ફ્યુચર પર્ફેક્ટ, પ્રેઝન ટેન્સ જેવું આ પગલું અર્થતંત્ર માટે પૉઝિટિવ પુરવાર થયું છે

GSTના અમલના એક વર્ષની ભીતરમાં

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના અમલ સાથે દેશનું વન નેશન વન ટૅક્સનું લાંબા સમયનું સ્વપ્ન સાકાર થયું છે. ૨૦૧૭ની ૧ જુલાઈએ એનો દેશવ્યાપી અમલ શરૂ થયો એટલે GSTના અમલનું પહેલું વર્ષ પૂરું થયું. સ્વાભાવિક રીતે જ એક વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે એનાં લેખાંજોખાં થાય જ.

GST એ સ્વતંત્ર ભારતનો પરોક્ષ કરવેરાનો જ નહીં, કોઈ પણ ક્ષેત્રનો સૌથી મોટો આર્થિક સુધારો છે જેના અમલથી કરવેરાના ક્ષેત્રનો ઇતિહાસ બદલાયો છે એની કોઈ ના કહી શકે એમ નથી. એક વર્ષ પછી એમ કહી શકાય કે એના અમલમાં અનેક મુશ્કેલીઓ આવી. સરકારે એના અમલમાં આવતા અંતરાયો દૂર કરવા માટે એક માળખું GST કાઉન્સિલના રૂપમાં ઊભું કર્યું છે. આ કાઉન્સિલે સમયે-સમયે જે-તે મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયાસો પણ કર્યા જ. એટલે એક વર્ષ પછી GSTએ ભલે એક આદર્શ ટૅક્સનું સ્વરૂપ ધારણ ન કર્યું હોય, પણ એ દરમ્યાન થયેલ અનેક રિફાઇનમેન્ટ પછી GST સામેનો વિરોધ ઓછો થતો જાય છે. એ સંદર્ભમાં એને ફ્યુચર પર્ફેક્ટ, પ્રેઝન ટેન્સ જેવું વિશેષણ આપી શકાય. Work in progressનો એ ઉત્તમ નમૂનો છે.

સંખ્યાબંધ આડકતરા વેરા આ એક ટૅક્સમાં સમાવાઈ લેવાયા છે એટલે એના અમલથી આ વેરો ભરનારને આજે નહીં તો કાલે સરળતા તો થવાની જ. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે એના અમલથી ટૅક્સ-બેઝ વિશાળ થયો છે. છેલ્લા એક વર્ષમાં GST હેઠળ ૫૦ લાખ જેટલાં નવાં રજિસ્ટ્રેશન થયાં છે. એ કરવેરાના વિસ્તરતા બેઝનો પુરાવો છે.

GSTનું માળખું જ એવું છે કે એ ટૅક્સ ભરતા હોય એવી કંપનીઓ / પાર્ટીઓ સાથે વેપાર કરવો હોય તો તેણે એના માળખામાં જોડાવું જ પડે. એમાં વધેલા રજિસ્ટ્રેશનને કારણે કરચોરી ઓછી થવાની. એટલું જ નહીં, GSTના રજિસ્ટ્રેશનને કારણે સરકાર પાસે જે ડેટા ઉપલબ્ધ થાય એના ઉપયોગથી આવકવેરા જેવા સીધા વેરાની નેટ પણ વિસ્તૃત થાય અને આવકવેરામાંથી થતી આવક (રેવન્યુ) પણ વધે જ.

ભારતમાં અસંગઠિત ક્ષેત્રનો દેશના GDPમાં મોટો હિસ્સો છે. આ ક્ષેત્ર કરવેરાની નેટમાં ન હોવાથી કરચોરી દ્વારા કાળું નાણું તો પેદા થાય જ છે; પણ દેશના GDPના આંકડામાં, આર્થિક વિકાસના દરના આંકડામાં એનું પ્રતિબિંબ પડતું નથી. GSTના અમલને કારણે અસંગઠિત ક્ષેત્રનો વ્યાપ ઘટશે અને દેશના GDP અને આર્થિક વિકાસના સાચા અને વાસ્તવિક આંકડાઓ પ્રાપ્ત થશે.

પ્રાઇવેટ ક્ષેત્રનું મૂડીરોકાણ ન વધતું હોવાનાં કારણોમાં આર્થિક નીતિઓની અનિશ્ચિતતા, સંખ્યાબંધ વેરાઓ અને એ ભરવા માટેની અટપટી વિધિઓ, ઇન્સ્પેક્ટર-રાજ અને વેરાઓના અમલમાં સરકારી અમલદારોને અપાયેલા અમર્યાદિત ડિસ્ક્રિશનરી પાવર ગણાવી શકાય. અલબત્ત, વર્તમાન સમયમાં બૅન્કોની ખરડાયેલી અને ખખડી ગયેલી બૅલૅન્સશીટો પણ આ માટે જવાબદાર છે એ ખરું. સરકાર અને રિઝર્વ બૅન્ક દ્વારા નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)ને કારણે ઊભી થયેલી ગૂંચને ઉકેલવાના અને એ દ્વારા બૅન્કોની બૅલૅન્સશીટને મજબૂત કરવાના સઘન પ્રયાસ ચાલુ છે જ એટલે ધીમે-ધીમે પ્રાઇવેટ મૂડીરોકાણ આડેના એ અવરોધ દૂર થશે, પણ એ સિવાયનાં ઉપર દર્શાવેલાં અન્ય પરિબળોને કારણે વિશ્વ બૅન્કના ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસના આંકમાં ભારતનો નંબર છેલ્લાં બે વર્ષમાં સારોએવો સુધારો થયા પછી પણ ઘણો પાછળ છે.

સરકારનું નીતિ આયોગ કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચેની લિન્ક બનીને ભારતનો નંબર ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસના ઇન્ડેક્સમાં પ્રથમ ૫૦ દેશોમાં આવે એ માટે સક્રિય છે. વર્તમાન મોદી સરકારનું આ એક સ્વપ્ન છે જે પૂરું થાય તો મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને પણ વેગ મળે.

શરૂઆતની મુશ્કેલીઓ (GSTના દરની, ફૉર્મ ભરવાની અટપટી વિધિ, ફૉર્મ ભરવાની સંખ્યા) દૂર થશે તો એના થકી ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ વધશે. આ સાથે વિદેશી કે પ્રાઇવેટ મૂડીરોકાણ આડેનો એક મોટો અવરોધ દૂર થશે. મૂડીરોકાણનો વધારો આર્થિક વિકાસના દરવધારા માટેની જરૂરી શરત છે, પણ પર્યાપ્ત નહીં.

અગાઉની સરકારોને આ દેશવ્યાપી સુધારા માટે (બંધારણનો સુધારો સમાયેલો હોવાથી) વિરોધ પક્ષોનો, ખાસ કરીને રાજ્યસભામાં અને વિરોધ પક્ષની રાજ્ય સરકારોનો જરૂરી સહકાર ન મળવાથી ૧૫ વર્ષથી આ સુધારો કાગળ પર જ રહ્યો.

વર્તમાન સરકારે આ બધી મર્યાદાઓ ઓળંગીને, રાષ્ટ્રીય તથા પ્રાદેશિક વિરોધ પક્ષોને તથા વિરોધ પક્ષની રાજ્ય સરકારોને સાથે લઈને આવો ઐતિહાસિક બંધારણીય સુધારો, જરૂરી બહુમતીએ જ નહીં પણ સર્વાનુમતિએ પસાર કરાવ્યો એ આ સરકારનું ભારતના અર્થતંત્રના વિકાસની યાત્રામાં એક મોટું યોગદાન ગણાશે. કોઈ પણ ચેન્જ પીડાકારી હોય છે એટલે શરૂઆતમાં એનો વિરોધ થવો એ સ્વાભાવિક ઘટના છે. વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT - વૅટ)ના અમલની શરૂઆતમાં કે લગભગ બે દાયકા પહેલાં મોટા પાયે કમ્પ્યુટરનો ઉપયોગ વિસ્તૃત કરાયો ત્યારે થયેલા વિરોધ-પ્રદર્શનથી આપણે અજાણ નથી. છતાં આજે કમ્પ્યુટરના ઉપયોગ સિવાય આપણા આર્થિક કે અન્ય કોઈ ક્ષેત્રના વ્યવહારમાં આગળ વધવું મુશ્કેલ જ નહીં લગભગ અસંભવ ગણાય છે. એટલું જ નહીં, એની ગેરહાજરીમાં એ દિવસોમાં આપણો વ્યવહાર કેમ ચાલતો હશે એની કલ્પના માત્ર ધ્રુજાવી દે એવી છે.

સાફ અને સ્પષ્ટ નીતિ સાથે, બધાં લાગતાંવળગતાં હિતોને સાથે રાખીને ખુલ્લા મન સાથે પારદર્શક રીતે લેવાયેલા નિર્ણય શરૂઆતની પાયાની મુશ્કેલીઓ દૂર થતાં લાંબે ગાળે દેશના અને પ્રજાના હિતમાં જ હોવાનો એ બેશક છે.

GSTના અમલ બાબતે અગાઉની સરકારોએ ઘણું કામ કર્યું હતું, પણ એનો ફાયદો વર્તમાન સરકારને મળ્યો. મુત્સદ્દીગીરીની બાબતમાં, વિરોધ પક્ષોને સાથે લઈને કે આગળ કરીને, એના અમલનો યશ પણ. આ બાબતે વિરોધ પક્ષોને જૂટવા બાબતે આગલી સરકારો કરતાં એ વન-અપ સાબિત થઈ.

વર્તમાન સરકારે લીધેલો આવો જ મોટો એક બીજો નિર્ણય એ ડીમૉનેટાઇઝેશનનો (નોટબંધીનો). આજ સુધી સરકારનો આ નિર્ણય વિવાદાસ્પદ રહ્યો છે. કાળાં નાણાંના અંકુશ કે નાબૂદી માટે લેવાયેલા આ નિર્ણયે છ-બાર મહિના માટે અર્થતંત્રને અસ્તવ્યસ્ત પણ કર્યું અને એ પછી પણ એની પાછળના લાંબા ગાળાના હેતુ બર આવશે કે નહીં એ ચર્ચાની એરણે ચડેલો વિષય છે.

હકીકતમાં સરકાર પાસે ઉપખંડ જેવા મોટા દેશમાં GST દાખલ કરવા માટે વિશ્વના અન્ય એવડા મોટા દેશનો GSTનો અનુભવ ન હોવા છતાં GST દ્વારા વન નેશન વન ટૅક્સની કલ્પનાને સાકાર કરવાની જે રાજકીય હિંમત અને દૃઢ નિર્ણયશક્તિ એણે દાખવી એ સરાહનીય છે. સરકારના કટ્ટર વિરોધીઓ પણ એની ના નહીં કહી શકે.

સરકારે ડીમૉનેટાઇઝેશનનું થોડું ઉતાવળિયું પગલું ગણાયું હતું. ન ભર્યું હોત તો પણ GSTના યોગ્ય અને સખત અમલ દ્વારા ડીમૉનેટાઇઝેશન પાછળના હેતુઓ પણ વહેલા-મોડા પાર પડ્યા હોવાની વાતો ચાલે જ છે.

બદલાતા ગ્લોબલ ઇકૉનૉમિક ઑર્ડરના દિવસોમાં વિશ્વની અનેક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે GST જેટલા મોટા સ્કૅલના આર્થિક સુધારાઓ આપણા અર્થતંત્રને સ્થિર ગતિએ આગળ વધારી શકે અને ભારતને ઇકૉનૉમિક સુપર પાવર બનવામાં પણ એક પુશ આપી શકે એમ માનવું અસ્થાને નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK