જીરુંમાં આગઝરતી તેજી : નવા ઊંચા ભાવની બુલંદ આશા

ટર્કી-સિરિયાનાં જીરુંમાં બગાડ અને ઓછા પાકથી વર્લ્ડ માર્કેટમાં ભારતીય જીરુંની મોનોપૉલી : જીરું વાયદામાં માત્ર પાંચ જ દિવસમાં સાડાનવ ટકાનો તોતિંગ ઉછાળો

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા

મસાલાનો રાજા ગણાતું જીરું હાલમાં કૉમોડિટી માર્કેટમાં ભારે ચર્ચામાં છે. જીરુંમાં છેલ્લા સપ્તાહમાં આગઝરતી તેજી જોવા મળી હતી. વર્લ્ડમાં સૌથી મોટા પ્રોડ્યુસર્સ અને એક્સપોર્ટર્સ તરીકે ભારતની મોનોપૉલી વર્ષોથી પ્રસ્થાપિત છે. ભારતમાં મુખ્યત્વે જીરુંની ખેતી ગુજરાત અને રાજસ્થાનમાં જ થાય છે. દરેક ખાદ્ય સામગ્રીને સ્વાદપ્રિય બનાવવા માટે જીરું મસાલામાં શિરમોર છે અને જીરું અનેક પ્રકારના ઔષધીય ગુણધર્મ પણ ધરાવતું હોવાથી એની ડિમાન્ડ દરેક દેશમાં જોવા મળી છે. ગલ્ફ દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં જીરુંનું ઉત્પાદન નહીંવત હોવાથી ઈદ, રમજાન જેવા તહેવારોમાં ભારતીય જીરુંની વિશેષ ડિમાન્ડ રહે છે. ચીનમાં જીરુંનું ઉત્પાદન થાય છે, પણ એની જરૂરિયાત કરતાં પણ ઓછું થતું હોવાથી ચીન પણ ભારતમાંથી જીરુંની મોટા પ્રમાણમાં ઇમ્ર્પોટ કરે છે. જીરુંના ભાવ સામાન્ય રીતે માર્કેટમાં કિલોદીઠ ૧૦૦થી ૧૫૦ રૂપિયા સુધી બોલાય છે. ફેબ્રુઆરી-માર્ચમાં ખેતરોમાં પાકતું જીરું અને ધાણાનું મિશ્રણ કરી ગુજરાતી ગૃહિણીઓ આખા વર્ષનું ધાણા-જીરું પિસાવીને ગુજરાતમાં ભરી રાખે છે. મુંબઈમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આખા વર્ષનું ધાણા-જીરું ભરવાનો ટ્રેન્ડ ઓછો છે. સમગ્ર ભારતમાં ઊંઝા જીરુંની સૌથી મોટી માર્કેટ છે. ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો ઊંઝામાં જીરું વેચી જાય છે.

જીરુંનાં માર્કેટ ફન્ડામેન્ટલ્સ

જીરુંની ખેતી સામાન્ય રીતે થોડી અઘરી અને જોખમી ગણાય છે. જીરુંના ઊભા પાક પર ઝાકળ કે વરસાદ પડે તો આખો પાક બગડી જવાના બનાવ બન્યા હોવાથી ખેડૂતો જોખમ ખેડીને જીરુંની ખેતી કરતા આવ્યા છે. ચાલુ વર્ષે ભારતમાં જીરુંનું ઉત્પાદન ૬૫થી ૬૮ લાખ ગૂણી (એક ગૂણી = ૫૫ કિલો) થયું હોવાનો અંદાજ છે. જૂની સીઝનનું બેથી ત્રણ લાખ ગૂણી જીરું ગણતાં કુલ પુરવઠો ૭૦થી ૭૧ લાખ ગૂણી (૩.૮૫થી ૩.૯૦ લાખ ટન) સપ્લાય ચાલુ વર્ષે માર્કેટમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીથી જીરુંની નવી સીઝન ગણવામાં આવે છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં જીરુંની ૬૭,૦૦૦ ટનની એક્સપોર્ટ ઑલરેડી થઈ ચૂકી છે. એક્સપોર્ટરો અને ટ્રેડના અંદાજ મુજબ મે-જૂનમાં ૪૦,૦૦૦ ટન જીરુંની એક્સપોર્ટ થઈ હોવાનો અંદાજ છે. આમ કરન્ટ સીઝનના પાંચ મહિનામાં જૂન સુધીમાં ૧.૧૫ લાખ ટન જીરુંની એક્સપોર્ટ થઈ ચૂકી હોવાનો અંદાજ છે. ચાલુ સીઝનના હજી સાત મહિના કાઢવાના બાકી છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતમાંથી ૧.૪૩ લાખ ટન જીરુંની એક્સપોર્ટ થઈ હતી. ચાલુ વર્ષે ટર્કી અને સિરિયાની સ્થિતિ જોતાં ગયા વર્ષ કરતાં ઘણી જ વધુ એક્સપોર્ટ થવાની ધારણા છે.

જીરુંની લોકલ માર્કેટમાં સીઝનના આરંભે જૂનો સ્ટૉક અગાઉનાં તમામ વર્ષો કરતાં ઑલટાઇમ લો હતો અને સમગ્ર દેશની પાઇપલાઇન ખાલી હોવાથી સીઝનના આરંભે જ જીરુંની ખપત સારી હતી જેને કારણે ખેડૂતોને સીઝનના આરંભે જીરુંના બહુ જ સારા ભાવ મળ્યા હોવાથી ખેડૂતોએ પકવેલું જીરું આરંભે જ મોટા પ્રમાણમાં વેચાઈ ચૂક્યું હતું. ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સના અંદાજ પ્રમાણે ૧૫ જૂન સુધીમાં દેશની માર્કેટમાં ૪૫ લાખ ગૂણી જીરુંની આવક થઈ ચૂકી છે. ફેડરેશન ઑફ સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ રોજની દરેક સેન્ટરના જીરુંની આવકનો સર્વે કરી રહ્યું છે. ચાલુ વર્ષે સીઝનના આરંભે ૭૦થી ૭૧ લાખ ગૂણી જીરુંમાંથી ૧૫ જૂન સુધીમાં ૪૫ લાખ ગૂણી જીરું માર્કેટમાં આવી ચૂક્યું હોવાથી હવે સીઝનના સાડાસાત મહિનામાં દેશ પાસે ૨૬ લાખ ગૂણીનો જ સ્ટૉક બાકી રહે છે. સામાન્ય રીતે લોકલ અને એક્સપોર્ટ માટે દર મહિને સાડાત્રણથી ચાર લાખ ગૂણી જીરુંની જરૂર રહેતી હોય છે. આમ જીરું માટે હવે પછીના મહિના સ્ટૉકની કટોકટીના છે. આવી કટોકટીભરી સ્થિતિમાં જો આગળ જતાં અગાઉનાં વર્ષોની સરખામણીમાં જો એક્સપોર્ટ વધશે તો અછત જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

જીરું વાયદામાં મૂવમેન્ટ

જીરુંની એક્સપોર્ટમાં વધારો અને સ્ટૉકની ટાઇટ પોઝિશનના પડઘા જીરું વાયદામાં છેલ્લા સપ્તાહમાં જોવા મળ્યા હતા. જીરું વાયદો ગયા સપ્તાહે સોમવારથી શુક્રવાર માત્ર પાંચ દિવસમાં ૧૬૦૫ રૂપિયા સુધર્યો હતો. શુક્રવારે નિયર મન્થ જુલાઈ વાયદો ૧૮,૫૨૦ રૂપિયા બંધ રહ્યો હતો એ બરાબર એક સપ્તાહ અગાઉ ૧૬,૯૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. જીરું નિયર મન્થ વાયદો એક મહિના અગાઉ ૧૬,૩૫૫ રૂપિયા, બે મહિના અગાઉ ૧૫,૬૨૫ રૂપિયા અને ત્રણ મહિના અગાઉ ૧૪,૫૨૦ રૂપિયા હતો. છેલ્લા ત્રણ મહિનાથી જીરું વાયદો એકધારી ધીમી ગતિએ વધી રહ્યો હતો જે છેલ્લા એક સપ્તાહમાં સ્પ્રિંગ જેમ ઊછળ્યો હતો. નવાઈની વાત એ છે કે (૧) ગયા વર્ષે પણ સ્ટૉક અને એક્સપોર્ટની સ્થિતિ સંગીન હતી, પણ આ વર્ષ જેવી ટાઇટ સ્ટૉક-પોઝિશન નહોતી છતાં જીરું વાયદો બરાબર એક વર્ષ અગાઉ ૧૯,૦૧૫ રૂપિયા હતો અને (૨) અત્યારે ગુજરાત અને રાજસ્થાનની મંડીઓમાં જીરુંના જે ભાવ બોલાય છે એના કરતાં પ્રતિ કિલો જીરું વાયદો પાંચ રૂપિયા નીચે ચાલી રહ્યો છે. આ બન્ને સ્થિતિ બતાવે છે કે હજી પણ જીરું વાયદો હાલના ભાવથી ઘણો ઊંચો જવાની શક્યતા છે.

જીરુંના ટ્રેડ અગ્રણીઓનાં મંતવ્યો

ભારતીય જીરુંની એક્સપોર્ટના મુખ્ય પ્રતિસ્પર્ધી સિરિયામાં આ વર્ષે ૧૫થી ૧૮ હજાર ટન જીરુંનું ઉત્પાદન થયું છે અને એમાંથી ૮૦ ટકાથી વધુ જથ્થો રેઇન-ડૅમેજ હોવાથી વર્લ્ડમાં હાલમાં સિરિયાના જીરુંની બહુ જ જૂજ ડિમાન્ડ છે. સિરિયાનું જીરું વર્લ્ડ માર્કેટમાં ૨૯૦૦ ડૉલર પ્રતિ ટન ઑફર થઈ રહ્યું છે, પણ કોઈ ઑર્ડર મળતા નથી કારણ કે બધાને ડર છે કે સૅમ્પલ સારું આવશે પણ જ્યારે જથ્થો મગાવીશું ત્યારે રેઇન-ડૅમેજ જીરું મળવાની શક્યતા હોવાથી હાલમાં સિરિયાનું જીરું વર્લ્ડમાં ક્યાંય ખપતું નથી. ટર્કીમાં ૧૦થી ૧ર હજાર ટન જીરુંના ઉત્પાદનનો અંદાજ છે જે જુલાઈમાં માર્કેટમાં આવશે, પણ ટર્કીમાં જીરુંનો મોટા ભાગના જથ્થો રેઇન-ડૅમેજ હોવાની માહિતી મળી રહી છે. આ સંજોગોમાં વર્લ્ડ માર્કેટમાં ભારતીય જીરુંની ડિમાન્ડ અત્યાર સુધી ઘણી જ સારી છે. જીરું વાયદો ઑગસ્ટના અંત સુધીમાં ૧૯,૫૦૦ રૂપિયાની સપાટી પાર કરી જશે. હાલમાં કદાચ વાયદામાં ૨૦૦થી ૪૦૦ રૂપિયાનું ટેમ્પરરી કરેક્શન આવી શકે છે, પણ મોટી મંદીની શક્યતા નથી.

- યોગેશ મહેતા, એક્સપોર્ટર અને કો-ચૅરમૅન ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર્સ, વાશી

જીરુંની એક્સપોર્ટ અત્યાર સુધીમાં થઈ અને લોકલ માર્કેટમાં જથ્થો વપરાયો એ જોતાં જીરુંમાં હાલમાં રોજેરોજ ભાવ વધી રહ્યા છે. જોકે આ ભાવે એક્સપોર્ટની ડિમાન્ડ અટકી શકે છે, કારણ કે છેલ્લા આઠ-દસ દિવસથી જીરુંમાં એકધારા ભાવ વધી રહ્યા હોવાથી એક્સપોર્ટર્સ કે બાયર ખરીદી કરી શકતા નથી. જીરુંની બજાર સ્થિર થશે તો જ નવી ડિમાન્ડ નીકળશે. ઓવરઑલ જીરુંનું ઉત્પાદન, એક્સપોર્ટ અને સ્ટૉકની પોઝિશન જોતાં જીરુંમાં નવા ઊંચા ભાવ જોવા મળે એવું દેખાય છે. ફેબ્રુઆરીથી મે દરમ્યાન ૯૩ હજાર ટન જીરુંની એક્સપોર્ટ અને જૂનમાં ૨૦ હજાર ટન એક્સપોર્ટનો અંદાજ જોતાં રેકૉર્ડબ્રેક એક્સપોર્ટનું ચિત્ર દેખાય છે. હજી સપ્ટેમ્બરમાં બકરીઈદની મુસ્લિમ દેશોની મોટી ડિમાન્ડ બાકી છે. ટર્કી અને સિરિયામાં જીરુંનો મોટો જથ્થો રેઇન-ડૅમેજ હોવાથી ભારતીય જીરુંની એક્સપોર્ટ ડિમાન્ડ સતત વધતી રહેશે.

- પંકજ ઠક્કર, એક્સપોર્ટર, વી. પી. ઍન્ડ સન્સ, મુંબઈ-રાજકોટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK