ અને પરમિટ-રાજની હાલત સુધરી છે, પણ ઇન્સ્પેક્ટર-રાજ હજી અકબંધ છે. સરકારે છેલ્લાં ૩ વર્ષમાં ઘણું કામ કર્યું છે એની કોણ ના કહી શકે. પણ હવે સમયની ગંભીરતાના સંદર્ભમાં ભૂતકાળ સાથે સરખામણી નહીં પણ નજીકનું ભવિષ્ય કેમ સુધરે એવાં પગલાંઓની અપેક્ષા વડા પ્રધાન પાસેથી પ્રજાને હોય. વર્તમાન આર્થિક પરિસ્થિતિ સુધારવાના ટૂંકા ગાળાનાં પગલાં લેવાય તો સરકારે આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ એનો બચાવ કરવાની પણ જરૂર નહીં પડે.

ભારતની ચીન અને પાકિસ્તાનની સરહદે છમકલાં ચાલુ જ છે. વિશ્વમાંથી આતંકવાદ (ટેરરિઝમ) નેસ્તનાબૂદ કરવા માટે જે દેશે છેલ્લાં ત્રણ વર્ષમાં બહુરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ (ASEAN, UN, BRICS, G-8) પરથી જંગ છેડ્યો હોય એ દેશના વડા પ્રધાનને આતંકવાદી ગણાવવા સુધી જઈ શકે એ પાકિસ્તાન ચીનની મદદથી કોઈ પણ હદે જઈ શકે. એવી નાજૂક સ્થિતિમાં આંતરિક વિખવાદો ઊભા કરવાનો આ સમય નથી. અત્યારે તો પ્રજાનો જુસ્સો ટકાવી રાખવાનો સમય છે. દેશ સામે કોઈ પણ બાહ્ય ખતરો ઊભો થાય તો એને પહોંચી વળવા સરકારની સજ્જતા સાથે પ્રજાનો સ્પિરિટ પણ એટલો જ મહત્વનો છે. પ્રજાએ અને વિરોધ પક્ષોએ પણ સરકારના હાથ મજબૂત કરવા જોઈએ. લોકશાહીમાં સરકાર સામે સ્કોર સેટલ કરવા માટે મતપેટીઓ ક્યાં નથી?

વડા પ્રધાને એ વાતનો સ્વીકાર કર્યો છે કે ડીમૉનેટાઇઝેશન અને GST જેવા માળખાકીય સુધારાઓએ અમુક ક્ષેત્રોની હાલાકી વધારી છે, ખાસ કરીને MSME, નિકાસકારો અને અસંગઠિત ક્ષેત્રની. તેમણે એમ પણ કહ્યું કે પોતાનો વર્તમાન સુધારવા તેઓ દેશના ભવિષ્યને હોડમાં નહીં મૂકે. વિપક્ષોએ આ વાત સ્વીકારવી જોઈએ. તો સરકારે પણ સમય ગુમાવ્યા સિવાય કે આશ્વાસનો આપ્યા સિવાય અને UPA સરકાર સામે આંગળી ચીંધ્યા સિવાય નક્કર પગલાં લેવાની શરૂઆત કરવી જોઈએ. એમ ન થાય તો પ્રશ્ન એ ઊભો થાય કે સરકાર કે એના નાણાપ્રધાન આવાં પગલાં વિચારી શકતા નથી? કે વિચારી શકે છે પણ એનો અમલ કરી શકતા નથી?

આ બધી ચર્ચા વચ્ચે રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ ગયા અઠવાડિયે વ્યાજના દર યથાવત જાળવી રાખવાની જાહેરાત કરી છે. આર્થિક વિકાસના દરના ઘટાડા છતાં અને દેશભરમાં એ માટે વિરોધનો વંટોળ હોવા છતાં રિઝર્વ બૅન્કે વ્યાજના દર ઘટાડવાનું મુલતવી રાખ્યું છે, કારણ? રિઝર્વ બૅન્ક ફુગાવાના દર વધવાની સંભાવનાથી ચિંતિત છે. ચાલુ વર્ષે અને આવતા નાણાકીય વર્ષે એ દર રિઝર્વ બૅન્કના ૪ ટકાના લક્ષ્યાંકને વટાવી શકે એટલે વ્યાજના દર ઘટાડવાનું રિઝર્વ બૅન્કે ભવિષ્યની પૉલિસી પર છોડ્યું છે અને આર્થિક સ્લોડાઉનના પ્રશ્નને હલ કરવાનું નાણામંત્રાલય અને સરકાર પર છોડ્યું છે. બૅન્કે સરકારને એવી ચેતવણી પણ આપી છે કે ફિસ્કલ ડેફિસિટ (ફિસ્કલ ડિસિપ્લિન)ના લક્ષ્યાંકમાં જો વધારે પડતી છૂટ લેવામાં આવશે તો અર્થતંત્ર પર એની સારી અસરને બદલે અવળી અસર પણ થઈ શકે. ફુગાવો વધી શકે અને વિકાસનો દર ધીમો પડી શકે.

આ વિધાન રિઝર્વ બૅન્કના અર્થશાસ્ત્રીઓના એક અભ્યાસના આધારે કરવામાં આવ્યું છે. આ અભ્યાસ મુજબ ફિસ્કલ સ્ટિમ્યુલસ (ફિસ્કલ ડેફિસિટ) વધારી દેવા માત્રથી વિકાસને વેગ ન મળે. ફિસ્કલ ડેફિસિટનો એક ટકાનો વધારો ફુગાવામાં કાયમી ધોરણે અડધા ટકાનો વધારો કરી શકે. આ અભ્યાસમાં પાયા તરીકે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની મળીને હાલની ૫.૯ ટકાની ફિસ્કલ ડેફિસિટને ગણતરીમાં લેવામાં આવી છે. આ અભ્યાસનું બીજું અગત્યનું તારણ એ છે કે ઊંચી ફિસ્કલ ડેફિસિટની ભાવવધારા પર કેટલી અસર થશે એનો આધાર ફિસ્કલ ડેફિસિટની હાલની શું સ્થિતિ છે એના પર છે. શરૂઆતની ફિસ્કલ ડેફિસિટ ઊંચી એમ એના દ્વારા થતો ભાવવધારો પણ વધુ હોવાનો.

ફિસ્કલ સ્ટિમ્યુલસ દ્વારા (જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ વધારીને) આર્થિક વિકાસમાં વેગ લાવી શકાય કે આર્થિક સ્લોડાઉનની સમસ્યા ઉકેલી શકાય એવી વષોર્જૂની માન્યતા પર આ અભ્યાસે જે પ્રશ્ન ઊભો કર્યો છે એને કારણે ફિસ્કલ સ્ટિમ્યુલસ વિશે સરકારે ફેરિવચારણા કરવી પડશે. નાણામંત્રાલયના અર્થશાસ્ત્રીઓ પણ આ લાઇન પર વિચારતા હોઈ શકે અને એટલે જ ફિસ્કલ સ્ટિમ્યુલસનાં પગલાં જાહેર કરવામાં વિલંબ થતો હોય એમ બની શકે. ફિસ્કલ ડેફિસિટ ઓછી હોય ત્યારે જ ફિસ્કલ સ્ટિમ્યુલસ અસરકારક બની શકે. રિઝર્વ બૅન્કે SLR (સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો) ૨૦ ટકામાંથી ઘટાડીને ૧૯.૫ ટકા કર્યો છે. SLR એટલે કમર્શિયલ બૅન્કો દ્વારા સરકારી જામીનપત્રોમાં કરાતું રોકાણ. હાલમાં બૅન્કધિરાણની માગ માટેના અભાવે SLR ૨૩થી ૨૪ ટકા જેટલો છે એટલે આ ઘટાડો માત્ર પેપર પર જ રહેવાનો. બૅન્કો તેમનું SLRનું રોકાણ ઘટાડીને એ ફન્ડ નાખે ક્યાં?

સાથે-સાથે જ રિઝર્વ બૅન્કે ૨૦૧૭-’૧૮ના આર્થિક વિકાસનો લક્ષ્યાંક ૭.૩ ટકામાંથી ઘટાડીને ૬.૭ ટકા કર્યો છે. ભારત વિશ્વના મુખ્ય દેશોમાં સૌથી ઝડપી આર્થિક વિકાસનું બિરુદ હાંસલ કરનારો દેશ છે એમ કહેનાર પૉલિસીના ઘડવૈયાઓ માટે રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી ચેતવણીરૂપ છે. નિકાસક્ષેત્રને બળ આપે કે મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી મજબૂત કરવાનાં જે પગલાં લેવાયાં એ છેલ્લાં બે વર્ષમાં મજબૂત બનેલાં આર્થિક પરિબળો (ફુગાવાનો નીચો દર અને અંકુશમાં રહેલી ફિસ્કલ ડેફિસિટ) સામે મોટું જોખમ ઊભું ન કરે એ પણ જોવું રહ્યું.

આમ પણ ખેડૂતોની દેવામાફી (ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાન)ને કારણે દેશની ફિસ્કલ ડેફિસિટમાં અડધા ટકા જેટલો વધારો થવાની સંભાવના છે જે ફુગાવા માટેનું મોટું જોખમી પરિબળ છે. રિઝર્વ બૅન્કના રિપોર્ટ પ્રમાણે તો ૨૦૧૮-’૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૪.૬ ટકાનો સંભવિત ભાવવધારો ત્રીજા ત્રિમાસિક ગાળામાં વધીને ૪.૯ ટકા જેટલો થવાની ધારણા છે. આ ગણતરીએ માર્ચ ૨૦૧૯ સુધી પૉલિસી રેટ ઘટવાની કોઈ શક્યતા જણાતી નથી.

જોકે આ જ રિપોર્ટ પ્રમાણે GST થકી ધંધા-રોજગાર માટે ઘણી અગવડો ઊભી થઈ છે એની ના નહીં, પણ GSTને કારણે ભાવવધારાની સંભાવના નહીંવત ગણાય. એનું કારણ એ છે કે CPI બાસ્કેટની ૫૦ ટકાથી વધુ ચીજવસ્તુઓ પર GSTનો દર શૂન્ય છે. અર્થાત GSTના વેરામાંથી એ મુક્ત છે.

સરકાર હવે કબૂલ કરે છે કે ડીમૉનેટાઇઝેશન અને GSTને કારણે બિઝનેસમાં, સપ્લાય ચેઇનમાં અને ઉપભોક્તાના વપરાશખર્ચમાં અવરોધો ઊભા થયા છે, પણ એનાથી લાંબા ગાળે અર્થતંત્રને ફાયદો થશે અને એટલે જ GST કાઉન્સિલની છેલ્લી મીટિંગમાં અનેક ચીજવસ્તુઓ પર GST ૧૨ ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે તથા GSTનાં રિટર્ન્સ માટેની વિધિઓ પણ સરળ બનાવી છે. આમ કરીને સરકારે વેપારી વર્ગ તથા પ્રજાના અસંતોષને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે.

રિઝર્વ બૅન્કના અભ્યાસ પછી ફિસ્કલ સ્ટિમ્યુલસ વધારવાનો મોટો પડકાર સરકાર સામે છે. ફિસ્કલ સ્ટિમ્યુલસ માટે અવકાશ છે, પણ એ રેવન્યુ ખાતાનો બિનઉત્પાદક ખર્ચ ઘટાડે તો જ.

પેટ્રોલ-ડીઝલ પરની ડ્યુટી વધારાઈ ન હોત તો રેવન્યુ અને ફિસ્કલ ડેફિસિટના આંકડા ધ્રુજાવી દે એવા હોત. રેવન્યુ ડેફિસિટ અંકુશમાં રખાશે તો જ ફિસ્કલ સ્ટિમ્યુલસ માટેનો અવકાશ રહેશે અને એની ભાવવધારા પરની અસર પણ આપોઆપ હળવી બનશે. રેવન્યુ ખર્ચ ઘટાડવાનું (જે બહુ મુશ્કેલ હોય છે) પૉલિટિકલ વિલ દર્શાવવાનો આ સમય દેશ અને સરકાર માટે આકરી કસોટીનો બની રહેવાનો એની કોણ ના પાડી શકશે?

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

ડેફિસિટના આંકડા વધુ આંચકો આપે એવા હોત

એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૭માં સરકારની ફિસ્કલ ડેફિસિટ લક્ષ્યાંકના ૯૬ ટકા જેટલી છે જે ગયા વર્ષે ૭૬ ટકા હતી. રેવન્યુ ડેફિસિટ આ ગાળામાં લક્ષ્યાંક કુદાવીને ૧૩૪ ટકા જેટલી થઈ છે (ગયા વર્ષે એ ૯૨ ટકા હતી). ફિસ્કલ અને રેવન્યુ ડેફિસિટ બન્ને વધી જવાથી હકીકતમાં સરકારે ઑગસ્ટમાં કૅપિટલ ખર્ચમાં ૨૮ ટકાનો ઘટાડો કર્યો છે અને રેવન્યુ ખાતાનો ખર્ચ માત્ર બે ટકા જેટલો જ વધ્યો છે. આમ ન થયું હોત તો એપ્રિલ-ઑગસ્ટના ડેફિસિટના આંકડા વધુ આંચકો આપે એવા હોત.

ફિસ્કલ ડેફિસિટ કરતાં પણ વધુ ચિંતાનો વિષય રેવન્યુ ડેફિસિટ છે. રેવન્યુ ડેફિસિટનો અર્થ કૅપિટલ ખાતે મૂડી ઊભી કરી એનો ઉપયોગ રેવન્યુ ખાતાના ચાલુ (બિનવિકાસ) ખર્ચ માટે કરવો. સરકાર ચારે બાજુથી ભીંસમાં છે. એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૭નો કૅપિટલ ખર્ચ લક્ષ્યાંકના ૩૫.૫ ટકા (ગયા વર્ષે ૩૭ ટકા હતા) જ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK