ઑઇલની બેકાબૂ તેજી અને મજબૂત ડૉલરથી ઇમર્જિંગ બજારોમાં ફુગાવો વધવાની ભીતિ

રૂપિયાની મંદી રોકવા રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી, યુઆન ડિપ્રીશિએશનના રૂપમાં ચીનનો અમેરિકાને વળતો ફટકો

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ક્રૂડ ઑઇલમાં બેલગામ તેજી અને મોબાઇલ, કમ્પ્યુટર્સ, કન્ઝ્યુમર ગુડ્સ જેવા ઇલેક્ટ્રૉનિક્સ માસલામાનની આયાતોમાં જંગી ઉછાળાને પગલે રૂપિયા પર દબાણ વધતાં રૂપિયો ડૉલર સામે ૬૯.૦૫ની સર્વોચ્ચ નીચી સપાટીએ ક્વોટ થતાં રિઝર્વ બૅન્કે દરમ્યાનગીરી કરવી પડી હતી. રિઝર્વ બૅન્ક અને નિકાસકારોની વેચવાલીથી રૂપિયો થોડો સુધરીને ૬૮.૪૬ બંધ રહ્યો હતો. ચાલુ ખાતાની ખાધમાં હવે ઑઇલ પછી બીજા ક્રમે ઇલેક્ટ્રૉનિક્સ આવે છે. પાંચ વરસમાં ઇલેક્ટ્રૉનિક્સ માલની આયાત બમણી થઈ ગઈ છે. સોનું હવે ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે.

વૈશ્વિક મોરચે ટ્રમ્પે વેપારયુદ્ધ છેડી દીધું છે. ચીન અને અમેરિકા એકબીજાના માલ પર ડ્યુટી લાદી રહ્યાં છે. યુરોપ, નાફટા સહિત મોટા વેપારી સમૂહો પણ અમેરિકા સામે વળતા પગલાનું વિચારી રહ્યા છે. ભારતની ચીન સાથેની વેપારખાધ ખૂબ મોટી થતી જાય છે. ભારતમાં ચીની માલનું ડમ્પિંગ ચિંતાજનક હદે વધ્યું છે. રૂપિયો ડૉલર સામે આઠ ટકા તૂટ્યો છે, પરંતુ યુઆન પણ ડૉલર સામે ઘટાડાયો છે. ચીન યુઆનના ડીવૅલ્યુએશન વડે વેપારયુદ્ધને કરન્સી યુદ્ધમાં પલટાવે તો નબળો યુઆન ભારતમાં ડમ્પિંગ વધારે એ શકય છે.

 અમેરિકી પ્રમુખ તો ઝાલ્યા ઝલાય એમ નથી. આગલી સરકારોની ઘણી નીતિઓ તેમણે બદલી નાખી છે. સત્તાનું સુકાન લીધા પછી તેમણે સૌપ્રથમ તો

ટ્રાન્સ-પૅસિફિક પૅક્ટ વિખેરીને કેટલીયે કંપનીઓનાં આયોજનો ખોરવી નાખ્યાં. ક્લાઇમેટ સમજૂતીમાં પીછેહઠ કરી. વૈશ્વિક મોરચે ચીન સામે વેપારી મોરચો ખોલ્યો. જર્મની-યુરોપિયન યુનિયન અમેરિકા સાથેના વેપારમાં જંગી પુરાંતમાં છે એટલે ત્યાં પણ વાંધો ચાલે છે.

કૅનેડા-મેક્સિકો-અમેરિકા વચ્ચેની નાફટા સમજૂતી પણ તેમને મંજૂર નથી. અધૂરામાં પૂÊરું, અમેરિકા વિશ્વ વ્યાપારી સંગઠનમાંથી નીકળી જવાની ચીમકી આપે છે. મેક અમેરિકા ગ્રેટ અગેઇન નામના કેફી સૂત્રથી ટ્રમ્પ ઉદ્દામ રાષ્ટ્રવાદને પોષી રહ્યા છે. બીજા દેશો પણ ટ્રમ્પની નકલ કરે તો વૈશ્વિક વેપારી વ્યવસ્થા જ પડી ભાંગે.

વૈશ્વિક કૂટનીતિમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યાં હોવાનાં એંધાણ છે. ચીન ડૉલર બૉરોઇંગ પર પ્રતિબંધ મૂકે એવા અહેવાલો છે. વેપારીયુદ્ધ વણસે તો ચીન અમેરિકામાં ૨.૮ ટ્રિલ્યન બૉન્ડ હોલ્ડિંગ ધરાવે છે એના આધારે બૉન્ડ બ્લૅકમેઇલિંગ કરી શકે એમ છે. રશિયા અને ટર્કીએ તાજેતરમાં એનું અમેરિકી ટ્રેઝરી હોલ્ડિંગ ૫૦ ટકી ઘટાડીને સોનામાં રોકાણ વધાર્યું છે.

રૂપિયાની વાત કરીએ તો ટેક્નિકલી રૂપિયો અત્યંત ઓવરસોલ્ડ હોવાથી કરેક્શન આવ્યું છે. રૂપિયામાં ૬૬.૮૮નું ટ્રિપલ બૉટમ તૂટતાં એ ૬૯.૦૭ના નવા નીચા સ્તરે ક્વોટ થયો હતો. એ પછી રિઝર્વ બૅન્કે ડૉલર વેચતાં રૂપિયો સુધરીને ૬૮.૪૬ બંધ રહ્યો હતો. શુક્રવારે ક્રૂડની તેજી બેકાબૂ બનતાં આજે રૂપિયો થોડો નબળો પડી શકે. રૂપિયામાં ૬૭.૭૭-૬૮.૮૮ રસાકસીની સપાટી છે. જો રૂપિયો ૬૯.૨૦ નીચે ટકી જાય અને રિઝર્વ બૅન્ક એકદમ અગ્રેસિવ ન થાય તો રૂપિયામાં મંદીનો નવો તબક્કો આવે અને રૂપિયામાં ૬૯.૯૦-૭૦.૭૦ની સપાટી પણ આવે. એનાથી ઊલટું જો ઑઇલ તૂટે, ચોમાસું સારું જાય તો આગળ જતાં રૂપિયો ૬૬.૫૦-૬૫.૫૦ સુધી પણ આવી જાય. અત્યારે ભરેલા નારિયેળ જેવી સ્થિતિ છે.

દરમ્યાન યુરોમાં મામૂલી સુધારો આવ્યો હતો. યુરોપિયન દેશો વચ્ચે માઇગ્રેશન ડીલ થઈ છે. જોકે યુરોમાં તિરાડો પડી ગઈ છે. યુરોપિયન બૅન્કોની બુક્સમાં હજી તોતિંગ દેવું છે. ક્રૂડની તેજી યુરોપ માટે નેગેટિવ ફૅક્ટર છે. ઇટલીમાં ઉદ્દામવાદી પરિબળોનો ઉદય, જર્મનીમાં અન્ગેલા ર્મેકલનો રાજકીય અસ્તાચલ જોતાં આવતા વરસે યુરોપિયન પાર્લમેન્ટની ચૂંટણીમાં નવાજૂની થશે. યુરોપનું ફેડરલાઇઝેશન કરવાના બ્રસેલ્સના હિડન એજન્ડામાં બ્રેક્ઝિટે પહેલો જનોઈવઢ ઘા માર્યા પછી હવે ઇટલી અને ગ્રીસ જેવા દેશોને જર્મનીની કડક રાજકોષીય નીતિનો હિસાબ કરવાનું યાદ આવ્યું છે. જર્મનીએ રેફ્યુજીઝ માટે સરહદો ખુલ્લી મૂકી દીધી અને યુરોપમાં જે રીતે સામાજિક સમરસતા જોખમાઈ એનાથી હવે આખું યુરોપ અન્ગેલા પર નારાજ છે.

ડૉલર ઇન્ડેક્સમાં ૮૮.૭૦ આસપાસ બૉટમ બન્યા પછી હવે ૯૪.૮૦ આસપાસ આવ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ૯૮.૮૦-૯૯ આવી શકે છે. એ પછી આગળનો વ્યુ ખબર પડશે. હાલ પૂરતું તો ક્રૂડ ઑઇલની તેજી અને ડૉલરની તેજી ભારત સહિત ઇમર્જિંગ બજારો માટે મોટો પડકાર બની ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK