રૂપિયામાં ચાલુ રહેતી નરમાઈ : યેનમાં ઉછાળો

ટ્રમ્પે મેટલ-ટૅરિફ લાદવાનું એલાન કરતાં ટ્રેડ-વૉરનાં એંધાણ : બૉન્ડ અને શૅરબજારોમાં ઉછાળે વેચવાલી

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વેપારી યુદ્ધનો રણટંકાર કર્યો છે. પ્રમુખ તરીકે મળેલી વિશેષ સત્તા વાપરીને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય છે એમ કહીને ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા સ્ટીલ પર ૨૫ ટકા અને ઍલ્યુમિનિયમ પર ૧૦ ટકા જકાત લાદવાનું એલાન કર્યું છે અને અમે ટ્રેડ-વૉર જીતીશું એમ પણ કહ્યું છે. અમેરિકાની ૮૦૦ અબજ ડૉલરની વેપારખાધ માટે દુનિયા જવાબદાર છે એમ કહીને તેમણે રેસિપ્રોકલ ટૅક્સ માટે પણ પૂર્વભૂમિકા બાંધવાનું ચાલુ કર્યું છે. યુરોપે વળતાં પગલાં લેવાની ચીમકી આપી છે. અમેરિકાનાં પગલાંથી કૅનેડાને સૌથી મોટો માર પડશે, જપાન અને જર્મની તેમ જ કોરિયાને પણ નુકસાન થશે. ચીનને પણ નુકસાન થશે, પરંતુ ચીને કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ચીન વળતો ફટકો મારીને કામ કરીને જ પ્રતિભાવ આપશે. અત્યારે રાજકીય રીતે ચીનનો સૂરજ તપી રહ્યો છે અને અમેરિકાનો સૂરજ આથમતો જાય છે એટલે જ અમેરિકી શૅરબજારમાં ૨૦૧૭માં તેજી થવા છતાં ડૉલર તૂટતો રહ્યો છે. ટ્રેડ-વૉર શરૂ થાય તો શૅરબજારો, બૉન્ડ અને કરન્સી બજારોમાં ભારે ઊથલપાથલ આવશે.

સ્થાનિક બજારોની વાત કરીએ તો નીરવ મોદી, રોટોમૅક, ઍરસેલની નાદારી જેવાં કારણો વચ્ચે હવે સરકારે ડૅમેજ કન્ટ્રોલ શરૂ કરી દીધું છે. પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (PSU) બૅન્કોની વિદેશી શાખાઓ બંધ કરવા, ઓછી કરવા કવાયત શરૂ થઈ છે. અમુક બૅન્કોએ નવા લેટર ઑફ ક્રેડિટ ઇશ્યુ કરવામાં ખૂબ નિયંત્રણ મૂક્યાં છે. અમુક ઉદ્યોગો માટે LC બેઝ્ડ ધિરાણ અટકાવી પણ દીધું છે. સરકાર આધાર સાથે બૅન્ક-ખાતાને જોડવાના મહાઅભિયાનમાં મશગૂલ હતી એમાં કેટલાયે મોરલાઓ બૅન્કોને નિરાધાર કરીને ગચ્છંતી થઈ ગયા. હવે આમ આદમી અને કરદાતાએ છૂપા વેરા, બૅન્કોની સર્વિસ ફીમાં તોતિંગ વધારો કરીને બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)નો ખાડો પૂરવાનો છે. સિસ્ટમ ફેલ્યર કહીને બધું થાળે પાડી દેવામાં આવશે, પરંતુ વિદેશી કંપનીઓનો હવે ભારતમાં મોહભંગ થયો લાગે છે. ઍરસેલે ૭ અબજ ડૉલરની નાદારી માટે અરજી કરી છે. વિશ્વની ત્રણ મોટી કૉમોડીટી મલ્ટિનૅશનલ કંપનીઓ એમનો ભારતમાં રહેલો કારોબાર સ્થાનિક કંપનીઓને વેચી નાખવાની ફિરાકમાં હોવાનું જાણવા મળે છે.

શૅરબજારની તેજીમાં ઝીણું પંક્ચર પડી ચૂક્યું છે. હવે શૅરબજારને નવી તેજી માટે ઠોસ કારણો જોઈશે. બજારોમાં આગળ જતાં મોટાં કરેક્શન દેખાય છે. ફેડના ચૅરમૅન જેરેમી પૉવેલે કહ્યું છે કે ‘ફેડ પોતાની મરજી મુજબ વ્યાજદર વધારશે. બજારની તેજી-મંદી સાથે વ્યાજદર વધારાના નિર્ણયને કંઈ લાગતુંવળગતું નથી.’

રૂપિયાની વાત કરીએ તો એમાં નરમાઈ આગળ વધી હતી. ગયા સપ્તાહે અમે કહ્યું હતું કે ‘૬૪.૪૮ ઉપર વીકલી બંધ આવતાં રૂપિયો ૬૫.૫૫-૬૬.૧૫ થશે. શુક્રવારે રૂપિયો ૬૫.૨૯ સુધી આવી ગયો છે. અત્યારે ડૉલર રૂપિયામાં ટેક્નિકલ રેન્જ ૬૪.૮૫-૬૫.૫૫ છે. ૬૫.૭૧ વટાવતાં રૂપિયો ૬૬.૧૫-૬૬.૩૦ આવવાની ધારણા છે. ૬૪.૫૦ હાલ પૂરતું મજબૂત સપોર્ટ છે.’

વિશ્વબજારોમાં યેન સ્ટાર-પર્ફોર્મર રહ્યો છે. યેન ડૉલર સામે બે વર્ષની ઊંચી સપાટી ૧૦૫.૩૩ થઈ ગયો હતો. બૅન્ક ઑફ જપાનના ગવર્નર કુરુડાએ ૨૦૧૯માં ક્વૉન્ટિટિન એક્ઝિટની વાત કરતાં, બજારમાં યેનની લિક્વિડિટી ઘટશે એવો નિર્દેશ આપતાં યેનમાં તેજી આવી છે. યુરો પણ મક્કમ રહ્યો છે. ડૉલરમાં થોડો સુધારો આવ્યો છે, પણ તેજી ટકતી નથી. ડૉલર ઇન્ડેક્સ ૮૮.૨૫થી સુધરીને ૯૦.૫૦ થઈ ફરીથી ૮૯.૩૦ થઈ ગયો છે અને ૮૭.૮૦ તૂટતાં ૮૬.૧૫-૮૫.૩૦ થવાની ધારણા છે.

ટ્રમ્પ ટૅરિફની અસરે યુરોપનાં શૅરબજારો, ખાસ કરીને જર્મન શૅરબજાર ખૂબ તૂટ્યું છે. યુરો જોકે મક્કમ રહ્યો છે. ઇટલીમાં વીક-એન્ડમાં થયેલી ચૂંટણીમાં યુરોવિરોધી પક્ષ આવે તો ફરી યુરોપમાં વિભાજનવાદી બળો જોરમાં આવશે. જર્મનીમાં ર્મેકલ સરકારે જાતજાતનાં સમાધાન કરીને જેમ-તેમ સરકાર રચી છે. બ્રિટનમાં બ્રેક્ઝિટ અને રાજકીય લીડરશિપમાં ધરતી રસાતાળ ગઈ હોય એવી સ્થિતિ છે. બ્રિટનમાં રાજકીય નેતાઓનો આવો ભીષણ દુષ્કાળ મેં ક્યારેય જોયો નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK