ખેડૂતોની બમણી આવકના લક્ષ્યમાં કેટલું રાજકારણ, કેટલી વાસ્તવિકતા?

જે સરકાર ચાર વર્ષના શાસનમાં ખેડૂતોને MSP જેટલા ભાવ આપી શકતી ન હોય એ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી આપશે ખરી? : ૨૦૧૯ની ચૂંટણીમાં હારનો સામનો ન કરવો પડે એ માટે ખેડૂતોની બમણી આવકનો મુદ્દો જીવંત રાખવા માટે દેશના ખેડૂતોને મૂર્ખ બનાવવાનો નવો પેંતરો છે?


કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

નરેન્દ્ર મોદીની સરકારને બે સપ્તાહ બાદ ચાર વર્ષ પૂરાં થશે. નરેન્દ્ર મોદીનો જ્યારથી ભારતના રાષ્ટ્રીય રાજકારણમાં ઉદય થયો છે ત્યારથી ખેડૂતલક્ષી મુદ્દાઓ હંમેશાં કેન્દ્રમાં રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ખેડૂતોને પ્રોડક્શન-કૉસ્ટ પર ૫૦ ટકા નફો આપવાની ખાતરી, દરેક પ્રાદેશિક ભાષામાં કિસાન-ચૅનલ ચાલુ કરવાની, ૬૦ વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવી અને આવા અનેક આકાશના તારા તોડી લાવવા જેવાં વચનો BJPના ચૂંટણીઢંઢેરામાં આપવામાં આવ્યાં હતાં. BJPના ચૂંટણીઢંઢેરામાં આ તમામ વાયદા પાંચ વર્ષમાં પૂરાં કરવાનાં વચન આપવામાં આવ્યાં હતાં. ખેડૂતોની પ્રોડક્શન-કૉસ્ટ પર ૫૦ ટકા નફો આપવાનું વચન પાંચ વર્ષમાં પૂરું કરવાનું વચન આપવામાં આવ્યું હતું જે હવે ૨૦૧૯ને બદલે ૨૦૨૨ થયું છે અને ૫૦ ટકા નફો આપવાનું વચન સિફતથી બમણી આવકમાં પરિવર્તિત થયું છે.

ખેડૂતોને શું મળ્યું?

દેશના ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારે ચાર વર્ષમાં શું આપ્યું એનાં લેખાંજોખાં કરીએ તો દૂર-દૂર સુધી કોઈ એવું કામ દેખાતું નથી જેથી ખેડૂતો નરેન્દ્ર મોદી સરકારથી ખુશ થાય. હાલના સમયમાં દરેક એગ્રિકલ્ચર પ્રોડક્ટના ભાવ તળિયે પહોંચ્યા છે. તુવેર, મગ, ચણા, અડદ, રાયડો, મગફળી જેવી એગ્રિકલ્ચર પ્રોડક્ટના ભાવ અત્યારે નરેન્દ્ર મોદી સરકારે નક્કી કરેલી MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી નીચા ચાલી રહ્યા છે. ખેડૂતોએ દિવસરાત કાળી મજૂરી કરીને ઉત્પાદિત કરેલી એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ ખુલ્લા બજારમાં પાણીના ભાવે વેચાઈ રહી છે, છતાં સરકાર પાસે ખેડૂતોને તેમની ઊપજના MSP જેટલા ભાવ અપાવી શકે એવી પૉલિસી નથી. એગ્રિકલ્ચર પ્રોડક્ટના ભાવ MSPથી નીચે છે ત્યારે સરકાર નાફેડ (NAFED - નૅશનલ એગ્રિકલ્ચર કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા) અને અન્ય સહકારી એજન્સીઓ મારફત MSPથી એગ્રિકલ્ચર પ્રોડક્ટની ખરીદી કરાવી રહી છે. આ રીતે ખરીદાતી એગ્રિકલ્ચર પ્રોડક્ટ સરકારી ગોડાઉનમાં સડી રહી છે. નાફેડ અને અન્ય સહકારી એજન્સીઓ દ્વારા જંગી માત્રામાં ખરીદી થઈ રહી છે, પણ ખેડૂતોને એનો કેટલો લાભ મળે છે? એનું આંકલન કોઈ પાસે નથી. વર્ષોથી સરકાર દ્વારા MSPથી ખરીદાતી કૃષિ પેદાશોથી ખેડૂતોને આજ સુધી કોઈ લાભ મળ્યો નથી, કારણ કે આખી પૉલિસીમાં એટલાંબધાં છીંડાં છે કે આ પૉલિસીમાં વચેટિયા વેપારીઓ, રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ જ ઘી-કેળાં જમી જાય છે, ખેડૂતોને કોઈ લાભ મળતો નથી. હાલમાં નાફેડ અને અન્ય એજન્સીઓ દ્વારા ખરીદાતી ચીજોની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પણ આ રીતે ખરીદાતી કૃષિપેદાશોની પૉલિસીમાં છાશવારે ભ્રક્ટાચાર પકડાય છે છતાં સરકાર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયાં નથી. મધ્ય પ્રદેશ સરકારે ભ્રક્ટાચારને રોકવા અને ખેડૂતોને સીધો લાભ મળે એ માટે ભાવાંતર સ્કીમ બહાર પાડી છે જેમાં ખેડૂતોને થોડો લાભ મળી રહ્યો છે, પણ આ સ્કીમ માત્ર મધ્ય પ્રદેશ પૂરતી જ સીમિત રહી છે. દેશના એગ્રિકલ્ચર સેક્ટરમાં સૌથી મોટી સમસ્યા એ છે કે હજી પણ દર વર્ષે દેશના ૧૨,૦૦૦થી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. હજી ત્રણ દિવસ અગાઉ જ સુપ્રીમ ર્કોટને સરકારે માહિતી આપી છે કે ૨૦૧૩થી દર વર્ષે દેશમાં ૧૨,૦૦૦ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૮ના આરંભના ચાર મહિનામાં ૬૯૬ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વ્યાજમાફી, વીજમાફી અને સસ્તું ધિરાણ જેવી યોજનાની જાહેરાતો દરેક નાની-મોટી ચૂંટણી અગાઉ બૂમબરાડા પાડીને કરવામાં આવે છે, પણ વાસ્તવમાં ખેડૂતોના હાથમાં કંઈ આવતું જ નથી.

રાજકીય પેંતરો

દેશના ખેડૂતોની સ્થિતિ હાલમાં દયનીય છે. જાન્યુઆરીમાં દેશના એક લાખ ખેડૂતોએ દિલ્હીમાં નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતવિરોધી પૉલિસી સામે જંગી રૅલી યોજી હતી. આ રૅલીમાં દેશનાં તમામ રાજ્યોના ખેડૂતનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં એક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭-’૧૮માં દેશના ખેડૂતોને ૨.૬૦ લાખ કરોડ રૂપિયાની નુકસાની ગઈ છે. નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૪ની ચૂંટણી અગાઉ ઢંઢેરામાં ખેડૂતોને તેમની પ્રોડક્શન-કૉસ્ટ પર ૫૦ ટકા નફો આપવાનું વચન આપ્યું હતું. સરકારની એગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસ કમિશનના રિપોર્ટ પ્રમાણે ઘઉંની પ્રોડક્શન-કૉસ્ટ પ્રતિ ક્વિન્ટલ ૧૨૫૬ રૂપિયા છે એના પર ૫૦ ટકા નફો ગણતાં ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં ક્વિન્ટલદીઠ ૧૮૮૪ રૂપિયા મળવા જોઈએ, પણ સરકારે ચાલુ વર્ષે ઘઉંની MSP ૧૭૩૫ રૂપિયા ગણી છે જે અનુસાર ઘઉંના ખેડૂતોને ક્વિન્ટલદીઠ ૧૪૯ રૂપિયા ઓછા મળી રહ્યા છે. આ રીતે ઘઉંના ખેડૂતોને ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની નુકસાની ગઈ છે. આવી જ સ્થિતિ દરેક એગ્રિકલ્ચર પ્રોડક્ટની હોવાથી દેશના ખેડૂતો હાલમાં નરેન્દ્ર મોદી સરકારથી નારાજ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોએ BJPને જાકારો આપી દીધો હતો, માત્ર શહેરી મતોથી ગુજરાતમાં BJP ચૂંટણી જીતી હતી.

હાલની રાજકીય સ્થિતિ પણ અતિપ્રવાહી છે. ગુજરાતની ચૂંટણીમાં BJPએ ૧૫૦ સીટો મેળવવાનો દાવો કર્યો હતો એની સામે માત્ર ૯૯ સીટો જ મળી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઓપિનિયન પોલ પ્રમાણે BJPને પૂર્ણ બહુમતી મળે એવી શક્યતા બહુ ઓછી છે. ૬ મહિનાની અંદર મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. એક વર્ષમાં લોકસભાની ચૂંટણી આવવાની હોવાથી હાલમાં BJPને ફરીથી સત્તા હાંસલ કરવા અનેક નવા પેંતરા રચવા પડશે. આથી ખેડૂતોની બમણી આવકનો મુદ્દો છેલ્લા ૬ મહિનાથી દરેક પ્લૅટફૉર્મ પર બૂમબરાડા પાડીને ચગાવવામાં આવી રહ્યો છે. દેશના ખેડૂતોને રાજી રાખવા માટે BJP પાસે માત્ર આ એક જ મુદ્દો છે. ૨૦૧૪ના ચૂંટણીઢંઢેરામાં ખેડૂતોને અપાયેલાં મોટા ભાગનાં વચનો પૂરાં થયાં નથી. ૬૦ વર્ષની ઉપરના ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓનું અપાયેલું વચન ભુલાઈ ગયું છે. દરેક રાજ્યમાં ખેડૂતો માટે પ્રાદેશિક કિસાન-ચૅનલની વાત પણ ભુલાઈ ગઈ છે. રાષ્ટ્રીય કિસાન-ચૅનલની શરૂઆત ગાઈવગાડીને કરવામાં આવી હતી, પણ હાલમાં રાષ્ટ્રીય કિસાન ચૅનલના અસ્તિત્વ વિશે ભાગ્યે જ કોઈ ખેડૂતને ખબર હશે.

ભારતની વસ્તીમાં હજી પણ ૬૦ ટકાથી વધુ ખેડૂતો વસે છે એથી દરેક ચૂંટણીમાં ખેડૂતોના મત નિર્ણાયક બને છે. શહેરી વર્ગમાં મતદાન કરવાનું મહત્વ ધીમે-ધીમે ઓછું થતું જાય છે. નોકરિયાત અને અત્યંત વ્યસ્ત પ્રોફેશનલ ચૂંટણીના દિવસે રજાનો લાભ લઈને શહેર છોડીને ફરવા ચાલ્યો જાય છે. વળી નરેન્દ્ર મોદીના ચાર વર્ષના શાસનમાં સ્માર્ટસિટી, સ્કિલ ડેવલપમેન્ટ, બુલેટ ટ્રેન, ઉડાન યોજના જેવી અનેક સ્કીમો આવી ચૂકી હોવાથી શહેરી વર્ગ નરેન્દ્ર મોદીના શાસનથી મોટા ભાગે ખુશ છે. આ સંજોગોમાં જો ગ્રામ્ય વર્ગ, ખાસ કરીને ખેડૂત જો ગ્થ્ભ્તરફી મતદાન કરે તો જ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સરકાર ફરી વખત ચૂંટાઈ શકે એમ હોવાથી ખેડૂતોની બમણી આવકના બેસૂરા બનેલા વાજિંત્રમાં સૂર પૂરવાના ભરપૂર પ્રયાસ હાલમાં થઈ રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK