પામતેલ અને ચણાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થયો

છેલ્લા ૬ મહિનામાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી ચોથી વખત વધી : ચણાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ ટૂંકા ગાળામાં ત્રીજી વખત વધારો

palm

કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના ચૂંટણી-વાયદાનો અમલ કરવા હવે બુલેટ ટ્રેનની ઝડપે પગલાં લેવા માંડી છે. ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં છેલ્લા ૬ મહિનામાં ચોથી વખત અને ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં છેલ્લા અઢી મહિનામાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે બહાર પડેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટી ૩૦ ટકાથી વધારીને ૪૪ ટકા અને રિફાઇન્ડ પામોલીનની ઇમ્પોર્ટ-ડ્યુટી ૪૦ ટકાથી વધારીને ૫૪ ટકા કરવામાં આવી હતી. એ જ રીતે કાબુલી ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી ૪૦ ટકાથી વધારીને ૫૪ ટકા અને દેશી ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી ૪૦ ટકાથી વધારીને ૬૦ ટકા કરવામાં આવી હતી.

ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં પ્રથમ વખત ઑગસ્ટમાં અને ત્યાર બાદ નવેમ્બરમાં તથા કેન્દ્રીય બજેટમાં પણ ઇમ્પોર્ટ-ડ્યુટીમાં વધારો થયો હતો. સોશ્યલ વેલ્ફેર સેસ ગણતાં ક્રૂડ પામતેલની ઇફેક્ટિવ ઇમ્પોર્ટ-ડ્યુટી હવે વધીને ૪૮.૪ ટકા તથા રિફાઇન્ડ પામોલીનની ઇફેક્ટિવ ડ્યુટી વધીને ૫૫.૯ ટકા થઈ હતી. બન્નેની ઇફેક્ટિવ ડ્યુટીમાં ૧૫ ટકાનો વધારો થયો હતો. ખાદ્ય તેલોની ડ્યુટી વધારા વિશે સૉલ્વન્ટ એક્સટ્રૅક્ટર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ભારત ખાદ્ય તેલોની ઇમ્પોર્ટમાં ૭૦ ટકા ડિપેન્ડટન્ટ હોવાથી ડ્યુટીવધારો આવકાર્ય છે, પણ જ્યારે રાયડાનો નવો પાક બજારમાં આવી રહ્યો છે ત્યારે સોયાબીન તેલ, સનફલાવર ઑઇલ અને કનોલા ઑઇલની ડ્યુટી ન વધારીને સરકારે રાયડાના ખેડૂતોને અન્યાય કર્યો છે. પામતેલની સાથે અન્ય ઇમ્ર્પોટેડ ખાદ્ય તેલોની ડ્યુટી વધારવામાં આવી હોત તો ખેડૂતોને વધુ તેલીબિયાં ઉગાડવા પ્રોત્સાહન મળી શક્યું હોત.

ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટીના વધારાનો અમલ ગુરુવારે મધરાતથી થયો હોવાથી ક્રૂડ પામતેલ અને સોયાતેલના વાયદામાં આ ડ્યુટી વધારાની મોટી અસર સોમવારે જોવા મળશે. MCX (મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ) ક્રૂડ પામતેલ વાયદો સોમવારે ખૂલશે ત્યારે ચાર ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. એ જ રીતે સોયાતેલ વાયદામાં પણ ઉછાળો જોવા મળી શકે છે. ભારત સરકારે પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારતાં આવનારા દિવસોમાં ભારતની પામતેલની ઇમ્પોર્ટ ઘટશે એ શક્યતાએ મલેશિયન પામતેલ વાયદો શુક્રવારે ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો. મલેશિયન પામતેલ બેન્ચમાર્ક મે વાયદો શુક્રવારે ૮૦ રિંગિટ ઘટીને ૨૪૬૯ રિંગિટ બંધ રહ્યો હતો.

કાબુલી ચણાની ઇફેક્ટિવ ડ્યુટી વધીને ૫૯.૪ ટકા અને દેશી ચણાની ઇફેક્ટિવ ડ્યુટી વધીને ૬૬ ટકા થશે. સરકારે સૌપ્રથમ ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી ઝીરોથી વધારીને ૩૦ ટકા કર્યા બાદ ફરી વધારીને ૪૦ ટકા કરી હતી, જે હવે વધારીને ૬૦ ટકા કરી હતી. નવા ચણાની આવકો દેશભરનાં મથકોએ ચાલુ થઈ ચૂકી છે અને ચણાના ભાવ હાલમાં સરકારે નક્કી કરેલી MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) પ્રતિ ક્વિન્ટલ ૪૪૦૦ રૂપિયાથી ઓપન માર્કેટમાં ઘણા નીચા ચાલી રહ્યા છે. ગુરુવારે ઇંદોરમાં ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૩૫૫૦થી ૩૬૦૦ રૂપિયા, જળગાવમાં પ્રતિ ક્વિન્ટલ ૩૭૦૦ રૂપિયા અને રાજસ્થાનમાં કેકરીમાં પ્રતિ ક્વિન્ટલ ૩૩૦૦થી ૩૪૦૦ રૂપિયા રહ્યો હતો. સરકારે ચણાની ઇમ્પોર્ટ-ડ્યુટી વધારી હોવાથી આવનારા દિવસોમાં ચણાના ભાવ વધી શકે છે. નૅશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જમાં ચણા વાયદામાં પણ સુધારો થવાની ધારણા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK