ઍગ્રી માર્કેટમાં સરકારની દખલગીરીથી ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોને હંમેશાં નુકસાન થયું છે

કૉટન કૉર્પોરેશનની કપાસની ખરીદીથી દેશની જિનિંગ મિલો અને ટેક્સટાઇલ ઉદ્યોગ ખોટના ખાડામાં ઊતરી ગયાં છે : તેલીબિયાંની માર્કેટમાં ભૂતકાળમાં સરકારે કરેલી ભૂલોથી આજે દેશે જરૂરિયાતનું ૭૦ ટકા ખાદ્ય તેલ આયાત કરવું પડે છે

agri

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

BJP હોય કે કૉન્ગ્રેસ - દરેક રાજકીય પક્ષોએ ખેડૂતોની વોટબૅન્કને મજબૂત કરવા અપનાવેલાં ટૂંકાં અને સ્વાર્થી પગલાંઓથી દેશના અર્થતંત્ર તથા તમામ વર્ગને નુકસાન થયું છે. દેશમાં કૃષિ પેદાશની ઉત્પાદકતા વધારવાને બદલે ખેડૂતોની વોટબૅન્ક દ્વારા સત્તા હાંસલ કરવાના ધ્યેયને કારણે આજે ભારત એગ્રિકલ્ચર ગ્રોથમાં સતત પછડાટ ખાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારે ખેડૂતોનો નફો બમણો કરવાથી માંડીને દેશના એગ્રિકલ્ચર ગ્રોથ માટે મોટી-મોટી વાતો થઈ હતી, પણ સત્તા સંભાળ્યાનાં ત્રણ વર્ષ પછી દેશનો કૃષિગ્રોથ વધવાને બદલે સતત ગગડી રહ્યો છે. દેશના ખેડૂતોનું આત્મહત્યા કરવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. દેશનો ખેડૂત ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ વળવા લાગ્યો છે. ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ હજી પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. દાળ-કઠોળનું ઉત્પાદન વધારવા માટે લીધેલાં અણઘડ પગલાં બૂમરૅન્ગ સાબિત થયાં છે. દરેક એગ્રિકલ્ચર માર્કેટમાં સરકારની દખલગીરી વધતાં સ્થિતિ સુધરવાને બદલે વધારે ને વધારે બગડી રહી છે. દેશના ખેડૂતોમાં સરકાર પ્રત્યેનો રોષ દિવસે-દિવસે વધી રહ્યો છે. ખેડૂતો દ્વારા અનામત, લોનમાફી અને વીજબિલમાં માફી વગેરે અવાસ્તવિક માગણીઓ એકધારી વધી રહી છે અને દેશના દરેક રાજ્યના ખેડૂતો હાલમાં સરકારથી નારાજ છે. ઓવરઑલ દેશનો એગ્રિકલ્ચર વિકાસ હાલમાં ખાડે જઈ રહ્યો છે.

દાળ-કઠોળમાં નર્યું નુકસાન

નરેન્દ્ર મોદી સરકારે જ્યારથી સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી દાળ-કઠોળની માર્કેટમાં દખલગીરી શરૂ થઈ છે. સરકારનાં દરેક પગલાં બૂમરૅન્ગ સાબિત થયાં છે. દેશના અર્થતંત્રથી માંડીને ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો તમામ વર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે. મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારે દાળ-કઠોળના ભાવ વાજબી સ્તરે હતા જે ૨૦૧૫ સુધી વાજબી સ્તરે જ રહ્યા હતા, પણ ૨૦૧૫ની જન્માક્ટમી, ગણેશચતુર્થી, દિવાળીના દિવસોમાં દાળ-કઠોળના ભાવ વધે નહીં એ માટે સરકારે સ્ટૉક નિયંત્રણો, વેપારી પર દમન જેવાં અવિચારી અને બિનજરૂરી પગલાં લીધાં હતાં. આગલા વર્ષે ખેડૂતોને ભાવ મળ્યા નહોતા એથી ૨૦૧૫ની સીઝનમાં કઠોળનું વાવેતર ઓછું થયું હતું એમાં વળી સરકારનાં દમનકારી પગલાં આવવાથી માર્કેટમાંથી સ્ટૉક નીકળી ગયો અને ઉત્પાદન ઓછું થયું હોવાથી ૨૦૧૫ની દિવાળી પછી દાળ-કઠોળની માર્કેટમાં એકાએક મોટી અછત દેખાવા લાગી હતી. ૨૦૧૫ના અંતથી જ દેશમાં દાળ-કઠોળના ભાવ આસમાને પહોંચવા લાગ્યા હતા. ૨૦૧૫ના આખા વર્ષ દરમ્યાન દાળ-કઠોળના ભાવ સતત વધતા રહીને માત્ર એક જ વર્ષના ગાળામાં ત્રણ ગણા થયા હતા. ૨૦૧૬માં ગ્રાહકોને ૨૦૦ રૂપિયે કિલો તુવેરદાળ ખાવાનો વારો આવ્યો હતો. ૨૦૧૬માં દાળ-કઠોળના ભાવ વધતાં સરકારે આફ્રિકન દેશો અને બર્માથી જંગી માત્રામાં કઠોળની ઇમ્પોર્ટ કરી હતી અને અહીં ખેડૂતોને વધુ કઠોળનું વાવેતર કરવા પ્રોત્સાહન આપ્યું હતું જેને કારણે  ૨૦૧૬ના અંતથી દેશમાં દાળ-કઠોળની સપ્લાયમાં એકાએક મોટો વધારો થયો હતો જેના પરિણામે ખેડૂતોએ ઉગાડેલાં કઠોળ માર્કેટમાં પાણીના ભાવે વેચાવા લાગ્યાં હતાં. સરકારે નક્કી કરેલી ઊંચી પ્લ્ભ્ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) કરતાં દાળ-કઠોળના ભાવ ઘણા નીચા હતા. તુવેરની પ્લ્ભ્ સરકારે ૫૦૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી હતી, પણ માર્કેટમાં ખેડૂતોની તુવેર ૩૭૦૦થી ૪૦૦૦ રૂપિયામાં વેચાઈ હતી. કઠોળ ઉગાડતા ખેડૂતો ખોટના ખાડામાં ઊતરી ગયા હતા. ૨૦૧૬માં કઠોળ ઉગાડતા ખેડૂતોને વાજબી ભાવ ન મળતાં ચાલુ વર્ષે ખેડૂતોએ તુવેર, અડદ, મગ સહિત તમામ કઠોળના વાવેતરમાં મોટો કાપ મૂક્યો છે જેને પરિણામે આવતા વર્ષે ગ્રાહકોને દાળ-કઠોળના ઊંચા ભાવ ચૂકવવા પડશે. હાલમાં સરકારી ગોદામો અને ખેડૂતોના ઘરમાં પણ જૂનો સ્ટૉક પડ્યો છે. કઠોળને લાંબા સમય સુધી સંગ્રહી શકાતું ન હોવાથી આ તમામ જથ્થો બગડી જવાનો ભય પણ ઝળૂંબી રહ્યો છે. આમ નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વર્ષના શાસનનાં લેખાંજોખાં કરીએ તો ૨૦૧૪ અગાઉ ભારતની દાળ-કઠોળની જરૂરિયાતનું ૨૦થી ૨૫ ટકા ઇમ્પોર્ટ થતું હતું જે ૨૦૧૭-’૧૮ની સીઝનમાં પણ થશે. આમ કઠોળના સેક્ટરમાં હતા ત્યાં ને ત્યાં જ પહોંચી ગયા છીએ.

કપાસ-રૂ ઉદ્યોગ મૃતપ્રાય થયો 

દેશમાં કપાસ-રૂનું ઉત્પાદન સતત વધી રહ્યું હોવાથી ભારત વિશ્વમાં કપાસ-રૂના ઉત્પાદન ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચી ગયો છે, પણ કાચા કપાસની નિકાસમાં ભારત કરતાં અમેરિકા આગળ છે અને ટેક્સટાઇલની નિકાસમાં ભારત કરતાં પાકિસ્તાન, બંગલા દેશ અને વિયેટનામ આગળ છે. કપાસ અને ટેક્સટાઇલની નિકાસમાં ભારતને સતત પછડાટ મળી રહી છે એનું એકમાત્ર કારણ સરકારની ખોટી દખલગીરી જ છે. ૨૦૧૫માં દેશમાં કપાસ-રૂનું જંગી ઉત્પાદન થતાં ખેડૂતોને ઓછા ભાવ ન મળે અને ખેડૂતોની વોટબૅન્ક નારાજ ન થાય એ માટે CCI (કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) દ્વારા જંગી માત્રામાં કપાસની ખરીદી કરાવી હતી. દેશમાં ચાર કરોડ ગાંસડી આસપાસ રૂનું ઉત્પાદન થયું હતું જેમાંથી ૯૦ લાખ ગાંસડી CCIએ ખરીદી હતી. CCIની ખરીદીને કારણે જિનિંગ મિલોને ખોટ ખાઈને બજારમાં ઊંચા ભાવનો કપાસ ખરીદવો પડ્યો હતો. જિનિંગ મિલોની ખોટ ૨૦૧૫થી સતત વધી રહી છે જે ખોટ હજી સુધી સરભર થઈ નથી. આજે પણ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોની જિનિંગ મિલો બૅન્કોના દેવા હેઠળ દબાયેલી છે. દેશમાં કપાસ-રૂનું સૌથી વધુ ઉત્પાદન કરતા ગુજરાતની ૨૦થી ૨૫ ટકા જિનિંગ મિલો ખોટને કારણે મરણપથારીએ પહોંચી છે. આ જિનિંગ મિલો ૨૦૧૭-’૧૮ની સીઝનમાં ચાલુ થાય એવી સ્થિતિમાં નથી. આવી જ સ્થિતિ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગની છે. ટેક્સટાઇલ ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ગંભીર મની-ક્રાઇસિસનો સામનો કરી રહ્યું છે. વોટબૅન્ક હાંસલ કરવા ખેડૂતોને ખોટી રીતે ખુશ કરવાની નીતિથી દેશના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાયો છે જેનો લાભ બંગલા દેશ અને પાકિસ્તાને ઉઠાવ્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે બંગલા દેશ જેવો ટચૂકડો દેશ જ્યાં કપાસનું ઉત્પાદન થતું જ નથી છતાં આજે બંગલા દેશ વિશ્વનો સૌથી મોટો કપાસનો ઇમ્પોર્ટર છે અને જંગી ટેક્સટાઇલની નિકાસ કરીને અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મેળવે છે. ભારત કપાસ-રૂના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં મોખરે છે, પણ ટેક્સટાઇલની નિકાસમાં બંગલા દેશ, પાકિસ્તાન, વિયેટનામ કરતાં પાછળ છે.

ખાદ્ય તેલોની ઇમ્પોર્ટમાં સતત વધારો


ભારત ૧૯૯૩-’૯૪માં ખાદ્ય તેલોના વપરાશમાં સ્વાવલંબી હતું. ૧૯૯૩-’૯૪માં ભારતમાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ઝીરો હતી જે ૨૦૧૬-’૧૭ની સીઝનમાં ૧૫૦ લાખ ટને પહોંચી છે. દેશની તિજોરીમાંથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ માટે વપરાયા છે. સૌથી નવાઈની વાત એ છે કે દેશના તેલીબિયાં ઉગાડતા ખેડૂતો એના વાજબી ભાવ માટે દર વર્ષે આંદોલન કરે છે ત્યારે સરકાર પાસે દેશના ખેડૂતોને સબસિડી આપવા માટે નાણાં નથી એવું બહાનું ધરવામાં આવે છે, પણ ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ માટે જંગી નાણાં ખર્ચવા માટે નાણાંની તંગી નડતી નથી. દેશની ખાદ્ય તેલોમાં વપરાશ દર વર્ષે ચારથી પાંચ ટકા વધે છે જેને કારણે તેલીબિયાંની માગણી પણ સતત વધી રહી છે, પણ એનો લાભ ભારતના ખેડૂતોને મળતો નથી. ભારતની ખાદ્ય તેલોની માગણી વધે એમ મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને આર્જેન્ટિનાના ખેડૂતોની સમૃદ્ધિ વધી રહી છે, કારણ કે જેમ અહીં ખાદ્ય તેલોની માગણી વધે એની સાથોસાથ ઇમ્પોર્ટ પણ વધી રહી છે જેનો લાભ સ્વાભાવિકપણે જે દેશોમાંથી આપણે ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ કરીએ છીએ એના ખેડૂતોને જ મળવાનો છે. ભૂતકાળમાં સરકારે ખેડૂતોની વોટબૅન્ક હાંસલ કરવા અવાસ્તવિક ભાવથી તેલીબિયાં ખરીદીને પહેલાં ઇન્ડસ્ટ્રીઝને પતાવી દીધી જેને કારણે ઇન્ડસ્ટ્રીઝ ખેડૂતોએ ઉગાડેલાં તેલીબિયાં ખરીદતી બંધ થઈ. આથી વાજબી ભાવ મળતા બંધ થયા એટલે ખેડૂતોએ પણ તેલીબિયાં ઉગાડવાનું બંધ કરી દીધું જેનું પરિણામ એ આવ્યું કે આપણે દર વર્ષે ખાદ્ય તેલોની આયાત સતત વધારી રહ્યા છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK