વિશ્વમાં એક પછી એક સર્જા‍તી અનિશ્ચિતતાઓ

૨૦૦૮ની નાણાકીય અને આર્થિક કટોકટીનું પુનરાવર્તન તો નહીં થાયને?

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ઘણીબધી અનિશ્ચિતતાઓ વચ્ચે સ્ટૉકમાર્કેટ ઊંચાઈનાં નવાં શિખરો સર કરતું જાય છે. ગયે અઠવાડિયે સેન્સેક્સે ૩૭,૦૦૦ની સપાટી કુદાવી. આ અનિશ્ચિતતાઓમાં વલ્ર્ડ ટ્રેડ-વૉરનું તદ્દન અનિશ્ચિત જણાતા ભાવિનો, એ વૉર કરન્સી-વૉરમાં પરિણમવાની સંભાવનાનો, એની ચીન, ભારત અને EU દેશોના વિદેશવેપાર પર પડનારી અસરનો, ડોકલામમાં ફરી એક વાર શરૂ થયેલી ચીનની દખલગીરીનો, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓનાં પરિણામોથી થયેલા સત્તાપરિવર્તનની ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો પર થનારી અસરનો અને આ બધી ઘટનાઓની ભારતના અર્થતંત્ર પર થનારી અસરનો સમાવેશ કરી શકાય.

ધારણા કરતાં કંપનીઓનાં ફર્સ્ટ ક્વૉર્ટરનાં સારાં પરિણામોએ, નાણાંની સરળ ઉપલબ્ધિ અને ઘરેલુ રોકાણકારો દ્વારા થઈ રહેલા શૅરબજારના વણથંભ્યા રોકાણે પણ સેન્સેક્સના સારા દેખાવમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેન્સેક્સે ઊંચાં શિખરો સર કર્યાં હોવા છતાં બજારના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ચાલુ વરસે ઘટાડો થયો છે. સેન્સેક્સમાં ૨૦૧૮ની જુલાઈ ૨૩ સુધીમાં લગભગ નવ ટકા જેટલો વધારો થયો જ્યારે માર્કેટ કૅપિટલાઇઝેશનમાં એક ટકાનો ઘટાડો. પરિણામે ૨૦૧૮ની શરૂઆતમાં માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૫,૧૭૪ લાખ કરોડ રૂપિયા હતું એ ઘટીને ૧૫,૦૧૮ લાખ કરોડ રૂપિયા થયું.

આમ થવાનું મુખ્ય કારણ BSEના મિડ કૅપ ઇન્ડેક્સમાં ૧૧.૬ ટકાનો ઘટાડો થયો અને સ્મૉલ કેપ ઇન્ડેક્સમાં ૧૫.૨ ટકાનો ઘટાડો થયો એ છે. લાર્જ કૅપ કંપનીઓનો માર્કેટ કૅપિટલાઇઝેશનમાં મોટો ફાળો હોવા છતાં મિડ અને સ્મૉલ કૅપ સ્ટૉકમાં મોટો ઘટાડો થવાને કારણે બજારના કુલ માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ઘટાડો થયો. એટલે કે બજારનો સારો પર્ફોર્મન્સ ગણ્યાગાંઠયા કે સેન્સેક્સના ગણતરીના શૅરોને જ સ્પર્શે છે. રિકવરીનો બેઝ સાંકડો છે.

વિશ્વ વેપારયુદ્ધનું અને પરિણામે ઉદ્ભવતા જુદાં-જુદાં ચલણો વચ્ચેના યુદ્ધનું ભાવિ તદ્દન અનિશ્ચિત છે. ટ્રમ્પના ઉચ્ચ સલાહકારો અને મદદનીશો જિનપિંગના મદદનીશા÷ સાથે વાટાઘાટો દ્વારા ટૅરિફને લગતા જે નિર્ણયો પર આવ્યા એ બધા નિર્ણયો ટ્રમ્પે બે વાર ફેરવી તોળ્યા છે અને ચીનની આયાતો પર વધારાની ટૅરિફ નાખવામા મક્કમ રીતે ટ્રમ્પ આગળ વધ્યા છે.

ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ જંકર વચ્ચેની વાટાઘાટોને કારણે અમેરિકા અને EU દેશો વચ્ચેના વેપારયુદ્ધનો હાલનો વિરામ કેટલો ટકશેએે કહેવાય નહીં. ટૅરિફના નવા વધારા વિશે અને સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પરની ટ્રમ્પ દ્વારા વધારવામાં આïવેલી ટૅરિફ પડતી મૂકવા વિશે બન્ને પક્ષે સમજૂતી કરવામાં આïવી છે. ઑટોમોબાઇલની આયાત પર ટૅરિફ વધારવાની ધમકી પણ ટ્રમ્પે પાછી ખેંચી લીધી છે.

યુરોપિયન કમિશને પણ ટૅરિફ અને અન્ય નૉન-ટૅરિફને લગતા અવરોધો ઘટાડવાની અને અમેરિકાથી મોટા પાયે સોયબીન અને નૅચરલ ગૅસ ખરીદવાની વાત મંજૂર કરી છે. સોયબીનની મોટા પાયાની ખરીદીની EUની મંજૂરી ચીનનું માર્કેટ બંધ થવાને કારણે અમેરિકા માટે મોટી રાહત ગણાય. નૅચરલ ગેસની આયાતનું યુરોપિયન કમિશનનું વચન જો કે અમેરિકા દ્વારા ગૅસની નિકાસ માટે વધારાનાં ટર્મિનલ બંધાય એના પર આધારિત છે.

આ બધા ’જો’ અને ’પણ’ વચ્ચે અને અમેરિકાએ ચીન સાથે મળીને લીધેલા નિર્ણયોમાંથી પાછા હટી જવાને કારણે યુરોપિયન કમિશન અને ટ્રમ્પ વચ્ચેની આ સમજૂતી વાસ્તવિક યુદ્ધવિરામ કે સંધિ છે કે પછી આવનારા તોફાન અને વાવાઝોડા પહેલાંની શાંતિ છે એ કહેવું મુશ્કેલ છે.

ચીન સાથેના ભારતના વરસોના કડવા અનુભવ પછી જિનપિંગ પર વિશ્વાસ કરવો કે ટ્રમ્પ પર એ નિર્ણય ખૂબ અઘરો છે. કોની વિશ્વસનીયતા વધુ? એક બાજુ ચીને પાકિસ્તાનની નવી સરકાર સાથે વ્યૂહાત્મક બાબતોમાં ભાગીદારી આગળ વધારવાની વાત કરી છે તો બીજી તરફ જોહનિસબર્ગમાં મળેલા બ્રિક્સ દેશોની સમિટમાં વિશ્વ વેપાર સંગઠન હેઠળ ચાલતી બહુપક્ષી વેપારવ્યવસ્થાને વળગી રહેવા માટેની વાતને પણ સમર્થન આપ્યું છે.

હાલમાં શરૂ થયેલા વિશ્વ વેપારયુદ્ધને કારણે ૨૦૨૦ સુધીમાં વિશ્વને ૪૩૦ બિલ્યન ડૉલરનું નુકસાન થવાનો ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)નો અંદાજ છે. એમ છતાં ટ્રમ્પ જો માત્ર અમેરિકાના જ લાંબા ગાળાના હિતની વિરુદ્ધના નિર્ણયોમાં તેના વહીવટી તંત્રને ઘકેલે તો બહુપક્ષી વેપારવ્યવસ્થાને બચાવવાનો કોઈ ખાસ વિકલ્પ વિશ્વ પાસે બચતો નથી.

હાલનું વેપારયુદ્ધ ચીનને અને અમેરિકાને સૌથી વધુ નુકસાન કરી શકે. ચીનના વરિષ્ઠ સરકારી અમલદારો એવી દહેશત વ્યક્ત કરતા હોવાના અહેવાલો છે કે ટ્રમ્પની જીદ અને જક્કી વલણને લીધે તાત્કાલિક કોઈ વચલો માર્ગ કાઢવામાં નહીં આવે તો ચીનની ઘણી મોટી કંપનીઓ નાદારી નોંધાવશે.

ચાલી રહેલી ટ્રેડ-વૉર કરન્સી-વૉરમાં પરિણમશે કે કેમ એનો આધાર કયા દેશને એની નિકાસ બાબતે કેટલો ફટકો પડે છે એના પર છે. કરન્સી-વૉર એટલે સ્પર્ધાત્મક અવમૂલ્યન. આ એવો તબક્કો છે જેમાં વિશ્વના ઘણા દેશો પોતાની નિકાસોની હરીફશક્તિ વધારવા માટે પોતાના સ્થાનિક ચલણનું અવમૂલ્યન કરે છે. નિકાસો વધે તો આર્થિક વિકાસનો દર પણ વધે જ. સાથે-સાથે આયાતો મોંઘી થવાને કારણે લોકો આયાતી ચીજવસ્તુઓ વાપરવાનું બંધ કરીને સ્થાનિક ઉત્પાદનો ભણી વળે જેને કારણે પણ આર્થિક વિકાસને વેગ મળે. જેનાથી રોજગારી વધે અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) ઘટે. ચલણનું અવમૂલ્યન જે સામાન્ય સંજોગોમાં એક સ્વાભાવિક ઘટના છે અને સ્વીકાર્ય છે, પણ આજના વેપારયુદ્ધના સમયમાં કોઈ પણ દેશ જાણીબૂઝીને પોતાના ચલણનું અવમૂલ્યન કરે એની વિશ્વના અર્થતંત્ર પર ખાસ અસર પડે છે.

વિશ્વમાં પ્રવર્તતી આટલી બધી આર્થિક અને રાજકીય ક્ષેત્રની અનિશ્ચિતતાઓ વચ્ચે અને ભૌગોલિક-રાજનીતિ વિષયક જોખમો વચ્ચે પીઢ અને વિશ્વવિખ્યાત મૂડીરોકાણકાર જિમ રૉજર્સે એક ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેમના મતે વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં, વધુપડતું ફાજલ નાણું છે જે બજારમાં ઠલવાય છે અને બજારો વધ્યે જાય છે એ ચિંતાજનક છે. જ્યારે અન્ય દેશો હાલની અનિશ્ચિતતાઓનો ભોગ બનશે ત્યારે અન્ય દેશોના અર્થતત્ર સાથે આંતરિક રીતે જોડાયેલું ભારત એમાંથી બાકાત નહીં રહી શકે.

વિશ્વ વેપારયુદ્ધની પરિસ્થિતિ તત્કાલ પૂરતી કદાચ સુધરે તો પણ ટ્રમ્પ જો વધુ આક્રમક બને અને વેપારયુદ્ધ આગળ વધે તો વિશ્વનું અર્થતંત્ર ૨૦૦૮માં અનુભવેલી આર્થિક અને નાણાકીય કટોકટીથી પણ ખરાબ સ્થિતિમાં મુકાઈ શકે. ૨૦૦૮માં વિશ્વની દેવાંની પરિસ્થિતિ હતી એ કરતાં આજે આ બાબતે પરિસ્થિતિ વધુ ખરાબ છે. ૨૦૦૭માં આઇસલૅન્ડ જેવા નાના દેશે નાદારી નોંધાવી એની નોંધ ન લેવાઈ, પણ ૨૦૦૮માં જેવું લીમન બ્રધર્સ દેવાળિયું બન્યું કે તરત એના પ્રત્યાઘાતરૂપે સમગ્ર વિશ્વએ નાણાકીય અને આર્થિક મુશ્કેલીનો અનુભવ કર્યો. ભારતની ઘણી બૅન્કો તકલીફમાં છે. ચીનમાં પણ ઘણી કંપનીઓ નાદારીને આરે છે. આ બધાની સામૂહિક અસરરૂપે વિશ્વનું અર્થતંત્ર એની ઝપટમાં ક્યારે આવી જાય એ કહેવાય નહીં, પણ રૉજર્સના મતે આવું બહુ નજીકના ભવિષ્યમાં પણ બની શકે.

એક પછી એક સર્જા‍તી જતી અનિશ્ચિતતાઓ જ નિશ્ચિત હોય એવા વિશ્વમાં પોતાનું સ્થાન જમાવી રાખવા કે આગળ વધારવા માટે ભારતે આર્થિક સુધારાઓ અને સંસ્થાકીય માળખાઓની મજબૂતી પર ભાર મૂક્વો રહ્યો. દેશ આંતરિક અને આર્થિક રીતે જેટલો મજબૂત બને એટલી એની બાહ્ય શત્રુઓ, પ્રતિસ્પર્ધીઓ સામેની પ્રતિકારશક્તિ વધે.

GST જેવા કરવેરાના સૌથી મોટા ઐતિહાસિક સુધારાના એક વર્ષના અમલની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને GST કાઉન્સિલ GSTના દરના માળખા બાબતે તેમ જ વેરો ભરવાની પ્રક્રિયાની સરળતા બાબતે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે સમયાંતરે એને આદર્શ GSTની નજીકનું સ્વરૂપ આપી શકે. ભાવવધારા પર અને કંપનીઓના નફા પર તો એની સવળી અસર થાય જ પણ સરકારને એનો રાજકીય લાભ પણ મળે એમાં બેમત ન હોઈ શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK