મોદી સરકારનાં ખેડૂતોને ખુશ કરવાનાં આક્રમક પગલાંઓ લાભદાયી નીવડશે?

માત્ર પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવાથી સોયાતેલ, સનફલાવર-કનોલા ઑઇલની ઇમ્પોર્ટ વધશે: ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારી પણ સસ્તા ઇમ્ર્પોટેડ વટાણાના ફ્લોને નહીં અટકાવીએ તો ફાયદો નહીં થાય : હવે માત્ર ખેડૂતોને ખુશ કરવાનાં વણવિચાર્યાં પગલાંથી ખેડૂતોને લાભ થવાને બદલે નુકસાન થશે

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


નરેન્દ્ર મોદી સરકારે શાસનનાં સાડાત્રણ વર્ષ સુધી દેશના ગ્રાહકને ખુશ કરવા શ્રેણીબદ્ધ પગલાં લીધાં જેને કારણે ખેડૂતોનાં હિતને નુકસાન થયું અને દેશના ખેડૂતોમાં નરેન્દ્ર મોદી સરકાર સામે આક્રોશ ફાટી નીકળતાં વિધાનસભા અને પેટાચૂંટણીમાં એનો પડઘો પડવા લાગ્યો એથી નરેન્દ્ર મોદી સહિત આખી સરકારની ઊંઘ હરામ થઈ ગઈ. નરેન્દ્ર મોદી સહિત આખું પ્રધાનમંડળ દેશના ખેડૂતોને ખુશ કરવા રાતના ઉજાગરા કરવા લાગ્યા. સરકારમાંથી એક લીટીનો સંદેશો લાકડિયા તારની જેમ ફેલાઈ ગયો કે ‘ગમે તે કરો, દેશના ખેડૂતોના રોષને ઠંડો પાડો અને ખેડૂતોને ખુશ કરવા માટે જેકાંઈ સૂચનો મળે એનો રાતોરાત અમલ કરવા માંડો.’ આવા સંદેશાને પગલે દેશના ખેડૂતોને ખુશ કરવા આડેઘડ પગલાં લેવાનું શરૂ થયું. દિલ્હીમાં બેઠેલી બ્યુરોક્રસી દેશના ખૂણે-ખૂણેથી ખેડૂતોનાં ખુશ કરવાનાં સૂચનો મેળવીને જે પણ સૂચનો મળે એનો વગરવિચાર્યે અમલ કરવા લાગી. બ્યુરોક્રસીનું એક જ ધ્યેય હતું કે નરેન્દ્ર મોદી સરકારના લક્ષ્યને પાર પાડીને સરકારમાં બેઠેલાની નજરમાં વહાલા થવું. તમામ કૃષિ પેદાશોની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં છાશવારે વધારો કરવાનું ચાલુ થયું. ગયા ઑગસ્ટથી આ સિલસિલો ચાલુ થયો છે અને અત્યાર સુધીમાં ખાદ્ય તેલો અને કઠોળની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવા બજેટ ઉપરાંત ૯થી ૧૦ નોટિફિકેશનો નીકળી ચૂક્યાં છે. દેશના આઝાદીના ઇતિહાસમાં આટલા ઝડપી કોઈ કૃષિ પેદાશોની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવાના નિર્ણય લેવાયા નથી. આ તમામ નિર્ણયોથી ખેડૂતોને ત્વરિત લાભ થાય એવો આભાસ થાય છે, પણ વાસ્તવમાં આ તમામ નિર્ણયોમાં રહેલી પાયાની ખામીઓથી લાભ થવાને બદલે લાંબા ગાળે નુકસાન થવાનું છે અને ઓવરઑલ આ તમામ નિર્ણયોથી ખેડૂતોને કોઈ લાભ થવાનો નથી. આ તમામ નિર્ણયો અગાઉ લીધેલા નિર્ણયોની જેમ માત્ર જુમલા જ સાબિત થવાના છે. આ તમામ નિર્ણયોની સમીક્ષા અને એનાથી થનારા નુકસાનની અહીં વિગતવાર ચર્ચા પ્રસ્તુત છે... 

ખાદ્ય તેલોના નિર્ણયો


દેશની ખાદ્ય તેલોની જરૂરિયાતનું ૭૫ ટકા સુધીનું ખાદ્ય તેલ ઇમ્પોર્ટ થવા માંડતાં દેશના તેલીબિયાં ઉગાડતા ખેડૂતોની નિરાશા સતત વધી રહી હતી. ખેડૂતોમાં તેલીબિયાં ઉગાડવાનો કોઈ ઉત્સાહ જ રહ્યો નહોતો, કારણ કે વર્ષોવર્ષ ખેડૂતોને રાયડા, સોયાબીન, મગફળી, સૂર્યમુખી વગેરે તેલીબિયાંના પોષણક્ષમ ભાવ મળતા નહોતા. સરકારી ખરીદીમાં નર્યો ભ્રષ્ટાચાર થતો હોવાથી ખેડૂતોને એનો કોઈ ફાયદો થતો નહોતો. આ સંજોગોમાં સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશન (SEA - સી) અને ખાદ્ય તેલોના કેટલાક મોટા ઉદ્યોગપતિઓએ સરકારમાં વર્ચસ ધરાવતા નીતિન ગડકરીને ખાદ્ય તેલોની ઇમ્પોર્ટની વધતી ભયજનક સપાટી વિશે રજૂઆત કરી. આ રજૂઆતમાં મહારાષ્ટ્રના કદાવર ભારતીય જનતા પાર્ટીના ખેડૂતનેતા અને મહારાષ્ટ્ર સરકારના કમિશન ફૉર એગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસના ચૅરમૅન પાશા પટેલ પણ જોડાયા. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ગળે વાત ઉતારવામાં આ તમામ લૉબી સફળ થતાં ગયા ઑગસ્ટમાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો પણ એનો કોઈ ફાયદો થયો નહીં એથી નવેમ્બરમાં ફરી ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવામાં આવી. ત્રણ મહિનામાં બે વખત ઇમ્પોર્ટ-ડ્યુટી અને સોયાખોળની એક્સપોર્ટને અપાતા પ્રોત્સાહનમાં પણ બે ટકાનો વધારો કરતાં સોયાબીનના ભાવ જે MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી નીચે ચાલતા હતા એ MSPથી ઉપર ગયા અને મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્રના સોયાબીન ઉગાડતા ખેડૂતોનો રોષ ઓછો થયો. સોયાબીનના ભાવ વધતાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટીનો વધારો કરવાનું શસ્ત્ર કામયાબ થયું એટલે આ શસ્ત્રનો ઉપયોગ વધવા લાગ્યો. બજેટમાં પણ પામતેલ-સોયાતેલ સિવાયનાં અન્ય ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવામાં આવી. ખેડૂતોને ખુશ કરવામાં કોઈ કસર નહીં છોડવાના નરેન્દ્ર ïમોદીના હુકમ અનુસાર કામ કરવામાં બ્યુરોક્રસીએ પાછું વળીને જોયું નહીં. આથી ગયા સપ્તાહે પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં વધુ ૧૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. દેશમાં સૌથી વધુ પામતેલની ઇમ્પોર્ટ થાય છે, પણ એ ઉપરાંત સોયાતેલ, સનફ્લાવર અને કનોલા ઑઇલની પણ ઇમ્પોર્ટ થઈ રહી છે. પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં ૧૫ ટકા વધારો થતાં સોયાતેલ, સનફ્લાવર અને કનોલા ઑઇલની ઇમ્પોર્ટ પામતેલ કરતાં ૧૫ ટકા સસ્તી થશે એથી આવનારા દિવસોમાં ઇમ્પોર્ટરો પામતેલની ઇમ્પોર્ટ ઓછી કરીને સોયાતેલ, સનફ્લાવર અને કનોલા ઑઇલની ઇમ્પોર્ટ વધારશે.

બીજો મહત્વનો મુદ્દો એ છે કે દેશની ખાદ્ય તેલોની જરૂરિયાત વાર્ષિક ૨૨૦ લાખ ટનની છે અને એની સામે ઘરઆંગણે ખાદ્ય તેલોનું ઉત્પાદન ૭૦ લાખ ટન જ થઈ રહ્યું છે આથી ૧૫૦ લાખ ટનની ખાધ રાતોરાત પૂરી થવાની નથી. આથી જો સરકાર આ રીતે બધાં ઇમ્ર્પોટેડ ખાદ્ય તેલોની ડ્યુટી એકસાથે નહીં વધારે તો જેની ઇમ્પોર્ટ-ડ્યુટી ઓછી હશે એની ઇમ્પોર્ટ વધશે. આથી જો ખેડૂતોને લાંબા ગાળે લાભ આપવો હોવાથી તો દેશમાં જે-જે ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ થાય છે એની એકસાથે ઇમ્પોર્ટ-ડ્યુટી જ વધારવી પડશે. ખાદ્ય તેલ ઇન્ડસ્ટ્રીઝના પંડિતોએ જણાવ્યા પ્રમાણે માત્ર પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવાથી હવે દર મહિને ૫૦,૦૦૦થી એક લાખ ટન પામતેલની ઇમ્પોર્ટ ઘટશે અને એની સામે સોયાતેલની ઇમ્પોર્ટ દર મહિને ૩૦થી ૫૦ હજાર ટન અને સનફ્લાવર ઑઇલની ઇમ્પોર્ટ દસથી ત્રીસ હજાર ટન વધશે.

પલ્સિસનો નિર્ણય

ખાદ્ય તેલોની જેમ દેશ પલ્સિસ (કઠોળ)ની જરૂરિયાત સામે ૨૫થી ૩૦ ટકા ઇમ્પોર્ટ કરે છે, કારણ કે પલ્સિસનું ઉત્પાદન કરતાં જરૂરિયાત વધારે છે. કઠોળ ઉગાડતા ખેડૂતો છેલ્લા સવા વર્ષથી MSPથી ૩૦થી ૪૦ ટકા નીચા ઓપન માર્કેટ પ્રાઇસથી પરેશાન છે. સરકાર દ્વારા જંગી માત્રામાં ખરીદી કરવા છતાં કઠોળના ભાવ ઓપન માર્કેટમાં વધતા જ નથી આથી સરકારે ગયા ઑગસ્ટ મહિનાથી કઠોળની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવાનું ચાલુ કર્યું અને કઠોળની એક્સપોર્ટમાં છૂટછાટો મૂકવા માંડી છે. નરેન્દ્ર મોદીનાં તમામ પગલાં ઘોડા નાસી છૂટયા બાદ તબેલાને તાળાં મારવા જેવાં હતાં. આથી સરકારનાં કોઈ જ પગલાંની બજારમાં કોઈ અસર થઈ નહોતી. હજી પણ લગભગ તમામ કઠોળના ભાવ MSPથી નીચા ચાલી રહ્યા છે. હાલમાં ઓપન માર્કેટમાં ચણા પ્રતિ ક્વિન્ટલ ૩૭૦૦થી ૩૮૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યા છે એની MSP પ્રતિ ક્વિન્ટલ ૪૪૦૦ રૂપિયા છે. તુવેર ઓપન માર્કેટમાં પ્રતિ ક્વિન્ટલ ૩૯૫૦થી ૪૦૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે એની MSP ૫૪૫૦ રૂપિયા સરકારે નક્કી કરી હતી. અડદના ભાવ ઓપન માર્કેટમાં પ્રતિ ક્વિન્ટલ ૩૯૫૦થી ૪૦૦૦ રૂપિયા બોલાઈ રહ્યા છે. અડદની MSP ૫૪૦૦ રૂપિયા સરકારે નક્કી કરી હતી. મગના ભાવ ઓપન માર્કેટમાં ૪૮૦૦થી ૪૮૫૦ રૂપિયા બોલાઈ રહ્યા છે. સરકારે મગની MSP ૫૫૫૦ રૂપિયા નક્કી કરી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં સરકારે ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઝીરોમાંથી ૩૦ ટકા, ત્રીસમાંથી ચાલીસ ટકા અને ગયા સપ્તાહે ૪૦ ટકાથી વધારીને ૬૦ ટકા કરી હતી. સરકાર દ્વારા ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવા સતત પગલાં લેવાતાં હોવા છતાં ખેડૂતોને સરકારે નક્કી કરેલી MSP જેટલા ભાવ ઓપન માર્કેટમાંથી નથી મળી રહ્યા એનું મુખ્ય કારણ એ છે કે ચણા કરતાં બજારમાં વટાણા સસ્તા મળી રહ્યા છે. સરકારે બે મહિના અગાઉ વટાણાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઝીરોથી વધારીને ૫૦ ટકા કરી હતી જેને કારણે ફૉરેનની માર્કેટમાં વટાણાના ભાવ ઘટી ગયા હતા. ચણા કરતાં વટાણા સસ્તા બનતાં હવે ફ્લોર મિલો બેસન કે ચણાની આઇટમોમાં ચણાને બદલે વટાણાનો ઉપયોગ કરવા લાગ્યા છે. મુંબઈની માર્કેટમાં હાલમાં વટાણાનો ભાવ ક્વિન્ટલદીઠ ૨૯૫૧ રૂપિયા ચાલી રહ્યા છે એની સામે ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૩૭૦૦થી ૩૮૦૦ રૂપિયા ચાલી રહ્યો છે. આમ, સરકારે ચણાના ખેડૂતોને લાભ આપવો હોય તો ચણાની સાથે વટાણાની પણ ઇમ્પોર્ટ-ડ્યુટી વધારવી જોઈએ, પણ બ્યુરોક્રસીને જો આવી ખબર પડતી હોત તો દેશનો ખેડૂત અત્યારે આટલોï દુખી ન હોત.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK