જાહેર ક્ષેત્રની બૅન્કોનાં કૌભાંડોએ સરકાર પરનું દબાણ વધાર્યું

ડીમૉનેટાઇઝેશન અને GSTના અમલ જેવા ઐતિહાસિક નિર્ણય લેનાર સરકાર હવે દબાણ હેઠળ છે. દેશવ્યાપી ચૂંટણીઓને કારણે ફરી એક વાર ગ્રામીણ પ્રજાને અને મધ્યમ વર્ગને વર્તમાન સરકાર પોતાની સરકાર છે એવો અહેસાસ કરાવવાનાં પગલાં લેવામાં કોઈ જ કસર બાકી નહીં રાખે

economy

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

સંસદના બજેટસત્રનો ઉત્તરાર્ધ આજથી શરૂ થઈ રહ્યો છે એમાં બૅન્ક-કૌભાંડોના મુદ્દે વિપક્ષો દ્વારા સરકાર સામે આકરા પ્રહાર થશે. એક પછી એક બહાર આવી રહેલાં જાહેર ક્ષેત્રની બૅન્કોનાં કૌભાંડો એ વિપક્ષોના ભાથાનું મોટું હથિયાર હશે. પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ સાથે નીરવ મોદીની કંપનીઓએ, રોટોમૅકે, ગીતાંજિલએ અને દ્વારકાદાસ શેઠ ઇન્ટરનૅશનલે આચરેલાં કૌભાંડોની શાહી સુકાય એ પહેલાં કૅનેરા બૅન્કને સાંકળતું કલકત્તાસ્થિત RP ઇન્ફો સિસ્ટમનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

બૅન્કોનાં મૅનેજમેન્ટ, ઑડિટ કમિટીઓ, ઇન્ટર્નલ તથા એક્સટર્નલ ઑડિટરો અને રિઝર્વ બૅન્ક (બૅન્કો માટેની રેગ્યુલેટરી ઑથોરિટી)ની આ કૌભાંડોની સીધી જવાબદારી ગણાય. કેન્દ્ર સરકારની એ માટેની સીધી જવાબદારી ન હોવા છતાં સુચારુ વહીવટ (ક્લીન ઍડ્મિનિસ્ટ્રેશન) પૂરો પાડવાના વચન સાથે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવનાર પક્ષ અને સરકારે એની નૈતિક જવાબદારી સ્વીકારવી રહી.

ચૂંટણીનાં કૌભાંડોથી સરકાર ચિંતિત


૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓની આડે એક વર્ષ જેટલો જ સમય બચ્યો હોય (અને ૨૦૧૮ના ચાલુ વર્ષે ૮ જેટલાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ માથા પર હોય) ત્યારે જવાબદાર અને ઍક્શન-ઓરિયેન્ટેડ સરકાર બેવડાતી જતી મુશ્કેલીઓથી ચિંતિત હોય એ સ્વાભાવિક છે. કાર્તિ ચિદમ્બરમની ધરપકડ લોકસભામાં વિપક્ષોને હેઠા પાડવા માટે હાથવગી બની શકે, પણ એટલા માત્રથી હાલમાં કોથળામાંથી બહાર નીકળતાં એક પછી એક કૌભાંડોની ગંભીરતા ઓછી થતી નથી. કૌભાંડ કૉન્ગ્રેસના સમયનું હોય, કૉન્ગ્રેસના નેતાનું હોય કે હાલની સરકારના સમયનું હોય કે શાસક પક્ષના નેતાનું હોય, કૌભાંડ એ કૌભાંડ જ ગણાય. એની બૅન્કો પરની અને એ રીતે અર્થતંત્ર પરની અવળી અસર જરાય ઓછી થતી નથી. આખરે તો પ્રજાના રૂપિયા જ ડૂબે છેને?

સરકાર સામેના આર્થિક પડકારો

ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા બજેટની અમુક દરખાસ્તો (ખાસ કરીને ખેડૂતોને ઉત્પાદન કિંમતથી ૫૦ ટકા ઊંચા ભાવ આપવાની વાત હોય કે વિશાળ કદની નૅશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હોય)ની આકરી ટીકાઓ થઈ છે. પેપર પર રૂપાળી લાગતી આ સ્કીમો માટેના પૂરતા રૂપિયાની જોગવાઈના અભાવે અને એના અમલમાં રહેલી અનેક અનિશ્ચિતતાઓને કારણે એના અમલની ગંભીરતા સામે અનેક સવાલ ખડા થયા છે. ‘વચનેષુ કિં દરિદ્રતા’ સૂત્રનો સરકારે સહારો લીધાની છાપ પડી છે. આ બધા સરકાર સામેના રાજકીય પડકારો છે.

આર્થિક પડકારો તો ઊભા જ છે. એમાં કિસાનોની કંગાળ હાલત, વધતા જતા ભાવો, ક્રૂડ ઑઇલના ભાવો, અસરકારક માગણીનો અભાવ, ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણનો અભાવ અને નવી રોજગારીના સર્જનનો અભાવ મુખ્ય ગણાય. અમેરિકા, યુરોપ અને અન્ય દેશોમાં વધતાજતા વ્યાજના દરોએ એમાં ઉમેરો કર્યો છે. સ્ટેટ બૅન્કે છૂટક ડિપોઝિટ પરના વ્યાજના દરો વધારવાની શરૂઆત કરી દીધી છે. બીજી બૅન્કો પણ એને અનુસરીને વ્યાજના દર વધારશે એ નક્કી. બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીની ખેંચ અનુભવાઈ રહી છે. નાણાકીય વર્ષના છેલ્લા ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં આમ પણ ધિરાણ માટેની માગણી વધતી હોવાથી ધિરાણ પરના વ્યાજના દર વધવાની સાઇકલ હવે શરૂ થવામાં ગણાય. મૉનિટરી પૉલિસી કમિટીની ફેબ્રુઆરીની મીટિંગની મિનિટ્સ પણ હવે થોડા સમય માટે વ્યાજના દરના ઘટાડાને ભૂલી જવો પડે એવો ઇશારો કરે છે, કદાચ વ્યાજના દર (પૉલિસી રેટ્સ) વધારવાની નોબત પણ આવે. આની અવળી અસર રૂપિયાની બાહ્ય કિંમત પર અને વિદેશી મૂડીરોકાણના પ્રવાહ પર પડે જ. એની શરૂઆત થઈ ચૂકી છે. સેન્સેક્સમાં પણ ફેબ્રુઆરીમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે જે છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો મહિનાનો ઘટાડો છે.

આર્થિક વિકાસનો વધેલો દર રાહતરૂપ

અને એટલે જ ગયા અઠવાડિયે પ્રસિદ્ધ કરાયેલા આર્થિક વિકાસના આંકડાઓ સરકાર માટે રાહતના સમાચાર છે. ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૭ના ક્વૉર્ટરનો ૭.૨ ટકાનો આર્થિક વિકાસનો દર છેલ્લાં પાંચ ક્વૉર્ટરનો સૌથી ઊંચો દર છે. અગાઉ પ્રસિદ્ધ કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન અને વાહનોના વેચાણના આંકડાઓનું આમાં સમર્થન જોવા મળે છે. ચીનનો આર્થિક વિકાસદર આ જ ગાળામાં ૬.૮ ટકા હતો એટલે ભારત ફરી એક વાર વિશ્વનો સૌથી ઝડપી આર્થિક વિકાસવાળો દેશ બન્યો છે. ખાનગી વપરાશ માટેની માગણી ઘટીને ૫.૬ ટકા થઈ છે, જ્યારે મૂડીરોકાણ માટેની માગણી (ગ્રોસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશન) વધીને ૧૨ ટકા થઈ છે. આ ક્વૉર્ટરનો ઝડપી વધારો ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૬ના નીચા બેઝને કારણે પણ છે છતાં ડીમૉનેટાઇઝેશન અને GSTના અમલને કારણે અર્થતંત્રના વિકાસ આડે ઊભા થયેલા અવરોધોની અસરમાંથી અર્થતંત્ર મુક્ત બની રહ્યું છે એ વાત ચોક્કસ.

મૂડીરોકાણ વધી રહ્યું છે


ગ્રોસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશનનો ૧૨ ટકાનો વધારો (આગલા ક્વૉર્ટરના ૭ ટકાના વધારા સામે) કંપનીઓને મળી રહેલા નવા ઑર્ડરો અને એ દ્વારા એની ઉત્પાદનક્ષમતાના વિસ્તરણ માટેના પ્રોજેક્ટો ઝડપથી આગળ વધી રહ્યા હોવાનું સૂચવે છે. બીજી બાજુ ખેતી ક્ષેત્ર અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ઝડપી વિકાસ છતાં ઘટી રહેલા ખાનગી વપરાશના ખર્ચનો દર ચિંતાનો વિષય ગણાય. ૨૦૧૭-’૧૮ના વર્ષે આર્થિક વિકાસનો દર ૬.૬ ટકાનો અને ૨૦૧૮-’૧૯માં આ દર સાતથી સાડાસાત ટકા વચ્ચેનો રહેવાનો અંદાજ છે.

કોર સેક્ટરના વિકાસનો જાન્યુઆરીનો ૬.૭ ટકાનો દર (ડિસેમ્બરમાં ૪.૨ ટકા) જાન્યુઆરી ૨૦૧૮માં ઔદ્યોગિક ઉત્પાદનનો દર વધવાની સંભાવના દર્શાવે છે. આર્થિક વિકાસની ગાડી ફરી એક વાર પાટે ચડી રહી છે ત્યારે રિઝર્વ બૅન્ક ફુગાવા (ભાવવધારા)ને અંકુશમાં રાખવાની એની મુખ્ય જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ફૉર મૅન્યુફૅક્ચરિંગ ફેબ્રુઆરીમાં પણ ૫૨.૧ પર જળવાઈ રહ્યો છે (જાન્યુઆરીમાં ૫૨.૪ અને ડિસેમ્બર ૨૦૧૭માં ૫૪.૭ હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઝડપી દર છે) એ પણ સારો સંકેત છે. વધતી જતી ઇનપુટ કૉસ્ટને લીધે મૅન્યુફૅક્ચરિંગ આઇટમોનો ભાવવધારો ફેબ્રુઆરીમાં ૧૨ મહિનાનો સૌથી ઊંચો વધારો છે.

ભાવવધારો ચૂંટણીનાં પરિણામ બદલી શકે

સરકારે કોઈ પણ હાલતમાં કિસાનોના અને ગ્રામ્ય વિસ્તારના લોકોનો અજંપો શાંત કરવા માટે ભાવવધારાને અંકુશમાં રાખવો પડશે અને તરેહ-તરેહની સ્કીમોથી ગામડામાં વસતા ભારતને રાજી રાખવાના વધારે ને વધારે પ્રયાસ કરવા પડશે જે બજેટની રજૂઆત સાથે શરૂ થઈ જ ગયા છે.

બજારમાં ફરતું ચલણ (કરન્સી ઇન સર્ક્યુલેશન) લગભગ નોટબંધી પહેલાંના સ્તરે પહોંચી ગયું છે. ૨૦૧૮ની ૨૩ ફેબ્રુઆરીનો ૧૭.૮૨ લાખ કરોડ રૂપિયાનો આંકડો ડીમૉનેટાઇઝેશન પહેલાંના ૧૭.૯૭ લાખ કરોડને આંબવાની તૈયારીમાં છે જે અર્થતંત્રનો સુધારો અને વધુ ને વધુ પ્રવૃત્તિઓ-ધંધાઓનો સંગઠિત ક્ષેત્રમાં અને બૅન્કિંગ ક્ષેત્રમાં સમાવેશ થતો હોવાનું સૂચવે છે.

કૃષિક્ષેત્રના ૪.૧ ટકાનો આર્થિક વિકાસનો દર અને લા-નીનોને કારણે ૨૦૧૮ના સાઉથ-વેસ્ટ મૉન્સૂનના નૉર્મલ રહેવાનાં એંધાણ પણ સરકારનો જોશ વધારશે.

ભવિષ્યનાં કૌભાંડોને રોકવા માટે નાણામંત્રાલયે જાહેર ક્ષેત્રની બૅન્કોને ૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમનાં પરત ન આવવાની સંભાવનાવાળાં

લોન-ખાતાંની તપાસ કરવાનું જણાવ્યું છે. સરકારી બૅન્કોને વિદેશની બ્રાન્ચના યોગ્ય ઑડિટની સૂચના આપી છે. નૅશનલ ફાઇનૅન્શિયલ રિપોર્ટિંગ ઑથોરિટી (NFRA)ની વિચારણા કરી છે. ટેક્નૉલૉજિકલ જોખમો સામે બૅન્કોને વધુ સજ્જ થવાની સૂચના આપી છે.

ડીમૉનેટાઇઝેશન અને GSTના અમલ જેવા ઐતિહાસિક નિર્ણય લેનાર સરકાર હવે દબાણ હેઠળ છે. દેશવ્યાપી ચૂંટણીઓને કારણે ફરી એક વાર ગ્રામીણ પ્રજાને અને મધ્યમ વર્ગને વર્તમાન સરકાર પોતાની સરકાર છે એવો અહેસાસ કરાવવાનાં પગલાં લેવામાં કોઈ કસર નહીં રાખે. આ લેખ પ્રસિદ્ધ થશે ત્યાં સુધીમાં મેઘાલય, નાગાલૅન્ડ અને ત્રિપુરાની ચૂંટણીઓનાં પરિણામો આવી ગયાં હશે. આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવ્યા બાદ BJP ત્રિપુરામાં પણ સરકાર રચે એવી સંભાવના છે. ઈશાન (નૉર્થ-ઈસ્ટ) રાજ્યોમાં BJPની મજબૂત બનતી સ્થિતિ વધતી જતી ચીનની આક્રમકતા માટે પડકારરૂપ હશે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK